Opinion Magazine
Number of visits: 9743499
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હિન્દ સ્વરાજ’માં દર્શાવેલ ગાંધીની કલ્પના કેમ ચરિતાર્થ ન થઈ?  

આશા બૂચ|Gandhiana, Opinion - Opinion|26 December 2022

ઈ.સ. 1909માં લંડનથી દક્ષિણ આફ્રિકા જતાં, કિલડોનિયન કાસલ નામની આગબોટમાં, લખેલ ‘હિન્દ સ્વરાજ’ એ ગાંધી વિચારના અભ્યાસુઓ માટે પરિચિત પુસ્તક છે. ગાંધીજીએ સ્વરાજ, આધુનિક સભ્યતા અને યંત્રીકરણ ઉપરાંત અન્ય અનેક વિષયો ઉપરના પોતાના મંતવ્યો એક વાચક અને અખબારના અધિપતિ વચ્ચેના સંવાદ રૂપે વ્યક્ત કર્યા, અને તેથી આ પુસ્તિકા અનેક રીતે અદ્વિતીય સાબિત થઇ છે. કેટલાક મનીષીઓનો અભિપ્રાય છે કે જેમ બાઇબલ ક્રિશ્ચિયન ધર્મના આસ્થાળુઓ માટે એક માર્ગદર્શક ગ્રંથ છે તેમ ‘હિન્દ સ્વરાજ’ માત્ર હિંદુઓ કે ભારતીયો માટે જ નહીં, પણ સમગ્ર માનવજાત માટે એક ઉત્તમ માર્ગદર્શિકા પુરવાર થઈ છે.

જો ઉપરોક્ત વિધાનો સાથે સહમત થઈએ તો સવાલ એ થાય કે ‘હિન્દ સ્વરાજ’માં ગાંધીજીએ જે પ્રકારની સ્વતંત્રતા, લોકશાહી અને મુક્તિની કલ્પના પ્રગટ કરેલી એ ચરિતાર્થ કેમ ન થઇ?

ગાંધીજીએ વાચકના પ્રશ્નોના ઉત્તર રૂપે સંપાદકને મુખે જે મહત્ત્વના મુદ્દાઓ મૂક્યા છે તેને આજના સંદર્ભમાં ભારત અને ખરું જોઈએ તો સમગ્ર વિશ્વએ જે રીતે રાજ્ય, સમાજ અને અર્થવ્યવસ્થા ઘડી છે તેના સંદર્ભમાં  જોઈશું તો આપણી વિફળતાઓનાં કારણો જડી આવશે.

ભારતીય પ્રજાને વિદેશી શાસનની ધૂંસરીમાંથી મુક્ત થવું હતું. એ વ્યાજબી હતું કેમ કે અંગ્રેજો આપણું ધન લૂંટીને બ્રિટનને માલામાલ કરતા હતા, તેથી દેશ કંગાળ થયો. ગોરાઓને મોટા હોદ્દા મળ્યા અને ભારતની મૂળ પ્રજાને અન્યાય થયો. હવે, સવાલ એ છે કે આજે ‘આપણા લોકોના’ શાસન દરમ્યાન આમાનું શું નથી થતું? ગાંધીજીએ કહેલું તેમ આપણને આપણો ધ્વજ અને સૈન્યનો કાફલો જોઈતો હતો, પણ અંગ્રેજો નહીં. આમ કરવા જતાં વાઘનો સ્વભાવ રહ્યો, વાઘ નહીં, પણ તે તો આપણા જ દેશ બંધુઓને પ્રજાનું શોષણ કરવા પરવાનો આપ્યો એમ જ ને? વાઘ જેવી મારક અને સ્વકેન્દ્રી વૃત્તિથી વર્તનારા ગોરાની બદલે ઘઉં વર્ણા લાવ્યા, તેથી આમ પ્રજાને શો ફર્ક પડ્યો?

કોઈ પણ દેશની અસ્મિતા તેની ભૌગોલિક સીમાઓ થકી જ નથી ઓળખાતી, બલકે તેની પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક ઐક્યથી કાયમ રહે છે. અંગ્રેજોએ આપણા દેશમાં ભાગલા પાડો અને રાજ  કરવાની નીતિ અપનાવી જે દુનિયામાં સહુથી વધુ નિંદાને પાત્ર ઠરી અને ભારતીય જનતાની ભાવનાત્મક એકતા માટે ખતરનાક સાબિત થઈ. દુઃખદ વાત એ છે કે આઝાદીના શરૂઆતના દાયકાઓ દરમ્યાન આર્થિક અને રાજકીય સ્થિરતા મેળવ્યા બાદ આપણે પણ એ જ નીતિ શીખ્યા, દેશને ધર્મ અને કોમ, જાતિ અને જ્ઞાતિના દંડથી વિભાજીત કરીએ છીએ, તો આપણામાં અને બ્રિટિશ રાજ્યકર્તાઓમાં શો ફર્ક?

આજે સામ્યવાદ, સમાજવાદ અને લોકશાહી રાજ્યવ્યવસ્થા નિષ્ફળ ગયેલા પ્રતીત થાય છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાનું માન ભારતને મળે છે એ તેની લોકશાહીનાં મૂલ્યોનું વિશુદ્ધ રીતે પાલન કરવાને કારણે કે માત્ર તેની જનસંખ્યા વિશાળ છે તેને કારણે? ગાંધીને મોઢે (કલમે) આકરા શબ્દો નીકળે તે કલ્પનામાં ન આવે. પરંતુ તેમણે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને વાંઝણી અને વેશ્યા કહી. કારણ?  જે પાર્લામેન્ટ પ્રજાહિતનું કામ ન કરે તે વાંઝણી એમ તેઓએ કહ્યું, તો ભારતીય નાગરિક વિચારે, પોતાની પાર્લામેન્ટ પ્રજાહિતનું કામ કેટલે અંશે કરે છે? અને ગાંધીજીએ વધુમાં એમ પણ કહ્યું કે જુદા જુદા પ્રધાનમંડળના અંકુશમાં રહે તેથી વેશ્યાની જેમ તેની વફાદારી બદલાયા કરે. આજનો શિક્ષિત વર્ગ જાણે છે કે કોઈ પણ પક્ષ સત્તાસ્થાને આવશે, લોકશાહી વહીવટી તંત્ર પ્રધાનમંડળના અંકુશમાં રહેશે નહીં કે પ્રજાના, અને તેથી તેની વફાદારી ‘લોક’ પ્રત્યે નહીં, ‘શાસક’ પ્રત્યે રહે, અને આ કારણ છે કે આપણો દેશ વિદેશી સરકારથી સ્વતંત્ર થયો, પણ લોકો હજુ મુક્ત નથી થયા.

હરેક સ્વતંત્ર દેશ પોતાની સીમા સુરક્ષા અને આંતરિક શાંતિ માટે સ્વાયત્ત હોય છે, તેમ જ સંપૂર્ણપણે જવાબદાર પણ હોવી ઘટે. આજે, આઝાદી મળ્યાને સાત દાયકા વીત્યા છતાં ભારતને પોતાની સરહદની સુરક્ષાનો સવાલ નડે છે. ખૂબ શસ્ત્રો હોવા છતાં દેશ અસલામતી અનુભવે છે. પાડોશી દેશો સાથે વ્યાપારી અને સાંસ્કૃતિક કરારો કરીને મૈત્રીપૂર્ણ સંગઠન કરવામાં નિષ્ફ્ળતા મળવાનું કારણ વહીવટકર્તાઓનો અહિંસક પદ્ધતિ પર વિશ્વાસનો સદંતર અભાવ. જેમ આંતરિક વિખવાદ તેમ જ અન્ય દેશો સાથેના સંઘર્ષ ભૂમિ અને સત્તા લાલસાને કારણે થાય છે, કોઈ વિનાશક શસ્ત્રોના ઉપયોગથી નહીં, તો એવા સંઘર્ષોનો ઉકેલ પણ વાટાઘાટો અને શાંતિ મંત્રણાઓથી જ આવશે. ગાંધીજીનું આ સ્વપ્ન સાકાર થવામાં જેટલો વિલંબ થાય છે તેટલું નુકસાન સારી ય માનવ જાતને ભોગવવું પડશે.

અંગ્રેજી શાસન દરમ્યાન ઉપરી અમલદારો અને લશ્કરી વડાઓ ગોરા સાહેબો રહેતા, પણ કારકૂનો, વહીવટદારો અને સૈનિકો બધા ભારતીયો હતા. એને આપણે ગુલામી ગણી. એ સાચું જ હતું. તો આજે એ સ્થાન બહુ રાષ્ટ્રીય કંપનીઓએ લીધું એમ કહી જ શકાય. ગણ્યા ગાંઠયા કંપનીના ડાયરેક્ટરો અને માલિકો ભારતની રોજગાર ભૂખી જનતા પાસે મામૂલી દરે કામ કરાવી માલનું જથ્થાબંધ ઉત્પાદન કરે, જેના નફાનો મોટો હિસ્સો વિદેશી કંપનીના માલિકોને ફાળે જાય, તો ફરી પૂછીએ, બ્રિટિશ વેપારી અને શોષણ નીતિ અને ‘દેશી’ ઉદ્યોગ-વેપારની નીતિમાં શો તફાવત? સર્વોદયની કલ્પના સાકાર ન થવાનું આ જ કારણ.

આજે ‘સબકા વિકાસ’ના ઢોલ બહુ પિટાય, જેમાં પ્રજાની જરૂરિયાતોની માગણી કરતી પિપૂડી ક્યાંથી સંભળાય? અંગ્રેજી શાસન દરમ્યાન ભારતની પ્રજાએ માની લીધું કે યુરોપમાં સુધારા થયા, તો આપણે પણ આઝાદી બાદ એ માર્ગે ચાલીને ‘સુધરેલા’ થઈને માલેતુજાર થઈએ એ જ ખરી સ્વતંત્રતા. પણ ખરું જોતાં ગાંધીજીએ એ સુધારાને ‘કુધારા’ ગણાવેલા. ભારત જેવા વિદેશી શાસનથી સ્વતંત્ર થયેલ દેશોને કદાચ એ દાવો સાચો ન લાગે, પણ ઝીણવટથી જોતાં ખ્યાલ આવશે કે સુધારાને પગલે વિકાસની દોટમાં આંધળા થઈને દોડતા યુરોપની હાલત અત્યારે કુદરતી સંસાધનોની ખેંચ જેવી ભૌતિક કટોકટીથી માંડીને સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનાં ધોવાણ જેવી અમૂર્ત વિપદાઓને કારણે ખાસ્સી દયાજનક થઇ છે. ત્યારે આર્ષદૃષ્ટા ગાંધીજીની વાતમાં તથ્ય લાગે છે અને ભૌતિક તથા શારીરિક સુખમાં જીવનનું સાર્થક્ય માની તેને જ મેળવવા પુરુષાર્થ કરવો તેમાં સાચું સુખ નથી. આથી જ તો યુનાઇટેડ નેશન્સ દ્વારા આર્થિક વિકાસના સૂચકાંક સાથે ખુશીના સૂચકાંકો બહાર પડ્યા. એ શું સૂચવે છે?

ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’માં વકીલો, ડોકટરો અને રેલવેએ આપણને કંગાળ કરી મુક્યા છે તેમ લખ્યું એ જરા વધુ પડતું લાગે. તેનાથી ફાયદાઓ અનેક થયા એ તેમણે નથી સ્વીકાર્યું એમ જરૂર માની  શકાય અને તેથી તેના વિશે વિવાદ પણ રચાય. તેમના આ વિધાનને તત્કાલીન બ્રિટિશ શાસનના સંદર્ભમાં જોવું ઘટે. એ સમયે રેલવેને કારણે અંગ્રેજોનો પૂરા ભારત પર કાબૂ રહ્યો, લશ્કર અને સૈન્યની હેરાફેરી, વેપારી માલની લેણદેણ સહેલી બની; જેનો ફાયદો અંગ્રેજ સરકારને જ થયો. આઝાદી બાદ આપણે પણ તેનો લાભ ઉઠાવી દેશને વિવિધ માલ પૂરો પાડવામાં અને લોકોને એક બીજા સાથે જોડવામાં સફળ થયા તેમાં શક નથી. હવે, ગાંધીજીની એક દલીલ એ પણ હતી કે લોકો દૂર સુદૂર જલદી પહોંચે એટલે રોગ વગેરે જલદી ફેલાય. આ હકીકત કોરોના કાળમાં બરાબર સાબિત થઇ. એ જ રીતે સારાની માફક બુરા વિચારો પણ વાહનો દ્વારા જલદી ફેલાય એ આપણે અનુભવીએ છીએ. પ્રદૂષણ વધે એ નફામાં. તો શું આધુનિક વાહન વ્યવહારના સાધનોને બદલે પારંપરિક ધીમી ગતિનાં સાધનો વાપરવા શરૂ કરવાં? અહીં સવાલ આવે છે એ તમામ ઉપકરણોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની ક્ષમતાનો .. પુરાતન કાળમાં ભારત અને બીજા દેશોમાં લોકો વચ્ચે જીવનનાં સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ જેવાં પાસાંઓમાં ભાવાત્મક એકતા હતી કે નહીં? આજે વાહન અને સંદેશ વ્યવહારના ઝડપી સાધનોને કારણે global village સર્જાયું છે તે કયા પાયા પર? એ જમાનામાં વેપારીઓ અને સાધુ સંતો લોકોની વચ્ચે ફરતા, તેમની ભાષા, જરૂરતો, રીતભાત જાણીને પોતાનો માલ વેંચતા કે પોતાની વિચારધારા સમજાવતા. આજે મોટી મોટી ફેક્ટરીઓમાં જથ્થાબંધ માલ બને તે બહુરાષ્ટ્રીય કંપનીઓ ચપટી ભર માલિકોને અમર્યાદ નફો કરી આપવા માટે દેશ વિદેશમાં વેંચે તે આપણને કઈ રીતે એક બનાવે? ક્યારેક તો માનવ જાતે વાહનો અને સંદેશ વ્યવહારના સાધનોના અમર્યાદિત ઉપયોગ ઉપર રોક લગાવવી જ પડશે.

એકવીસમી સદીની જીવન પદ્ધતિથી લાભને બદલે ગેરલાભ વધવા લાગ્યા છે એ દર્શાવે છે કે આપણે ‘હિન્દ સ્વરાજ’માં પ્રબોધેલ મૂલ્યો વિષે ફેર વિચાર કરવાનો સમય આવી ગયો છે. અને ત્યારે જ ભારતની આમ પ્રજાને સ્વતંત્રતાનો ખરો અનુભવ થશે, દરેક પ્રકારની ગુલામીમાંથી મુક્તિ મળશે અને ગાંધીજીની કલ્પનાની આઝાદી હાંસલ થશે.

e.mail : 71abuch@gmail.com

Loading

26 December 2022 Vipool Kalyani
← જન્મ જુદાં કરે છે ને મૃત્યુ ભેગાં કરે છે …
વ્યારાના વિદુષીએ લખેલું વિશિષ્ટ પુસ્તક : નગરના પુસ્તકાલયનો ઇતિહાસ →

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved