Opinion Magazine
Number of visits: 9447247
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વામી આનંદનું સાહિત્ય હવે નવજીવનમાં …

કિરણ કાપુરે|Opinion - Opinion|21 July 2022

સ્વામી આનંદનું સાહિત્ય ગતિશીલ છે; તળપદું છે અને જિવાતા જીવનના રંગો ઉપસાવવામાં તે સક્ષમ છે. સ્વામીશૈલીમાં સત્ત્વ ઠાંસીઠાંસીને ભર્યું છે અને તેથી તેમને વાંચવા — ગ્રહણ કરવામાં સમય વહેવા દેવો પડે છે. ગુજરાતી સાહિત્યમાં સ્વામીશૈલીનું લેખન દીર્ઘ સમય સુધી જડતું નથી. બળકટ ગદ્યમાં અનેક પુસ્તકો લખ્યાં છતાં લેખક તરીકેની ઓળખમાં તેમનું ફકીરી વલણ છે. અને તે પણ એટલે સુધીનું કે ઉંમર વીત્યે ઘણું લખ્યું છતાં ય તેને ગ્રંથસ્થ કરવાની પરવાનગી ન આપી.

એંસી વટાવ્યા પછી જ્યારે પોતાનાં લખાણોને છાપવાની મંજૂરી આપી ત્યારે સ્વામી લખે છે, “મારાં લખાણો દુનિયાનો ઑદ્ધાર કરવાના અભરખામાં પડીને કોઈ છાપે પ્રચારે તે સામે સિદ્ધાંતની રૂએ તો મારે કશી તીખી અદાવત નહોતી. હવે પ્રસ્તુત મુદ્રક પ્રકાશકોએ મને મરણને ફટકે દુઃખ ન દેવાની બાંહેધરી આપી છે. એટલે રામભરોસે રહીને, અને મારે રવાડે ચડવામાં રહેલાં જોખમ પ્રકાશકને ત્રણત્રણ વાર સમજાવ્યા પછી, મારાં લખાણો પુસ્તક રૂપે પ્રગટ કરવાનું સાહસ એમને ખેડવા દેવાનું મેં કબૂલ્યું છે.” આ લખાણ જાન્યુઆરી, 1967નું છે. પુસ્તક હતું ‘અનંતકળા’; જેમાં સ્વામીના ચિંતન-નિરીક્ષણ વિષયક લેખો છે. આ અગાઉ સ્વામી આનંદના નામે પુસ્તક હતાં, પણ તે મુખ્યત્વે અનુવાદ અને અન્ય સંસ્મરણોના રજૂઆતકર્તા તરીકેનાં. સ્વામી આનંદનાં લખાણો તેમની હયાતીમાં અને પછીયે ગ્રંથસ્થ થતાં રહ્યાં અને એ રીતે કુલ પુસ્તકોની સંખ્યા ચાળીસ સુધી પહોંચી છે. સ્વામીનાં પ્રકાશિત પ્રકાશનોમાં તેમના અતિ આગ્રહોને પળાયા — ન પળાયા અને કેટલાંક લખાણો તેમાં એવાં પણ છે જે સમયાંતરે અલગ-અલગ પુસ્તકોમાં ફરીફરી સમાવવામાં આવ્યાં. સ્વામીનું ગદ્ય એ રીતે ગ્રંથસ્થ તો થયું પણ તેનું સાતત્ય ન જળવાયું, એટલે સ્વામીના શતાબ્દી વર્ષે પ્રકાશિત ‘સ્વામી આનંદ અધ્યયનગ્રંથ’માં અને તે પછી ‘આનંદપુરુષ’માં તેમના તમામ લેખોની સૂચિ આપવામાં આવી છે, જેથી વાચકો-અભ્યાસીઓને તેમના સાહિત્યને ફંફોસવામાં મદદ મળી શકે.

સ્વામીસાહિત્યને ચર્ચવાનો ઉપક્રમ અહીં એ માટે કર્યો છે કે આવતા મહિને સમગ્ર સ્વામીને પ્રકાશિત કરવામાં નવજીવન એક ડગ માંડશે. પહેલા તબક્કામાં સ્વામીનાં પાંચ પુસ્તકોને પુન: પ્રકાશિત કરવામાં આવશે. નવજીવન અને સ્વામીનો ઋણાનુબંધ આરંભકાળથી રહ્યો છે. 1917માં જ્યારે તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી બધી પ્રવૃત્તિઓ ત્યજીને ‘નવજીવન’ હાથમાં લીધું. અને પછી તેઓ નવજીવનની વ્યવસ્થામાં, નવજીવન મુદ્રણાલય અને તેના તંત્રમાં સક્રિય રહ્યા. પોતાની જાતને ‘ગાંધીના કાસદ’ તરીકે ઓળખાવે અને કર્મ-સમયનિષ્ઠા એટલી કઠોર રીતે પાળી કે એક પ્રસંગે ગાંધીજીએ બેધડક કહેલું કે, કાં તો ટ્રેન ખોટવાઈ હશે અથવા સ્વામી મરી ગયો હશે, એ સિવાય સ્વામી મોડો ન પડે!

પડદા પાછળની ભૂમિકામાં રહીને ગાંધીવર્તુળમાં સ્વામી જાહેરમાં મોડેથી આવ્યા. તે અગાઉના તેમના જીવનનો થોડો હિસાબ તેમના આરંભના સાથી કાકાસાહેબ કાલેલકરે આપ્યો છે. તેઓ સ્વામી વિશેના લેખમાં ‘રાષ્ટ્રમત’ નામના ગુજરાતી દૈનિકમાં કામ કરતી વેળાએ સ્વામીને ‘પાણીદાર દૃષ્ટિવાળો જુવાન’ કહીને પરિચય કેળવાયો તેવો ઉલ્લેખ કરે છે. આ વર્ષ 1908ની આસપાસનું. સ્વામીની ઉંમર તે વખતે 21 હશે. પણ આ યુવાનનું પૂર્વેનું જીવન કાકાએ ફંફોસ્યું છે અને તેનો જન્મ કાઠિયાવાડનો લખે છે. કાઠિયાવાડમાં ઝાલાવાડના શિયાણી ગામે સ્વામીનો જન્મ તેવા સંદર્ભો અનેક ઠેકાણે છે. પૂર્વાવસ્થા વિશે ખુદ સ્વામી આમ લખે છે : “છેક બચપણે કોઈ ભટકુ બાવાનો ભોળવ્યો ભગવાનને જોવાની ધૂનમાં હું સાધુબાવાની દુનિયામાં ખોવાઈ ગયેલો. તેર વરસની ઉંમરે ઠાકુર રામકૃષ્ણના સાધુએ ઉગાર્યો.”

સ્વામીનું બાળપણ મુંબઈમાં વીત્યું. ઘરે વેવિશાળની વાત આવી તો ઘર છોડીને સંન્યાસની દીક્ષા લીધી અને લોકમાન્ય ટિળકના દૌરામાં ભળી ગયા. સભાઓ ગજવી અને ‘તરુણ હિન્દ’ નામનું મરાઠી છાપુંયે શરૂ કર્યું. આ દરમિયાન મરાઠી અને ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિઓ, સર્જકોના પરિચયમાં આવ્યા. કાકા નોંધે છે કે પછી તેમને ધાર્મિક સાધના તરફ આકર્ષણ થયું. હિમાલય ગયા. અહીં પણ ભણવાથી માંડીને વિહારની પ્રવૃત્તિમાં સમય ગાળ્યો. હિંદી-બંગાળી સાહિત્યની નિકટ આવ્યા. હિમાલયમાંથી આવ્યા પછી કાકાને સ્વામી વેગળા જણાયા અને સ્વામીની જ વાત કાકા ટાંકે છે : “માણસમાં સાધુતા હોય છતાં સાધુનો વેશ હોવો ન જોઈએ; માણસ અપરિગ્રહવ્રતનું પાલન કરે પણ ભિક્ષા માગતો — ઉપદેશ કરતો ન ફરે. દુનિયામાં રહે છતાં નિસ્પૃહતા કેળવે; અમર્યાદ પ્રવૃત્તિમાં પડે છતાં અનાસક્ત રહે; તો જ માણસ આજે દેશની કંઈક સેવા કરી શકે.”

દેશસેવાની આ તાલાવેલીના કારણે સ્વામી 1922માં જેલમાં ગયા. આરોપ ‘નવજીવન’ના મુદ્રક તરીકે વાંધાભર્યાં લખાણ છાપવાનો હતો. મહાદેવ દેસાઈ અને સરદાર પટેલ સાથે ઘનિષ્ઠ સંબંધ કેળવાયો. 1928માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદારનાં ભાષણો શબ્દબદ્ધ કર્યાં. બારડોલીમાં સરદારના મંત્રી રહ્યા. પછી પણ બે વાર જેલમાં જવાના પ્રસંગો છે. હરિજનમંદિર-પ્રવેશની ચળવળ હોય કે બિહાર ધરતીકંપ … સ્વામીની હાજરી ગાંધીના પ્રતિનિધિસેવક તરીકેની સતત રહી. 1935માં થાણા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આશ્રમ સ્થાપ્યો. દેશ આઝાદ થયો ત્યારે પણ નિરાશ્રિતો અર્થે કામ કર્યું. આવું ભર્યુંભર્યું જીવન પછી કલમેથી સાહિત્યમાં તો તે ઊતરે ને! અને તેથી જ 1969માં તેમને ‘કુળકથાઓ’ કૃતિ અર્થે સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયું. પણ ત્યારે સાધુત્વ આગળ ધરીને સન્માન લેવાનો ઇનકાર કર્યો.

ગાંધીના અવસાન પછી ફરી હિમાલય તરફ મંડાણ કર્યું. ત્યાંથી આવીને ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે કોસબાડમાં ઠેકાણું શોધ્યું. ફરી લખવાનું શરૂ કર્યું. અંતિમ વર્ષો વિષાદનાં અને એટલે જ તે સ્થિતિનું વર્ણન આ રીતે કર્યું હતું : “વર્ષો વાટ જોઈ. અસંખ્ય સ્વજનો, મિત્રો, જિવલગ સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો ઉદ્ધાર કરવાના લહાવા આરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વર્ષોથી પ્લાટફારમ પર બેસી રહ્યો છું પણ મારી ગાડી જ કમબખત આવતી નથી.” તે પછી 1976માં 25 જાન્યુઆરીના રોજ તેમનું 89ની ઉંમરે અવસાન થયું.

અહીં સમાવિષ્ટ સ્વામીના જીવનપરિચયની કેટલીક વિગત વાડીલાલ ડગલીના લેખ ‘સ્વામી આનંદ : બાંયો ચડાવેલી ચેતના’માંથી પણ લીધી છે. જીવનપરિચયમાં સ્વામીનો સાહિત્યપ્રેમ અને સાહિત્ય સર્જાય તેવી પ્રવૃત્તિનો સુમેળ દેખાય છે. તેમની વિધિવત્ સાહિત્યયાત્રાનાં આરંભનાં પ્રમાણ છેક 1922માં ‘ઈશુનું બલિદાન’ નામે પુસ્તકમાં મળે છે. આ તેમનું પ્રથમ પુસ્તક. ‘By an Unknown Desciple’નો તે ભાવાનુવાદ છે. પછી તેમનાં લખાણો ચાલતાં રહ્યાં પણ ફરી પુસ્તકનો યોગ છેક ચાર દાયકા પછી નિર્માયો અને તે ‘ગાંધીજીનાં સંસ્મરણો’ પુસ્તકથી. તેમાં તેમની સાથે શાંતિકુમાર ન. મોરારજીનાં પણ ગાંધીજી સાથેનાં સંસ્મરણો છે. શબ્દબદ્ધ સ્વામીએ કર્યાં છે. તે પછીનાં પાંચ વર્ષમાં તેમણે વિખ્યાત સંશોધક સ્વેન હેડિનની આત્મકથા ‘માય લાઇફ ઍઝ ઍન એક્સપ્લોરર’નો ‘એશિયાના ભ્રમણ અને સંશોધન’ નામે મુક્તસંક્ષેપ આપ્યો. ‘બરફ રસ્તે બદરીનાથ’, ‘ભગવાન બુદ્ધ’, ‘સર્વોદય વિચારણા’, ‘કુળકથાઓ’, ‘માનવતાના વેરી’ અને ‘આતમનાં મૂલ’ એવાં પુસ્તકો પણ તેમના તરફથી મળ્યાં. આમાં ‘કુળકથાઓ’માં તેમની કલમે લખાયેલ મુંબઈના જૂના ઘરાણાનાં સંભારણાં છે. તે સિવાયના અનુવાદ કે અન્યના વૃત્તાંતના શબ્દદેહ આપેલાં પુસ્તકો છે.

1966 સુધી સ્વામીનાં પુસ્તકો પ્રકાશિત કરવાનું સાહસ કોઈ દાખવી ન શક્યું તેનાં કારણોમાં તેમના આગ્રહોની લાંબી યાદી હતી. ‘સ્વામી આનંદ અધ્યયનગ્રંથ’માં મોહન પરીખે તે વિશે સ્વતંત્ર લેખ કર્યો છે. તેમાં પુસ્તક પ્રકાશિત કરવા અંગે સ્વામીના બે મુખ્ય વાંધા છે. એક શુદ્ધ જોડણી પ્રેસવાળાઓ જાળવી શકતા નથી અને બીજું તેના આગ્રહો પળાવવા તેમની પંચોતેર વટાવી ગયેલી ઉંમર. જોડણી ઉપરાંત પુસ્તકમાં લખાણના આસપાસની માર્જિનની જગ્યાને લઈને પણ તેઓ સભાન હતા. તેનાથી પુસ્તકનો ઘાટ બગડે અને એટલે જ પાછલી ઉંમરે તેઓ એમ કહેતા “મારા મૂઆ પછી જેમને છાપવું, છપાવવું હોય તે કરે, મારે આ બળતરાંમાં પડવું નથી.” જો કે સમજાવટથી તેમનાં દસથી બાર પુસ્તકોનાં પ્રકાશનની યોજના બાલગોવિંદ પ્રકાશનવાળા ભાઈદાસકાકાએ બનાવી અને તેમાં સ્વામીના પુસ્તકનું કામ શરૂ થયું. વળી તે વખતે પુસ્તકોનાં છાપતી વખતનાં પાયાનાં ધોરણો નક્કી કર્યાં હતાં. તેમ ન થયું તો મોહન પરીખને બીજી દસેક સૂચનાઓ લખી મોકલી. આ સૂચનો એટલાં ટૅક્‌નિકલ છે કે તેની ચર્ચા અહીં શક્ય નથી. આ દરમિયાન તેમનાં ‘અનંતકળા’, ‘નવલાં દર્શન’, ‘મૉતને હંફાવનારા’, ‘ધરતીનું લૂણ’, ‘સંતોના અનુજ’ અને ‘પ્રાર્થનાપોથી’, ‘નઘરોળ’, ‘Path of Saints : As the Fulfilment of Vedanta’ અને ‘ઈશુ ભાગવત’ પુસ્તકો આવ્યાં. આ પ્રકાશિત પુસ્તકોમાં મુખ્યત્વે રેખાચિત્રો અને ચિંતન-નિરીક્ષણલેખોનાં સંપાદનો છે. ‘મૉતને હંફાવનારા’ પુસ્તક વિલફ્રિડ નૉઇસના પુસ્તક ‘ધે સર્વાઇવ્‌ડ’નો સંક્ષેપ છે અને ‘પ્રાર્થનાપોથી’ પ્રાર્થનાસામગ્રીનું સંકલન.

સ્વામી આનંદનું અહીં સુધીનું સાહિત્ય તેમની હયાતી દરમિયાન પ્રકાશિત થયેલું છે અને પછી તેમનાં પુસ્તકો પ્રકાશિત થયાં તે મૂળશંકર મો. ભટ્ટે કરેલાં સંપાદન છે. તેમાં ‘ધરતીની આરતી’, ‘સંતોનો ફાળો’, ‘જૂની મૂડી’, ‘ઉત્તરાપથની યાત્રા અને બરફ રસ્તે બદરીનાથ’, ‘ધર્મચિંતન અને બીજા લેખો’, ‘બચપણનાં બાર વરસ’, ‘સમાજચિંતન અને બીજા લેખો’ અને ‘હિમાલયનાં તીર્થસ્થાનો’ છે. ‘ધરતીની આરતી’ પુસ્તક ઠીકઠીક જાણીતું બન્યું અને તે પુસ્તકના કન્ટેન્ટ વિશે વાડીલાલ ડગલી લખે છે : “એમની શૈલી ચિત્રકાર અને તસવીરકારનું સ્મરણ કરાવે છે. ચિત્રાત્મકતા એમની શૈલીનો આત્મા છે. જે રીતે શબ્દો ધાણીની જેમ ધડાધડ ફૂટે છે તેને પરિણામે જે ધ્વનિ કાનમાં સંભળાય છે તેથી એક આગવો લય ઊભો થાય છે. … સ્વામીનું ગદ્ય આમ સરળ છે. પણ એ શબ્દો પર એટલો બધો મદાર રાખે છે કે ક્યારેક આપણે શબ્દો ઉકલેવા પડે છે.”

તે પછી અન્ય સંપાદનો થયાં તેમાં મુખ્ય સંપાદનકર્તાઓમાં દિનકર જોષી, ચંદ્રકાંત મહેતા, કેતકી બલસારી, યશવંત દોશી અને હિમાંશી શેલત છે. તેમના સંપાદન હેઠળ ‘ચરિત્રનો દેશ’, ‘સ્વામી અને સાંઈ’, ‘ઉગમણી દિશાનો ઉજાસ’, ‘ધોધમાર’, ‘આંબાવાડિયું’, ‘અમરતવેલ’, ‘બાહ્યાન્તર યાત્રા’, ‘ચિન્તનપરાગ’, ‘બે જીવનમર્મીઓનો સંવાદ’ પુસ્તકો પ્રકાશિત થયાં. અંતે થયું તે પુસ્તક સુરેશ દલાલસંપાદિત ‘આનંદપુરુષ’.

સ્વામીની સાહિત્યપ્રકાશનની સફર હવે નવજીવનમાં આગળ વધશે. અને તેમના સાહિત્યમાંથી કેટલાક ચૂંટેલા લેખો આ અંકમાં આપીએ છીએ. આ સંપાદન સ્વામીનાં લખાણોનું પ્રતિનિધિત્વ કરતા નથી. સામયિકના કલેવર મુજબ તેની પસંદગી કરી છે, જેમાં મુખ્ય આશય સ્વામીના લખાણને સરળતાથી ગ્રાહ્ય કરવાનો છે. આશા છે સ્વામીનું સાહિત્ય અને આ અંક વાચકોને પસંદ પડશે.

— સંપાદક, 

“नवजीवनનો અક્ષરદેહ”; જૂન, 2022

Loading

21 July 2022 Vipool Kalyani
← उमाशंकर जोशीनी  विचारयात्रा : જાહેર જીવનમાં કવિએ કરેલાં માતબર પ્રદાન વિશેનું એકમાત્ર પુસ્તક
દરિયામાં સૂર્ય →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved