Opinion Magazine
Number of visits: 9779532
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

– એમને આંસુ આવતાં નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 April 2026

રવીન્દ્ર પારેખ

47 વર્ષ પછી ઈરાન અને અમેરિકાની આમને સામને વાત પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચાલી રહી હતી ને ઇઝરાયલના નેતન્યાહૂએ એ જ જૂનો રાગ આલાપ્યો કે લેબેનોન પર હુમલાઓ ચાલુ રહેશે. લેબેનોનમાં ઇઝરાયલી હુમલાથી 2020થી વધુ મોત થયાં છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તેમની સરકાર ઈરાનના આતંકી નેટવર્ક અને તેના પ્રોક્સી જૂથો વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખશે. એ સાથે જ નેતન્યાહૂ એમ પણ કહે છે કે તેમનો દેશ લેબેનોન સાથે કાયમી શાંતિ સમજૂતી ઇચ્છે છે. તેને માટે તેમણે બે શરતો મૂકી છે, પહેલી, હિઝ્બુલ્લાહના હથિયારો ખતમ કરવામાં આવે અને બીજી, એવી સમજૂતી થાય જે લાંબા સમય સુધી શાંતિ જાળવી રાખે.

એક તરફ અમેરિકા અને ઈરાનની મંત્રણાઓ ચાલુ હતી, ત્યાં ઈરાને લેબેનોન પર ઇઝરાયલી હુમલાઓ તાત્કાલિક અટકાવવાની માંગ કરી ને નેતન્યાહૂ એ હુમલાઓ ચાલુ રાખવાની અને શાંતિ સમજૂતીની વાત સાથે સાથે કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આ લખાય છે ત્યાં સુધી સંપૂર્ણ સમાધાનનો માર્ગ નીકળ્યો નથી. હકીકત એ છે કે હોર્મુઝ સ્ટ્રેટનો મુદ્દો કેન્દ્રમાં છે ને એ મુદ્દે મતભેદો ચાલુ જ છે. એને લીધે સમાધાન અને સંમતિ તરફ આગળ વધવાનું મુશ્કેલ બન્યું છે. ચાલુ મંત્રણાએ આ સ્થિતિ હતી, તો મંત્રણા, યંત્રણા ન બની રહે એ ચિંતા હતી.

પહેલાં રાઉન્ડની મંત્રણા શનિવારની રાત્રે પૂરી થઈ ત્યાં સુધી સમાધાન થયાનું લાગતું ન હતું, નિષ્ણાતોનું માનવું હતું કે રાતના 9.30 પછી ચાલેલાં બીજા રાઉન્ડમાં સુખદ ઉકેલ આવશે. અમેરિકી પ્રમુખ તેમના વિવાદાસ્પદ વિધાનોથી મુશ્કેલીઓ વધારી રહ્યા છે ને તેમણે તો જાહેર કરી દીધું છે કે ટૂંક સમયમાં હોર્મુઝ ખોલવામાં આવશે. હોર્મુઝ ખોલવાનું પાકું જ હોય તો સવાલ એ થાય કે મંત્રણા શેની ચાલતી હતી?

ઈરાન અને અમેરિકા વચ્ચે, પાકિસ્તાનની મધ્યસ્થીમાં બે રાઉન્ડમાં આશરે 21 કલાક સીઝફાયર મંત્રણા ચાલી, પણ તે નિષ્ફળ રહી. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પ્રેસ કોન્ફરેન્સમાં જાહેર કર્યું કે અમેરિકા કોઈ પણ ડીલ વગર જ પરત ફરી રહ્યું છે. અમેરિકાની શરતો સ્પષ્ટ હતી, પરંતુ ઈરાને તેનો સ્વીકાર કર્યો નહીં. અમેરિકાએ કહ્યું કે ઈરાનને બેસ્ટ ઓફર આપી, પણ ઈરાને તે માની નહીં. એવું જ અમેરિકા માટે ઈરાન પણ કહી શકેને ! ઈરાને એ તો કહ્યુ જ કે કોઈને પણ એવી અપેક્ષા ન હતી કે અમેરિકા સાથે એક જ બેઠકમાં સમજૂતી થઈ જશે. તેની વાતચીત ચાલુ રહેશે એવી ધારણા હતી. જો કે, લોકોને એવું લાગ્યું કે તેઓ ફરી યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યા છે. ઈરાની અધિકારીઓને લાગ્યું કે હવે દડો અમેરિકાના કોર્ટમાં છે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે અમેરિકાનું નેતૃત્વ કર્યું, જ્યારે સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે ઈરાનનું નેતૃત્વ કર્યું. એક તબક્કે ઈરાનનું માનવું હતું કે મંત્રણા નિષ્ફળ જાય તો તેને માટે માત્ર ઇઝરાયલને જવાબદાર ઠેરવી શકાય નહીં, કારણ ઇઝરાયલ અને અમેરિકા એકબીજા સાથે જોડાયેલાં છે, તો વાટાઘાટો નિષ્ફળ જાય તો તેને માટે અમેરિકા પણ જવાબદાર હશે. આવા ઘણા આરોપો, પ્રતિ આરોપો ચાલ્યા જ કરશે અને મંત્રણાને નામે અનેક રાજકીય હેતુઓ પાર પડશે. ઈરાને શાંતિ મંત્રણામાં ભાગ તો લીધો, પણ તેને અમેરિકા પર પહેલેથી જ ભરોસો ન હતો. એ સ્થિતિમાં મંત્રણા સફળ થવાની શક્યતાઓ નહિવત હતી. અમેરિકાએ અગાઉ એવું કર્યું છે, એટલે ઈરાનનો અવિશ્વાસ દૃઢ થઈ ગયો છે. સાચું તો એ છે કે ઇસ્લામાબાદમાં ચાલતી મંત્રણા રાજકીય હોવાની સાથોસાથ ભાવનાત્મક અને યુદ્ધનાં ઘા ઉઘાડનારી બની રહેવી જોઈતી હતી, પણ કમનસીબે તેવું થયું નથી.

અહીં મહત્ત્વનું એ છે કે ઈરાને જે ફોટો તરતો મૂક્યો છે એ આંખો ઉઘાડનારો છે. ઈરાની ડેલિગેશન વિમાનમાં બાળકોનાં ફોટા સાથે પહોંચ્યું. ઈસ્લામાબાદમાં મંત્રણાનો આરંભ થાય તે પહેલાં ઈરાનના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફેએ સોશિયલ મીડિયા પર એક હૈયું હચમચાવતી તસ્વીર શેર કરી, જેણે વિશ્વ સમસ્તનું ધ્યાન ખેંચ્યું છે. તસ્વીરમાં ફ્લાઈટની અંદર 4 બાળકોનાં ફોટા સાથે સ્કૂલ બેગ, ચંપલ રાખવામાં આવી છે. એમાં ધ્યાન ખેંચે એવી વાત એ છે કે આ વસ્તુઓ લોહીથી ભીંજાયેલી હતી, જે તે સમયના હુમલાની ભયાનકતા દર્શાવે છે. દરેક ફોટા સામે એક એક ફૂલ પણ રાખવામાં આવ્યું છે જે, ચારે બાળકને શ્રદ્ધાંજલિ અર્પે છે.

આ પોસ્ટ સાથે ગાલિબાફે લખ્યું છે કે આ તેમના ‘પ્રવાસના સાથીઓ’ છે. મતલબ કે જે નથી રહ્યા તે ઈરાની પ્રવાસના સાથીઓ છે. આ શબ્દો પીડાનો અધ્યાય રચનારા છે ને તે તરફ વિશ્વનું ધ્યાન ન ખેંચાય એવું તો બને જ કેમ? આખું વિશ્વ ભાવુક થયું. ફોટોગ્રાફમાં ગાલિબાફ ફોટો નિહાળતા શાંતિથી અશબ્દ ઊભા છે. આ નિ:શબ્દતા વાચાળ અને પીડાના પર્યાય જેવી છે. આ ઘટના 28 ફેબ્રુઆરીના યુદ્ધના પહેલાં દિવસની છે, જ્યારે એક સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં બાળકોનાં મોત થયાં હતાં. આ ઘટનાના આંતરરાષ્ટ્રીય સ્તરે આક્રોશપૂર્ણ પડઘા પડ્યા હતા. ઈરાનમાં એક સાથે 160 દીકરીઓને દફનાવવાનું આવ્યું. એ પળોની કલ્પના જ યુદ્ધની ભયાનકતાને ઉજાગર કરી દેનારી છે. શું વીત્યું હશે એ પળોમાં ને શું વીત્યું હશે એ પળોને તેની કલ્પના જ કરવાની રહે છે.

યુદ્ધ માત્ર ભયાવહ છે, છતાં માણસને યુદ્ધ વગર ચાલ્યું નથી. કેટલાં યુદ્ધો થયાં આ પૃથ્વી પર, પણ યુદ્ધ અટકતાં નથી. એક કાળે લોકો જંગલી ગણાતા અને એ વખતે યુદ્ધ ક્ષમ્ય પણ હતાં, પણ હવે તો ચંદ્ર સુધી પહોંચ્યા ને જંગાલિયતપણું હવે સૂટેડબૂટેડ થઈને મિસાઈલ્સ અને બોમ્બવર્ષામાં પ્રગટ થઈ રહ્યું છે. 28 ઓક્ટોબરના યુદ્ધના પહેલા જ દિવસે ઇઝરાયલે સ્કૂલ પર હુમલો કર્યો અને સ્કૂલના જ 168 લોકો માર્યા ગયા. જેમાં 160 તો ઢીંગલી જેવી નાજુક દીકરીઓ હતી, જે જગતને જાણે, સમજે તે પહેલાં જ મરી ગઈ. જીવનનો અર્થ સમજાય તે પહેલાં તો મૃત્યુને જાણી ગઈ. જેને ખબર જ ન હતી કે પોતે કયાં કારણસર મૃત્યુ પામી રહી છે ને સૌથી મોટો સવાલ તો એ કે પોતાનો વાંક શું છે? ગુના વગર પણ મૃત્યુદંડ મળ્યો એ માસૂમ દીકરીઓને ! આ શહીદી દીકરીઓએ તો વહોરી ન હતી, તો દેશને માટે મરી ગઈ કેવી રીતે? દેશને માટે મરી તો દેશને માટે જીવવાનો અધિકાર ન હતો? 160 નિર્દોષ દીકરીઓ ધરતી પર જીવે ન જીવે ત્યાં તો ધરતીમાં દબાઈ ગઈ. આ ઘા કારમો હતો, એટલે સાંસદ ગાલિબાફે ચારેક દીકરીઓના ફોટા વિમાનમાં લીધાં ને પાકિસ્તાન પહોંચ્યા. એ સૌ દીકરીઓ એટલી માસૂમ ને નિર્દોષ લાગતી હતી કે તેમને જોતાં જ આંખો ભરાઈ આવે. એ જ કારણ છે કે જેમણે પણ એ ફોટોગ્રાફ જોયો તેમની આંખો ભીની થઈ ગઈ.

ઈરાન આ રીતે નિર્દોષ દીકરીઓના ફોટા બતાવીને સહાનુભૂતિ ભલે ઉઘરાવે, પણ તેણે ઇઝરાયલના ઓછા હાલહવાલ નથી કર્યા ! ઈરાને કેટલી ય ઈમારતોને ખંડેરમાં ફેરવી છે. એમાં રહેતાં લોકોની રાખ કરી છે. એમનો વાંક એટલો જ હતો કે તેઓ ઈઝરાયલમાં રહેતા હતા. દુશ્મન દેશના હોવા માત્રથી સામાન્ય માણસોના કોલસા પડી જાય એ યોગ્ય છે? બંને યુદ્ધખોર દેશના નાગરિકો, માત્ર ત્યાં રહેતાં હોવાને લઈને મરવા પાત્ર કેવી રીતે થઈ જાય? ઘણાંને તો યુદ્ધની કે હુમલાની જાણ પણ નથી હોતી ને તે એમ જ જે તે દેશના હોવાને લઈને હુમલામાં માર્યા જાય છે, આ સત્તાધીશોને પોતાનાં બાળકો મરે છે તો બીજાને બતાવવાનું ગમે છે, પણ પોતાનાં શસ્ત્રોથી દુશ્મનના હજારો મરી જાય છે તો તેમને હરખના આંસુ આવે છે. ત્યાં જે મર્યા તે માણસો ન હતાં? પણ સત્તાધીશોને આંસુ નથી આવતા અને હુમલાખોર મિસાઈલ્સ સરનામું શોધીને ત્રાટકતી નથી. તે તો વીજળીની જેમ પડે છે ને જ્યાં પડે છે ત્યાં નિર્દોષ કે દોષીનો ભેદ કર્યા વગર સર્વનાશ જ કરે છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ચાર હજારથી વધુ લોકો માર્યા ગયા છે. એ બધા જ મરવાને લાયક હતા?

એક સમયે યુદ્ધનાં નીતિનિયમો હતાં. તેમાંનો એક નિયમ હતો તે એ કે હુમલાઓ રણભૂમિમાં જ થતા. પ્રજાને તેનો ત્રાસ ન હતો, હવે મિસાઈલ્સ હુમલાઓ રહેણાંક વિસ્તારોમાં થાય છે ને એ એટલું ભયંકર છે કે જેને યુદ્ધ સાથે સીધી લેવાદેવા નથી, તે પણ તેમાં કારણ વગર હોમાય છે ને સરવાળે યુદ્ધની પ્રપ્તિ શું છે? ઢગલો આંસુ, ઢગલો પીડા ને ઢગલો રાખ. જીતે તેને કે હારે તેને આટલું તો મળે જ છે. એ અત્યંત દુ:ખદ છે કે યુદ્ધ પ્રગતિનો ઇતિહાસ ભૂંસી કાઢે છે ને ઘણી વાર તો એકડે એકથી શરૂઆત કરવી પડે છે. ઘણી વાર તો એકડે એકથી આગળ જ વધાતું નથી, કારણ શરૂઆત થાય ન થાય ત્યાં તો વળી કોઈ યુદ્ધ આવી ચડે છે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ઍપ્રિલ 2026

Loading

13 April 2026 Vipool Kalyani
← ભારતની ન્યુક્લિયર ડૉક્ટરીનઃ ઠોસ રણનીતિનાં ધીમાં અને મક્કમ પગલાંની અનિવાર્યતા 

Search by

Opinion

  • ભારતની ન્યુક્લિયર ડૉક્ટરીનઃ ઠોસ રણનીતિનાં ધીમાં અને મક્કમ પગલાંની અનિવાર્યતા 
  • વિશ્વયુદ્ધના ઉંબરેથી પાછા ફરતા ટૃમ્પ
  • ચલ મન મુંબઈ નગરી—336
  • वह एक रात !
  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved