Opinion Magazine
Number of visits: 9744031
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છૂટાછેડા વિયોગ છે, નહીં કે વ્યવસાય !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 June 2022

આમ તો લગ્ન એક વ્યવસ્થા છે. એમાં લગ્નોત્સુક સ્ત્રીપુરુષો ધાર્મિક વિધિથી કે કોર્ટ પદ્ધતિથી લગ્નગ્રંથિથી જોડાય છે ને પતિપત્ની તરીકે રહેવાનું-જીવવાનું શરૂ કરે છે. એટલે લગ્નમાં સૌથી પ્રથમ જોડાય છે વર અને કન્યા. ઉંમર લાયક વર અને કન્યા લગ્ન માટે રાજી હોય તે પહેલી જરૂરિયાત છે. આ રાજીપામાં વર અને કન્યાનું કુટુંબ પણ જોડાય છે તો લગ્નવિધિ કુટુંબની સંમતિથી સંપન્ન થાય છે. જો કોઈ એકનું કુટુંબ રાજી ન હોય તો પણ લગ્ન શક્ય છે ને કોઈ કુટુંબ રાજી ન હોય તો પણ વરકન્યા લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે. ટૂંકમાં, લગ્ન માટે પહેલી જરૂર છે વર અને કન્યાની. વર કે કન્યાનું કુટુંબ આમાં ન જોડાય તો પરણનારાંઓએ શરૂઆતમાં કુટુંબની ખફગી વહોરવી પડે છે. પછી એવું બને છે કે વિરોધ નરમ પડે છે ને કુટુંબો નજીક આવે છે, તો એવું પણ બને છે કે છેવટ સુધી કોઈ કુટુંબો નજીક નથી જ આવી શકતાં. કહેવાનું એ છે કે લગ્ન માટે વરકન્યા રાજી હોય એ પહેલી જરૂરિયાત છે ને એ પછી કુટુંબી જનોનો સાથ જરૂરી થઈ પડે છે. લગ્નથી વરકન્યા તો નજીક આવે જ છે, પણ બે કુટુંબો ને ક્યાંક તો બે સમાજ પણ નજીક આવે છે. જ્ઞાતિમાં લગ્નો હજી થાય છે, પણ જ્ઞાતિ બહાર પણ લગ્નોનું પ્રમાણ વધ્યું જ છે. એવું પણ છે કે ધર્મો જુદા હોય તે પણ લગ્ન કરે છે. એવા સમાજ પણ ક્યારેક નજીક આવ્યા છે. એટલે લગ્નમાં ભલે શરૂઆતમાં બે વિજાતીય વ્યક્તિઓ અનિવાર્ય હોય, પણ પછી કુટુંબો, સમાજ ને ધર્મ પણ એમાં સંડોવાય છે. આવાં લગ્નો કુટુંબો ગોઠવતાં હોય તો એ પ્રેમલગ્નો પણ હોઈ શકે છે, એમાં બીજું બધું પછી ઉમેરાય છે, પણ ત્યાં સર્વ પ્રથમ જરૂરી બને છે પ્રેમ. આમાં લગ્ન પછી છે ને પ્રેમ પહેલાં છે. એવું પણ બને છે કે પ્રેમ, લગ્ન સુધી ન પહોંચે. કુટુંબ કે સમાજ કોઈક કારણે લગ્ન માટે રાજી નથી જ થતાં. એ પ્રેમીઓના હાથમાં છે કે બધું બાજુએ મૂકીને પરણવું અથવા કુટુંબ કે સમાજને રાજી રાખવા પ્રેમનું બલિદાન આપવું. પ્રેમ લગ્ન સિવાય એરેન્જ્ડ મેરેજ પણ કુટુંબો કરાવે છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે સરળ લાગતાં લગ્નો લાગે છે એટલાં સરળ નથી. આમ સહેલાઈથી થઈ જાય ને આમ થાય જ નહીં, એ લગ્નમાં શક્ય છે. લગ્ન થયાં પછી પણ બધું સરળ થઈ જાય છે એવું નથી. નવી આવેલી વહુએ સાસરે, બધાં સભ્યો સાથે ગોઠવાવાનું હોય છે, વડીલો અને અન્ય સગાંઓ સાથે અનુકૂળ થવાનું હોય છે ને તેઓ પોતાને પણ અનુકૂળ થાય એવી સ્થિતિ ધીરે ધીરે સર્જવાની હોય છે. કેટલીક વહુઓ એ કરી શકે છે તો કેટલીકને એ માફક નથી પણ આવતું. જેમને માફક નથી આવતું એમાં પણ પરિસ્થિતિ જુદી હોય છે. કેટલીકને પતિ સાથે ફાવે છે, પણ અન્ય સભ્યો સાથે પ્રશ્નો છે, તો કેટલીકને ઘરની વ્યક્તિઓ સામે ફરિયાદ નથી, તેને પ્રશ્નો છે પતિ સાથે. આ બંને સ્થિતિમાં બધાં જ સમસ્યા ઉકેલવા મથે છે. બંને પક્ષના વડીલોને, સંબંધીઓને વચ્ચે નાખવામાં આવે છે. એ બધાં સમજાવવાની કોશિશ કરે છે. ક્યારેક વાત પાટે ચડી જાય છે તો ક્યારેક વાત નથી પણ બનતી ને પરિણામ લગ્નભંગમાં આવે છે, છૂટાછેડા પર આવે છે. કારણો અનેક હોય છે, પણ છૂટાછેડા સુધી આવવાનું એક કારણ દીકરીના સાસરાપક્ષ તરફથી વખતોવખત થતી અનેક પ્રકારની માંગણીઓ છે. આમ તો વરપક્ષ લગ્ન પહેલાં જ દીકરીના બાપને ખંખેરી લેવામાં કોઈ કસર છોડતો નથી ને દીકરીનું સારું થાય એવી આશાએ બાપ ઘસાઈ છૂટે છે, પણ વાત એટલાથી પૂરી થતી નથી. સાસરું આખું જ ભુખાળવું થઈ ઊઠે છે. અનેક નિમિત્તે ને બહાને કૈં ને કૈં માંગવામાં આવે છે ને ક્યારેક તો દીકરીનો બાપ થાકે છે. સાસરું ત્યારે વહુને પિયર મોકલીને છૂટી કરી દે છે. દીકરી, બાપ પર બોજ ન બનવા માંગતી હોય તો આત્મહત્યા કરી લે છે અથવા દીકરાને બીજી વહુ મળી રહે એ માટે સાસરું જ વહુનો કાંટો કાઢી નાખે છે. વહુ કમાતી હોય તો સાસરું એકાએક તેને છોડવા તૈયાર નહીં થાય, કારણ તેનાં નોકરી-ધંધાથી થતી આવક ગુમાવવાની થાય, જો વહુ પોતે સાસરું છોડવા તૈયાર થાય તો તે પિયર જવાને બદલે એકલી રહેવાનું પસંદ કરશે ને યોગ્ય પાત્ર મળશે તો પરણી ય જશે. આ બધાંમાં એવું પણ બને છે કે ઘણાં કુટુંબોમાં કદી કોઈ માંગણી થતી નથી ને વરવહુ બહુ જ પ્રેમથી અને સમજદારીથી જિંદગી વિતાવે છે. એવું ઓછું હોય છે, પણ નથી હોતું એવું નથી.

જો કોઈ કુટુંબમાં વહુ માથાભારે હશે તો કૈં ન માંગ્યું હોય તો પણ સાસરું માંગ માંગ કરે છે એવું કહીને ફરિયાદ કરશે અને સાસરું સળિયા પાછળ ધકેલાય ત્યારે જ જંપશે. બનવું તો એવું જોઈએ કે ન ફાવતું હોય તો પતિ-પત્નીએ સમજીને છૂટાં થઈ જવું જોઈએ અને એકબીજાને કે એકબીજાનાં કુટુંબોને હેરાન કરવાથી બચવું જોઈએ. ઘણાં કુટુંબો ને પતિ-પત્ની એ રીતે વર્તે પણ છે, પણ અત્યારનો ટ્રેન્ડ જુદો છે. વહુ બંને બાજુથી ફસાતી હોય એવા દાખલાઓ પણ છે. સાસરું એ વાતે વહેમાતું હોય છે કે વહુને કોઈ ચડાવે છે એટલે એને પિયર કે પડોશમાં બહુ જવા દેવાતી નથી ને તે ગૂંગળામણ અનુભવતી હોય છે. કેટલાંક પિયર એવાં હોય છે પણ ખરાં જે એમ માનીને ચાલે છે કે દીકરીને સાસરામાં સુખ નથી એટલે દીકરીની મા, દીકરીનું ભલું કરવામાં ઘણું અહિત કરતી હોય છે. વહુએ સાસરામાં જ રહેવાનું હોય છે અને ત્યાં જ તે ઠરે નહીં એમ તેનું મગજ ભમાવાતું હોય છે. તેને કોઈનો ભરોસો ન કરવાનું શીખવાય છે ને સાસરું કાવતરાંખોર જ છે એવું ભણાવાતું રહે છે. એનું પરિણામ સુખદ હોતું નથી. એવું પણ બને છે કે દીકરી ઘરે બેસે છે ત્યારે આ જ પિયર તેની ભૂલ હોય તેમ તેને જવાબદાર પણ ઠેરવે છે.

ઘણાં કુટુંબો સારાં છે ને સાસરું કે પિયર યોગ્ય તે સમજ દ્વારા વહુ/દીકરીનું હિત જ ઈચ્છે છે, પણ આજની તારીખે એવું વાતાવરણ બધે નથી. હવે પતિ કે પત્ની, બંને અસહિષ્ણુ થયાં છે. પતિ-પત્ની વચ્ચે નાની મોટી વાતે ઝઘડા થતા રહે છે. આવું અગાઉ પણ થતું જ હતું, પણ હવે કોઈ, કોઈને સહન કરવા રાજી નથી. બહુ ઝડપથી હવે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આ રીતે વાતે વાતે છૂટાં થઈ જવાનું વલણ યોગ્ય નથી. એમાં નિભાવવાની વાત ઓછી જ હોય છે. ઓછામાં સંતોષ માનવાની વૃત્તિ હવે રહી નથી. એકબીજાને માટે કૈં છોડવાની કે ત્યાગ કરવાની કે ચલાવી લેવાની વાત લગભગ રહી નથી. હવે છૂટાછેડાનું કારણ સગવડો નથી મળતી એ પણ છે. પતિ ઓછી ચીજ વસ્તુઓથી જેમ તેમ છેડા ભેગા કરતો હોય, પણ પત્ની તેને તેમાં સાથ આપવા તૈયાર નથી હોતી. તેને મોજશોખ અને હરવા ફરવામાં રુચિ વધારે હોય છે. એ માંગણી નથી સંતોષાતી તો પત્ની, પતિ સાથે રહેવાનું માંડી વાળે છે. કોઇની, કોઈને માટે કશું છોડવાની વૃત્તિ રહી નથી. સમર્પણ પણ સુખ આપે છે એ વાત ભુલાઈ ચૂકી છે. આવે વખતે પિયર કે સાસરું વાતને વાળી લેતાં શિખવવાને બદલે છૂટાછેડા તરફ ધકેલવાનું નિમિત્ત બને છે. રોકવાને બદલે પ્રોત્સાહન પૂરું પડાતું હોય તો છૂટાછેડાનું પ્રમાણ વધે એમાં નવાઈ નથી.

બધાં જ કુટુંબો આમ કરે છે એવું નથી, પણ કેટલાંક કુટુંબોમાં વાત વટ પર આવી જાય છે. કોઈ પણ પ્રકારનું સમાધાન એમને ખપતું નથી. જેમાં સમાધાન થઈ શકે એવું હોય ત્યાં પણ અહમ્‌ ટકરાય છે ને વડીલો વધારે નાદાન પુરવાર થાય છે. વાત સામેવાળાને પાઠ ભણાવવા પર આવે છે. જે સંબંધીઓ હતા, તે શત્રુ બનવા પર આવી જાય છે. ઘણીવાર એવું પણ બને છે કે પતિપત્ની વચ્ચે એવો મોટો ખટરાગ પણ ન હોય, થોડી સમજાવટથી વાત બગડતી અટકી શકે, પણ વડીલો ખુન્નસે ભરાય છે. આગલી પાછલી વાતોનો સરવાળો થાય છે ને અહમ્‌ ભડકી ઊઠે છે. એકબીજાને બતાવી આપવાની હોડ બકાય છે ને વાત છૂટાછેડા પર આવે છે. ખરેખર જ ન ફાવતું હોય ને પતિપત્ની સમજીને છૂટા પડી જાય એ ઉત્તમ સ્થિતિ છે, પણ છૂટા પડવાનું ય શાંતિથી નથી થતું. એમાં સૌથી વરવી ભૂમિકા ભજવવાની વડીલો વચ્ચે સ્પર્ધા ચાલે છે. એમ લાગે કે સામેવાળાની ગરજ વધુ છે તો છૂટા થવા બાબતે ભાવતાલ થાય છે. જેમ ગરજ વધારે તેમ માંગણી મોટી. વસૂલ કરવાની, બદલો લેવાની એક પણ તક છૂટતી નથી. જ્યાં શક્ય હોય ત્યાં માંગણી સંતોષાય પણ છે, પણ જે સોદાબાજી પર જ ઊતરી આવે છે તેને પછી કોઈ શરમ નડતી નથી. તે કમાઈ લેવા જ માંગે છે.

જો દહેજ ખોટું હોય તો આ પણ ખોટું છે, પણ બધે જ ખોટું ચાલે છે તો માબાપો પણ શું કામ રહી જાય? માબાપ બંને પક્ષે છે, એમણે જ હોંશે હોંશે સંતાનોનાં લગ્ન લીધાં હોય, આનંદથી લગ્નમાં મહાલ્યા હોય, મસ્તીથી વાનગીઓ ઝાપટી હોય, એ બધું જ છૂટાછેડા થવાની વાતે ભુલાઈ જતું હોય છે ને એવી મોટી ને ખોટી માંગણી થતી હોય છે કે સિલકમાં કોઈ એક પક્ષને પાયમાલી જ બચે. આવું ન થવું જોઈએ. ન જ થવું જોઈએ. જે કુટુંબો કે જ્ઞાતિમાં આવું થતું હોય ત્યાં એ અટકવું જોઈએ. આને લગતી કોઈ આચારસંહિતા નક્કી થવી જોઈએ જેથી કોઇની લચારીનો લાભ ઉઠાવવા જેવું ન થાય. માણસાઈ માણસમાં જ છે ને એ માણસમાં જ ન જણાય તો પશુમાં ને માણસમાં પછી ફરક જ ક્યાં રહે છે?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

7 June 2022 admin
← नहीं मदनी साहब, नहीं !
સ્વથી જોડાયેલો માણસ છું : →

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved