
રમેશ ઓઝા
વિરોધ પક્ષોના દબાવમાં આવીને કેન્દ્ર સરકારે સરકારી વહીવટીતંત્રમાં સીધી ભરતી કરવાનો પ્રયત્ન છોડી દીધો છે. સરકારે ૪૫ જગ્યાઓ માટે અરજી મગાવી હતી.
અહીં જેને અંગ્રેજીમાં લેટરલ કહેવામાં આવે છે એ શું છે એ પહેલાં સમજી લઈએ. લેટરલનો અર્થ કોઈ જગ્યાએ પ્રવેશ આપવા માટે નિર્ધારિત કરવામાં આવેલા નિયમો અને નિયમો આધારિત લાઈનને તોડીને સીધો પ્રવેશ આપવો. એમ કહો કે ફ્રન્ટના દરવાજાની જ્ગ્યાએ સાઈડના દરવાજેથી પ્રવેશ આપવો, જે રીતે ભીડવાળા મંદિરોમાં ખાસ લોકોને બાજુના દરવાજેથી પ્રવેશ આપીને દર્શનનો લાભ આપવામાં આવે છે. લેટરલ શબ્દ શિક્ષણ માટે વાપરવામાં આવે છે. ઉદ્દેશ એ છે કે વિલક્ષણ પ્રતિભાને લાઈનમાં ઊભી રાખીને વેડફી નાખવાની ન હોય. એને માટે નિયમોમાં બાંધછોડ કરવી જોઈએ.
કેન્દ્ર સરકાર કહે છે કે દેશને અલગ ઊંચાઈએ લઈ જવો હોય તો સરકારી તંત્રમાં પ્રતિભાશાળી લોકોની જરૂર છે અને દેશમાં એવા લોકોની કોઈ અછત નથી. સમસ્યા ધારાધોરણો અને નિયમોની છે. તેમણે સનદી અને બીજી સરકારી સેવાઓની પરીક્ષા આપવી પડે છે, તેમણે જે તે રાજ્ય પસંદ કરવાં પડે છે, તેમની કેડર બને છે અને કેડરની શિસ્ત જાળવવી પડે છે, ભરતી અને બઢતીમાં અનામતની મર્યાદા પાળવી પડે છે, પગારનાં ધોરણમાં વ્યક્તિની પ્રતિભા જોઇને બાંધછોડ કરી શકાતી નથી, વગેરે વગેરે. અંધેર નગરી અને ગંડુ રાજાવાળી વાર્તામાં કહેવામાં આવે છે એમ ટકે શેર ખાજા ટકે શેર ભાજી જેવી સ્થિતિ હોય છે. આ લેટરલ એન્ટ્રીની તરફેણમાં કરવામાં આવતી દલીલો છે.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વારાથી આપણે જોઈએ છીએ કે લૂટ દેશને નવી ઊંચાઈએ લઈ જવાના નામે જ કરવામાં આવે છે. સુધારા, રિફોર્મ્સ, રિસ્ટ્રકચરીંગ, કાર્યક્ષમતા, ઉત્પાદકતા, કલ્પનાશીલતા જેવા ભારે ભરખમ અને રૂપાળા શબ્દો પ્રયોજવામાં આવે છે. આજે ને આજે જો અર્થતંત્રને અને સરકારી નિર્ણય પ્રક્રિયા તેમ જ કામકાજને સરકારી અમલદારશાહીની નાગચૂડમાંથી મુક્ત નહીં કરીએ તો દેશ પાછળ રહી જશે. માટે ખનાગી પ્રતિભાશાળી લોકોને સરકારમાં પ્રવેશ આપવો જોઈએ. રોમાંચ થાય એવી વાત છે નહીં! કેટલી તત્પરતા આપણા નેતાઓ ધરાવે છે. માનવું પડે.
સરકારની કાર્યક્ષમતાને સુધારવા માટેના બે માર્ગ છે. એક માર્ગ છે પ્રતિભાશાળી લોકોને સરકારીતંત્રમાં સીધો પ્રવેશ આપવો અને બીજો માર્ગ છે સમયે સમયે જરૂરિયાત અનુસાર તંત્રમાં સુધારા કરવા. તંત્રને ચુસ્ત અને દૂરુસ્ત રાખવું. દરેક મશીનને ઉંજવાની જરૂર પડે છે, સરકારી તંત્ર પણ એક મશીનરી છે એટલે તેને પણ ઉંજતા રહેવું જોઈએ. આ સારુ ૧૯૫૫ની સાલમાં કેન્દ્ર સરકારે એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સીઝ નામના વિભાગની રચના કરી હતી. ૧૯૬૬માં કેન્દ્ર સરકારે એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સ કમિશનની રચના કરી હતી જેનાં તે સમયના દેશના નાયબ વડા પ્રધાન મોરારજી દેસાઈ અધ્યક્ષ હતા. ૨૦૦૫ની સાલમાં બીજા એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી જેના અધ્યક્ષ એ સમયના કેન્દ્રીય પ્રધાન વીરપ્પા મોઈલી હતા. એ બન્ને કમિશનના દળદાર અહેવાલ ઉપલબ્ધ છે. સવાલ એ છે કે તેણે સૂચવેલા સુધારા અને ઈલાજોમાંથી કેટલાનો અમલ કરવામાં આવ્યો છે? શા માટે નથી કરવામાં આવ્યો? કોણ રોકે છે.
જાણીબૂજીને સમય સમય પર સુધારા કરવામાં આવતા નથી કે જેથી બીમાર તંત્રનો લાભ લઈ શકાય. પ્રમાણિક અધિકારીની બદલી કરો. એવી જગ્યાએ નાખો જ્યાં બિચારો સડતો રહે. ચાલુ અને બીકાઉ અધિકારીને લાભની જગ્યાએ ગોઠવો પછી ભલે એનામાં આવડત ઓછી હોય. અનુકૂળ અધિકારીઓ હોય અને અનુકૂળ જજો હોય પછી પૂછવું શું? એક અનુકૂળ નિર્ણય લે અને બીજો એ નિર્ણયને કોઈ અદાલતમાં પડકારે તો છાવરે. એ પછી જ્યારે વ્યવસ્થા સાવ તૂટી જાય ત્યારે દેશ પાછળ ન રહી જાય એ સારુ દેશહિતનાં નામે એવા સુધારા સૂચવે જે અંતે તેમના જ લાભમાં જ હોય. ખાનગીકરણ આવો એક ઈલાજ હતો અને લેટરલ એન્ટ્રી આવો બીજો ઈલાજ છે. દેશહિતમાં.
સરકારી તંત્રમાં પ્રતિભાઓને લાવવા માટે શું સરકારી સેવાઓમાં ભરતીનો એક જ માર્ગ છે? બીજા કોઈ માર્ગ જ નથી? કેન્દ્ર સરકારના પ્રધાનમંડળમાં કેટલા તેજસ્વી પ્રધાનો છે? જવાહરલાલ નેહરુ તેમના પ્રધાનમંડળમાં એવા એવા તેજસ્વી લોકોને લેતા હતા જેમાંના કેટલાક રાજકારણીઓ પણ નહોતા, કાઁગ્રેસી હોવાની વાત જ જવા દો. પી.વી. નરસિંહરાવે વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહને નાણાં પ્રધાન બનાવ્યા હતા. મનમોહન સિંહ નહોતા રાજકારણી કે નહોતા કાઁગ્રેસી. ડૉ. મનમોહન સિંહ, કૌશિક બાસુ, મોન્ટેકસિંહ આલુવાલિયા, રઘુરામ રાજન જેવાઓને બહારથી લઈ આવ્યા હતા. આ સિવાય નીતિ આયોગ, રીઝર્વ બેંક, નાણાંપંચ, એન.સી.ઈ.આર.ટી., જેવી બે-પાંચ નહીં, ડઝનબંધ સરકારી સંસ્થાઓ છે જેમાં બહારથી તેજસ્વી માણસોને લાવી શકાય છે. લેટરલ એન્ટ્રીની પૂરી સુવિધા છે અને તેનો ઉપયોગ પણ થતો આવ્યો છે. કોણ રોકે છે અહીં પ્રતિભાઓને બેસાડતા? ઊલટું તમે રઘુરામ રાજન, અરવિંદ પનગરિયા, અરવિંદ સુબ્રમણ્યમ્ જેવા લોકોને રવાના કર્યા. દરેક જગ્યાએ જીહજૂરી કરનારા વેંતિયાઓને ગોઠવવામાં આવ્યા છે.
અને રાજ્યસભા? રાજ્યસભાનું તો નામ જ છે વડીલોનું સભાગૃહ – હાઉસ ઓફ એલ્ડર્સ. વડીલ એટલે ઉંમરમાં વડીલ નહીં, અનુભવ અને સમજદારીમાં વડીલ. રાજકીય પક્ષો ધારે તો પક્ષના અને પક્ષની બહારના કદાવર અને તેજસ્વી લોકોને રાજ્યસભામાં મોકલી શકે છે. મૂળમાં કલ્પના પણ એવી જ હતી અને શરૂનાં વર્ષોમાં એવા લોકોને રાજ્યસભામાં મોકલવામાં આવતા હતા. ઘણા એવા લોકો હોય છે જેઓ ચૂંટણી લડવાથી પોતાને દૂર રાખે છે, કારણ કે ચૂંટણીની એક ખાસ પ્રકારની પક્ષાપક્ષીવાળી સંસ્કૃતિ તેમને માફક નથી આવતી. દેશનું જાહેરજીવન અને શાસન આવા લોકોનાં મૌલિક યોગદાનથી વંચિત ન રહે એ માટે રાજ્યસભાની કલ્પના કરવામાં આવી હતી.
ટૂંકમાં માત્ર કેન્દ્રમાં (આય રિપીટ) રાજ્યસભાનું સભ્યપદ અને બીજી એવી અલગ અલગ સંસ્થાઓ મળીને ઓછામાં ઓછા પાંચસો તેજસ્વી લોકોની વિલક્ષણતાનો લાભ લઈ શકાય એમ છે. આ કોઈ મામૂલી સંખ્યા નથી. બધા જ સરકારી અંકુશોથી મુક્ત, ગૈરસરકારી સ્વતંત્ર ખાનગી નાગરિકો. બંધારણ ઘડનારાઓ દીર્ઘદૃષ્ટા હતા, બેવકૂફ નહોતા. આજના શાસકો આનો લાભ લે છે ખરા? કોણ રોકે છે તેમને? પણ હકીકત એ છે દરેક જગ્યાએ નાના માણસોને બેસાડવામાં આવે છે. બીજી બાજુ વહીવટીતંત્રમાં લેટરલ એન્ટ્રીની વાત કરવામાં આવે છે. સાહેબ, આ આખો ખેલ ખાસ લોકોના ખાસ માણસોને સરકારમાં પાછલે બારણેથી ખાસ જગ્યાએ ઘુસાડવાનો છે, પ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે. તેમના દ્વારા પ્રશાસનને સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે કે જેથી શેઠજીની પૂરી ક્ષમતા અને લગન સાથે સેવા કરી શકે.
શાસકો અને વહીવટીતંત્ર કઈ રીતે ધનપતિઓની સેવા કરી રહ્યા છે એ વિષે કોઈ નકારી ન શકે એવી જડબાતોડ વિગતો સાથે જાણકારી મેળવવી હોય તો બે લેખકોનાં ચાર પુસ્તક વાંચવાની ભલામણ કરું છું. એક પરંજોય ગુહા ઠાકુરતાનું ‘ગૅસ વૉર્સ’ અને ત્રણ પુસ્તક જાંબાઝ પત્રકાર જેસી જોસેફનાં. એ ત્રણ પુસ્તક છે; ૧. ‘અ ફિસ્ટ ઓફ વલચર્સ – ધ હિડન બીઝનેસ ઓફ ડેમોક્રસી ઇન ઇન્ડિયા’. ૨. ‘ધ સાયલન્ટ કુ – અ હિસ્ટરી ઑફ ઇન્ડિયાઝ ડીપ સ્ટેટ’ અને ૩. ‘હાઉ ટુ સબવર્ટ અ ડેમોક્રસી – ઇનસાઇડ ઇન્ડિયાઝ ડીપ સ્ટેટ’. સરકાર સેક્યુલર કાઁગ્રેસની હોય કે દેશભક્ત બી.જે.પી.ની, શાસકો અને તંત્ર કઈ રીતે ઘૂંટણીએ પડીને માલિકોની સેવા કરે છે તેની હમણાં કહ્યું એમ જડબાતોડ વિગતો તેમાં મળશે. હવે બોસ લોકો કહે છે કે આ વારંવારની બે બદામના અધિકારીઓની મસ્કાબાજી, ખરીદી, બરતરફી, બદલી, ધમકી કરવા કરતાં અમારાં જ માણસોને ગોઠવો. લેટરલ એન્ટ્રી!
ઇસ્ટ ઇન્ડિયા કંપની અને એ પછી અંગ્રેજ શાસકો ભારતની રિયાસતોમાં પોતાનાં માણસોની લેટરલ એન્ટ્રી કરવાતા હતા એની યાદ આવે છે. મહારાજધિરાજ કે એવું જે કોઈ ટાઈટલ પસંદ હોય એ માગી લો, આખરી નિર્ણય લેનાર અમલદાર અમારો. સ્થિતિ એવી હતી કે મહારાજધિરાજે કાશ્મીર ફરવા જવું હોય તો પણ તેમના દરબારમાં લેટરલ એન્ટ્રી દ્વારા પ્રવેશેલા અંગ્રેજ અમલદારની મંજૂરી લેવી પડે. દેશ અવળી દિશામાં જઈ રહ્યો છે. રાજ્ય મૂડીને શરણે જઈ રહ્યું છે. એક દિવસ એવો ન આવે કે મહાપ્રતાપી રાજાધિરાજે કાશ્મીર ફરવા જવા માગે લેટરલ એન્ટ્રી લીધેલા સાહેબની મંજૂરી લેવી પડે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 25 ઑગસ્ટ 2024