Opinion Magazine
Number of visits: 9446654
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે કયો માર્ગ પસંદ કરશું?

આશા બૂચ|Gandhiana, Opinion - Opinion|16 March 2025

આશા બૂચ

સમસ્ત વિશ્વમાં હિંસા દ્વારા અશાંતિ, અનિશ્ચિતતા અને સંહાર ફેલાવતા બનાવો વધતા જાય છે ત્યારે ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ મંત્રમાં માનનારા સત્તાધારી નેતાઓ એક તરફ આક્રમણનો ભોગ બનેલા દેશોને વિનાશની ગર્તામાંથી બચાવવા વધુ ને વધુ શસ્ત્રો અને આધુનિક સંચાર માધ્યમોની કુમક મોકલવા કટિબદ્ધ થયા છે, તો બીજી તરફ ‘અહિંસા પરમોધર્મ’ મંત્રમાં શ્રદ્ધા ધરાવનારાઓ તેનો વિકલ્પ શોધવા સબળ પ્રયાસ કરવા દૃઢ સંકલ્પ થયા છે. જોઈએ, માનવ જાત આખર કયો માર્ગ અપનાવશે.

હિંસા આચરવી એ કંઈ માનવ જાતનો જન્મજાત સ્વભાવ નથી, છતાં વિવિધ કારણોસર લડાઈ છેડવી એ પણ તેની આદત રહી છે. તેમાં 20મી સદી સહુથી વધુ લોહિયાળ સાબિત થઇ, એમ કેટલીક હકીકત દર્શાવે છે. બે વિશ્વયુદ્ધો, હિટલરની ગેસ ચેમ્બર્સ, ભારતના ભાગલા, કોરિયાનું યુદ્ધ, પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ, ઈરાન-ઇરાકની લડાઈ, અમેરિકા-વિયટનામની લડાઈ, રશિયા-અફઘાનિસ્તાનની લડાઈ અને એશિયા તથા આફ્રિકામાં ખેલાયેલા આંતરિક યુદ્ધોમાં અગણિત લોકોએ જાન ગુમાવ્યા. અધૂરામાં પૂરું યુરોપના મોટા ભાગના દેશો અને તેનાં સંસ્થાનો જાતિભેદના વિષમય વાતાવરણમાં ડૂબેલા હતા. વળી ફાસિસ્ટ અને માર્ક્સસીસ્ટ વિચારધારાએ જર્મની, ઇટલી, રશિયા અને ચીન જેવા દેશોને પકડમાં લઇ લીધા. માર્ક્સનું વિધાન હતું, “નવજીવન રૂપી બચ્ચા સાથે સગર્ભા હોય તેવા પુરાણા સમાજ માટે હિંસા તેની દાઈનું કામ કરે છે.” જ્યારે આવી વિચારધારાનો પ્રસાર થયો હોય ત્યારે શાંતિમય સહઅસ્તિત્વની સંભાવના લુપ્ત થાય તેમાં શી નવાઈ?

વીસમી સદીના મધ્યકાળમાં બબ્બે વિશ્વયુદ્ધોમાં બરબાદ થયા બાદ કંઈક શાંતિનો પગરવ સંભળાયો, ત્યાંતો 21મી સદીમાં ફરી એ જ હિંસાની જ્વાળા ભડકવા લાગી છે. ‘મહાસત્તાઓ’ અને તેની સામે એક થવા મથતા યુરોપના બીજા દેશો આ સમસ્યાનો ઉકેલ ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ના એ જ પુરાણા મંત્રને અનુસરીને કેસરિયા કરવા નીકળી પડ્યા છે એ જોઈને વિચાર આવે કે ખરેખર આ હિંસક માર્ગનો કોઈ વિકલ્પ નથી?

પાસ્કલ અલાન નાઝરથ

તાજેતરમાં નિવૃત્ત રાજદૂત, બહુ સુશ્રુત અને વિચારક પાસ્કલ આલન નાઝરથનો Gandhi’s Vital Pertinence to India and the Contemporary World લેખ વાંચવામાં આવ્યો અને વિક્ષુબ્ધ હૃદયને શાતા વળી.

