હાલમાં દુનિયાના મોટા ભાગના રાજકીય નેતાઓ આપખુદ વલણ અખત્યાર કરીને પોતાના તેમ જ બીજા દેશના નાગરિકો પર કેર વરસાવી રહ્યા છે, એ વિષયની ચર્ચા ઠેર ઠેર થતી સંભળાય છે.
એક દિવસ આવી જ એક ગોષ્ઠિમાં, નીચે મુજબની ચર્ચા સાંભળી. “અહિંસક સત્યાગ્રહ ગાંધીજી જેવા નેતાઓ જ અપનાવી શકે. એ જમાનો જ જુદો હતો. બ્રિટિશ સરકાર સામે આવો નબળો પ્રયાસ ચાલે. આજના જમાનામાં એ બધું નકામું. ગાંધીજી હિટલર સામે લડવા કેમ નહોતા ગયા?” આવું વિધાન અમારા એક મિત્રને મોઢે સાંભળ્યું અને મનમાં વિચાર વલોણું શરૂ.
નાઝી અત્યાચાર સામે 27 ફેબ્રુઆરીથી 6 માર્ચ 1943 દરમિયાન Rosenstrasse protest નામે ઓળખાયેલો સત્યાગ્રહ થયેલ. બિન યહૂદી જર્મન પત્નીઓ, મિશ્ર એટલે કે આર્યેતર જાતિના લોકો અને યહૂદીઓના જર્મન મિત્રોએ સાથે મળીને જર્મન મહિલાઓ સાથે લગ્ન કર્યાના ગુના હેઠળ યહૂદી પુરુષોને રોઝ સ્ટ્રીટના એક મકાનમાં કેદ કરવામાં આવેલા તેના વિરોધમાં ધરણા કરેલા. દસ બાર સ્ત્રીઓએ આદરેલા વિરોધમાં પછી તો સેંકડો અને હજારો સ્ત્રીઓ જોડાઈ અને આખર એ પુરુષોને તો મુક્તિ મળી, તે ઉપરાંત એ લોકોને અને અન્ય યહૂદી પુરુષોને હિટલરના સાથી ગેબલ્સે યાતના કેમ્પમાં ન મોકલ્યા અને એ રીતે આ મહિલાઓએ સત્યાગ્રહમાં સફળતા મેળવીને અજાણતાં બીજા અનેક યહૂદી પુરુષોને મોતમાંથી ઉગાર્યા.
કોણ કહે છે કે હિટલર જેવા ત્રાસવાદીના શાસન સામે સત્યાગ્રહ સફળ ન થાય? આ હકીકત ઘણા વાચકો જાણતા હશે. સવાલ એ થાય કે બીજાં યહૂદી સ્ત્રી-પુરુષોએ આવા અત્યાચારોનો વિરોધ કર્યો હોત તો હજારો યહૂદીઓના જાન બચવા પામ્યા હોત કે નહીં?

આ ઘટનાની સ્મૃતિનાં પગલે બીજા પણ કેટલાક સવાલો થયા. હિટલરે પોતાની સત્તા ટકાવી રાખવા અંતિમ ઉપાય તરીકે બધા યહૂદીઓને પીળા સ્ટારનો બિલ્લો લગાવવો ફરજિયાત કર્યો. એ ક્ષણે કોઈ એકાદ બે સ્ત્રી-પુરુષ ‘અમે તમારો હુકમ નહીં ઉઠાવીએ, અમે બિલ્લો નહીં લગાવીએ એમ કહ્યું હોત તો સંભવ છે, એમને લાઠીમાર સહેવો પડ્યો હોત, જેલમાં પૂર્યા હોત. પોતાના જ મિત્રો, સાથી કાર્યકરો, પાડોશીઓ જ્યારે તેમને ધિક્કારવા લાગ્યા ત્યારે તેમની આંખમાં આંખ નાખીને કોઈ યહૂદીએ પૂછ્યું હતું કે તમે આમ શા માટે અચાનક અમારા પર કેર વર્તાવો છો? શું તે વખતે માણસ માણસ સાથે બોલી જ નહોતો શકતો?
નાઝી પક્ષના શાસકોએ યહૂદીઓ વિરુદ્ધ કાયદા ઘડી એ લોકોને અસામાજિક અને રાષ્ટ્રદ્રોહી ગણાવ્યા (આ વલણ આજના ભારતીય નાગરિકોને પરિચિત લાગે તેવું છે.) એટલું જ નહીં આર્ય સિવાયના લોકોના જર્મનીની પ્રજા તરીકેના હકો છીનવી લીધા (આ પગલું પણ વર્તમાન ભારતમાં હિન્દુ સિવાયના નાગરિકો પ્રત્યેના વર્તનમાં થયેલા પરિવર્તન સાથે સામ્ય ધરાવે છે એ નિઃશંક છે). સદીઓથી પોતાના દેશમાં રહેતા અને પોતાના જ દેશની ઉન્નતિમાં સહભાગી થતા હતા એ યહૂદીઓ પ્રત્યે જર્મન નાગરિકો તેમના પ્રત્યે ન્યાયી વર્તન કરવાને બદલે પોતે જ પોલીસ ખાતામાં જોડાયા અને સામૂહિક હત્યા કરવા માટે સહાયક કેમ બન્યા?
આપણે કેટલાંક દસ્તાવેજી પુસ્તકો અને ફિલ્મ પરથી માહિતી મેળવી શક્યા છીએ તે મુજબ નાઝી સરકારે યહૂદીઓને પોતાનાં ઘર, ગામ અને શહેર છોડીને એક નિયત સ્થળે રહેવાની ફરજ પાડી. એવા સેંકડો-હજારો સ્ત્રી-પુરુષ-બાળકોને કૂચ કરતાં જોઈને વિમાસણ થાય જ કે એમાંના એક ને પણ રસ્તા પર બેસી જઈને ધરણા કરવાની હિંમત ન થઇ? બહુ બહુ તો ગોળીએ વીંધાઈ જાત ને? આખર એ લોકોનો એ જ અંત આવ્યો ને? કદાચ માઈલો સુધી પથરાયેલી મેદની જો ગુસ્ટાપોના હુકમ માનવાની ના પાડીને બેસી ગઈ હોત તો પરિણામ જુદું આવ્યું હોત?
કરુણતા તો એ છે કે યહૂદીઓને જીવતા સળગાવવા માટેની ચેમ્બર્સનું બાંધકામ, એમનાં કપડાં, વાળ અને અન્ય વસ્તુઓને ફેંકવા માટે બનાવવાની ખાઈ ખોદવાનું કામ વગેરે બધી મજૂરી તંદુરસ્ત યહૂદીઓ પાસે કરાવી હતી. તો તેમનામાંથી એક પણ માઈનો લાલ એવો ન નીકળ્યો કે જેણે હથોડી અને પાવડો ફેંકીને હાથ જોડી દીધા હોય? એકની પાછળ એક સો અને એક હજાર બેસી રહ્યા હોત તો ખુદ હિટલર પણ કંઈ ન કરી શકત. યાતના કેમ્પમાં યહૂદીઓને ભૂખે મારવામાં આવ્યા અને હાડપિંજર જેવાં સ્ત્રી પુરુષોને નગ્ન થવાની ફરજ પાડી ત્યારે કોઈ એક વ્યક્તિએ સામનો કર્યો હોત તો શું તેને બીજા કોઈનો પણ સાથ ન મળ્યો હોત? કહ્યાગરા શાળાના વિદ્યાર્થીઓની માફક સેંકડો સ્ત્રી-પુરુષ ને હારબંધ ગેસ ચેમ્બર તરફ ચાલતા જોઈને એ દૃશ્ય જોનારને ખુદને દોડીને ભાગી જવાનું મન થાય. આટલી બુદ્ધિશાળી, મહેનતુ અને ખમીરવંતી યહૂદી પ્રજા આમ એકાએક નમાલી કેવી રીતે થઈ ગઈ?
કદાચ નાઝી પક્ષનું શાસન શરૂ થયું ત્યારથી જ જર્મનીની પ્રજાને પોતાને થતા અન્યાય સામે અસહકાર કરવાની અને જુલ્મોનો અહિંસક સામનો કરવાની તાલીમ આપનાર કોઈ નહોતો પાક્યો તેથી આવડી મોટી સંખ્યામાં સામૂહિક હત્યાના ભોગ બનવું પડ્યું.
જર્મનીમાં હોલોકોસ્ટ થયા પછી બે જાતિઓ વચ્ચેના વૈમનસ્યને કારણે, બે ધર્મ વચ્ચે ફાટફૂટ પડાવવાને કારણે અને સ્થળાંતર કરીને આવેલા લોકો વચ્ચે વિભાજન ઊભું કરીને અનેક સામૂહિક હત્યા આચરવામાં આવી છે; જેમ કે કંબોડિયા (1970ના દાયકામાં), રૂવાંડા જેનોસાઇડ (1994), બોસ્નિયા જેનોસાઇડ (1995) અને તાજેતરમાં રોહીંગ્યા જેનોસાઇડ (2016 થી વર્તમાન સમય)
રાજકારણીઓની સ્વાર્થી મનોવૃત્તિને આપણે બદલી નહીં શકીએ, પણ દરેક દેશના નાગરિકોએ પોતાને તથા પોતાના દેશના અન્ય નાગરિકો પર અન્યાય અને જુલ્મ ન થાય તેવી સમાજ રચના કરવાની અને એવી અન્યાયી સ્થિતિ આવી પડે તો તેને વશ ન થવાની શક્તિ કેળવવી જરૂરી છે. જો એવી અન્યાયી પરિસ્થિતિનો સામનો કરવો જ પડે તો એવી સ્થિતિને વશ ન થવાની શક્તિ કેળવવી જરૂરી છે. સરકારના જૂઠા પ્રચારથી દૂર રહેવાની, અન્યાયી કાયદાઓ સામે અસહકાર કરીને તેનો અંત લાવવાની અને છેવટ અહિંસક પ્રતિકાર કરવાની તાલીમ આપવી જ રહે.
આજે લોકોને જેટલો વિશ્વાસ યુદ્ધ પર છે એનાથી વધુ શ્રદ્ધા વાટાઘાટ અને અહિંસક પ્રતિકાર પર બેસશે તે દિવસે શાંતિનો સૂર્ય ઊગશે.
e.mail : 71abuch@gmail.com
![]()

