Opinion Magazine
Number of visits: 9450098
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગણોતિયા જમીનદાર કેવી રીતે બન્યા?

રમેશ સવાણી|Opinion - Opinion|12 January 2025

હરિ દેસાઈ

આઝાદી પહેલાં સૌરાષ્ટ્રમાં લગભગ 222 રજવાડાં હતાં. જમીનની માલિકી રજવાડાની હતી. રાજા ઇચ્છે તો ગમે ત્યારે ગણોતિયા જેવા ખેડૂત પાસેથી જમીન છીનવી લે. 

જમીનના ભોગવટાની દૃષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચી શકાય : (1) ખાલસા (2) ગરાસદારી (3) બારખલી … ખાલસા જમીન એ હતી જે રાજવીઓએ આ પ્રદેશમાં વિજય દ્વારા અને પછી વંશપરંપરાની રીતિથી મેળવી હતી. ખેડૂતોને તે ખેડવા અપાતી. ખેડૂત સીધા રાજ્યને જમીનમહેસૂલ ભરતા હતા. માત્ર ગોંડલ રાજ્યે ખેડૂતોને જમીનના સંપૂર્ણ કબજા હક આપેલા. ગરાસદારી જમીન એ હતી કે નાના તાલુકેદારો, મૂળ ગરાસિયા તથા ભાગીદારોને અપાયેલી હતી. જમીનની માલિકીનો ત્રીજો પ્રકાર બારખલીનો હતો. તેમની જમીનની ખેતપેદાશ ખળામાં જમા કરાવવાને બદલે ખળાની બહાર રખાતી હતી. તેથી તેઓ બાર (બહાર) ખલીદાર કહેવાતા. તેમનો જમીન માલિકી હક નહોતો, પણ ઊપજનો હક હતો.

‘ઉ.ન. ઢેબર : એક જીવનકથા : લોકાભિમુખ રાજપુરુષ’ પુસ્તકના લેખક મનુ રાવળે સૌરાષ્ટ્રમાં કેવી શોષણપદ્ધતિ હતી એનું કંપારી છૂટે તેવું વર્ણન કર્યું છે : “ગુજરાતના ગાયકવાડે (વડોદરા રાજ્યના મહારાજા) ગુજરાત અને કાઠિયાવાડમાં પોતાની આણ ફરકાવી અને ખંડિયા રાજાઓ પાસેથી ખંડણી ઉઘરાવવી શરૂ કરી. આ કામમાં અંગ્રેજોએ લશ્કરી મદદ પૂરી પાડી કાઠિયાવાડમાં પગપેસારો કર્યો. 1807માં કર્નલ વોકરના કરારનામા નીચે રાજાઓ, દરબારો, તાલુકદારો અને ગરાસદારોની 202 શોષણખોર ઘટકોની ભૂતાવળ ઊભી થઈ. કર્નલ વોકરના 1807ના કરારનામાથી શરૂ કરી 1947માં સ્વરાજ આવ્યું ત્યાં સુધીનો, લગભગ 150 વર્ષનો ઇતિહાસ કાઠિયાવાડના જમીનદારી ગણોતિયાની લાંબી યાતનાની કારમી કહાણી છે.”

“રાજ્યના ખાલસા ખેડૂતો અને જમીનદારીના ગણોતિયા ખેડૂતો એવી જમીનખેડની બે સ્પષ્ટ પ્રથાઓ ઊપસી આવી. આમાં રાજ્યના ખાલસા ખેડૂતો અસહ્ય કરબોજ અને અનેક પ્રકારના હાસ્યાસ્પદ કરવેરા અને વેઠેતર કરવાં પડતાં, પણ જમીનદારી ગણોતિયાની દશા તો ગુલામો કરતાં પણ વધારે ખરાબ હતી. ખેડૂતોને મજૂરીનો જ અધિકાર હતો અને કમાણી ગરાસદાર કે દરબાર કરતો. ખેડૂતને ગમે ત્યારે હદપાર કરાતો તેથી જમીનની કેળવણી કે જાળવણીમાં એને કશી મમતા બંધાતી નહીં. બધા ખેડૂતો ખેડહક્ક એટલે કે જમીનદારની મરજી પર નભતા અને ખેડૂતને જમીન ઉપર કોઈ દાવો ન હતો. વર્ષને અંતે કરવેરા, લાગોલેતરી અને માનામાપા આપ્યા પછી ખેડૂત પાસે સામેના ચોમાસા સુધી તેના કુટુંબના નિર્વાહ માટે પૂરું અન્ન પણ રહેતું નહીં. ખળાંમાંથી પછેડી ખંખેરીને સીધા શાહુકારને ઘેર આવતા વર્ષના પાકને ગીરો મૂકી રોટલા ભેગા થવાનો વખત આવતો.”

15 એપ્રિલ 1948ના રોજ કાઠિયાવાડનાં બધાં રાજ્યોની સોંપણી પૂરી થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રનો રાજ્યવહીવટ એકતંત્રી રાજ્ય તરીકે ચાલુ થયો કે તેના પ્રથમ કાર્ય તરીકે રાજ્યે એક ક્રાંતિકારી ઉદ્ઘોષણા દ્વારા બધા ખાલસા જમીનના ખેડૂતોને જમીન કબજા હક્કની બક્ષિસ આપી. જમીન મહેસૂલ સિવાયના 90થી પણ વધારે અન્યાયી અને હાસ્યાસ્પદ કરવેરા નાબૂદ કર્યા અને વેઠની ગુલામી પ્રથાને સદંતર દેશવટો આપ્યો.

ઢેબર સરકારના આવા ક્રાંતિકારી નિર્ણયો સામે સ્વાભાવિક હતું કે રાજવીમંડળ અને ગરાસદારો વિરોધ કરે. કેટલાકે સત્યાગ્રહ આદર્યા. પણ બીજાઓએ તો હિંસાનો માર્ગ અપનાવ્યો. ઢેબર જેવા અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના શિષ્યો સામે રાજવીઓએ બહારવટિયા પોષ્યા અને હત્યાઓના કારસા રચ્યા. એક તબક્કે તો ધારાસભાની ચૂંટણી વખતે નિર્દોષોની હત્યાઓના સમાચારને પગલે મુખ્ય મંત્રી ઢેબરે ચૂંટણીમાંથી ખસી જવાનું નક્કી કર્યું, પરંતુ એમના સાથી અને વાસાવડના તાલુકદારના પરિવારના દેવેન્દ્રકુમાર દેસાઈ(સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિવાળા)એ એમણે સમજાવી લીધા. 

મનુ રાવળે નોંધ્યું છે : “ગરાસદારો અને રાજવીમંડળના અશુભ ગઠબંધનને લીધે, નિર્દય અને ભીષણ બહારવટિયાઓની હારમાળાએ આખા પ્રદેશમાં સ્તબ્ધતા ફેલાવનારું ભયજનક વાતાવરણ સર્જવા ઉપરાંત સેંકડો ખેડૂતોના જાનમાલને હાનિ પહોંચાડી અને પ્રજા અને રાજ્યતંત્રની કપરી કસોટી કરી. બહારવટિયાનો દીર્ઘકાળનો કાળો કેર સર્જવામાં અને નિભાવવામાં સૌરાષ્ટ્રનાં અનેક અનિષ્ટ સામંતશાહી પરિબળો, જેમાં રાજપ્રમુખના (જામ સાહેબના) મહેલથી શરૂ કરી કેટલાયે રાજવીઓ, દરબારો, ભાયાતો અને કુંવરોએ નપાવટ ભાગ ભજવ્યો. અંતે રાજ્યે આવાં તત્ત્વોને જેર કર્યાં. તે પછી અસામાજિક વિદ્રોહની ભૂતાવળનો અંત આવ્યો.”

સેંકડો નિર્દોષ ખેડૂતોના ડાકુ ભૂપત અને તેની ટોળી દ્વારા ખૂન થવા લાગ્યાં ત્યારે મુખ્ય મંત્રી ઢેબરે વિધાનસભામાં કહ્યું હતું : “આપણે જીવનભર બહારવટિયાની રંજાડો જોયેલી છે. આજે પણ આપણા મનમાં છૂપી રીતે તારીફનો પ્રવાહ વહી રહ્યો છે. હું માનું છું કે તેમાંથી જ બહારવટિયા જન્મે છે. ગૃહ મંત્રી(રસિકલાલ પરીખ)ને ઉતારી પાડશો, ઢેબર સરકારને ઉતારી પાડશો અને વ્યક્તિગત સંતોષ માટે ખૂનની તારીફ કરશો તો ખૂનીની તારીફ પણ ભેગી ભેગી થઈ જશે!”

ગણોતિયાને જમીનના માલિક બનાવનાર ઢેબરભાઈ કોણ હતા?

રાજમહેલના ઇશારે હત્યાઓ કરીને મુખ્ય મંત્રી ઢેબરને ડગાવવાનો પ્રયાસ કરનાર ભૂપત પોલીસની ભીંસ વધતાં પાછળથી પાકિસ્તાન નાસી ગયો. ભૂપતનું બહારવટું કોઈ સરકારી અન્યાયમાંથી નહીં, ચોરી-લૂંટમાંથી થવા પામ્યું હતું. ઝાલાવાડના મુંજપુર ખાતેના આશ્રમમાં સ્વામી શિવાનંદજી ખેડૂતોના પક્ષે રહ્યા અને ગીરાસદારી નાબૂદી ધારાના સમર્થનમાં પ્રવાસ ખેડતા હતા ત્યારે તેમને એમના આશ્રમમાં જ બારીમાંથી બંદૂકના ભડાકે દેવાયા અને સ્વામી હસતે મોઢે મોતને ભેટ્યા. ભૂપત અને બીજા ડાકુઓ મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીની હત્યા કરવા ફરતા હતા. નામીચા ડાકૂઓમાં ભૂપત, રામ બસીયો, કાળુ વાંક, લખુ માંજરિયો, સજુલા, મંગળસિંહ, દેવાયત, મેસુર, ભગુ પરમાર, વશરામ કાળા અને માવજી ભાણાનાં નામ અગ્રેસર હતાં.

ઢેબરના જમીન સુધારાથી સામંતશાહીનો અંત આવ્યો અને ખેડૂતો માટે નવી આશા જન્માવી. વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ 4 ઑક્ટોબર 1951ના રોજ મુખ્ય મંત્રીઓને લખ્યું : “મને તાજેતરમાં સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રીનો પત્ર મળ્યો છે. તેમાં ખેતીની જમીનમાં તેમણે ક્રાંતિકારી ફેરફારો કર્યા અને જમીનદારી પ્રથા કૃષિની જમીનમાંથી સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી છે. આ કાર્ય મોટે ભાગે સંબંધિત સર્વેની સમજણ અને સંમતિથી કરવામાં આવ્યું છે. હવે તેઓ બિનકૃષિ જમીન, કરજ નિવારણ તથા કૃષિ જમીનના ટુકડાઓના એકીકરણ માટેનાં પગલાં લઈ રહ્યા છે. હજુ હમણાં સુધી સૌરાષ્ટ્રની તસુએ તસુ જમીન જમીનદારો અને ગરસદારોની સત્તા નીચે હતી. આ બધાનો હવે અંત આવ્યો છે. હું ઇચ્છું છું કે બીજાં રાજ્યોમાં પણ આવી પ્રગતિ સાધવામાં આવે.”

મૂળે જામનગરના અલિયાબાડા પાસેના નાનકડા ગામ ગંગાજળામાં નાગર જ્ઞાતિમાં જન્મેલા અને વ્યવસાયે વકીલ એવા ઉછંગરાય નવલશંકર ઢેબર (21 સપ્ટેમ્બર 1905 – 11 માર્ચ 1977) ગાંધીજીના રંગે રંગાયા અને વકીલાત છોડી આઝાદીની લડતમાં જોતરાયા હતા. આઝાદી આવતાં તેઓ 6 વર્ષ સુધી સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી રહ્યા. એ પછી એમને અખિલ ભારતીય કૉંગ્રેસના અધ્યક્ષ બનાવાયા અને ત્રણ ત્રણ મુદ્દત માટે કૉંગ્રેસના અધ્યક્ષ રહ્યા. સાદગીને એમણે મુખ્ય મંત્રી તરીકે અને અખિલ ભારતીય કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ સતત જાળવી. સાદગી એમનો જીવનમંત્ર હતો. એમના અધ્યક્ષપદે જ 1955માં મદ્રાસના આવડી કૉંગ્રેસ અધિવેશનમાં પાંચ લાખ કૉંગ્રેસજનોની ઉપસ્થિતિમાં ઐતિહાસિક ‘સમાજવાદી સમાજરચના’નો ઠરાવ મંજૂર થયો હતો. કૉંગ્રેસના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા પછી એમણે 1963થી 72 સુધી દેશના ખાદી ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષનો અખત્યાર પણ સંભાળ્યો હતો. તેઓ રાજકોટ બેઠક પરથી 1962માં લોકસભામાં પણ ચૂંટાયા હતા.

પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્ર-તેલંગણમાં જમીનદારો અને ગણોતિયાઓ વચ્ચે હિંસક સંઘર્ષ થતા રહ્યા અને નકસલવાદ વકર્યો એ સૌરાષ્ટ્રમાં ઢેબરના દીર્ઘદૃષ્ટિવાળા આયોજનને કારણે ખાળી શકાયો. સૌરાષ્ટ્ર વિધાનસભાએ પસાર કરેલા ત્રણ ધારાઓમાં સૌરાષ્ટ્ર જમીન સુધારણા ધારો, સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી ધારો અને સૌરાષ્ટ્ર જાગીર પ્રાપ્તિ ધારો હતા. પહેલો ધારો જમીનમાં માલિકી દાવો ધરાવતા, તાલુકદારો, ભાયાતો, ગરાસદારો અને મૂળ ગરાસદારોને સ્પર્શતો હતો. બીજો જેમને જમીનના ભોગવટાનો જ અધિકાર હતો તેવા બારખલીદારો, જીવાઈદારો, ચાકરિયાતો અને ધર્માદા અને ખેરાતી સંસ્થાઓને લાગુ પડતો હતો. ત્રીજો ધારો ખેડવાણ અને બિનખેડવાણ ખરાબો, ઘાસિયા જમીન, ખેતઘરો, ગૌચર, રસ્તાઓ, નદીનાળા વગેરેનું યોગ્ય વળતર આપી સરકાર તે પ્રાપ્ત કરી શકે તેવી જોગવાઈઓ કરતો હતો. પ્રથમ બે કાનૂન 1 સપ્ટેમ્બર 1951થી અને ત્રીજો ધારો ફેબ્રુઆરી 1952થી અમલમાં આવ્યો. સરકારે જમીનદારો પાસેથી ગણોતિયાને નામે જમીન કરવામાં અમુક રકમ (વાર્ષિક આકારણીની છ ગણી રકમ) જમીન મેળવનાર ચૂકવે એવી જોગવાઈ કરી અને ગણોતિયા પાસે એ માટે નાણાં ના હોય ત્યારે એ માટે અલગ લૅન્ડ મોર્ટગેજ બૅંકની વ્યવસ્થા કરી એને ધિરાણ પણ આપ્યું. પ્રારંભિક વર્ષોમાં આ કાયદાઓના અમલમાં મુશ્કેલી પડવી સ્વાભાવિક હતી. સામંતશાહીના પ્રભાવને તોડવાનું સરળ નહોતું, પણ ઢેબરના મજબૂત સંકલ્પ અને સાથીઓની નિષ્ઠાના પ્રતાપે માથે મોત ભમતું હોવા છતાં એની પરવા કર્યા વિના એનો અમલ કર્યો.

જમીન સુધારણાના કાયદાથી જમીનદારો અને બારખલીદારોના ગણોતિયા ખેડૂત જમીનના માલિક બન્યા. એ સાથે-સાથે જમીનદારો અને બારખલીદારો પણ જાતખેડ માટે જમીન મેળવીને ખેડૂત બન્યા. લગભગ 33,000 જેટલા ગરાસ ધરાવતા જમીનદારો પાસે તેમના કબજા હકની આ રીતે 29,00,000 એકર જમીન ઘરખેડમાં પ્રાપ્ત થઈ. જ્યારે તેમના ગણોતિયા ખેડૂતો આશરે 55,000 જેટલા હતા. તેમને 17,00,000 એકર જમીનનો કબજા હક મળ્યો. તેવી જ રીતે 19,900 જેટલા બારખલીદારો પાસે 80,000 એકર જમીન હતી. તેમાંથી 5,600ને 1,60,000 એકર જમીન ઘરખેડમાં અપાઈ. જ્યારે આ બારખલીદારોના 28,000 જેટલા ગણોતિયાઓને 5,70,000 એકર જમીનના કબજા હક મળ્યા. કબજેદાર બનેલા ગણોતિયાઓએ હવે સરકારને સીધું મહેસૂલ ભરવાનું હતું.

હીરાઉધોગ કે બાંધકામ ઉદ્યોગ સહિતના વેપાર-ઉદ્યોગમાં જ નહીં રાજકારણમાં પણ બે પાંદડે થયેલા પાટીદારો વાસ્તવમાં તો જૂના સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડમાં ખેતમજૂરની અવસ્થામાં હતા. ભલું થજો સૌરાષ્ટ્રના ગાંધીવાદી મુખ્ય મંત્રી ઉછંગરાય નવલશંકર ઢેબરનું કે ગરાસદારીનો અંત આણ્યો. જમીનના માલિક ગરાસદારો, બારખલીદારો, તાલુકદારો સહિતના સાથે પ્રેમથી મંત્રણાઓ કરીને એનો અમલ કરાવ્યો. નાયબ વડા પ્રધાન અને ગૃહ મંત્રી સરદાર પટેલ રાજા-રજવાડાં થકી ખેડૂતોના શોષણ સામેની લડત અને સૌરાષ્ટ્રની પ્રજાના અધિકાર માટેની લડતમાં સદૈવ સાથ આપતા રહ્યા. બારખલીદારોના પ્રતિનિધિ એવા લોકકવિ દુલા ભાયા કાગનું પણ યોગદાન હતું. 

દેશમાં ક્રાંતિકારી પગલું ભરીને ગુલામીમાં સબડતા ખેતમજૂરોને જમીનના માલિક બનાવનાર મુખ્ય મંત્રી ઉ.ન. ઢેબરનો ઉપકાર માત્ર પટેલ ખેડૂતો પર જ નહોતો, જમીન વિહોણા દલિતો અને અન્ય ખેતમજૂરો પર પણ હતો. તેમને જમીન મળી રહે અને સ્વાભિમાન સાથે એ જીવી શકે એ માટેની તેમણે વ્યવસ્થા કરી. આવું ક્રાંતિકારી કામ ગુજરાતના કોઈ મુખ્ય મંત્રીએ કર્યું નથી. ઢેબરભાઈએ જે કર્યુ તે ‘સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ’ પણ કરી શક્યા ન હતા ! કમનસીબે આજના રાજનેતાઓના ભભકા અને રાજવી સાહ્યબીમાં જીવવાના માહોલમાં બહુ ઓછા એવા છે જે આ ઢેબરભાઈનું સ્મરણ કરે છે. ક્યારેક એવું કહેવાનું મન થાય છે કે આપણે કેટલા નગુણા થઈ ગયા છીએ ! 

[સૌજન્ય : વરિષ્ઠ પત્રકાર ડૉ. હરિ દેસાઈ]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

12 January 2025 Vipool Kalyani
← નાગરિકી નિસ્બતનું નોખું ઉદાહરણ
કામના કલાક કે ક્લાકનાં કામ …  →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved