Opinion Magazine
Number of visits: 9449296
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘર એટલે શું ?

પ્રવીણા કડકિયા|Opinion - Opinion|7 August 2015

બે અક્ષરનો  બનેલો આ શબ્દ કેટલો પ્યારો છે. ન તેને કાનાની જરૂર, ન માત્રાની, ન માગે  હ્રસ્વ ઇ કે દીર્ઘ ઈ અરે અનુસ્વારની પણ આવશ્યકતા નહીં. હ્રસ્વ ઉ કે દીર્ઘ ઊની ક્યાં વાત કરવી ! માનવ માત્રનો સ્વભાવ છે, 'ઘર' જે તેનું નિવાસસ્થાન છે. તે તેને અતિ પ્યારું છે. પછી ભલે એ ઝૂંપડી હોય કે મહેલ, બંગલો હોય કે બે ઓરડાનું સાદું રહેઠાણ. નાનપણથી સાંભળતી આવી છું, 'ધરતીનો છેડો ઘર'. આટલાં વર્ષોના અનુભવનો નિચોડ કહે છે , 'ધરતીનું ઉદ્દભવ-સ્થાન ઘર'. જ્યાંથી જીવન યાત્રા શરૂ થાય છે. જીવનના અંતિમ શ્વાસ પણ ત્યાં છૂટે તેવી દરેક મનુષ્યના મનની એષણા હોય છે.

ઘરની વ્યાખ્યા કરવી ખૂબ કપરું કામ છે. જ્યાં વાસ કરીએ તેને ઘર કહેવાય. હવે દરેકને સ્થળ પવિત્ર મતલબ ચોખ્ખું ગમે. આવનાર વ્યક્તિને અંતરના ઉમળકાનો અહેસાસ થાય. જ્યાં ભલે ભભકો ન હોય. સાદગીમાં સત્કાર જણાય. અરે ભલેને જમવામાં બાસુંદી પૂરી ન હોય ! પ્રેમેથી ખીચડી, પાપડ અને અથાણું ભાણાંમાં પિરસાય.

એક વાત યાદ આવી ગઈ, કહ્યા વગર નહીં રહી શકું. એક મિત્ર અમેરિકામાં અઢળક ડૉલર કમાયા. હવે મિત્ર હતા, બીજા શહેરમાં રહેતા હતા. જોગાનુજોગે તેને ત્યાં જવાનો અવસર સાંપડ્યો. હું સામાન્ય વ્યક્તિ. તેમાં પાછી એકલી. આરામથી ફરીને મને ઘર બતાવ્યું. ખૂબ સુંદર અને વિશાળ 'મેન્શન' હતું. ઘરમાં સ્વિમિંગ પુલ, ટેનિસ કૉર્ટ, સાત બેડરૂમ, ૪ ગાડીઓનું મોટું ગરાજ, નોકર માટેનું નાનું મકાન પાછળના ભાગમાં, બે કૂતરા, નાનું માછલી ઘર, મંદિર વગેરે વગેરે. જોવાની મઝા આવી. સાંજ પડી હતી એટલે કહે હવે જમીને જા. મારી પત્ની ધંધા પરથી આવી ગઈ છે. મારે લીધે કૉલેજ મિત્ર વહેલા નીકળી ગયા હતા. જમવાનો ડાઈનિંગ રૂમ ભવ્ય હતો. બાળકો  રજાને કારણે મિત્રો સાથે બહાર મુવીમાં ગયા હતા.

સુંદર ચાઈના, ક્રિસ્ટલના ગ્લાસમાં પાણી આવ્યું. બધી તૈયારી થઈ ગઈ અને અમે ટેબલ પર ગોઠવાયાં. જમવાની શરૂઆત કરી. થાળીમાં પિરસાયેલી વાનગી જોઈ મેં કહ્યું , મિત્ર, આ ઘર તારું ઘણું મોંઘું લાગે છે. તેની પત્ની ટહૂકી, વાત જ ન પૂછો. મારા હિસાબે આ ટાઉનમાં મોંઘામાં મોંઘું ઘર અમારું છે. લોકો જોવા આવે છે.

હવે મારાથી કહ્યા વગર ન રહેવાયું, 'શાક લાવવાના પૈસા તો રાખવા હતાં. 'જમવાની થાળીમાં શાક ગેરહાજર હતું. હવે શું આને ઘર કહીશું હા, ભવ્ય મકાન જરૂર કહીશું . (મેન્શન)

અહીંથી ઘરની યાત્રા શરૂ કરીએ. ઘર માટી, ચૂનો, સિમેન્ટ અને ભીંતોનો મકબરો નથી ! ત્યાં હાલતી ચાલતી, ભાવના ભરેલી વ્યક્તિઓનો વસવાટ છે. જ્યાં પ્યારનો દરિયો લહેરાતો હોય ! જ્યાં આંખમાંથી અમી સરતાં હોય ! વદન પર હાસ્ય યા સ્મિત વિલસી રહ્યું હોય. આવનાર આંગતુકને તેનો અહેસાસ થાય. જ્યાં શુષ્કતાનો સદંતર અભાવ હોય. 'ઘર એટલે મંદિર', મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાવાળા ભગવાન બિરાજ માન છે. જ્યારે ઘરમાં પ્રાણવાળી હાલતી, ચાલતી, લાગણી સભર વ્યક્તિઓનો વાસ છે. જે સવારથી સાંજ સુધી તેમાં વસે છે. રાતે નિશ્ચિંત પણે પથારીમાં યા પલંગ પર લંબાવી શાંતિની નિદ્રામાં પોઢે છે.

જે ઘરમાં 'હનુમાન હડી કાઢે અને ભૂત ભૂસકા મારે' એ ઘરમાં જવાનું કોઈને દિલ નહીં થાય. પછી ભલેને એ ઘર સ્વનું હોય, તેના કરતાં અનેક ઘણું મોટું યા ભવ્ય કેમ ન હોય ? ઘર હોય મ્યુિઝયમ જેવું. માત્ર દેખાવનું સુંદર. સોફા પર બેસવા જઈએ તો કહેશે, 'આ ફોર્મલ સિટિંગ રૂમ છે. આપણે ફેમિલી રૂમમાં બેસીએ.'.

યાદ કરો આપણા તુલસીદાસજીને જેમણે સદીઓ પહેલાં સનાતન સત્ય ઉચ્ચાર્યું હતું,

"આવ નહીં આવન નહીં, નહીં નૈનમેં નેહ
તુલસી વહાં ન જાઈએ ચાહે કંચન બરસે મેહ" !

ઘરની શોભા જેટલી સાદગીમાં છે તેટલી અતિ ભપકામાં નથી. છતાં પણ આ વિષય છે, અપની અપની પસંદગીનો તેમાં બે મત નથી. અમેરિકાથી મુંબઈ જાઉં ત્યારે અચૂક ગામડામાં જવાનો પ્રસંગ ઊભો કરું. ભલે મુંબઈમાં જન્મી, મુંબઈના રસ્તાની ધૂળમાં ખરડાઈ બાળપણ ગુજાર્યું, ગાડીમાં ફરી, સરસ મજાની ફેલોશિપ સ્કૂલ અને વિલ્સન કૉલેજમાં ભણી અમેરિકા આવી. છતાં ગામડાંના ઘરો અને ઝૂંપડાં ખૂબ ગમે છે. ત્યાં વસી રહેલી પ્રજાનો પ્રેમ અને આતિથ્ય સત્કારની ભાવના ઊડીને આંખે વળગે તેવી છે. જઈએ એટલે ઓસરીમાં ખાટલો ઢાળી, કપ રકાબીમાં ચહા પીવડાવે ત્યારે, મુંબઈના 'રેશમ ભવન'ની ચહા તેની આગળ ફીકી લાગે.

બનેલી વાત છે. ભાવનગરના કુંભારવાડામાં ગઈ હતી. જે ત્યાંનો પ્રખ્યાત ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે. આખી જિંદગીનો સ્મરણમાં અંકિત થયેલો પ્રસંગ છે. દીકરી સોનાલીને શાળામાંથી આવવાની વાર હતી. તેના માતા પિતા સાથે વાત કરી રહી હતી. ઝૂંપડપટ્ટીમાં પણ ચોક્ખાઈ અને સુઘડતા આંખે ઊડીને વળગે તેવા હતાં. સોનાલીએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની તેની માતા ગૌરવભેર વાત કરી રહી હતી. પિતાની આંખોમાં દીકરી પ્રત્યેનો પ્યાર નિતરતો જણાયો. દીકરો કૉલેજમાં અભ્યાસ કરવા શહેરમાં રહેતો હતો. તેમના ઘરમાં જે ઉષ્માનો અનુભવ થયો તેની શું વાત કરું. હૈયે ખૂબ શાતા વળી. ખરેખર 'ઘર' કોને કહેવાય તે જાણ્યું.

ઘરમાં સુસંગતા, ચોખ્ખાઈ વિષેની સભાનતા એ દરેક ઘરમાં રહેતી વ્યક્તિનું કર્તવ્ય છે. આપણા ભારતમાં અને હવે તો અમેરિકામાં નોકરોની છૂટ છે. છતાં પણ નોકર તેની રીતે સાફ સફાઈ કરે અને ઘરની વ્યવસ્થા તેમ જ આકર્ષક ઢબ એ દરેક વ્યક્તિ પર આધાર રાખે.

હવે જ્યારે ઘરની વાત કરીએ ત્યારે માત્ર સજાવટ નહીં ઘરમાં રહેતી દરેક વ્યક્તિનું એક બીજા સાથેનું વર્તન, ઘરના વડીલોનું આગવું સ્થાન એ પણ એટલાં જ મહત્ત્વનાં છે. સાચું કહું તો એ સહુથી અગત્યના છે. ઘરના વડીલોનું માન ન સચવાય એ ઘરને ઘર કહેવું શોભાસ્પદ નથી. ઘરમાં પ્રાણી, નોકર સમાય અને માતા પિતા ઘરડાં ઘરમાં ! જો ભૂલે ચૂકે સાથે રહેતાં હોય તો તેમને જેલમાં રહેવાનો અનુભવ થાય એવા ઘર પણ જોયાં છે.  ખેર, આ વિષય પર દસેક દિવસ પહેલાં એક મિત્ર સાથે વિચાર વિનિમય કર્યો.

'હવે જમાનો બદલાયો છે. ઘરડાં માબાપ ભારે પડે છે. તેમની સેવાચાકરી કરવાનો સમય નથી!'

મારાથી રહેવાયું નહીં, 'માબાપ ભારે પડે છે ? આપણે નાનાં હતાં ત્યારે માબાપે ઘણું કર્યું. કોઈ દિવસ તેમેને ભાર નહોતો લાગ્યો. પ્રેમ આપ્યો હતો'.

'હા, પણ' !

'પણ શું? તેમને સમયની ખેંચ નહીં લાગી હોય ? મારી મમ્મી પાંચ વાગ્યયામાં ઊઠીને ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી.'

'અરે, યાર, મૂકને માથાઝીક, સમય બદલાયો છે !'

'એ જ તો તારી ભૂલ છે. સમય કેવી રીતે બદલાયો છે મને સમજાવીશ, સાંભળ, દિવસ ૨૪ કલાકનો તેમાં ક્યાં ફેર પડ્યો છે ? '

'ના.'

'બરાબર, સૂરજ પૂર્વમાં ઊગે પશ્ચિમમાં આથમે છે રોજ !'

'યાર, સાચી વાત છે'.

'નદી પર્વતમાંથી નીકળી સમુદ્રને મળે.'

'હા, ભાઈ, હા,'

'એ ય, હું ભાઈ નથી, બહેન છું !  બન્ને જણા ખડખડાટ હસી પડ્યાં. વાત આગળ ચાલી. દરેક માતા બાળકને નવ મહિના ઉદરે સાચવે, દીકરો હોય યા દીકરી કોઈ ફરક પડતો નથી.'

'તો શું ?'

'તો મને કહે સમય ક્યાં બદલાયો છે. ૨૧મી સદીના માનવીની 'સોચ' બદલાઈ છે. સમયને બદનામ ન કર. માનવી સ્વાર્થમાં અને આધુનિકતાની દોડમાં અટવાયો છે. જેને કારણે ઘર અને ઘરમાં રહેતી વ્યક્તિઓનું મૂલ્યાંકન કરવામાં થાપ ખાઈ ગયો છે.

મને ખભે ઠપકારીને કહે, 'તારી વાતમાં દમ છે'.

દમને માર ગોલી. ઘર એ એવું સ્થાન છે જ્યાંથી દરેક માનવી બાળ સ્વરૂપે આવી જીવનની દોટમાં શામિલ થાય છે. મુસાફરીનો શુભારંભ ઘરમાંથી શરૂ થઈ પૂરા જગત ભરમાં વિસ્તરે છે. અંતિમ ક્ષણે તે પાછો ઘરના ઉંબરા પર આવીને પ્રાણ ત્યજવાની તમન્ના રાખે છે. ઘર પ્રત્યે માયા અને મમતા બંધાય છે. તેને લાગે છે, જગતમાં જો ક્યાં ય ખરેખર સ્વર્ગ હોય તો તે પોતાના ઘરમાં છે.

ઘરમાં પ્રવેશતા તેને 'હાશકારા'નો અનુભવ થાય છે. જો એ ઘરની ગૃહિણી અને બાળકો સુંદર સંસ્કારમાં ઉછર્યાં હશે તો ? બાકી ઘણી એવી વ્યક્તિઓનો સમાગમ થયો છે. કામ પરથી ઘરે જવાનું નામ આવે એટલે હાંજા ગગડી જાય. ઘરમાં મામલતદાર જેવી પત્ની આખા દિવસનો હિસાબ માગે !

અરે, ભાઈ કામે ગયા છે. બે પૈસા રળશે તો તમને જ જલસા છે. પછી ભલેને પત્ની, પતિને કારણે લાખોમાં ખેલતી હોય. પતિ જાણે પૈસા કમાવાનું મશીન કેમ ન હોય? તેની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો એ ખૂબ ભારે કામ લાગે ! બાળકોની પ્રગતિની વાત કરવી. પત્ની પણ કમાતી હોય તો પોતાના દિવસભરના કાર્યની ચર્ચા કરવી. સાથે બેસી ચહાની મસ્તી માણવી. આ બધા સુખી ઘરનાં લક્ષણ છે. તેને માટે ઘરનું ક્ષેત્રફળ કેટલું છે તે કોઈ મહત્ત્વ ધરાવતું નથી !

ઘરમાં આવીએ ને મુખડું મલકે. સોફા પર બેસીએ ને દિવસ ભરનો થાક ગાયબ. આ છે સુખી ઘરની નિશાની. એમાં પતિ શું કમાય છે તે મહત્ત્વનું નથી. ઘરમાં પ્રેમભર્યું, ઉષ્માસભર વાતાવરણ અગત્યનું છે.

હવે ભલેને ઘરમાં બધું જ હોય, છતાં પણ એ 'ઘર' પ્રત્યે અનાસક્તિ રાખવી તે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. સનાતન સત્ય છે, જે જીવ આ ધરતી પર પદાર્પણ કરે છે તેને એક દિવસ, વહેલાં કે મોડાં વિદાય થવાનું છે. જેટલી ઘર પ્રત્યે આસક્તિ વધારે તેટલી દુનિયા ત્યજતી વખતે યાતના વધારે. આ દુનિયા મુસાફરખાનું છે. સહુએ અહીંથી ઉચાળા ભરવાના છે. મને કે કમને એ અગત્યનું નથી.

'જબ તક સાંસ તબ તક આશ'. જ્યાં સુધી આ જીવન છે. ઘરમાં શાંતિથી જીવીએ છીએ. જીવન યથાર્થ બનાવીએ છીએ. ત્યાં સુધી આ 'ઘર' આપણને પ્યારું છે. રહેશે તે હકીકત સ્વીકારી તેનો ખુલ્લા દિલે એકરાર કરીએ.

અંતમાં, 'ઘરને ઘર જેવું બનાવીએ ! જેમાં પ્યારનો પવન વાતો હોય. આનંદનો અવધિ લહેરાતો હોય.  મિત્રતાની મહેક ફેલાતી હોય. પ્રગતિનાં પગથિયાં પર પ્રયાણ હોય. ઉન્નતિના ઊંચા મીનારા હોય. અતિથિને આદર મળતું હોય. વડીલો વહાલ પામતાં હોય. પતિ અને પત્નીમાં પાવન રિશ્તો હોય. બાળકો બધાંને સંવારતા હોય' !

e.mail : pravina_avinash@yahoo.com

Loading

7 August 2015 admin
← Three Pounds In My Pocket : The pool of blood that changed my life
સ્વાધ્યાય અને સંઘર્ષનો ગુણાકાર઼ એટલે સનત મહેતા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved