‘ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ’, વાસ્તવમાં ગુજરાત સરકારનો ગુજકોક મહારાષ્ટ્રનું જ અનુકરણ છે. જો એમાં મહારાષ્ટ્ર કરતાં વધારે કૃતનિશ્ચયી હોવાનું પ્રદર્શન કરવા માટે કારણ વિના તીખાશ ન ઉમેરી હોત તો મોકાની જેમ ગુજકોક પર પણ રાષ્ટ્રપતિની સહી મળી ગઈ હોત અને ૧૨ વર્ષથી રખડતો ખરડો કાયદો બની ગયો હોત
સમાજમાં એવી ખોટી સમજ વિકસી છે કે કડક કાયદાઓ ઘડવાથી ગુનાનું પ્રમાણ ઘટે છે. વાસ્તવમાં ગુનાના પ્રમાણને કાયદો કેટલો કડક છે એની સાથે સંબંધ નથી, કાયદાનો અમલ કઈ રીતે થાય છે અને ન્યાયતંત્ર કેટલો ઝડપી ન્યાય આપે છે એના પર ગુનાનું પ્રમાણ આધાર રાખે છે. જગતમાં એવા અનેક દેશ છે જ્યાં મૃત્યુદંડની સજા નથી અને છતાં ભારત કરતાં ગુનાનું પ્રમાણ ઓછું છે. ઊલટું બને છે તો એવું કે જ્યાં કાયદા કડક હોય અને ન્યાયતંત્ર નબળું હોય ત્યાં કાયદાઓનો દુરુપયોગ થતો હોય છે. કોઈ દંડવાનું નથી તો કડક કાયદાનો લાભ શા માટે ન લેવો? ભારતમાં કાયદાનો દુરુપયોગ એ કોઈ નવી વાત નથી. એ ઉપરાંત સમાજમાં ગુના થવા પાછળ સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણો પણ હોય છે જેને કાયદો કેટલો કડક છે અને કાયદાનો અમલ તેમ જ ન્યાયતંત્ર કેટલું સક્ષમ છે એની સાથે પણ સંબંધ નથી. અમેરિકામાં કડક કાયદા, સાબદું વહીવટી તંત્ર અને ચુસ્ત ન્યાયતંત્ર હોવા છતાં ગુનાઓ થાય છે. સ્કૂલોમાં કિશોર વિદ્યાર્થીઓ ખૂન કરે એવી ઘટનાઓ બની રહી છે.
કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં જ્યારે શાસકો વારંવાર નિષ્ફળ નીવડે છે ત્યારે તેઓ પોતાની નિષ્ફળતા છુપાવવા તેમ જ સમાજ પરત્વે પોતાની નિસબતનું પ્રદર્શન કરવા કાયદાઓને વધુ કડક બનાવવાનો રસ્તો અપનાવે છે. દુ:ખને ભૂલવા વધુ ને વધુ દારૂ પીતા રહો એના જેવી આ વાત થઈ. દુ:ખના કારણનો ઇલાજ કરવાની જગ્યાએ દારૂનું પ્રમાણ વધારવાથી જેમ દુ:ખનો અંત આવતો નથી એવું સમાજમાં ગુનાનું છે. પહેલાં ગુનાનાં કારણોનો ઇલાજ કરવો જોઈએ અને એ પછી ગુના તરફ લઈ જનારાં પરિબળોનો ઇલાજ કરવો જોઈએ અને એ પછી ગુનેગારનો વારો આવે છે. ઊંધેથી શરૂ કરવાથી સમાજ ગુનામુક્ત થવાનો નથી. શાસકો આ વાત નથી જાણતા એવું નથી, પરંતુ ઊંધેથી શરૂઆત કરવામાં મહેનત ઓછી પડે છે અને કાર્યદક્ષતાનાં પ્રમાણપત્ર મળે છે.
ગુજરાતમાં આનંદીબહેન પટેલની સરકારે ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ નામનો કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે જે આ પ્રકારનો છે. વાસ્તવમાં કડક કાયદો ઘડવાનો આ ચોથો પ્રયાસ છે. ૨૦૦૨નાં શરમજનક કોમી હુલ્લડો પછી ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ દેખાવ એવો કર્યો હતો કે તેઓ ગુનાને અને આતંકવાદને ચલાવી લેવામાં માનતા નથી. તેઓ ૫૬ ઇંચની છાતી ધરાવે છે અને ઝીરો ટૉલરન્સ(કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાની નીતિ)માં માને છે. આવી ઇમેજ ઊભી કરવા માટે કડક કાયદાની જરૂર હતી. આવી ઇમેજ ઊભી કરવા માટે બે-ચાર એન્કાઉન્ટરની જરૂર હરી. આવી ઇમેજ ઊભી કરવા માટે કહેવાતા દુશ્મનોને લલકારવાની જરૂર હતી. આવી ઇમેજ ઊભી કરવા માટે વિવેક અને મર્યાદાનો આગ્રહ રાખનારાઓને ઢીલા તેમ જ નપુંસક ઠરાવવાની જરૂર હતી. નરેન્દ્ર મોદીએ આ બધું કર્યું હતું. તેમણે ૧૩ વર્ષ ગુજરાતમાં રાજ કર્યું હતું અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આતંકવાદની ઘટનાઓ બનતી હતી. હવે એકંદરે આતંકવાદની ઘટનાઓ બનતી ઓછી થઈ છે તો ગુજરાતમાં પણ ઓછી થઈ છે. એવું નથી કે મરદમુછાળો ભડવીર હવે ગુજરાતમાં નથી એટલે ગુજરાતની હાલત આઝાદી પહેલાંના કાઠિયાવાડ જેવી થઈ ગઈ છે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કોમી હુલ્લડો પછી તરત ગુજરાત કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજકોક) નામનો ખરડો પસાર કર્યો હતો, જેને ૨૦૦૩માં રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે પાછો મોકલ્યો હતો. એ સમયે દિલ્હીમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને સરદાર પટેલના પહેલા અવતાર લાલ કૃષ્ણ અડવાણી ગૃહપ્રધાન હતા. કહેવાતા ગુનેગારો વચ્ચે ફોન પર થયેલી વાતચીતને સજા આપી શકાય એવા પુરાવા તરીકે સ્વીકાર કરવો એ અતિરેક છે એમ ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું. એ પછી ૨૦૦૮માં એ ખરડો થોડા ઘણા સુધારાઓ સાથે પાછો પસાર કરવામાં આવ્યો હતો જેને એ સમયનાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પાછો મોકલ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘પોલીસ સમક્ષ કરેલી ગુનાની કબૂલાતને અને પોલીસ સમક્ષ સાક્ષીઓએ કરેલા ગુના વિશેનાં નિવેદનોને અદાલતમાં કબૂલાત કે જુબાની તરીકે સ્વીકારી ન શકાય. ઘવાયેલા નરેન્દ્ર મોદીએ ૨૦૦૯માં ફરી એક વાર એનો એ ખરડો પસાર કર્યો હતો જે ૬ વર્ષથી રાષ્ટ્રપતિભવનમાં પડ્યો છે.
આનંદીબહેન પટેલની ગુજરાત સરકારે આગળનો ખરડો પાછો ખેંચ્યો છે અને મૂળ ખરડામાં ટેરરિઝમ શબ્દ ઉમેર્યો છે. શીર્ષકમાં એક શબ્દ ઉમેરીને અને ખરડામાં મામૂલી ફેરફાર કરીને જૂના ખરડાને નવો બનાવીને ચોથી વખત ગુજરાત વિધાનસભામાં પસાર કર્યો છે. હવે જોઈએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આ ખરડા વિશે શું નિર્ણય લે છે. આ એ જ ખરડો છે જે બે વખત અસ્વીકૃત થઈ ચૂક્યો છે અને ૬ વર્ષની રાહ જોઈને પાછો ફર્યો છે. દરમ્યાન ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં આતંકવાદી ઘટનાઓમાં ઓટ આવી છે.
માત્ર ગુજરાત સરકાર નહીં, દેશની અનેક રાજ્ય સરકારોએ આવા આકરા કાયદાઓ ઘડ્યા છે જેનો ઉપયોગ તો થતો નથી, દુરુપયોગ વધુ થાય છે. ટેરરિસ્ટ ઍન્ડ ડિઝરપ્ટિવ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ – ટાડા આવો કાયદો છે. ૧૯૯૯માં મહારાષ્ટ્ર સરકારે ઘડેલો મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) આવું બીજું ઉદાહરણ છે. વાસ્તવમાં ગુજરાત સરકારનો ગુજકોક મહારાષ્ટ્રનું જ અનુકરણ છે. જો એમાં મહારાષ્ટ્ર કરતાં વધારે કૃતનિશ્ચયી હોવાનું પ્રદર્શન કરવા માટે કારણ વિના તીખાશ ન ઉમેરી હોત તો મોકાની જેમ ગુજકોક પર પણ રાષ્ટ્રપતિની સહી મળી ગઈ હોત અને ૧૨ વર્ષથી રખડતો ખરડો કાયદો બની ગયો હોત. પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ ઍક્ટ (POTA) આવું ત્રીજું ઉદાહરણ છે. તામિલનાડુ સરકારે પણ આવો કાયદો ઘડ્યો છે.
ગુજકોક ૧૨ વર્ષથી રખડે છે અને વગર ગુજકોકે ગુજરાતમાં શાંતિ છે તો પછી હવે દુરુપયોગ થાય એવો કાયદો ઘડવાની જીદ શા માટે?
સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 03 અૅપ્રિલ 2015
http://www.gujaratimidday.com/features/columns/mcoca-pota