એક ખોપરીએ
છૂટાછેડા થયા તેનો સમારંભ કર્યો
પતિપત્નીએ ફરી
બેચલર થવાનો આનંદ લેવા
મિત્રોને આમંત્રણ આપ્યું
ને રિસેપ્શનને 'ડિસેપ્શન' નામ આપ્યું
સ્ટેજ પર પતિપત્ની
બંને છેડે અલગ અલગ બેઠાં
એટલે જે ગયાં તેમણે
બંનેને જુદાં જુદાં કવર કરવાં પડ્યાં
બમણું ખાવાનું હશે
એ ગણતરીએ સૌએ બમણો ચાંદલો કર્યો
કવર આપતી વખતે
સૌએ શુભેચ્છાઓ આપી
બીજે પરણવાનું કહ્યું તો બંનેએ કહ્યું :
એટલે જ તો છૂટાં થયાં
હવે ફરી રિસેપ્શન ગોઠવીશું
અત્યારે તો છૂટાં થયાં તેનું જમીને જાવ !
હું જમવા ગયો તો વ્યવસ્થા પણ જુદી હતી
પાર્ટીપ્લોટના બેઉ છેડે
આઈટમ્સનાં ટેબલ લાગેલાં હતાં
પ્લેટ આ છેડે તો બાઉલ્સ બીજે છેડે !
એટલી બધી આઇટમ્સ હતી કે
બધે પહોંચાય જ નહીં
ગાંઠિયાં દૂર હતાં
ને ટાંટિયાં પાસે રહેવા માંગતા હતાં
સબ્જીમાં ગાજર પનીર, ચીઝ ઊંધિયું,
મન્ચુરિયન ગટ્ટા, ચોકલેટ ચિલ્લી
પરોઠા, રોટલી, ભટુરા, પૂરી વગેરે હતું
પણ પનીર ગાજર અહીં હતું તો
પૂરી, પરોઠા પેલે છેડે હતાં
રાઈસ અહીં તો દાલ ત્યાં,
પુલાવ અહીં તો કરી ત્યાં
અડધાએ તો એકલું શાક જ ખાધું
કારણ રોટલી
ચોટલી ઊભી કરી દે એટલે દૂર હતી !
રબડીજલેબી હતી
પણ રબડી અહીં ને જલેબી ત્યાં –
ઉપરથી બંને કહેતાં હતાં : જમજો હં !
પણ જમવા કરતાં
ભૂખ્યા રહેવાનું સહેલું હતું ..
મેં પૂછ્યું તો ખરું :
આ બધું છૂટું છૂટું કેમ રાખ્યું?
તો સંયુક્ત જવાબ આવ્યો :
છૂટાછેડાનું જમણ તો છૂટું જ હોયને !
હું ઘરે આવીને જમવા ગયો
તો પત્ની વાસણો ધોઈને સૂઈ ગઈ હતી …
000
e.mail : ravindra21111946@gmail.com
'સંદેશ'ની અર્ધ સપ્તાહિક પૂર્તિમાં મારી કોલમ – ‘કાવ્યકૂકીઝ’ 16/02/2022