યુ.એસ.એ.ની ઉત્તરીય સરહદેથી ગેરકાયદેસર ઘુસણખોરી કરનારાઓમાં ૨૦૨૦માં ૧૨૯, ૨૦૨૧માં ૪૨ અને ૨૦૨૨માં ૨૨ ભારતીયો પકડાયા છે
ગણતરીના દિવસો પહેલાં કંપારી છૂટી જાય એવા સમાચાર આવ્યા અને ગુજરાતના મહેસાણા પાસેનું ડિંગુચા ગામ ચર્ચાનો વિષય બન્યું. ચાર જણાનો હર્યોભર્યો પરિવાર અમેરિકા (USA) પહોંચવાની લ્હાયમાં ઠંડીમાં ઠુંઠવાઇને મરી ગયો. આપણે ત્યાં સહેજ ટેમ્પરેચર નીચું જાય છે અને આપણને ગોદડાંમાંથી નીકળવાનું ગમતું નથી. અહીં એક જુવાનજોધ યુગલ, સાથે બે બાળકો અને એમાંથી નાનું બાળક તો માંડ ત્રણ વર્ષનું, વિદેશી ધરતી પર, એકલતામાં, આંખોમાં આંજેલાં સપનાં સાથે હાડ થીજાવી દે એવી ઠંડીમાં ૧૧ કલાક ચાલ્યું અને એમના હાડ થીજી ગયાં. યુ.એસ.એ.-કૅનેડાની સરહદ પાસે મોતને ભેટેલા આ પરિવારે યુ.એસ.એ.માં ‘ઘુસી’ જઇને ત્યાં ગોઠવાઇ જવાની પૂરી યોજના બનાવી હતી. યુ.એસ.એ.માં ‘લાઇફ સેટલ’ કરવા માટે તેમણે કોઇ એજન્ટને ૧ કરોડ ૬૫ લાખ રૂપિયા ચુકવ્યા હતા. તેમનાં શબ મળ્યાં ત્યાંથી યુ.એસ.એ.ની સરહદ ૧૨ મીટર એટલે કે માંડ ૪૦ ડગલાં દૂર હતી. આ એક કિસ્સો છે અને આ ઘટના ઘટી પછી યુ.એસ.એ.માં ગેરકાયદેસર ઘુસવાની કોશિશ કરનારા નહીં નહીં તો ડઝન શંકાસ્પદ કેસિઝ બહાર આવ્યા છે. આ જ પરિવારના સાથીદાર એવા બીજા સાત જણાંને નોર્થ ડકોટા પાસેથી ઝડપી લેવાયા હતા. ફ્લોરિડા પાસેની એક હોડીમાંથી ૩૯ જણા ગાયબ હતા અને યુ.એસ. સરકારને તેમાં પણ માણસોની દાણચોરીની શક્યતા વર્તાઇ છે.
ભારતીયોમાં અને તેમાં ય ખાસ કરીને પંજાબી તથા ગુજરાતીઓને યેનેકેન પ્રકારણે વિદેશ જવાનું ઘેલું હોય છે. કૅનેડા અને યુ.એસ.એ. આમાં પહેલી પસંદ છે. ગુજરાતીઓની મોટલ્સ, પાન શોપ્સ, ડૉલર સ્ટોર જેવું કેટલું ય તમને અમેરિકામાં જોવા મળશે. કોઇ સગાંને ત્યાં જઇએ તો ત્યાં નવ કલાકનું કામ કરનારા ગુજરાતી બહેનો વીસ વીસ વર્ષોથી પોતાના વતને નહીં ગયાં હોવાના કિસ્સા મેં સાંભળ્યા છે, તેમ તમે પણ સાંભળ્યા હશે. વિઝા વગર, કોઇ પણ બીજા દસ્તાવેજ વગર, ગેરકાયદેસર, યુ.એસ.એ. પહોંચનારાઓની સંખ્યા મોટી છે. ‘અમેરિકન ડ્રીમ’ને પૂરું કરવા માટે હ્યુમન સ્મગલિંગના સર્કિટનો ભાગ બનેલાઓને તેમની વિદેશમાં જઇને કમાવાની લાલચ, ડૉલરમાં બચત કરીને વતન રૂપિયા મોકલવાની હોંશ અને ‘આપણે તો અમેરિકામાં જલસા છે’નો કૉલર ઊંચા કરી શકવાનો મોહ રાખનારાઓને કશું નડતું નથી. કોઇ પણ રીતે સરહદ પાર કરાવનારાઓનું એક બહુ મોટું તંત્ર છે, અને સ્વાભાવિક છે કે આ આખા પાખંડમાં કશું પણ કાયદેસર નથી. દલેર મહેંદીને કારણે આપણે ‘કબૂતરબાજી’ શબ્દ જાણતા અને સમજતા થયા. મલ્લિકા સારાભાઇ જેવાં પ્રતિષ્ઠિત કલાકારનું નામ પણ આવા કિસ્સામાં ભૂતકાળમાં ઊછળ્યું છે. માણસોની દાણચોરી માટે વપારાતા આ શબ્દનો ભોગ બનેલાઓ એક વિદેશી ધરતી પર લોહી રેડીને મજૂરી કરવા તલપાપડ થતા હોય છે.
તાજેતરમાં કૅનેડા-યુ.એસ.એ.ની સરહદ પર આવેલા મનિટોબા પાસે મળી આવેલાં ચાર શબ પછી કૅનેડિયન સરકારે હાલમાં જે સરહદ પરની નીતિ છે, તેને કડક કરવા કમર કસવી રહી. સરહદને ગેરકાયદેસર પાર કરવા મથનારા અને માણસોની દાણચોરી કરાવનારાઓના આ નેક્સસ પર કામ કરનારા એક્સપર્ટ્સનું માનવું છે કે છેલ્લા કેટલાક વખતમાં સરહદ પરની સ્થિતિ વધુ જોખમી બની છે. ગેરકાયદેસર ઘુસણખોરી કરનારાઓના કિસ્સા જ નહીં પણ તેમના મોતને ભેટવાના કિસ્સા પણ વધ્યા છે. ૨૦૦૪માં યુ.એસ.એ. અને કૅનેડા – એમ બન્ને દેશોએ ‘સેફ થર્ડ કન્ટ્રી એગ્રીમેન્ટ’ બનાવ્યું હતું. બન્ને દેશો વચ્ચેની સરહદને મામલે બહેતર કામગીરી થાય, રક્ષણ થાય અને ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકે તે માટે આ કરાર કરાયો હતો. રેફ્યુજીઝ – શરણાર્થીઓ માટેના નિયમો અલગ છે પણ પોતે શરણાર્થી હોવાનું બહાનું કરીને બીજા દેશમાં ઘુસી જનારા પણ છે જ. હાલમાં જે ગુજરાતી પરિવારનું મોત થયું તેમાં હજી એવી કોઇ હકીકત બહાર નથી આવી કે તેઓ પોતાની જાતને શરણાર્થી જાહેર કરવાના હતા કે કેમ. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા-વાળી વાતને યાદ કરીએ તો સરકાર જેટલા કડક કાયદા બનાવે એટલું આ માનવીય દાણચોરીનું માર્કેટ મજબૂત થતું જાય. લોકો જાત માટે અને પરિવાર માટે સલામતી શોધવા હવાતિયા મારતા ક્યારે ય અટકતા નથી અને અટકવાના નથી કારણ કે આ માણસની મૂળભૂત પ્રકૃતિ છે. વળી માણસની દાણચોરી કરનારા માટે સામી વ્યક્તિ – એ ઘરાક કે એક કોમોડિટીથી વધારે કંઇ નથી. તેઓ જેમને આમથી તેમ ફરાવે છે એ તમામ પર તેઓ માલિકી ભાવ ધરાવે છે અને ગેરકાયદે કામ કરનારા માટે સામે વાળાનું ‘ડેસ્પરેશન’ સૌથી મોટી ચાવી છે.
૨૦૨૦ની સાલમાં અલગ અલગ રાષ્ટ્રિયતાવાળા ૨૨૭ જણાંને કૅનેડાની સરહદ પાર કરવાની કોશિશ કરતાં પકડી લેવાયાં હતાં. ભારતીયો કૅનેડા ઉપરાંત વૉશિંગ્ટનના બ્લાયન અને વર્મોન્ટના સ્વૉન્ટન પ્રદેશમાં ચાલીને યુ.એસ.એ.માં અંદર ઘુસવાની કોશિશ કરતા આવ્યા છે. યુ.એસ.એ.ની ઉત્તરીય સરહદેથી ગેરકાયદેસર ઘુસણખોરી કરનારાઓમાં ૨૦૨૦માં ૧૨૯, ૨૦૨૧માં ૪૨ અને ૨૦૨૨માં ૨૨ ભારતીયો પકડાયા છે. અન્ય રાષ્ટ્રિયતાના લોકોની વાત કરીએ તો ૨૦૨૦-૨૧ના નાણાંકિય વર્ષમાં યુ.એસ.એ. બોર્ડર પેટ્રોલે ૧૨.૦૦૦ જિંદગીઓને આ દાણચોરોના સકંજામાંથી છોડાવ્યા છે. જ્યારે લોકો આવી રીતે પકડાય ત્યારે યુ.એસ.એ.માં તેમને અટકમાં લેવાય, તેમની પર કેસ થાય, તેમની સુનાવણીઓ થાય, જામીનના બોન્ડ્ઝ પણ મોંઘાદાટ હોય છે. કૅનેડામાં આવા કિસ્સામાં કેસનો નિવેડો આવે ત્યાં સુધી પકડાયેલા લોકોને ઇન્ટ્રિમ વર્ક પરમિટ અને ફેડરલ હેલ્થ ઇન્સ્યોરન્સ અપાય છે.
૨૦૧૯માં મેક્સિકન સરહદ પાર કરીને યુ.એસ.એ.માં ઘુસવાનો પ્રયાસ કરનારા બે હરિયાણવી ભાઇઓનો કિસ્સો પણ ખાસ્સો ગાજ્યો હતો. ભારતના એજન્ટને પૂરા પૈસા ન મળે ત્યાં સુધી વિદેશી એજન્ટ આ સ્મગલ કરેલા માલને – માણસોને તેમને ગંતવ્ય સ્થાને ન જ પહોંચાડે. ભારતમાં પૈસા ચુકવાય પછી ત્યાં ચલકચલાણું રમતા, કફોડી હાલતમાં રહેતા લોકોને કંઇ દિશા દેખાય. પહાડોનાં આકરાં ચઢાણ, જંગલોના ટ્રેક, કાચી માછલીનો ખોરાક જેવું કંઇ વેઠીને આ બે ભાઇઓને તેમના વિદેશના એજન્ટોએ ગનપોઇન્ટ પર રાખ્યા હતા. આ બન્ને ભાઇઓને મેક્સિકન સત્તાધીશોએ ૩૦૦ બીજા ગેરકાયદેસર ઘુસણખોરી કરવા ધારતા ભારતીયો સાથે ઘર ભેગા કરી દીધા હતા. પિતાએ જમીન વેચીને છોકરાઓને વિદેશ મોકલવાના પૈસા ખર્ચ્યા હતા. તેમને ત્યાં નોકરીની આશા હતી. એજન્ટે તેમને ભારતમાં ડૉલર્સ પકડાવ્યા હતા. રસ્તામાં તે બીજા ભારતીયોને પણ મળ્યા. તેમને પનામામાં એક માણસે જંગલ પાસે ઉતારીને કહેલું કે ૩ કલાકમાં જ્યાં પહોંચવાનું છે એ સ્થળ આવશે પણ પાંચ દિવસ સુધી તેઓ ચાલ્યા, રસ્તામાં લૂંટાયા પણ. સરકારે પકડીને ઘર ભેગા કર્યા પછી તેમણે પોતાના એજન્ટ પર કેસ કર્યો પણ આ એજન્ટનો કોઇ પત્તો નથી. ડિંગુચા ગામની ફરી વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર ગામની અડધો-અડધ વસ્તી વિદેશમાં છે. ત્યાંનાં બાળકો મોટા થઇને કાં તો અમેરિકા જવાનાં સપનાં જુએ કાં તો એજન્ટ બનવાની તૈયારી કરે. આ જ વાસ્તવિકતા છે કે કણાની જેમ ખૂંચે એવી છે કારણ કે ગેરકાનૂની રસ્તાઓ અપનાવવા, કાનૂની રીતે કમાયેલા-બચાવેલા પૈસા, બાપીકી જમીનો બધું જ જતું કરાય છે. હાથમાં આવે છે મોત કાં તો મજૂરી!
બાય ધી વેઃ
યુ.એસ.એ.ના મોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરનારા ગ્રૂપમાં ભળી જનારા, હ્યુમ સ્મગલિંગના એજન્ટોને તાબે થઇ જનારા, ગેરરીતિઓ વાપરી સ્ટીમરોમાં સંતાઇ જનારા ભારતીયોની કોઇ ખોટ નથી. ત્યાં પહોંચી કોઇ પણ કાગળિયા વગર કામ કરવું, સોશ્યલ સિક્યોરિટી વગર જીવી જવું, પોતાનું વતન ફરી ક્યારે ય ન જોવું, વધુ ભાડું ભરવું અને ઓછા પગારે કામ કરવું જેવી બાબતો આવા ભારતીયોની જિંદગી છે. લાલચની વાત કરીએ અને ઠંડીમાં થીજી ગયેલા પરિવારની કલ્પના કરીએ તો જાવેદ અખ્તરનો શૅર ચોક્કસ યાદ આવે, ‘ખુશી સે ફાસલા બસ એક કદમ હૈ, હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ.’ ઘણું બધું મેળવી લેવાનો મોહ જેટલું હોય છે એનું મૂલ્ય નથી કરવા દેતો અને પછી બધું જ હાથમાંથી ચાલ્યું જાય છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ફેબ્રુઆરી 2022