Opinion Magazine
Number of visits: 9448792
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

: રેત સમાધિ : લેખિકા ગીતાંજલિ શ્રી : 

બકુલા ઘાસવાલા|Opinion - Literature|21 January 2023

“ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,

ભૂરું છે નભ સ્વચ્છ, સ્વચ્છ દીસતી નથી એકે વાદળી;

ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,

જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં મીઠાં ગીતડાં !” 

                           — સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ 

(‘ગ્રામમાતા’, શાર્દૂલવિક્રિડિત છંદ)

ગીતાંજલિ શ્રીની નવલકથા ‘રેતસમાધિ’માંથી પસાર થતાં મને ઉપરોક્ત પંક્તિઓ યાદ આવી કે નાયિકા માતા ચંદ્રપ્રભાદેવીનું જીવન એટલે એમની મેઘધનુષી, વાસંતી જિંદગીના ચડાવઉતરાવની, ઋતુઋતુના બદલાવની ગાથા જેમાં હેમંત, પાનખર અને વસંત પછી ફરી નવી ઋતુનું આગમન.

સમગ્ર પુસ્તક એક સ્ત્રીની જીવનકથા અને એનાં કુટુંબનાં વિવિધ પાત્રોનાં મનોવ્યાપારનું આબેહૂબ વર્ણન છે. અનોખી શૈલીમાં લખાયેલી કથાનાં પાત્રો માનુષી તો ખરાં જ ઉપરાંત ઘર અને ઘરેલુ ચીજો, વ્યંજનો, બાગબગીચા, પક્ષીઓ સમેત પાત્રો પોતપાતાની અનુભૂતિની વાતો કરતાં રહે છે. મૂળ પાત્રો તો મા, બેટી, મોટો પુત્ર, પુત્રવધૂ, ગંભીર પૌત્ર અને જીવનરસથી હર્યોભર્યો પૌત્ર સિદ્ધાર્થ ઉર્ફે સિડ છે જ ઉપરાંત કેટલાક અન્ય અગત્યનાં પાત્રો છે રોઝી, રઝા, કેકે, અલી અનવર, અનવર, નવાજભાઈ અને અન્ય ….. જો કે માનું હ્યદયસ્થ પાત્ર તો અનવર જ છે.

કથા ત્રણ ભાગમાં કહેવાયેલી છે. ‘પીઠ, ધૂપ અને હદસરહદ.’ પ્રથમ ભાગ માની એ દાસ્તાન કહે છે જેમાં પતિની ચિરવિદાય પછી મા પોતાના હોશહવાસ ગુમાવી બેસે છે અને જિંદગીથી મોં ફેરવી લે છે. કંઈક રીતે બીજી દુનિયા સાથે એનું અનુસંધાન થઈ જતું હોય તેવું લાગે. સંતાનો માને પુન:જીવન માટે ચેતનવંત બનાવવા પ્રયત્નો આદરે છે અને બેટી એમાં કંઈક અંશે સફળ થાય છે સાથે બુઆ પણ છે જેની ઘરમાં આવનજાવન પહેલાં રોઝી અને પછી રઝા રૂપે પણ થતી રહે છે. રોઝીબુઆ નાન્યતર જાતિની અવસ્થામાં છે પરંતુ મા સાથે એનો અનોખો ભાવનાત્મક સંબંધ છે. બેટી પોતાની અલગારી અને મનપસંદ જિંદગી જીવે છે. એને પુરુષ મિત્ર છે કેકે જેની સાથે એ પરણે કે નહીં તે વાત અધ્યાહાર રહે છે પરંતુ પ્રવાસી પત્રકાર કેકે એની સાથે અવારનવાર રહે છે. બેટીનું જીવન એની પોતાની મુનસફી પર પોતાની શરતે જ જિવાતું હોય છે. એને મા માટે એવો લગાવ હોય છે કે એ માને હતાશાના દોરમાંથી જીવનના પ્રવાહમાં આણી લાવવામાં છેવટે મા પ્રત્યે જ ‘માતૃભાવ’ અનુભવે છે. બેટીને ત્યાં આવ્યાં પછી મા બાગબગીચા, પોતાની હસ્તકલાઓ અને જીવનની નાનીનાની પ્રવૃત્તિઓમાં રસ લેતી થાય છે. બેત્રણ વાર બીમાર પડી હોસ્પિટલમાં પણ જાય છે. એ દરમિયાન પણ રોઝી સતત હાજર રહી માને પીઠબળ પૂરું પાડે છે. માનું તનમનથી મેકઓવર થાય છે. વેશભૂષા અને જીવનચર્યા બદલાય છે. માની સાડીઓ ગાઉનમાં તબદિલ થતી રહે છે. માનો જીવનરસ રોઝી ‘ઓડ્ઝ એન્ડ એન્ડ્ઝ’ની પ્રવૃત્તિમાં ઓચ્છવ સ્વરૂપે જીવંત કરી દે છે. બેટીનું ઘર મા, રોઝી અને પાસપડોશીઓની ચહલપહલથી ધમધમતું થઈ જાય છે. ઘરના અને લોકોના આપેલાં કપડાંથી લઈ અનેક ચીજો રમકડાં અને થેલા-થેલીમાં નવ્ય આકૃતિ પામે છે અને એની ઉપયોગિતા વધે છે. મા ફરીથી ખાયા પિયા – મઝા કિયા-ના પાર્ટી મૂડમાં પણ આવી જાય છે. મા માટે એનો દીકરો જે અહીં ‘બડે’ તરીકે ઓળખાય છે એમની, એમનાં પત્નીની, ગંભીર પ્રકૃતિના પૌત્ર અને દિલદાર પૌત્ર સિડની વિવિધ પ્રકારની લાગણીઓનો અણસાર પણ મળતો રહે છે. ત્રીજા ભાગમાં મા-બેટી સરહદ પાર કરીને પાકિસ્તાન જાય છે. નામ તો રોઝીની ઇચ્છાઓનું લેવાયું છે  પરંતુ કારણ તો માનું પોતાનું છે. આ યાત્રામાં પણ સંઘર્ષ છે, કેટલીક કડવી યાદો છે પરંતુ સદ્ ભાવ અને સૌહાર્દનો અનુભવ પણ ક્યાંક થાય છે. અંતે કથા ગીતાંજલિની પોતીકી, આગવી રીતે કે માની નિયતિ રૂપે પૂરી થાય છે.

આ કથામાં ઘટનાઓ છે અને ઘટનાલોપ છે, પાત્રોનું મનોમંથન છે, એક છત નીચે, એક સાથે ત્રણેક સદીમાં જીવતાં કુટુંબના સભ્યોની પોતપોતાની જિંદગીની અનુભૂતિનું દર્શન અહીં થાય છે, દરેકને જોડતી કડી મા અને તેની સાથેના સંબંધો છે. બધાં સાથે છતાં સૌ પોતાની રીતે એકલાં અને એકલવાયાં છે. ભૂતકાળ અને વર્તમાનનું અનુસંધાન છે તો પ્રવર્તમાન વૈશ્વિકીકરણ સાથે જોડાયેલ માર્કેટ કલ્ચર, સંયુક્ત કુટુંબોની બદલાતી તાસીર, શહેરી અને ગ્રામીણ જીવન, હોસ્પિટલ અને ડોક્ટરોની પ્રેક્ટિસની વાસ્તવિકતા, ક્રિકેટની વાતો, ગણપતિએ દૂધ પીધું, ઘર બેઠાં વ્યવસાયની વાતોથી લઈ એવો ભાગ્યે જ કોઈ મુદ્દો હશે જે લેખિકાની કલમેથી ન અવતર્યો હોય. પુસ્તકમાંથી પસાર થતાં આ કથા સરેરાશ ભારતીય કુટુંબની જિવાતી રોજિંદી જિંદગીની વાસ્તવિકતાનું જ નિરૂપણ લાગે. ખાસ કરીને મા-બેટી, ભાઈ-બહેનના સંબંધોની વાત તો આબેહૂબ વર્ણવાઈ છે. રોઝી અને માના સંબંધો તો કંઈક જુદી જ ભાત પાડે છે અને કથાના અંતમાં જ્યારે એનું અનુસંધાન દૃષ્યમાન થાય છે ત્યારે લેખિકાની કથાગૂંથણીની કલા મુખર થઈને રહે છે. મા અને મૂર્તિનો સંબંધ અનોખો, અનન્ય અને અજોડ છે. મૂર્તિનું અનુસંધાન વ્યક્તિગત રીતે તો ભાવનાત્મક છે પરંતુ બે રાષ્ટ્રો વચ્ચે તો ઐતહાસિક વારસાઈ અને માલિકી વચ્ચે પણ છે. મા પાસેથી મળેલી આ મૂર્તિ અમારી સાંસ્કૃતિક ધરોહરનો હિસ્સો છે એ જેટલું તે પાકિસ્તાન જાય છે ત્યારે ભારપૂર્વક કહેવાયા કરે છે તેટલું સામે માનું પોતાની કિશોરાવસ્થાને વફાદાર રહી પોતે પણ એ જ સાંસ્કૃતિક ધરોહરનો જીવંત, માનવીય હિસ્સો છે એવું પુરવાર કરવાનો જ નહીં એ જ સત્ય છે એમ માનવાનો હઠાગ્રહ પણ મૂર્તિ જેવો જ દૃઢ, અડગ, પુરાતન અને તૃણમૂળ છે. મૂર્તિની ઐતહાસિકતાને મ્યુઝિયમ સાથે સાંકળીને અધિકૃત કરવાનો પ્રયાસ માની હયાતીને નગણ્ય બનાવે પરંતુ એ તો પોતાનાં મૂળિયાંને જ વફાદાર રહે છે. અલબત્ત, મૂર્તિને હ્યદયસ્થ રાખીને. મૂર્તિએ પણ મા સાથે જીવનભર સંગીન સંગત કરીને સાથ નિભાવ્યો છે. બેટીને તો માનો મૂર્તિ માટેનો લગાવ કંઈક અજબગજબ જ લાગતો જેનું અનુસંધાન જ્યારે જડે છે ત્યારે બધી પરતો ઉકેલાઈને ફક્ત રાધાભાવ જ ઝળહળે છે. જે પ્રજાને બુતપરસ્તીમાં લેશમાત્ર લગાવ નથી એ જ મૂર્તિની માલિકી માટે ઐતહાસિક પુરાવાને આધારભૂત માને છે જ્યારે સામે મૂર્તિમાં જ પોતાની આસ્થા રોપતી મા પોતે જ પ્રણયની આદર્શ મૂર્તિરૂપ ઝળહળે છે ત્યારે મને તો રાધાભાવનું જ દર્શન થતું રહે છે જાણે મૂર્તિ સદૈવ ‘સોડહમ્ સોડહમ્‌’ના નાદબ્રહ્મનું રટણ કરતી રહેતી હોય ! કોણ જાણે કેમ મને મૈત્રેયીદેવીની ‘ન હન્યતે’ યાદ આવતી હતી અને ‘ન હન્યતે હન્યમાને શરીરે’ની વિભાવના તાદૃશ થતી લાગતી હતી. માનું ભાવજગત અનવર સાથે એવું અનુસંધાન પામ્યું છે કે માને મન એ જ એનું સર્વસ્વ છે. એની સ્થૂળ હયાતીનો અહેસાસ કરવો એ જ હવે એનું લક્ષ્ય છે. જોકે જીવનનાં અંતે મેળાપ થાય છે ત્યારે એક શારીરિકરૂપે અને બીજું માનસિક રીતે પોતાની વાસ્તવિક સંચેતના ગુમાવી ચૂક્યું હોય છે. પાકિસ્તાનની જેલમાં માબેટી સાથે વર્તન આપણી ધારણા બહાર સૌજન્યસભર છે. વિભાજનની વ્યથાના વીતક તો અહીં છે જ. વિભાજનની કડવી યાદો અને હિંદુસ્તાન આવવાની સફરમાં જ રોઝીનો એક નાની બાલિકા તરીકે યુવતી ચંદ્રપ્રભા સાથેનો મેળાપ અને સંબંધ એ માનવીય મૂલ્યોનું એવું જતન છે કે તે બન્નેની સમગ્ર જીવનયાત્રા દરમિયાન મહેસૂસ કરીએ તો જ સમજાય. વિભાજન સમય દરમિયાનનો ખોફ, હિંસા, નિર્દયતા, ડર સાથે એ સમગ્ર પ્રતારણા પછી પણ ટકી જવું, ક્યાંક સારપ જોવી અને અનુભવવી, સંસાર વસાવવો, એની માવજત કરવી અને મનને અતલ ખૂણે સંતાડેલી ચાહતને સંભાળીને ગોપનીય રાખવાની ત્રેવડ તો સંવેદનશીલ સ્ત્રીહ્યદયને જ હોય. એ નાજુક સંબંધોનું  જતન સર્જકે આહથી અનાહતમાં કર્યું છે. તો પણ મને એ સવાલ તો રહ્યો જ કે અંતે આ નવલકથાની આકૃતિ વેદનાનો પાલવ સમેટીને કેમ સંકોરાઈ ગઈ ?

આ કથા સીધી રીતે એક પછી ઘટનાક્રમની કડીઓ જોડતી નથી પરંતુ જીવંત પાત્રોની સાથે દરવાજા, બારી, ભીંત, અત્તર, છડી, વાળ, લેપ, વાઈન, એલાર્મ, ડોરબેલ, મેઘધનુષ જેવાં કેટલા ય પ્રતીકો અને કલ્પનોની ઝાંખી કરાવતી કરાવતી સાકાર થતી રહે છે. નવલકથામાં જ લખ્યું છે કે વાર્તા જીવે, જિવાડે, ઊડે, ચાલે, થોભે, વળે, હોય. જે હોય તે સામે આકૃતિ ધારણ કરે અને દયા, માયા, સપનાં, નિસ્પૃહીપણું, પ્રેમ, હાસ્ય, નિર્દોષતા, ચીડ, એકલવાયાપણું, વિદ્વત્તાનો ભાર અને ગાંભીર્યની ભાવનાત્મકતાની અનુભૂતિ કરાવતી રહે છે. અહીં ફક્ત માનવમેળો જ કે એમના દ્વારા લવાયેલ ‘વેસ્ટ – કચરાપટ્ટી’ જ જડે છે એવું નથી અહીં પુષ્પાવલિનો ઘટાટોપ છે, વાનગીઓનો રસથાળ છે, સાડીઓનો મેળો છે, સાડીઓની વાત નીકળી છે તો જરા એના વૈવિધ્યના ઉલ્લેખ પર પણ નજર કરી દઈએ. સાડીઓની ખૂબી-ખામીની વાત સાથે એનાં વિવિધ પ્રકારો ગણીએ જેનો સંબંધ ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક પણ છે. બાંધણી, ચંદેરી, જામદાની, ઈક્કત, તનછોઈ, મૂગા, કોટા, બાલુચેરી, બંધેજ, અજરખ, ઢાકાઈ, જરદોસી, ચિકનકારી, મધુબની, મહેશ્વરી, ભાગલપુરી ટસર, ગઢવાલી, બનારસી, ટંગાઈલ, કાંથા, પોચમપલ્લી, કટક, બંગાલી શાંતિપુરી, બસ્તર, લુગડા, પૈઠણી …. આ બધું ઉપરછલ્લું જોઈને ધરાઈ ગયા પછી એને છોડીને એ અંદરની પરત – ગડી ખોલી જોઈ રહી છે ! બડેને થયું કે એણે સાડી છોડી ગાઉન પહેર્યો છે તો એ પડી જશે અને એ પડી પણ ત્યારે નહીં ! – (૧૯૩).

વેસ્ટમાંથી બેસ્ટની કલાની રંગત છે અને પંખી-પ્રાણીઓ-નાનકડાં જીવજંતુઓની સૂરાવલિઓની  સંગત પણ છે. વર્તમાન સમયમાં મા અને રોઝીની સિસોટીના રણકારનો આનંદ છે તો એનું અનુસંધાન દેશવિભાજન સમયે સિસોટીના સહાયસૂચક અવાજની જરૂરિયાત અને ઉપયોગિતા સાથે પણ છે. 

કહેવતો અને રૂઢિપ્રયોગો અહીં સહજતાથી બોલાય છે કેટલાક ઉદાહરણો જોઈએ. 

એક દિન મરને કે લિયે હજારો દિન જીના પડતા હૈ . (પાનું : ૨૦૪) 

કાહે કે બડે, દહીં કે બડે (વડે) (પાનું : ૨૦૫) 

નીમ ઊભરી કી નીમ ડૂબી ! (પાનું : ૨૦૬ કે ૨૦૭) 

જ્યાં સીમા પાર થાય છે ત્યાં સંગમ થાય છે (પાનું : ૨૦૭). 

ઔરતોમેં ઉનકા સંસાર ઔર ટપ ટપ રસ બહાર ! (પાનું : ૨૦૭)

આ કથા સીધી સીધી શીરાની જેમ ગળે ઉતરી જાય તેવી તો નથી જ. મારા પર એની અસર એ રીતે એ થઈ કે એક વાર હાથમાં લીધા પછી બેથી ત્રણ વાર મૂકી પણ દીધી છે છતાં ફરીથી હાથમાં લીધી અને વિચારી વિચારીને પઠન કરતી રહી. ક્યાંક મને મારી લાગણી વ્યક્ત થતી લાગી તો ક્યાંક વાસ્તવિક જિંદગીના કેટલાયે પાત્રો સામે જીવંત થઈ ગયાં અને લાગે કે ગીતાંજલિ શ્રી આ લોકોથી પરિચિત હશે ? એવું વિચારવાનું એક કારણ એ પણ ખરું કે તેઓ સુરત રહી ગયાં છે એટલે દક્ષિણ ગુજરાતથી પરિચિત છે. “માનું મૃતપ્રાય અવસ્થામાંથી જીવન તરફ પરત થવું અને પરતોનું ઉકેલાતાં રહેવું અને જિંદગીને ચાહવું એ આ કથાનો પ્રધાન ધ્વનિ છે . તો સામે  અસંમજસ, દ્વિધા, ફિકર, ઉદ્વેગ, અતીતરાગ અને એ ક્ષણોને પકડી રાખવાની જિદ પણ છે. “ઘર, ઘરની ગતિવિધિઓ અને એમાં બનતી ઘટનાઓ, લેવાતા નિર્ણયો પર અધિકાર કે સાઈડટ્રેક થવાની લાગણીઓ જેવી અનેક બાબતો વણી લેવાયેલી છે. અહીં ‘મનકી બાત’નો વિનિયોગ, વેસ્ટમાંથી બેસ્ટ, તમે કરો તે લીલા અને અમે કરીએ તે નાદાન રમત !-ની લાગણી, રિબોક જેવી કંપનીનો પગપેસારો અને સાંપ્રત સામાજિક, સાંસ્કૃતિક, પર્યાવરણની પરિસ્થિતિ પર એની અસરને બખૂબી ગૂંથી લેવાયેલી છે એટલે કે સ્વદેશીની ભાવનાનો લોપ અને વિદેશી વસ્તુઓનું જ નહીં વિભાવનાનું હાવી થવું પણ મુખર કરવાનો પ્રયાસ ધ્યાનાકર્ષક બને છે. વેરવિખેર લાગતી ઘટનાઓ, મનોવ્યાપાર, અસંબંદ્ધ લાગતા આલાપ-પ્રલાપ સુગ્રથિત થઈને આશરે ત્રણસો પચ્ચોતેર પાનાંમાં નવલકથા રૂપે પ્રગટ થાય છે. ઘરના રહેવાસીઓ ઘરમાં રહે છે તો પણ સ્વથી સમષ્ટિ સુધી એમનો નાતો છે તો સમષ્ટિનો સ્વ પર પ્રભાવ સમજવો જ પડે એ અનિવાર્યતા છે. રિબોકના શૂઝનો ઘરપ્રવેશ એવો પ્રતીકાત્મક છે કે દેખીતી રીતે સહજ, પરિવર્તનશીલ અને નગણ્ય લાગે છતાં એ સીધો તમારી રહનસહન, વિચારધારા અને જીવનશૈલી પર સાંસ્કૃતિક હુમલો કરી અનિવાર્ય જરૂરિયાત રૂપે સ્થિત થઈ જાય છે. શરૂઆતમાં તો લાગે કે એનો પ્રવેશ અનાયાસ થયો પરંતુ એ કોઈ આર્થિક વ્યવસ્થાની રણનીતિ રૂપે મારા-તમારા ઘરમાં પ્રવેશી ગયો તેનો અણસાર આવે તે પહેલાં તો એની ઘૂસણખોરી તમારા જીવનમાં થઈ ગઈ અને હવે તમે હતપ્રભ થાવ કે ન થાવ તમારે સ્વીકાર્યો જ છૂટકો ! વાત એક જ ચીજની ક્યાં છે ? અહીં તો કામની કે નકામી ચીજોનો ખડકલો છે જે કન્ઝ્યુમરિઝમને બહેકાવ્યા જ કરે છે. ભારતીય રિસાઈક્લિંગની ભવ્ય પરંપરા અને આ નવ્ય મોહમયી વાપરો અને ફેંકોની ભ્રાંતિ ! વળી આ બધું મા અને મા સાથે જોડાયેલ જીવનચર્યાના ભાગરૂપે જ તો દર્શાવાયેલું સત્ય છે !

નવલકથામાં પ્રવેશીને કેટલુંક પોતાપણું અનુભવીને તો ક્યાંક અતરાપી હોવાનો તો ક્યાંક સંમતિ-અસંમતિનો ભાવ અનુભવીને પણ હું અંતે તો એ વાચનયાત્રા પાર કરી ચૂકી છું. મને તો નવાઈ એ પણ લાગી છે કે ગુજરાતી ભાષા જગતમાં એની જોઈએ એવી નોંધ લેવાઈ નથી !

હવે તો આ કૃતિને અનુવાદ માટે બુકર એવોર્ડ પણ મળી ચૂક્યો છે એ લેખિકાનાં કલમકર્મની અધિકૃત સફળતા છે. મિત્ર જવાહરભાઈનાં સૌજન્યથી આ પુસ્તક વાંચવાં મળ્યું તે બદલ એમનો અને લેખ પ્રકાશિત કરવા બદલ ‘ભૂમિપુત્ર’નો આભાર. 

પ્રગટ : “ભૂમિપુત્ર”; 01 ડિસેમ્બર 2022; પૃ. 14-16
સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

21 January 2023 Vipool Kalyani
← વચ્ચે 
… શોધું છું →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved