ધાર્યું કે આ વાર્તા નથી, એવો વળતો જવાબ આપવાનું પ્રથમ વાર્તાથી જ મન થાય એવો વાર્તાસંગ્રહ એટલે ‘ધારો કે આ વાર્તા નથી’ – લેખક હિમાંશી શેલત. આ વાંચતાં ૨૦૦૮નો સમય મારા સ્મરણપટ ઉપર તાજો થયો. એમ.એ.ના મારા અભ્યાસક્રમમાં દરમિયાન ટૂંકી વાર્તાઓ ચાલે અને આ સ્વરૂપને સમજવા માટે ચાર વાર્તાકારોની વાર્તાઓમાંથી એક વાર્તાનું પુસ્તક આ ‘હિમાંશી શેલતની વાર્તાસૃષ્ટિ’. આ વાર્તાઓને યાદ કરીને જે વાર્તાસંગ્રહ વિશે લખવા પ્રેરાઈ છું તે વાર્તાસંગ્રહ એટલે ‘ધારો કે આ વાર્તા નથી’ તે પ્રગટ થાય છે જૂન ૨૦૧૮માં. એમાં કુલ ૧૩ વાર્તાઓ સમાવિષ્ટ છે, અને આ સંગ્રહ અર્પણ થયો છે લેખિકાનો જેની સાથે ખાસ સંબંધ રહ્યો છે તેવી બે સંસ્થાઓને – જીવનભારતી અને એમ.ટી.બી કૉલેજને. પ્રસ્તાવનામાં લેખિકા પુસ્તકનો ઉદ્દેશ પ્રગટ કરતાં કહે છે, “જે કાળખંડમાં જીવવાનું આવ્યું છે તેની ભીંસ અનુભવું છું. આ વાર્તાસંગ્રહની તમામ કૃતિઓમાં એ રાજકીય અને સામાજિક પરિબળોનું દબાણ વર્તાય છે …”
સમાજમાં બનતી કેટલીક ઘટનાઓને વર્ણનવિષય તરીકે પસંદ કરવામાં મોટે ભાગે વાર્તાકારો જે અસ્પૃશ્યતા દાખવે છે, તેવા વિષયોને વાર્તાલેખનના વિષય તરીકે પસંદ કરી લેખિકાએ નવો ચીલો ચાતર્યો છે અને ચાતરતાં રહ્યાં છે. ‘અંતરાલ’, ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’, ‘એ લોકો’ વાર્તાસંગ્રહોની શૃંખલામાં પ્રસ્તુત વાર્તાસંગ્રહથી એક નવી કડી ઉમેરાય છે. વાર્તાના વિષયનો વૈવિધ્યસભર ધગધગતો થાળ ભાવકને જુદાં જ ભાવજગતમાં લઈ જાય છે. સાંપ્રત સમસ્યાને ઝીલતી આ વાર્તાઓમાં – સર્જકના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વિશેની ‘ધારો કે વાર્તા નથી’ કે પછી “કિરાત ભારથી કૃત ‘પ્રશ્નાર્થ’ વિશે” નોંધપાત્ર વાર્તાઓ છે. સ્ત્રીઓની સમસ્યાઓ અને અન્ય સમસ્યાઓ આલેખતી ‘નગર ઢીંઢોરા’, ‘ગોમતીસ્તોત્ર’ વગેરે વાર્તાઓ વેદનાની ટીસ જન્માવે છે. બાળમાનસને પણ કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તા અને એ નિમિત્તે સમાજજીવનના પ્રશ્નો અહીં રજૂ થયા છે.
આ નોખા અવાજની વાર્તાઓને ખરેખર વાર્તા ના ધારીએ તો શું ધારીએ? હકીકત માનીએ તો? તો શું છે આ વાર્તાઓમાં? જાગૃતોને શું કહેવું?
ભુજ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 11