
હિતેશ રાઠોડ
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ દેશના લોકો માટે ભલે આર્થિક સંકટ લઈને આવ્યું હોય પણ ભારત સરકાર માટે આ યુદ્ધ આશીર્વાદ સમાન પુરવાર થતું હોય એમ લાગે છે. જે સરકારને ભાવ વધારતા ડર લાગતો હતો એ સરકાર હવે યુદ્ધથી ગ્રસિત અને યુદ્ધ સાથે જેને કંઈ લેવાદેવા નથી એવી ચીજવસ્તુઓના ભાવો પણ હવે યુદ્ધનું ઓઠું લઈને વધારી રહી છે. સરકારની ઘણીબધી વહીવટી નબળાઈઓ કે અણઆવડત છતી થઈ જવાનો સરકારને ડર લાગતો હતો એ બધી નબળાઈઓ અને અણઆવડત હવે આ યુદ્ધના બહાના હેઠળ ઢાંકવા કે છુપાવી દેવા સરકાર જાતજાતના પ્રયત્નો કરશે. પોતાની દરેક નિષ્ફળતા માટે સરકાર પાસે યુદ્ધનું બહાનું હવે હાથવગું થઈ ગયું છે અને યુદ્ધના આ બહાનાનો ઉપયોગ સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા જરૂરિયાત અનુસાર મન પડે ત્યારે કર્યા કરશે અને લોકો પણ એ વાતને હોંશે હોંશે માની જશે એમાં શંકાને સ્થાન નથી.
“વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા” અંદરથી કેટલી પોલી, ખોખલી અને હાલકડોલક છે એનું જીવતું જાગતું ઉદાહરણ અત્યારે દેશમાં જોવા મળી રહ્યું છે. જૂઠી વાહવાહી, નકરી આત્મશ્લાઘા, નર્યો દેખાડો, નર્યો આડંબર, રૂપકડાં નામો અને લોભામણા વચનો, મન મોહી લેતા નામો વાળી યોજનાઓ, અનુત્પાદક કાર્યોમાં તોતીંગ ખર્ચા, છાશવારે વિદેશ પ્રવાસો, દેશના અર્થતંત્રને પેઢીની જેમ ચલાવવું, અર્થતંત્રના પ્રાણ સમાજ રોજગારની તકો ઊભી કરવામાં સરિયામ નિષ્ફળતા અને પાયાની સમસ્યાઓ પ્રત્યે સંપૂર્ણ દુર્લક્ષ આ બધાએ દેશની અર્થવ્યવસ્થા અને કહેવાતા સુ-શાસનની કેવી ઘોર ખોદી છે એ હવે ધીરે ધીરે ઉજાગર થતું જાય છે. પણ ધર્મ, જાતિ, વંશ, પ્રદેશ અને પ્રાંતવાદ, ભાષા, પ્રથા અને પરંપરાનાં ચશ્માંથી દરેક વસ્તુને જોવા અને મૂલવવા ટેવાયેલા લોકોને કદાચ આ ઉજાગર હકીકત પણ નરી આંખે દેખાશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. લોકો એને જોવા પ્રયત્ન પણ નહિ કરે અને જે લોકો પ્રયત્ન કરશે એને વળી કંઈક નવું બિરૂદ આપી નવા નામથી નવાજવાનો પ્રયાસ કરવામાં આવશે. વળી સરકારની નબળાઈઓ, નાકામીઓ, નિષ્ફળતા અને અણઆવડત પર લોકોનું ધ્યાન ન જાય એ માટે અન્યત્ર ધ્યાન ભટકાવવા સરકાર એક પછી એક ગતકડાં કાઢ્યા જ કરશે અને પાયાની સમસ્યાથી તદ્દન વિપરીત સાવ ફાલતું અને વાહિયાત બાબતો પર લોકોનું ધ્યાન ભટકાવી પોતાનો અને દેશનો સમય વેડફ્યા કરશે. જે દેશો ખુદ પોતે યુદ્ધમાં જોતરાયા હતા એ દેશોને જેટલી અસર નથી થઈ એનાથી અનેકગણી અસરો ભારત સરકારને થવા જઈ રહી છે એવો એક માહોલ ઊભો કરી આ વાત યેનકેન પ્રકારે લોકોના ગળે ઉતરાવવા સરકાર હવે નિતનવા પેંતરા અજમાવી રહી છે અને આગળ છેક ચૂંટણીનો સમય નજીક આવશે ત્યાં સુધી અજમાવતી રહેશે.
લોકોને કરકસર કરવાની, પૈસા બચાવવાની, પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવાની, ઓછું તેલ ખાવાની, સૂફિયાણી સલાહો આપતા ફરતા નેતાઓ હરામ બરાબર આમાંથી એક પણ સલાહનો પોતે જાતે અમલ કરે! “વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા” ફક્ત અઢીથી ત્રણ માસના સમયગાળાની અંદર જ શું ખરેખર એટલી બધી કંગાળ અને ચિંથરેહાલ થઈ ગઈ છે કે લોકો માટે આજે પેટ્રોલ-ડીઝલ અને તેલનો વપરાશ ઓછો કરવાની નોબત આવી ગઈ!!! શાસકોની નબળાઈઓ, નાકામીઓ, નિષ્ફળતા અને અણઆવડતનો ભોગ બિચારી શાણી પ્રજા બની રહી છે. જાગો ભારતીયો જાગો.
સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com
![]()