આ લેખની શરૂઆતમાં જ એમણે સવાલ કર્યો છે, “ગાંધીનો જન્મ 19મી સદીમાં થયો, મોટા ભાગનું તેમનું કાર્ય 20મી સદીમાં થયું, તો મારો સવાલ એ છે કે આજે 21મી સદીમાં એમના વિચારોની વ્યાપક ઉપયુક્તતા શા માટે અનુભવાય છે?” એનો ઉત્તર પી.એ. નાઝરથે જ આ શબ્દોમાં આપ્યો, “હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ નાખવામાં આવ્યા કે તરત આલ્બર્ટ આઈન્સ્ટાઈને વ્યથિત હૃદયે કહેલું, ‘અણુશક્તિનો ઉપયોગ કરવાની સાથે જ તમામ પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે; સિવાય કે આપણી વિચારવાની પદ્ધતિ; આથી જ આપણને કલ્પનામાં પણ ન આવે એવા વિનાશ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. જો માનવ જાતને જીવિત રહેવું હશે તો નવી વિચાર પદ્ધતિ અપનાવવી પડશે.’ ગાંધીએ આ ‘નૂતન વિચાસરણી’ના શ્રી ગણેશ માંડ્યા અને તેથી જ આ લોહિયાળ સદીમાં એમની ભારત તેમ જ સમગ્ર વિશ્વમાં પ્રસ્તુતતા અખંડિત રહી છે.”

આજે તમામ દેશના વડાઓને અને કદાચ પ્રજાજનોને પણ યુક્રેઇનને રશિયાના અને પેલેસ્ટાઇનને ઈઝરાયેલના આક્રમણથી બચવા માત્ર સામ પક્ષને દુ:શ્મન માનીને વધુ વિનાશક શસ્ત્રો દ્વારા પરાસ્ત કરવાનો જ માર્ગ દેખાય છે કેમ કે ગાંધીએ ચિંધેલ કદી નાશ ન પામે તેવી અહિંસાની શક્તિના સિદ્ધાંતમાં તેમને શ્રદ્ધા નથી અથવા તો તેનો અમલ કરવા જેટલી હિંમત આપણા કોઈમાં નથી. ખરું જોતાં જુલમી શાસક સામે પોતાના સમગ્ર આત્મબળના સહારે ન્યાયી લડત આપીએ તો ગમે તેવા સશક્ત સામ્રાજ્યને પણ શિકસ્ત આપી શકાય, એમ ગાંધીજી માનતા હતા અને એનો પુરાવો તેમણે 1893થી 1915 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં અને ત્યાર બાદ 1917થી 1947 દરમિયાન ભારતમાં અનેક સત્યાગ્રહો કર્યા તેમાંથી મળે જ છે. તે ઉપરાંત માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને નેલ્સન માંડેલાએ પણ એ શસ્ત્રની ઉપયોગિતા સાબિત કરી બતાવી. અસહકાર અને સત્યાગ્રહ એવાં સાધનો છે, જે સરકારી દમન સામે ન્યાય મેળવી શકે, સામ્રાજ્યની ઝડ ઉખેડી નાખે, રૂઢિચુસ્ત ભેદભાવ યુક્ત સમાજને સમથળ બનાવી શકે અને માર્યાદિત અધિકારો ધરાવતા ગુલામ દેશને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર પણ બનાવી શકે. ભારત અહિંસક માર્ગે આઝાદ થયું. વિદેશી ધૂંસરી ફગાવી દેવાની સાથે સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક ઉત્થાન થવાને પરિણામે જ ત્યાં એક મહિલા વડા પ્રધાન પદ પર આવ્યાં, આઝાદીને 19માં અને 50માં વર્ષે ‘અછૂત’ ગણાતા વર્ગની વ્યક્તિઓ પોતાની ગુણવત્તાને આધારે રાષ્ટ્રપતિ બન્યા, એટલું જ નહીં, એ દેશે બે મુસ્લિમ રાષ્ટ્રપતિ, બે મહિલા રાષ્ટ્રપતિ અને એક શીખ વડા પ્રધાન પણ આપ્યા. જ્યારે પણ કોઈ સંઘર્ષનો નિવેડો શાંતિમય માર્ગે આવે ત્યારે તેના પરિણામો લાંબા સમયના શાંતિપૂર્ણ શાસન અને સમગ્ર પ્રજાની ઉન્નતિ લાવે તેની આ સાબિતી.

ભારતની આઝાદીને પગલે ઈ.સ. 2000 સુધીમાં એશિયા અને આફ્રિકાના સોએક જેટલા સંસ્થાનો વિદેશી શાસનથી મુક્ત થયા, પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદી આપખુદશાહીનો અંત આવ્યો અને અમેરિકા તથા દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિ નાબૂદ થઇ, એટલું જ નહીં, એ બંને દેશોમાં અશ્વેત ઉમેદવારો રાષ્ટ્રપતિ પદે પણ ચૂંટાયા. શ્રી લંકા અને ચીલી જેવા દેશોમાં પણ મહિલાઓએ રાષ્ટ્રપતિ પદ શોભાવ્યા. બોલિવિયામાં તો એક આદિવાસી કોમની વ્યક્તિ સર્વોચ્ચ સાથે પહોંચી. જર્મનીની દીવાલ તૂટી, રશિયાના સામ્રાજ્યનો અંત આવ્યો અને મોટા ભાગના દેશોમાં લોકશાહીનાં પગરણ થયાં. આ તમામ પરિવર્તનો નિ:શસ્ત્ર ચળવળ મારફતે આવ્યા એ શું પુરવાર કરે છે? આટલી સાબિતીઓને અંતે પણ પ્રેમ અને શાંતિનો કે નફરત અને હિંસાનો એ બેમાંથી કયો માર્ગ લેવો એ નક્કી નહીં કરીએ?

આજે દુનિયાના ઘણા દેશોમાં રાષ્ટ્રવાદને નામે જમણેરી વિચારધારા પ્રસાર પામતી જોવા મળે છે, જેને કારણે શરણાર્થીઓ અને લઘુમતી કોમ માટે નફરતની લાગણી જ્વાળામુખીની માફક વિનાશકારી પરિણામો લાવવા માંડી છે. ભારતની વાત કરીએ તો આપણા રાજ્ય બંધારણ મુજબ સરકાર સમાન માનવ અધિકારો અને ધર્મનિરપેક્ષતાની સુરક્ષા કરવા વચનબદ્ધ હતી અને રહેવી જોઈએ. તેને બદલે સત્તાના મદમાં અંધ બનેલી સરકાર લઘુમતી કોમને નામશેષ કરીને ભારતને માત્ર હિન્દુ રાષ્ટ્ર બનાવી કાઢવા તત્પર બની છે. શું આ ગાંધી અને તેમના સાથી સ્વાતંત્ર્ય વીરોનાં સ્વપ્નનું સ્વતંત્ર ભારત છે?

છેલ્લા બે દાયકાના વિશ્વ પ્રવાહોનો અભ્યાસ કરતાં જણાશે કે હવે યુદ્ધો બે દેશના સૈન્યો વચ્ચે નથી ખેલાતાં. ધર્મને નામે આતંકવાદીઓના જૂથ અન્ય ધર્મીઓ અને પોતાનાથી અલગ માન્યતા ધરાવતા દેશો પર આતંકી હુમલા કરીને વિનાશ વેરે છે. બીજા શબ્દોમાં આધુનિક ટેકનોલોજી સુલભ બનતાં યુદ્ધનું ખાનગીકરણ થઈ ગયું. આથી જ તો 11 સપ્ટેમ્બર 2001ના અમેરિકાના ટ્વીન ટાવર પરના હુમલાથી શરૂ કરીને પાંચેય ખંડમાં અનેક આતંકી હુમલાઓ થયા, જે 7મી ઓક્ટોબરના ઇઝરાયેલના કિબુત્ઝ સુધી આવીને અટક્યા છે. હવે આનો અંત આવશે ક્યારે?

આંતરિક સંઘર્ષો પાછળ બે સંપ્રદાયો વચ્ચે સત્તાની સાઠમારી, બીજા દેશ પરના આક્રમણ માટે સામ્રાજ્ય વિસ્તારની લાલસા અને અન્ય દેશોના વિખવાદ વચ્ચે લશ્કરી સહાય આપવા પાછળ પશ્ચિમી દેશોના લોકશાહીનો પ્રસાર કરવાની મહત્ત્વાકાંક્ષા જેવા પરિબળો કારણભૂત સાબિત થયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે 1980થી 1995ના ગાળામાં અમેરિકાએ ભૂમધ્ય પ્રદેશના 17 દેશોમાં સશસ્ત્ર સંઘર્ષમાં સાથ આપ્યો હતો અને ‘95 બાદ બીજા સાત દેશોમાં  અન્ય મિત્ર રાજ્યોના સહકારથી યુદ્ધ દ્વારા વિનાશ વહોરવામાં સહાય કરી. એ બધા દેશો મુખ્યત્વે ઈસ્લામિક દેશો છે, એ શું સૂચવે છે? જો યુદ્ધો અને આતંકી હુમલાઓ કાયમ માટે અટકાવવા હોય તો આગળ ઉલ્લેખ કર્યો છે એ ત્રણેય પ્રેરક પરિબળોને નાથવા અનિવાર્ય છે. યુ.એન. જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસ કરતા આવ્યા છે. કેટલે અંશે સફળ થયા ગણાય?

હાલમાં બે યુદ્ધો તાત્કાલિક ઉકેલ માંગે તેવા છે; યુક્રેન પર રશિયાની ચડાઈ અને ઇઝરાયેલની પેલેસ્ટાઇનને ખતમ કરવાની ચાલ. 1938માં પેલેસ્ટાઇનની ભૂમિ પર જુઇશ પ્રજાને ઇઝરાયેલની રચના કરીને માદરે વતન બનાવવાની યોજના સમયે ગાંધીજીએ કહેલું, “જુઇશ પ્રજા પ્રત્યેની મારી સહાનુભૂતિ મને ન્યાય પ્રત્યે અંધ નથી બનાવતી. જુઇશ લોકોને આરબ લોકો પર લાદવા એ તદ્દન ખોટું છે, અમાનવીય છે. તેનો ઉમદા માર્ગ તો એ છે કે તેઓ જ્યાં જન્મ્યા અને ઉછર્યા હોય ત્યાં તેમના પ્રત્યે ન્યાયી વ્યવહાર થાય તેનો આગ્રહ સેવવો. દરેક દેશ તેમનું વતન છે, પેલેસ્ટાઇન સુધ્ધાં; પરંતુ એ બળજબરીથી પચાવી પડેલું નહીં, પ્રેમથી મેળવેલું હોવું જોઈએ.”  ગાંધીજીની આ સલાહ ઇઝરાયેલની રચના કરનારા દેશોએ ન ગણકારી. પરિણામ? પેલેસ્ટાઇનના ભાગલા થયા, 7,00,000 જેટલા પેલેસ્ટીનિયન્સને તડીપાર કર્યા અને ત્યાં મુખ્યત્વે પૂર્વ યુરોપ તથા રશિયાથી આવેલા જુઇશ લોકોની વસાહત ઊભી કરી. 1947માં થયેલા ભારતના વિભાજન સાથે આ ઘટના સરખાવી શકાય. બે દેશો વચ્ચે કાયમી દુ:શ્મનાવટ કેવી રીતે ઊભી કરી શકાય એ પૂરી દુનિયાએ જાણ્યું.

ઇઝરાયેલનાં કેટલાંક પગલાંઓને પડકાર આપનાર ત્યાંના જ એક ઇતિહાસવિદ ટોમ સેગેવનો મત નોંધનીય છે. મૂળ વતન વિહોણી પ્રજા માટે પેલેસ્ટાઇન એક પ્રજા વિનાનો દેશ છે એવી માન્યતા જે પેલેસ્ટાઈનને યહૂદીઓનો મુલક બનાવવાની યોજનાના સમર્થકોની છે એ બિનપાયાદાર છે તેમ તેઓ માને છે. તો પછી બ્રિટિશ જનરલ વોલ્ટર કોન્ગ્રેવે કહેલું તેમ ઇંગ્લેન્ડ ઈટલીની માલિકી છે એમ જાહેર કરી શકાય કેમ કે એક સમયે રોમન પ્રજાએ તેના પર રાજ્ય કરેલું, તો શું એ યોગ્ય ગણાશે? 1993માં શાંતિ કરાર થયા. ઇઝરાયેલે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઈઝેશનને પેલેસ્ટાઇનનું પ્રતિનિધિત્વ કરનાર સંગઠન તરીકે માન્યતા આપી, તો સામે પક્ષે પેલેસ્ટાઇને ઇઝરાયેલનું એક રાજ્ય તરીકેનું અસ્તિત્વ સ્વીકાર્યું અને બંને દેશોએ હિંસક હુમલા અને આંતકવાદને પૂર્ણવિરામ આપવા સહમતી સાધી. બંને દેશની પ્રજાએ હિંસા મુક્ત ભાવિની કલ્પના કરતાં માંડ શ્વાસ હેઠો મૂક્યો ત્યાં એક પાગલ યુવકે ‘ઈશ્વર દત્ત ભૂમિ આપી દેવા’ બદલ ઇઝરાયેલના વડા પ્રધાન યીટઝાક રબીનની 1995માં હત્યા કરી. એક ખુન્નસથી પ્રેરાયેલા યુવકના અવિચારી પગલાથી માત્ર પેલેસ્ટાઇન, ઇઝરાયેલ અને એશિયા માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે ભયાનક કરુણ પરિસ્થિતિ સર્જાઈ. ખૂબી એ વાતની છે કે આટલા બધા સંહારના અનહદ દુઃખદ પરિણામો ભોગવવા છતાં મુસ્લિમ દેશો પેલેસ્ટાઇનના આતંકવાદી જૂથોને અને અમેરિકા સહિત લોકશાહી ધરાવતા દેશો ઈઝરાયેલને શસ્ત્રો પૂરા પાડીને યુદ્ધની સ્થિતિને જ કાયમ કરી રહ્યા છે. ‘સુરક્ષાની વાડ’ બાંધવા 700 કિલોમીટર લાંબી અને બર્લિનની દીવાલ કરતાં બમણી ઊંચાઈ વાળી 15 ફૂટ ઊંચી દીવાલ બાંધીને ઇઝરાયેલે વેસ્ટ બેન્કની ત્રણ મિલિયન પ્રજાને 16 મુલ્કના પ્રતિબંધિત વિસ્તારમાં પૂરી દીધા. તેમાં અને દક્ષિણ આફ્રિકાના રંગભેદી રાજ્યના ‘બાન્ટુનીસ્તાન’માં શો ફર્ક? રાવણને દસ માથાં હોવાનું મનાય છે, તો હામાસને પાંચ હશે જ. આતંકવાદીઓને નિર્મૂળ કરવાના ઉમદા હેતુથી ઇઝરાયેલે માંડેલ યજ્ઞ ગાઝા, લેબેનોન, ઇરાક અને યમનમાં હામાસના માસિયાઈ જૂથો સામે લડાઈ કરવા છતાં પૂરો નથી થયો. કારણ? હિંસા પ્રતિ હિંસા કરવાથી સમસ્યા હલ ન થાય એ સોનેરી નિયમનું પાલન નથી થતું.

તાજેતરમાં દુનિયા ભરના કરોડો લોકો અને યુ.એન.ના 153 દેશોના પ્રતિનિધિઓએ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામ કરવા ઠરાવ કર્યો, પણ યુ.એસ.એ. તેના વિરુદ્ધ વીટો વાપર્યો. અહીં એ નોંધવું જરૂરી છે કે 1945થી 2023 સુધીમાં યુ.એન.ના સલામતીના ઠરાવોમાંથી અમેરિકાએ 89 ઠરાવો સામે પોતાનો વીટો વાપર્યો છે, જેમાં મોટા ભાગના ઇઝરાયેલના પેલેસ્ટાઇન સામેના આક્રમણ અંગે હતા. અને છતાં યુક્રેઇન અને હવે તો પોલેન્ડ પણ અમેરિકાની શસ્ત્ર સહાય માટે પોતાના દેશની પ્રજાનું આત્મ સમ્માન હોડમાં મુકવા તૈયાર છે.

પાસ્કલ અલાન નાઝરથ

માનવતામાં વિશ્વાસ ધરાવનારા આપણે સહુ જાણીએ છીએ કે આખર આ યુદ્ધોનો અંત આવશે જ, શાંતિ સ્થપાશે જ. સવાલ એ છે કે યુક્રેઇન-રશિયા અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે સંબંધો કેવા રહેશે? પરસ્પર વૈમનસ્ય કાયમ રહેશે કે દક્ષિણ આફ્રિકાની માફક ‘રેઈનબો નેશન’ રચાશે? સ્પેનમાં આશરે 800 વર્ષ સુધી અને ઓટોમન સામ્રાજ્યમાં 1500-1920 સુધી મુસ્લિમ અને જુઇશ પ્રજા હળીમળીને રહેતી અને સુમેળથી કામ કરતી, એટલે પેલેસ્ટાઇન અને ઇઝરાયેલને પોતે અમનથી જીવવા અને બીજાને પણ શાંતિથી જીવવા દેવાની તક આપવાની શક્યતાઓ વધુ છે. પણ એ માટે ધીરજ ધરવાનું કહેવું આપણા માટે સહેલું છે, લડાઈની સંહારક શક્તિનો ભોગ બનેલાઓ માટે એ કઠિન છે. એવે સમયે પાસ્કલ નાઝરથે ટાંકેલા ગાંધીજીના વચનને દોહરાવું : “જ્યારે નિરાશા ઘેરી વળે ત્યારે મને એ હકીકત યાદ આવે કે ઇતિહાસ દર્શાવે છે કે પ્રેમ અને સત્યના માર્ગનો હંમેશાં વિજય થાય છે. જુલ્મી અને ખૂની ઘણા થઇ ગયા, અને થોડા સમય માટે તેઓ અજેય લાગે, પરંતુ અંતે તો હંમેશ તેમનું પતન થતું જ હોય છે.”

ધર્મ અને વેપારને નામે આવી રહેલા રાજ્યવિસ્તારના ઘોડાપૂરને ખાળવા અને તેને પગલે આચરવામાં આવતી હિંસાને રોકવા આપણે સાચો માર્ગ લેવો રહેશે. વધુ એક ક્રાંતિનો સમય પાકી ગયો લાગે છે. હિંસક માર્ગની વિફળતા પુરવાર કરવા વધુ લોહી રેડવાની જરૂર નથી. ગાંધી ચિંધ્યા અહિંસક માર્ગને અપનાવીએ તો આવતી પેઢી આપણો ઉપકાર માનશે.

પ્રોફેસર યોહાન ગૅલ્ટન્ગ ગાંધીને યોગ્ય અંજલિ આપતાં લખ્યું, “ગાંધી ખરેખર એક ક્રાંતિકારી હતા, પશ્ચિમના ક્રાંતિકારીઓ, કે જેમણે બુર્ઝવા, સમાજવાદી અને નારીવાદી ક્રાંતિ આણી તેમના કરતાં પણ મોટા ક્રાંતિવીર હતા. ગાંધીએ ખુદ ક્રાંતિમાં જ ક્રાંતિ લાવી દીધી.”

e.maill : 71abuch@gmail.com

Loading

16 March 2025 Vipool Kalyani
← ટ્રમ્પને સત્તા વાપરતા આવડે છે, બુદ્ધિ વાપરતા નથી આવડતું.
નવી શિક્ષણ નીતિ 2020 પેચીદો વિષય : પરિવર્તનશીલ કે રાજકીય શતરંજની એક ચાલ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved