
રવીન્દ્ર પારેખ
આજે પંદરમી ઓગસ્ટ. 1947માં સ્વતંત્ર થયાં એ વાતને આજે 77 વર્ષ થયાં. ઘણું બદલાયું, આટલાં વર્ષોમાં. સરકારો આવી ને ગઈ. લાલ કિલ્લા પરથી વડા પ્રધાનો દેશની સ્વતંત્રતાનો ઇતિહાસ ગાતા ગયા ને દેશ પ્રગતિ કરી રહ્યો છે એ વાત દોહરાવતા રહ્યા. આજે પણ લાલ કિલ્લો ભારતની પ્રગતિની, વિકાસની ગાથા ગાશે ને જનગણમન…થી દેશ નવી શરૂઆત તરફ અગ્રેસર થશે. એમાં કોઈ શંકા નથી કે ભારતે વૈશ્વિક કક્ષાએ પોતાનું વર્ચસ્વ ઊભું કર્યું છે. અમેરિકા કે રશિયા એકબીજાના શત્રુ હશે, પણ બંને ભારતના મિત્ર દેશો છે. બંનેને ભારતના મતનું મૂલ્ય છે. ભારત ત્રીજા નંબરની ઈકોનોમી બનવા કટિબદ્ધ છે ને અન્ય દેશો સાથેના તેનાં રાજદ્વારી સંબંધો પણ વિશિષ્ટ પ્રકારનું મૂલ્ય ધરાવે છે. આમ છતાં પડોશી દેશો સાથેનો શત્રુવટ આજ પર્યંત જળવાઈ રહ્યો છે. એમાં ભારતની નિષ્ઠા ઓછી નથી, પણ પડોશી દેશોની નિર્લજ્જતા ને નાલાયકી વધુ ભાગ ભજવે છે. ચીનની સરહદી હિલચાલ ભારત સાથેની શત્રુતા વધારનારી જ રહી છે. એ જ રીતે પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓનો છેડો પણ નથી આવતો એ દુ:ખદ છે. વૈશ્વિક આતંકવાદનાં મૂળમાં પાકિસ્તાન છે એની કોઈ ના પાડી શકે એમ નથી. ભારતે મોડું વહેલું પાકિસ્તાન સાથે સીધા સંઘર્ષમાં ઊતરવું જ પડવાનું છે તેમાં શંકા નથી. આજના 78માં સ્વતંત્રતા દિવસે આનંદ કરવાનો હોય ત્યારે પણ આપણા પર આતંકી હુમલો થવાનું જોખમ તોળાયેલું છે. કૈં ન થાય તેમ ઈચ્છીએ, પણ કૈં થાય તો સ્વતંત્રતા દિવસને માથે લોહી તોળાયેલું રહે એમ બને.
દિલ્હીના લાલ કિલ્લા પર 78માં સ્વતંત્રતા દિવસની તડામાર તૈયારીઓ વચ્ચે સૂત્રો પાસેથી એવા સમાચાર આવ્યા છે કે આતંકવાદીઓ દેશમાં આતંક ફેલાવવાની યોજના બનાવી રહ્યા છે. એવી દહેશત છે કે 15 ઓગસ્ટને દિવસે આતંકવાદીઓ માનવ બોમ્બના રૂપમાં હુમલો કરી શકે છે. ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે કે આતંકવાદીઓ વી.વી.આઈ.પી.ને ટાર્ગેટ કરી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના હુમલા બાદ વધુ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ભીડવાળી જગ્યાઓ, આઇકોનિક સ્થળોને નિશાન બનાવી શકાય એવી ચેતવણી અપાઈ છે. દિલ્હી હંમેશાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર માટે નિશાના પર રહ્યું છે. ખાસ કરીને દિલ્હીને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં સ્વતંત્રતા દિવસ ઉજવાતો હોય ત્યાં કેટલો ઉમંગ રહે તે સમજી શકાય એવું છે, છતાં એવી પ્રાર્થના કરીએ કે ભારતનું રાષ્ટ્રીય પર્વ નિર્વિઘ્ને પાર પડે.
આ તો રાષ્ટ્રીય પર્વને લોહીથી ખરડવાની આતંકી હિલચાલની વાત છે, પણ આમ પણ, દેશનો માહોલ ભારતીય પ્રજાના ઉમંગ-ઉત્સાહ પર પાણી ફેરવે એવો ય છે. કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલની 31 વર્ષની ટ્રેઈની પર બળાત્કાર અને હત્યાની જઘન્ય હત્યાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે. સ્ત્રીઓ તરફી ગુનાઓમાં કોઈ ઓટ આવતી નથી તે દુ:ખદ છે. એ ઉપરાંત દેશમાં ભ્રષ્ટાચાર, હત્યા, દુષ્કર્મ, લાંચ રૂશ્વતની એટલી ઘટનાઓ રોજ બને છે કે નૈતિક મૂલ્યોનું ધોવાણ એ જાણે સામાન્ય બાબત થઈ પડી છે. દેશમાં અનેક પ્રોજેક્ટ્સ પાર પડ્યા છે, રસ્તા, પાણી, વીજળીની સ્થિતિમાં પણ સુધાર જોવાય છે, પણ બેકારી અને મોંઘવારીએ આડો આંક વાળ્યો છે, તેનો ઇન્કાર થઈ શકે એમ નથી. કાલના જ સમાચાર છે કે ભારતમાં દરેક બ્રાંડના નમક અને ચીનીમાં માઇક્રોપ્લાસ્ટિક છે. ક્વોલિટીના આગ્રહી લોકો સાધારણ રીતે બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા મથતા હોય ત્યાં, નમક અને ચીની જેવામાં આવી બનાવટ બધી રીતે ધિક્કારને પાત્ર છે. જાણીતી કંપનીઓ આ પાપ કરે છે ને લોકોના આરોગ્ય સાથે રાત દિવસ ચેડાં કરે છે. આમે ય ભેળસેળ ન હોય એવી વસ્તુઓ શોધી જડતી નથી, ત્યાં રોજ ઊઠીને આ જ દેશના લોકો, આ જ દેશના લોકોનાં આરોગ્ય સાથે આવી ભયંકર રમત રમે એ કેવળ અસહ્ય ને અક્ષમ્ય છે. કશુંક સારું, શુદ્ધ મળે એવી આશા કોઈ પાસેથી રાખી શકાય એમ જ નથી? આની સામે પણ કૈં થવાનું નથી. થોડો ઊહાપોહ થાય ન થાય કે નવી વાત આગલી વાતને વિસારે પાડી દે છે. દુ:ખદ એ છે કે કોઈને કૈં અજુગતું તો લાગતું જ નથી. બધાંને બધું જ કોઠે પડી ગયું છે. એટલું કોઠે કે જીવ છે કે કેમ તેની ય ખબર ન પડે.
આમ ગુજરાતનો 1,600 કિલોમીટરનો દરિયા કિનારો રાજ્યનું મોટું આભૂષણ છે, પણ તેનો ઉપયોગ પાકિસ્તાની હિલચાલ માટે પણ થાય છે. મુંબઈ પર 26/11નો આતંકવાદી હુમલો થયેલો ત્યારે તેનો સૂત્રધાર કસાબ ગુજરાતથી દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચેલો. તાજેતરમાં જ કચ્છના હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી હતી. જો કે, તેમાં માછીમારીનાં સામાન સિવાય બીજી કોઈ વાંધાજનક વસ્તુઓ ન હતી, પણ ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે, તે કોઈથી અજાણ્યું નથી. સૌરાષ્ટ્રમાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ, વલસાડ, હજીરા કિનારેથી 13 કરોડનું ચરસ ઝડપાયું છે. આ પહેલાં પારડીના ઉદવાડાથી સોમવારે 5.87 કરોડનાં ચરસનાં 10 પેકેટ પકડાયાં હતાં. આમ પણ ડ્રગ્સની ગુજરાતને નવાઈ રહી નથી. તે દરિયેથી ગલીઓ સુધી પહોંચ્યું છે.
ગુજરાતનાં રાજકોટમાં મે મહિનામાં, અગ્નિકાંડ થયો અને એમાં એકલી ભ્રષ્ટતા જ બહાર આવી. એના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની ટી.આર.પી. કાંડમાં ધરપકડ થઈ. તેની જગ્યાએ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ આવ્યા, ત્યારે હતું કે આગલા અનુભવો પરથી સાહેબ સાવચેતી રાખીને આગળ વધશે, પણ તેમણે તો ભ્રષ્ટાચારની દુકાન જ ખોલી નાખી. જાણે સરકારનો કે કોઈનો તેમને ડર જ ન હતો. પેલા સત્તાવીસ લોકોનો ભોગ લેનારા અગ્નિકાંડ જેવું કૈં બન્યું જ ન હોય તેમ, બધા કમાવામાં જ લાગી પડ્યા. ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાના બે લાખ રૂપિયા થાય છે, તો તેનું એન.ઓ.સી. મેળવવાના ત્રણ લાખ થાય છે. ટૂંકમાં, એક સહી કરવાના એક લાખ રૂપિયા. રાજકોટના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુએ અત્યાર સુધીમાં 90થી વધારે ફાઈલો પર સહીઓ કરી છે. એના પરથી હિસાબ માંડી શકાશે કે ગજવું કેટલું ભારી થયું હશે?
રાજકોટની એક વ્યક્તિએ ફાયર સેફટીનું એન.ઓ.સી. મેળવવા અનિલ મારુને અરજી કરી. તેમણે એન.ઓ.સી.ના બદલામાં 3 લાખ માંગ્યા, જેમાંથી 1.20 લાખ તો લઈ જ લીધા, પણ 1.80 લાખ આપવાના બાકી હતા. એ દરમિયાન જામનગર એ.સી.બી.(એન્ટિ કરપ્શન બ્યૂરો)નો સંપર્ક અરજદારે કર્યો. અને ગોઠવાયેલા ટ્રેપમાં મારુ ઝડપાયા. કોઈ શરમ જ ન હોય તેમ સહી કરવાના લાખ લાખ ઉઘરાવાય ને એ પણ અગાઉ ભ્રષ્ટ અધિકારીઓ સપડાયા હોય ત્યારે, એ કેવળ શરમ છે આ સ્વતંત્ર ભારતની. આવા અધિકારીઓ 78મે વર્ષે સ્વતંત્રતાની આપણી ઉપલબ્ધિ છે.
એમાં શિક્ષણનો દાટ વાળવામાં ગુજરાત સરકારે બહુ મહેનત કરી છે. સરકારી સ્કૂલો બંધ કરવાની ગણતરીએ સરકારે ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપ્યું અને કાયમી શિક્ષકોની ભરતીમાં અખાડા કર્યા. બીજી તરફ જે શિક્ષકો નોકરીમાં હતા એમણે પણ થઈ શકે એટલી બદમાશી એ રીતે કરી કે પગાર ચાટતા રહ્યા ને નોકરીમાં ગેરહાજર રહ્યા. સરકારે પોતે કબૂલ કર્યું કે રાજ્યમાં ગુલ્લી મારનારા શિક્ષકોનો કાંડ ફૂલ્યો ફાલ્યો છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતનાં 151 શિક્ષકો ત્રણ મહિના કરતાં વધુ સમયથી ગેરહાજર છે. અત્યાર સુધીમાં 134 શિક્ષકોને બરતરફ કરાયા છે. 60 શિક્ષકો તો એવા છે જે વિદેશમાં જઈને બેઠા છે. સુરતમાં સમિતિના ત્રણ શિક્ષકો તો એવા છે, જે છ મહિનાથી ચાલુ પગારે વિદેશમાં છે.
આ બધું શેને માટે ને કોને માટે છે, તે નથી સમજાતું. ભ્રષ્ટતા, છાવરવું, લાંચ લેવી, ભેળસેળ કરવી, સાધારણ માણસને લૂંટવા, છેતરવા જેવાં લક્ષણો આટલાં વર્ષની સ્વતંત્રતા પછી વિકસાવ્યાં છે આપણે. એ કદાચ આપણું રાષ્ટ્રીય ચરિત્ર છે. 77 વર્ષનાં સ્વાતંત્ર્યની આપણી કદાચ એ જ પ્રાપ્તિ છે. 200 વર્ષની અંગ્રેજોની ગુલામી ફગાવ્યાં પછી આપણે આ જ પ્રાપ્ત કરવું હતું, શું? અંગ્રેજો આપણને વફાદાર ન હતા, પણ તેમણે તેમના દેશ સાથે દગો નથી કર્યો. જ્યારે આપણે? આને માટે ઝઝૂમ્યાં આપણા પૂર્વસૂરિઓ? આટલી શહીદી, આટલાં બલિદાન પછી આ જ મેળવવાનું હતું આપણે? ચારિત્ર્ય શુદ્ધિ જેવા શબ્દો આટલા જલદી આઉટડેટેડ થવા માટે જ હતા? સ્વતંત્રતા ‘આવી’ તો કોણે માંગી હોય? ચિત્કારીને એક સવાલ પૂછવાનું મન થાય છે કે આપણામાં કશું સાચું કૈં રહ્યું છે કે નહીં? એ કેવી કમનસીબી છે કે નકલી આંસુ પણ અસલી આંખથી જ નીકળે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ઑગસ્ટ 2024