વર્ષો સુધી આપણા દેશમાં સુભાષ
બાબુના મૃત્યુનું રહસ્ય વણઉકલ્યું રહ્યું. વિવાદ થતો રહ્યો. ‘વિદેશી સત્તા સાથેના સંબંધો બગડે નહીં એ માટે ભારતની સરકાર એ સંદર્ભમાં દસ્તાવેજો જાહેર કરતી નથી.’ એ બધા વિવાદો વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી ૨૩, ૨૦૧૬ (જાન્યુઆરી ૨૩ – સુભાષબાબુનો જન્મદિવસ)ના દિવસે તેમણે ૧૦૦ દસ્તાવેજો અને જવાહરલાલ નેહરુનો એક પત્ર (સુભાષ ‘યુદ્ધ ગુનેગાર’ હોવાનો ક્લેમેન્ટ એટલીને પત્ર) જાહેર કર્યો, તે અગાઉ મમતા બેનર્જીએ ૬૦ જેટલા દસ્તાવેજો (આશરે ૧૬,૦૦૦ પાનાં) જાહેર કરી દીધા હતા. અત્યાર સુધી જાહેર થયેલા દસ્તાવેજોમાં નેતાજીના મૃત્યુ વિશે કોઈ વિગત મળતી નથી. ગિયાની૧ની દૃષ્ટિએ ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ પહેલી વાર, નેતાજીએ જાહેરમાં કહ્યું હતું જ્યારે મનુબહેન ગાંધીની ડાયરીઓમાં જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં પહેલી એશિયાઈ પરિષદ મળી, ત્યારે ગાંધીજી તેમાં હાજર હતા અને સરોજિની નાયડુએ તેમને ‘રાષ્ટ્રપિતા’ તરીકે ઓળખાવ્યા હતા.
સુભાષબાબુ અને કૉંગ્રેસ વચ્ચે અંતર વધતું ગયું અને છેવટે તેમણે દેશ છોડ્યો. દેશ છોડતાં પહેલાં તેમણે જૂન ૨૨, ૧૯૩૯ના રોજ ‘ઑલ ઇન્ડિયા ફૉર્વર્ડ બ્લૉક’ની સ્થાપના કરી હતી. કોલકાતાના નિવાસસ્થાનથી જાન્યુઆરી ૧૯, ૧૯૪૧ના દિવસે છટકીને છૂપા વેશે તેઓ જર્મની પહોંચ્યા એની વિગતો રોમાંચક છે – એટલું પર્યાપ્ત થશે. તેઓ બર્લિનમાં ૧૯૪૧થી ૧૯૪૩નાં વર્ષોમાં રહ્યા. તે પૂર્વે ૧૯૩૪માં તેઓ Emilie Schernkને મળ્યા હતા. એમિલી સેંકેલ, ઑસ્ટ્ર્ેલિયાના પશુચિકિત્સકનાં દીકરી હતાં અને તેમનો જન્મ ડિસેમ્બર ૨૬, ૧૯૧૦માં થયો હતો અને સુભાષબાબુ સાથે તેમનાં હિંદુવિધિથી લગ્ન ડિસેમ્બર, ૧૯૩૭માં થયાં હતાં. તેમનાં દીકરી Anita(અંગ્રેજી સિવાયની યુરોપની ભાષાઓમાં A અને aનો ઉચ્ચાર ‘આ’ થાય છે.)નો જન્મ ૧૯૪૨માં થયો હતો. સુભાષબાબુ, જર્મનીની સબમરીન ૪-૧૮૦માં બેસી માડાગાસ્કર થઈને ૯૦ દિવસની મુસાફરી કરી જાપાન પહોંચ્યા. તેમણે આઝાદ હિંદ ફોજ અને આઝાદ હિંદ સરકાર(કામચલાઉ)ની રચના કરી. સુભાષબાબુ, કૅપ્ટન લક્ષ્મી સ્વામીનાથન, એસ.એ. ઐયર વગેરે હતાં. આઝાદી પછી, જૂના મુંબઈ રાજ્યની માહિતી ખાતાના અધ્યક્ષ એસ.એ. ઐયર હતા. મારા પિતાશ્રી નરહરિ ભટ્ટ એ જ ખાતામાં હતા. ઐયરને મળવાનું થતું રહેતું.
જાપાન પર ઝીંકાયેલા અણુશસ્ત્રોને કારણે જાપાને શરણાગતિ સ્વીકારી, એ સાથે સુભાષબાબુની આઝાદ હિંદ ફોજને ભારે મોટો ફટકો પડ્યો અને તેણે પણ પીછેહઠ કરવી પડી. ૧૯૪૩માં ક્વિબેક કૉન્ફરન્સ મળી તેણે દૂરપૂર્વ વિસ્તારમાં માઉન્ટબેટનને સુપ્રીમ એલાઇડ કમાન્ડર નીમ્યા હતા. એ જ માઉન્ટબેટન, દેશના આખરી વાઇસરૉય અને ગવર્નર જનરલ તરીકે ભારત આવ્યા હતા. આઝાદ હિંદ ફોજની દૂરપૂર્વની કામગીરી માટે ગિયાનીનું પ્રકાશન જોવું પડે.
આટલી પૂર્વભૂમિકા પછી સુભાષબાબુના વિમાની દુર્ઘટનામાં થયેલા અવસાન અને ત્યાર પછીની કેટલીક વિગતો હવે જોઈએઃ
ઑગસ્ટ ૧૬, ૧૯૪૫ તેમણે બૅંગકોક જવા માટે સિયામ (હવે થાઇલૅન્ડ) છોડ્યું. સિયામથી વિમાનમાં સાયગોન (હવે હૉચિમિન્હ સિટી) પહોંચ્યા. ઑગસ્ટ ૧૭ના દિવસે તેઓ સાયગોનથી વિમાનમાં એક સમયના ઇન્ડો-ચાયનાના ટુરેન (હવે ડા નાંગ, વિયેટનામ) પહોંચ્યા. બીજે દિવસે વહેલી સવારે પાંચ વાગે ટુરેનથી ફૉર્મોસાના ટાઇરોકુ (હવે ટાઇપે, તાઇવાન) જવા નીકળ્યા. ઑગસ્ટ ૧૮ની બપોરે ૨ઃ૩૦ વાગ્યે તેઓ વિમાનમાં ડાઇરાન મન્ચુકુઓ (હવે ડાઇલાન, ચીન) જવા નીકળ્યા. ત્યાંથી વિમાન તેમને મંચુરિયા મૂકીને ટોકિયો જવાનું હતું અને જાપાનના ક્વાન્ટુગ લશ્કરના વાઇસ-ચીફ ત્સુનામાસા શિડે તેમની મુલાકાત રશિયાના લશ્કરના અધિકારીઓ સાથે કરાવવાના હતા. શિડે, રશિયાની ભાષા જાણતા હતા. જર્મની, જાપાની, ઇટાલી, ક્રોએશિયાના સ્વતંત્ર રાજ્ય, નાનજિંગમાં વાંગ ઝિંગ્વી શાસન વગેરે ધરી-રાજ્યોએ સુભાષબાબુની કામચલાઉ સરકારને માન્યતા આપી દીધી હતી અને સુભાષબાબુ જાપાન જઈ શકવાના ન હોવાથી સોવિયેત રૂસના ‘એજન્ટો’ને મંચુરિયામાં મળવાનું નક્કી થયું હતું.
જાપાની સૈનિકો સાથે સુભાષબાબુ અને હબીબુર રહેમાન ટાઇહોકુ વિમાની મથકથી ૨ઃ૩૦ (સ્થાનિક સમય) વાગ્યે વિમાનમાં સવાર થયા. ત્યાં ઘડાકો થયો. વિમાન, ગતિમાં આવી ચૂક્યું હતું અને વિમાન પટ્ટી છોડી આકાશમાં ઊડતું હતું. ધડાકા સાથે ઍન્જિનનો એક ભાગ અને પ્રોપેલર જમીન પર પટકાયાં અને વિમાન જમણી બાજુ લથડિયાં ખાવા માંડ્યું. છેવટે, હવામાં જ સળગતું વિમાન જમીન પર પટકાયું અને તેના બે ટુકડા થઈ ગયા. સુભાષબાબુ સુતરાઉ ગણવેશમાં હતા અને ફાટેલી ટાંકીના પેટ્રોલથી લથપથ થઈ ગયા. હબીબુર રહેમાન, ઊનના ગણવેશમાં હતા અને સુભાષબાબુની જેમ પેટ્રોલથી લથબથ થઈ ગયા ન હતા. તૂટેલા ભાગના પાછલા ભાગમાં બંને બેઠેલા હતા, તેથી સળગતા વિમાનના પાછલા દરવાજેથી બહાર નીકળવા પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં સામાન ખડકાયેલો હતો, તેથી આગળની આગની જ્વાળાઓમાંથી નીકળી વિમાનમાંથી કૂદી પડવાનું નક્કી કર્યું. જમીન પર કૂદી પડ્યા, પરંતુ સુભાષબાબુ ભડકે બળી રહ્યા હતા અને હબીબુર રહેમાનને ઈજા થઈ હતી, જો કે એ ખતરનાક ન હતી. તેમણે સુભાષબાબુનાં વસ્ત્રોને લાગેલ આગ બુઝાવવા પ્રયત્ન કર્યો.
દરમિયાન, હવાઈ મથકથી ઍમ્બ્યુલન્સની ગરજ સારતી ટ્રક આવી પહોંચી. એનો ઉલ્લેખ જોઈસ એપમેન લેબ્રાએ કર્યો છે. સુભાષબાબુ તો સળગતી મશાલ જ બની ગયા હતા. બંનેને, ટાઇસેકુની નાનમોન લશ્કરી ઇસ્પિતાલમાં લઈ જવાયા. અન્ય, ઈજા પામેલાઓ પણ હતા. હવાઈ મથકના કર્મચારીઓએ ડૉ. તાનેયોશી યોશિમીને તાબડતો બોલાવ્યા, ત્યારે બપોરના ત્રણ વાગી ચૂક્યા હતા. સુભાષબાબુનો સળગતો ગણવેશ દૂર કરવામાં આવ્યો અને તેમને બ્લૅન્કેટમાં લપેટી દેવામાં આવ્યા. ડૉ. યોશિમીએ નોંધ્યું : ‘થર્ડ ડિગ્રી બર્ન્સ’. ચહેરો, માથું, છાતી સાવ બળી ગયાં હતાં. ડૉ. યોશિમીની મદદમાં ઇસ્પિતાલના કર્મચારીઓ સાથે ડૉ. ત્સુરુભ હતા. સુભાષબાબુને જ આખા શરીરે જંતુનાશક દવા અને સફેદ રંગનો લેપ લગાવવામાં આવ્યો. ડૉ. યોશિમીએ વિટા કેમ્ફરનાં ચાર અને ડિજિટામાઇનનાં બે ઇન્જેક્શનો આપ્યાં. શરીરનું ઘણું ખરું પ્રવાહી બળી ગયું હતું, તેથી રિન્જરનું ‘સૉલ્યુશન’ નસમાં આપવામાં આવ્યું. તે સાથે ડૉ. ઈશીએ ‘બ્લડ ટ્રાન્સફ્યુઝ’ પણ શરૂ કર્યું. ઇસ્પિતાલના ખંડમાં લશ્કરનો સૈનિક કાલ્ગુઓ મિત્સુઈ અને કેટલીક પરિચારિકાઓ પણ હતી. આ બધી માવજત દરમિયાન, સુભાષબાબુ અસાધારણ રીતે ‘સ્વસ્થ’ હતા. છેવટે, તેઓ કૉમામાં સરી પડ્યા અને ઑગસ્ટ ૧૮, ૧૯૪૫ના દિવસે રાતના ૯ઃ૦૦ અને ૧૦ઃ૦૦ વાગ્યાની વચ્ચે અવસાન પામ્યા.
બે દિવસ પછી ટાઇહોકુના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થયા. ઑગસ્ટ ૨૩, ૧૯૪૫ના દિવસે જાપાનની ન્યુઝ એજન્સી Do Tryeiએ સુભાષબાબુ અને લેફ્ટનન્ટ તાત્સુઓ હાયાશિડાના મૃત્યુના સમાચાર પ્રકાશિત કર્યા. ઑગસ્ટ ૨૪, ૧૯૪૫ના દિવસે ગાંધીજીએ રાજકુમારી અમૃતકૌરને પત્ર લખી નેતાજીના મૃત્યુના સમાચાર આપતાં લખ્યું : નેતાજી ‘દેશભક્ત’ હતા, પરંતુ ‘માર્ગ ભૂલેલા’ (અન્ય માર્ગે દોરવાયેલા) હતા. ગાંધીજીનો અક્ષરદેહ, ગ્રંથઃ ૮૧, પૃ. ૧૬૬ આઝાદ હિંદ ફોજના પકડાયેલા સૈનિકો ઉપરાંત શાહનવાજ ખાન, ધિલ્લોં, સહગલ કોર્ટમાર્શલ ખટલામાં જતા નથી. ત્યારે બચાવ પક્ષે ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નેહરુ હતા.
સુભાષબાબુનું અવસાન થઈ ચૂક્યું હતું, યુદ્ધ પણ પૂરું થયું હતું. દૂરપૂર્વમાં, હિંદી લશ્કરના જોડાયેલા ઘણા પકડાયા હતા, ઘણા પકડાયા ન હતા અને આઝાદ હિંદ ફોજ અને નેતાજીએ સ્થાપેલ આઝાદ હિંદની હંગામી સરકાર વેરવિખેર થઈ ગઈ હતી. આઝાદ હિંદ ફોજમાં, દૂર પૂર્વમાં રહેલા ઘણા હિંદીઓ પણ જોડાયેલા હતા. આ સઘળાને નાણાંકીય અને તબીબી મદદ આપવાના અને તેમને થાળે પાડવાના પ્રશ્નો ઊભા થયા. દૂરપૂર્વમાં રહેતા ઘણા બધા હિંદીઓનાં સંતાનો શાળા-કૉલેજ છોડી સુભાષબાબુ સાથે જોડાયાં હતાં. તેમનાં ભણતરના પણ પ્રશ્નો હતા. વિકરાળ સમસ્યાઓ હતી. હજી દેશ આઝાદ થયો ન હતો. વળી, અંગ્રેજ સરકારના લશ્કરમાંથી છૂટા પડેલા અને આઝાદ હિંદ ફોજમાં જોડાયેલા અને હવે બેકાર બનેલા સૈનિકો(અને તેમના પરિવારો)નો પણ પ્રશ્ન હતો. પરતંત્ર દેશની પ્રમુખ સંસ્થા કૉંગ્રેસે એ સમસ્યાઓ હલ કરવા કામગીરી શરૂ કરી. ડિસેમ્બર ૮, ૧૯૪૫ના દિવસે ‘I.N.A. Enquiry & Relief Committeeની સ્થાપના કરવામાં આવી. તેના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અન્ય સભ્યો હતા : જવાહરલાલ નેહરુ, જીવતરામ કૃપાલાણી, શરતચંદ્ર બોઝ, રફી અહમદ કિડવાઈ, એન. દાઉદ ગઝનવી, શ્રીપ્રકાશ (મંત્રી), રઘુનંદન શરણ, ખુરશેદ નવરોજી, રાવસાહેબ પટવર્ધન, સરદાર પ્રતાપસિંહ અને મુંબઈ I.N.A. Committeeના પ્રતિનિધિ (એસ.એ. ઐયર), એવો જ પ્રશ્ન ‘મેડિકલ મિશન’નો હતો. આ વિકરાળ સમસ્યા માટે જુઓ : Sardar’s Letters – Mostly Unkown – 1 [Years 1945-46].
અન્ય પ્રશ્ન હતો, એમિલી સેંકેલ અને તેમની બાળકી અનિતાનાં ભરણપોષણનો. વચગાળાની સરકારના સમયે વલ્લભભાઈ ઑગસ્ટ ૭, ૧૯૪૭ના રોજ એ સંદર્ભમાં સુભાષબાબુના મોટા ભાઈ શરતચંદ્ર બોઝને પત્ર લખે છે, તે સાથે એમિલી અને અનિતાને શી મદદ મોકલી શકાય તે વિશે તપાસ કરવા બેલ્જિયમમાં રહેતા નાથાલાલને પત્ર લખે છે. તેના પ્રત્યુત્તરમાં ઑગસ્ટ-૧૪ના દિવસે પત્ર લખી શરતચંદ્ર, વલ્લભભાઈને જણાવે છે કે તે બંનેને મદદ કરવાની જવાબદારી પટેલની છે, નહીં કે નાથાલાલની. (SPC, Vol. 5, pp 87, 88)
લંડનથી એમ.ડી. ઠાકોર(મંત્રી, ‘સુભાષ મેમોરિયલ આઈ.એન.એ. ફંડ કમિટી)એ ‘ઇન્ડિયન નેશનલ આર્મીફંડ’ના માનદ્મંત્રી અને સ્વતંત્ર દેશના ગૃહપ્રધાન સરદાર પટેલને ફેબ્રુઆરી ૩, ૧૯૪૮માં પત્ર લખી આઝાદ હિંદ ફોજના માર્યા ગયેલાઓના આશ્રિતોના લાભાર્થે એકત્ર કરવામાં આવેલા ફાળાની રકમ પાઉન્ડ ૩૧૪, શિલિંગ ૯ અને પેન્સ ૩નો ચૅક મોકલી આપે છે. તેમાં એમિલી અને અનિતાનો કોઈ ઉલ્લેખ નથી. વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુના જુલાઈ ૧૫, ૧૯૪૮ના પત્રના સંદર્ભમાં જુલાઈ ૨૧, ૧૯૪૮ના દિવસે જવાહરલાલને પત્ર લખી જણાવે છે કે ઑક્ટોબર ૧ સુધીમાં જે કંઈ રકમ બચી હોય, તે સુભાષબાબુની દીકરી(અનિતા)ને મદદરૂપે મોકલવી જોઈએ. જુલાઈ ૨૨ના દિવસે જવાહરલાલ, સરદાર પટેલને પત્ર લખી સુભાષબાબુનાં દીકરી માટે ટ્રસ્ટ રચવાની વાત લખે છે. ખેદની વાત એ છે કે ‘Sarat Bose has refused to have anything to do with her [Anita]’ કહેવાની જરૂર નથી, સુભાષબાબુના અવસાનના સમાચાર બોઝ પરિવારને મળ્યા, તે સાથે સુભાષબાબુના, પૈતૃક પરિવારના હિસ્સા અંગે વિખવાદ શરૂ થઈ ચૂક્યો હતો. ઉપરાંત દેશના વિવિધ પ્રાંતોમાં ‘આઈ.એન.એ. રિલીફ ફંડ’ માટે પૈસા ઉઘરાવવાનું શરૂ થઈ ચૂક્યું હતું અને તેમાં પણ વિવાદ શરૂ થયો હતો. જવાહરલાલે, અનિતાના ભરણપોષણ માટે રૂ. ૨૫,૦૦૦ની રકમનું ટ્રસ્ટ કરવાની પણ વાત કરી હતી. વિવાદ ઘણો મોટો હતો; એમિલી અને અનિતાને મદદ કોણ કરે – ‘આઈ.એન.એ. રિલીફ ફંડ’, ભારત સરકાર કે બોઝ પરિવાર. શરતચંદ્ર, ૧૯૪૮માં વિયેના જઈ એમિલી અને અનિતાને મળી આવ્યા હતા અને છતાં પોતાના ભાઈનાં જ દીકરી સાથે પોતાને કોઈ નિસબત ન હતી, એવું કહેવા સુધી પણ ગયા હતા.
સુભાષબાબુ વિશેની ઉત્તેજના વધતી જતી તેનો એક જાતઅનુભવ જણાવવો અસ્થાને નથી. જાન્યુઆરી ૨૩, ૧૯૪૭ – સુભાષબાબુનો જન્મદિવસ. આઝાદી પહેલાંની વાત. અમારા મુંબઈના નિવાસસ્થાનથી થોડાંક મકાન પછી સેન્ડહર્સ્ટ રોડ (હાલનો વલ્લભભાઈ પટેલ રોડ) પર તોફાન શરૂ થયું. ક્રમશઃ મુંબઈ આખામાં પ્રસરતું ગયું. અમારી ગલી અને એ રોડના ખૂણામાં સેન્ટ્રલ બૅંકનું મકાન. ટોળાએ આગ ચાંપી. તોફાન બેકાબૂ બનતું ગયું. છેવટે મશીનગન ચાલી. અમારા રહેઠાણની ગૅલેરીમાંથી અનેક લાશો જોઈ છે. સુભાષબાબુ વિશેની ઉત્તેજના ક્યાં સુધી પહોંચી હતી, તેનું રાષ્ટ્રીય ઉદાહરણ જોઈએ. જાન્યુઆરી ૧૭, ૧૯૪૯નો બિધાનચંદ્ર રાયનો સરદાર પટેલ પર પત્ર છે. તેમાં તેઓ લખે છે કે સરદારે ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ને સુભાષના જન્મદિવસની કોઈ ઉજવણી કરવા મના ફરમાવી હતી, કારણ તોફાનો ફાટી નીકળે!
એટલું જ નહીં, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલને જાન્યુઆરી ૩૧, ૧૯૫૦માં ધીરુભાઈ દેસાઈના પત્ર વિશે લખે છે. એમિલી અને અનિતાને ભારતીય પાસપૉર્ટ જોઈતો હતો તે વિશે પણ ભારતના સ્વિત્ઝર્લૅન્ડના રાજદૂત ધીરુભાઈ દેસાઈએ વલ્લભભાઈને પત્ર લખ્યો હતો. ત્યારે પ્રશ્ન હતો ‘Validly married wife and legitimate child of an Indian citizen’ (સુભાષબાબુ) ત્યારે, વિયેનામાં હજુ આપણું દૂતાવાસ શરૂ થયું ન હતું. તેથી તેનો કારભાર સ્વિત્ઝર્લૅન્ડ(બર્ન)થી ચાલતો હતો. પ્રશ્ન તો પાસપૉર્ટ સાથે મિલકતનો પણ હતો. જો, લગ્નની કાયદેસરતા સ્વીકારવામાં આવે, તો અનિતાને કાનૂની રાહે સુભાષબાબુનાં સંતાન સ્વીકારવા પડે. પણ પ્રશ્ન મિલકતનો હતો. પાસપૉર્ટ, મિલકતનો અધિકાર આપતો નથી.
એ લાંબા પત્રવ્યવહાર (SPC, Vol. 10, PP 418-423)ની વિગતોમાં જતા નથી. ઑગસ્ટ ૧૧, ૧૯૫૦ના જવાહરલાલના, વલ્લભભાઈ પરના પત્રમાં લખવામાં આવ્યું છે. સન્નારી(એમિલી)ને મહિને રૂ. ૨૮૫-૧૧-૦ (રૂપિયા બસે પંચ્યાસી અને આના અગિયાર, પ્રત્યેક મહિને) લેખે, છ મહિનાના રૂ. ૯,૭૧૫ નક્કી કરી વિયેનાના આપણા કોન્સલને જણાવવામાં આવ્યું. શરત એટલી કે એ રકમ અનિતા પર કેવી રીતે ખર્ચવી તે ધીરુભાઈ નક્કી કરે !
કલ્પના કરો – જર્મની, ઑસ્ટ્રિયા કહો – યુરોપ આખું યુદ્ધથી તબાહ થઈ ગયું હતું અને રકમ પણ કેટલી? અને કોણ આપે – INA Fundમાં કંઈ બચ્યું હોય, તો તેમાંથી પણ આપી શકાય!
રવિવાર, જાન્યુઆરી ૩૧, ૨૦૧૬, ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’માં આવેલા મેઘનાદ દેસાઈના લેખમાં જણાવ્યું છે : અનિતાનાં પુત્રીએ જાપાનમાં રાખવામાં આવેલાં સુભાષબાબુનાં અસ્થિનો ડી.એન.એ. ટેસ્ટ કરાવી શકાય તેવી રજૂઆત કરી છે.
સુભાષબાબુના મૃતદેહના અંતિમ સંસ્કાર ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર ૭, ૧૯૪૫ના દિવસે જાપાની અફ્સર લેફ્ટનન્ટ હાપાશિડા એ અસ્થિ ટોકિયો લઈ ગયાં. બીજે દિવસે સવારે તે ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ને આપવામાં આવ્યાં. સપ્ટેમ્બર ૧૪ના દિવસે સુભાષબાબુની ‘મેમોરિયલ સર્વિસ’ કરવામાં આવી અને ટોકિયોના બુદ્ધધર્મ સંપ્રદાય નિચિરેનના મંદિરમાં એ સોંપવામાં આવ્યાં – ત્યારથી તે ત્યાં છે. માર્ચ ૧૯૯૬માં એમિલી મૃત્યુ પામ્યાં.
સુભાષચંદ્ર બોઝે ૧૬૫ જેટલા પત્રો એમિલીને લખેલા હતા. બોઝ પરિવારના સુગત બોઝ ૧૯૯૪માં એમિલી અને અનિતાને મળ્યા, ત્યારે લિયોનાર્ડ ગોર્ડને સુભાષબાબુ પર લખેલા જીવનચરિત્રની એક નકલ તેમને ભેટ આપી, ત્યારે એમિલીએ સાઠ વર્ષ પહેલાં સુભાષબાબુને પહેલી વાર મળ્યાની યાદ આપી. ગોર્ડનના પ્રકાશનમાં સુભાષબાબુના પત્રો વિષે તેમણે લખ્યું નથી. માતાપુત્રી, સુગત બોઝને મળ્યા ત્યારે એમિલીએ બીજા બે પત્રો સુગતને આપતા એક ન આપ્યો અને સુગતની માતાને આપતાં કહ્યું : ‘આ પ્રેમપત્ર છે. તમને આપું છું!’
1. Indian Indepenrence Movement in East Asia : નામે કે.એસ. ગિયાનીના પુસ્તકના બે ભાગ છે : ભાગ પહેલો રાસબિહારી બોઝ વિશે છે. (કુલ પ્રકરણો 12, પાન 1 થી 142). ભાગ બીજો સુભાષ વિશે છે. (કુલ પ્રકરણો 5, પાન 1 થી 164). ગાંધીજીના સત્યાગ્રહ(અહિંસા)ના માર્ગથી અલગ પડી સશસ્ત્ર કાર્યવાહીથી હિન્દુસ્તાનને આઝાદ કરવાના અને તેમાં પણ ખાસ કરીને દૂરપૂર્વના દેશોમાંથી હિંદી પ્રજાની ભરતી કરી દેશને અંગ્રેજોની હકૂમતમાંથી છોડાવવાના કેવા પ્રયત્નો થયા, તેની વિગતો આ પુસ્તકમાં આપામાં આવી છે. ‘ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ લીગ’ છેવટે ‘ઇન્ડિયન નેશનલ આર્મી’માં કેવી રીતે પરિવર્તિત થયું અને આઝાદ હિંદ ફોજ અને હંગામી સરકારની રચના સુક્ષાષબાબુએ કેવી રીતે કરી અને જુલાઈ, 1945માં જાપાનનાં હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ નખાયા પછી જાપાનની શરણાગતિ સાથે દૂરપૂર્વમાં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો, તે સાથે સુભાષબાબુની એ સંદર્ભમાં શી કામગીરી રહી અને તેમનું અવસાન વિમાની દુર્ઘટનામાં અૉગસ્ટ 18, 1945માં કેવી રીતે થયું, તેની વિગતો આ પુસ્તકમાં છે. એ પુસ્તકની અને વિકિપીડિયાની આપેલી વિગતોમાં એવો મોટો ફેરફાર નથી.
આ લેખ માટે ઉપયોગમાં લીધેલા પુસ્તકો :
Sardar Letters – Mostly Unknown-1 (Nandukar),
Indian Independence Movement in East Asia (K.S. Giani, Lahore 1947)
Viceroys (Mersey, 1949)
Dictionary of Indian Biography, (Indian Bibliographic Centre, 2000)
Sardar Patel’s Correspondence, Durga Das, Navjivan, 1972, Volumes 5, 6, 9, 10,
Collected Works of Mahatma Gandhi, Vol. 81
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2016; પૃ. 07-09