ગયા ચાર છ-મહિનાના કેટલાક બનાવોને ધ્યાનમાં લઈએ તો એમ લાગે કે આપણો સમાજ વાણીવર્તનનું અને વિરોધ કરવાનું સ્વાતંત્ર્ય ગુમાવી રહ્યો છે. યોગ દિવસ સ્વૈછિક હોવાના દેખાડા હેઠળ ફરજિયાત થઈ ગયો. તે પહેલાં અમદાવાદમાં યોગેન્દ્ર યાદવની જાહેર સભા મહેંદી નવાઝ જંગ હૉલમાં કરવા દેવામાં ન આવી. હવે એ હૉલ રાજકીય કાર્યક્રમો માટે આપવાનું સંપૂર્ણપણે સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યું હોવાના સમાચાર વાંચવા મળ્યા. નાગરિક સ્વાતંત્ર્યને લગતા મુદ્દા અંગેનો એક કાર્યક્રમ ટાઉનહૉલમાં યોજાયા પછી તેના મૅનેજરને મ્યુિનસિપલ કૉર્પોરેશને ઠપકો આપ્યો અને આયોજકોને એલિસબ્રિજ પોલીસ મથકમાં માફીપત્ર લખાવી આપવાની ફરજ પાડવામાં આવી. તેના થોડાક જ દિવસ અગાઉ શાસક પક્ષ અને પોલીસની હેવાનિયતનો ભયંકર ચિતાર આપતા ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’ નામના પુસ્તકના પ્રકાશનના કાર્યક્રમ પર અમદાવાદની પોલીસે પરોક્ષ રીતે રોક લગાવી. આ પુસ્તક વિશે ચર્ચાના આયોજન માટે જાહેર જગ્યા આયોજકોને ન મળી એટલે તે એક ખાનગી સંસ્થામાં યોજવી પડી. હાજરી અલબત પાંખી જ હતી એમ જાણવા મળ્યું.
સ્વાતંત્ર્યવીર સાવરકરની ટીકા જેમાં હોય તે ‘અકથ્ય સાવરકર’ પુસ્તકને પહેલાં પ્રકાશક અને ત્યાર બાદ પ્રકાશન કાર્યક્રમ માટે જગ્યા નહીં મળવા અંગે ‘અમદાવાદ મિરર’એ સોળમી જૂને કવર સ્ટોરી કરી હતી. ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરિઝમ એન્ડ ઑર્ગેનાઇઝડ ક્રાઇમ બિલ (ગુજસીટૉક) અંગેની એક સભામાં જાણવા મળ્યું કે એપ્રિલના પહેલા અઠવાડિયામાં જનસંઘર્ષ મંચને તેના વિરોધમાં લાલ દરવાજા વિસ્તારના સરદાર બાગની બહાર દેખાવ કરવા માટે મંજૂરી મળી ન હતી. ઈન્કમટૅક્સ ચાર રસ્તા પર તો દેખાવો માટેની મંજૂરી મળતી ક્યારની ય બંધ થઈ હોવાનું સંગઠનોના કાર્યકર્તાઓ પાસેથી વારંવાર સાંભળવા મળે છે. ગુજરાત સાહિત્ય અકાદમી રાજ્ય સરકારે બથાવી પાડી છે અને તેની સામે નિસબત ધરાવતા લેખકોની પહેલ હેઠળ આંદોલન ચાલી રહ્યું છે.
ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને ચાળીસ વર્ષ થયા તેની પૂર્વ સંધ્યાએ પિપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝે એક સભાનું આયોજન કર્યું હતું. તેમાં કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ(કૅગ)ના છેલ્લા રિપોર્ટ વિશેના લેખોનો સંચય ‘ગુજરાતમાં સી.એ.જી. કઈ બલા છે ?’ નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યો. તેના વિષયો આ મુજબ છે : કૅગનું મહત્ત્વ અને તેની ઉપેક્ષા, આદિવાસી વિસ્તારોમાં કુશાસન, સ્વચ્છતા અભિયાનની નિષ્ફળતા, બાળકોની દુર્દશા, મહિલાઓની અત્યંત ચિંતાજનક સ્થિતિ, વહીવટી શિથીલતા અને શિક્ષણમાં અંધેર. આ વિશ્લેષણ સંચયના લેખકોમાંથી રોહિત શુક્લ, હેમંતકુમાર શાહ અને મહેશ પંડ્યાએ વક્તવ્યો આપ્યાં. તદુપરાંત પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, દ્વારિકાનાથ રથ, ઉત્તમ પરમાર, મહાદેવ વિદ્રોહી, પ્રભાકર ખમાર, પી.યુ.સી.એલ.ના કાર્યકારી અધ્યક્ષ પ્રકાશ ન શાહ અને ગુજરાતના મહામંત્રી ગૌતમ ઠાકરે પણ કટોકટીના જુદા જુદા પાસાં અંગે ભૂતકાળના અને સાંપ્રત લોકશાહીના સંદર્ભમાં વાત કરી. ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી કરતાં અત્યારની અઘોષિત કટોકટી વધુ ખતરનાક અને પડકારરૂપ છે. આ વાત પણ અનુભવીઓએ જણાવી. શહેરમાં આ સંમેલન માટે જાહેર જ્ગ્યા મળવી લગભગ અશક્ય હોય તેવા સંજોગોમાં ‘અવાજ’ સંસ્થાએ તેનું સભાગૃહ આપીને ઇલાબહેન પાઠકની નાગરિક ચેતનાની પરિપાટી જાળવી રાખી.
લોકશાહીના સંદર્ભમાં એક બહુ મહત્ત્વના નવા અંગ્રેજી પ્રકાશનની પણ નોંધ લેવી ઘટે. ‘થ્રી સિક્સ્ટી ફાઇવ ડેઝ : ડેમૉક્રસી ઍન્ડ સેક્યુલારિઝમ અન્ડર મોદી રેજિમ’. ‘અનહદ’ (ઍક્ટ નાઉ ફૉર હાર્મની ઍન્ડ ડેમૉક્રસી) નામના સંગઠને બહાર પાડેલા ત્રણસો પાંસઠ પાનાંના મોટા કદના આ પુસ્તકનું સંપાદન જૉન દયાળ અને શબનમ હાશમીએ કર્યું છે. તેના બાર લેખોમાં મોદી સરકારના વીતેલા વર્ષના સંદર્ભમાં જે વિષયોનો સમાવેશ થયો છે તેમાંના કેટલાક આ મુજબ છે : કોમવાદી પ્રવાહો, કોમવાદ ફેલાવતાં ભાષણો, નાગરિકસમાજ પરના હુમલા, શિક્ષણનું ભગવાકરણ, વિજ્ઞાનવિરોધી વલણોનો ફેલાવો, કાનૂન અને ન્યાયવ્યવસ્થાની સ્થિતિ, અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું દમન, સંઘ પરિવારનો સાંસ્કૃિતક અતિરેક, માધ્યમો પરના નિયંત્રણો, ખ્રિસ્તીઓ પર હુમલા, લઘુમતીઓ તેમ જ તેમના ટેકેદારો પરનાં જોખમો. દરેક લેખની સાથે તે વિશે અખબારો અને સામયિકોમાં આવેલા લેખોનાં મથાળાં અને ઇન્ટરનેટ લિંક્સ સાથેનો મોટો કોઠો પણ આપવામાં આવ્યો છે જે બહુ જ ઉપયોગી છે.
તાજેતરમાં કટોકટી અંગે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં ચોટદાર લેખો વાંચવા મળ્યા.
તેમાંથી કેટલાકના અંશો ગુજરાતીમાં સારવીને મૂક્યા છે.
ભારતમાં બીજી વખત કટોકટી આવે તેવી શક્યતા ઘણી ઓછી છે. કેટલેક અંશે તેનું કારણ એ છે કે જનતા પક્ષની સરકારના વડા પ્રધાન અને કાયદામંત્રીએ કટોકટી યુગના બંધારણીય સુધારા રદબાતલ બનાવ્યા છે. વળી, અત્યારના સમયમાં પ્રસાર માધ્યમો, અને તેમાં ય ખાસ તો સોશિયલ મીડિયા પર અંકુશ રાખવો બહુ મુશ્કેલ છે એ હકીકત પણ ફરીથી કટોકટી માટેની શક્યતા ઘટાડે છે. આ કહ્યા પછી એ નોંધવું જોઈએ કે કટોકટી વખતના રાજકીય વર્તનનું હજુ પણ ટકી રહેલું જે એક પાસું લોકશાહી પોતને ખરાબ રહ્યું છે તે છે ‘કલ્ટ ઑફ પર્સનાલિટી’ અર્થાત વ્યક્તિપૂજા. લોકસભાની ગઈ ચૂંટણીઓ નરેન્દ્ર મોદી માટેના રેફરન્ડમ અથવા સર્વજનમત તરીકે ઉપસાવવામાં આવી હતી. મોદીએ ખુદને પહેલું અને પક્ષ, કેબિનેટ તથા સરકારને ગૌણ સ્થાન આપ્યું. વળી એનાથી ય આગળ વધીને તેના ચાહકોએ તેને આખા દેશના પ્રતીક તરીક જોવાનું શરૂ કર્યું. ભાટાઇના ઉછાળમાં મોદીના ચાહકો મહાત્મા ગાંધીને ભૂલી ગયા લાગે છે. આ એ ગાંધી છે કે જેણે ટિ્વટર કે ટેલિવિઝન વિના, રાજયસત્તા કે જનતાના પૈસા વિના, શાંઘાઈ કે ન્યુયૉર્ક ગયા વિના આખી દુનિયામાં જે પ્રભાવ પાડ્યો હતો તે પાડવો મોદી માટે બાર જન્મારામાં ય શક્ય નથી. ખેદજનક છે કે મોદીની વ્યક્તિ તરીકેની પૂજા તબક્કાવાર દેશવ્યાપી રહી છે, એટલે જો બીજા કોઈ નહીં તો આ એક અર્થમાં આપણે હજુ કટોકટીમાં છીએ.
− રામચંદ્ર ગુહા
૨૪ જૂન
શક્તિશાળી અંગ્રેજોને હાંકી કાઢનારો દેશ ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે કોઈ દેખીતા વિરોધ વિના નમી પડ્યો. મૂળભૂત અધિકારો મુલતવી રહ્યા, પ્રેસનો અવાજ રૂંધવામાં આવ્યો, એકાદ લાખ લોકોને અદાલતી કાર્યવાહી વિના અટકાયતમાં લેવામાં આવ્યા. તેમ છતાં, આવી સરમુખત્યારશાહીનો આ વિશાળ દેશનાં રસ્તા અને શેરીઓમાં ભાગ્યે જ કોઈ વિરોધ થયો. ઇન્દિરા ગાંધીનાં પગલાં તો અઘાતજનક જ હતા, પણ વધુ ખરાબ તો પત્રકારત્વની પડતી હતી. પત્રકારો આમ તો હિંમત અને સંઘર્ષનો ઉપદેશ આપતા હોય છે. જનસંઘના નેતા અડવાણીએ યથાર્થ કહ્યું હતું : ‘તમને નમવાનું કહ્યું હતું ત્યાં તો તમે ઘૂંટણિયે પડી ગયા.’ કટોકટી ફરી લાદી શકાય કે કેમ એવો સવાલ મને ઘણી વખત થાય છે. જનતા સરકાર થકી આવેલા સુધારાને કારણે એ બંધારણીય રીતે મુશ્કેલ છે. વડા પ્રધાન કટોકટી લાદવાનું પગલું લે તે પહેલાં તેમને બંને ગૃહોના બે તૃતિયાંશ સભ્યોની મંજૂરી લેવી પડે. જો કે આજે મીડિયા જે રીતે સત્તાધારી પક્ષને અનુકૂળ બની રહ્યું છે તે જોતાં લાગે છે કે સરકારને બંધારણ બહારના કોઈ એક્સ્ટ્રા-કન્સ્ટિટ્યૂશનલ પગલાંની જરૂર પડશે નહીં.
− કુલદીપ નાયર
૨૫ જૂન
કટોકટી એ એક એવી નિયંત્રણગ્રંથી (કન્ટ્રોલ કૉમ્પ્લેક્સ) છે કે જેને બધા જ પ્રકારનાં સ્વાતંત્ર્યનો ડર હોય. કટોકટી એ સર્વધિકારવાંછુનું સ્વપ્ન છે. એ સિદ્ધ કરવા માટે તે આતંકવાદના ખતરાના નામે જાપતો- ચોકીપહેરો, આગોતરી પ્રતિબંધક અટકાયત અને અદાલતી કાર્યવાહી વિનાની અટકાયતનો ઉપયોગ વૈધાનિક રીતે કરે છે. કાયદાને મુલતવી રાખવા કરતા રાજ્યસત્તા કાયદાનો ઉપયોગ વિરોધને કચડી નાખવા માટે કરી શકે છે અને પછી નિંભરતાથી તેમાંથી નીકળી પણ જઈ શકે છે. એટલે કટોકટી જાહેર કર્યા વિના પણ રાજ્ય અંકુશો લાદી શકે છે. રાજ્યની સામાન્ય સમજમાં પણ હવે કટોકટીનાં તત્ત્વો બરાબર ઊંડાં ઊતરી ગયાં છે. પણ તેની સામે વૈશ્વિકરણ પામેલી દુનિયા અને અર્થતંત્રને કારણે આવતાં નિયંત્રણો છે. વિરોધાભાસ એ પણ છે કે જો કોઈ ભયંકર મોટી આપત્તિ ન આવે તો કટોકટી આવશે નહીં. એનું કારણ એ છે કે ઇમર્જન્સીને આપણે નાની ઘણી ઇમર્જન્સીઓમાં વહેંચી દીધી છે. એ બધી જેટલી ઓછી ખરાબ છે એટલી અંદર પણ ઊતરી જનારી છે. વળી તેની સામે ટક્કર લેવી વધુ મુશ્કેલ પણ છે.
− પ્રતાપ ભાનુ મહેતા
૨૬ જૂન
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 13-14