ડાબે-જમણે જોઇને ધીમે અવાજે કાનમાં વાત કરનારી કાનાફૂસી કર્યા વિના, કાવતરાં કર્યા વિના, મોટા લાટસાહેબની સામે આંખમાં આંખ પરોવીને ડર્યા વિના પોતાની વાત કરવાની તાકાત હિંદુ રાષ્ટ્રવાદીઓની દ્રષ્ટીએ નામર્દાઈ હતી. જે જોઈએ એ ડર્યા વિના અને શબ્દ ચોર્યા વિના માગવાનું અને જો ન આપે તો મરી જઈશ પણ અહીંથી ખસીશ નહીં એવો ગાંધીજીનો આગ્રહ (જેને ગાંધીજી સત્ય માટેનો આગ્રહ એટલે કે સત્યાગ્રહ કહેતા હતા) એ હિંદુ રાષ્ટ્રવાદીઓની દૃષ્ટીએ નામર્દાઈ હતી. તોપની તાકાત કલેજાની તાકાત સામે વામણી છે અને એમાં પણ જો પ્રજા સામૂહિકપણે કલેજાની તાકાત બતાવે તો ક્રૂરમાં ક્રૂર શાસકને પણ પરાજિત કરી શકાય છે એવી ગાંધીજીની વાતમાં હિન્દુત્વવાદીઓને નમાલાપણું લાગતું હતું. તેઓ કહેતા હતા કે ગાંધીજી રણછોડદાસ છે. રણમાં ઊભા રહેવાની તેમનામાં તાકાત નથી. તેઓ, ખાસ કરીને વિનાયક દામોદર સાવરકર એમ કહેતા હતા કે આ અહિંસા હિંદુ દાર્શનિક પરંપરાની બીમારી છે જે બુદ્ધ અને મહાવીરે અને તેમના શ્રમણ અનુયાયીઓએ દાખલ કરી છે. ગાંધીજી તો એ પરંપરાનું ફળ છે, માટે અહિંસાના એ વૃક્ષને જ નાબૂદ કરવાની જરૂર છે. ખ્રિસ્તીઓ અને મુસલમાનો લડાયક છે, કારણ કે તેની દાર્શનિક અને ધાર્મિક પરંપરામાં અહિંસા નથી.
વળી સાવરકરે અહિંસાની શ્રમણ પરંપરા અને ગાંધીજી એમ બન્ને ઉપર પ્રહાર કર્યો હતો અને બન્નેનો અસ્વીકાર કર્યો હતો. સાવરકરે તો છત્રપતિ શિવાજીની પણ ટીકા કરી છે. શા માટે ખબર છે? તમને તેમની (સાવરકરની) મર્દાનગીની વ્યાખ્યા જાણીને આશ્ચર્ય થશે. શિવાજીએ મુસલમાનોની છાવણી ઉપર આક્રમણ કર્યું હતું જેમાં કેટલાક સૈનિકો માર્યા ગયા હતા અને કેટલાક ભાગી ગયા હતા. તેમની સ્ત્રીઓને શિવાજીના સૈનિકો કબજે કરીને લઈ આવ્યા હતા અને શિવાજીને તેની જાણ કરી હતી. શિવાજી મહારાજે આદેશ આપ્યો હતો કે દુશ્મન મુસ્લિમ સિપાઈઓની સ્ત્રીઓની રક્ષા કરવાનો મારો ધર્મ છે. તેમને ઉની આંચ ન આવવી જોઈએ અને સહીસલામત તેમને તેમના ઘરે પહોંચાડી દેવામાં આવે. સાવરકર કહે છે કે આ શિવાજીની ભૂલ હતી. એ સ્ત્રીઓ એક તો મુસ્લિમ હતી અને એમાં પણ દુશ્મન સૈનિકોની સ્ત્રીઓ હતી. તેમનું યૌનશોષણ કરવાની છૂટ શિવાજી મહારાજે તેમના હિંદુ સૈનિકોને આપવી જોઈતી હતી. સાવરકર કહે છે કે માનવતાવાદી હિંદુ પરંપરાનું ભૂત શિવાજી મહારાજ ઉપર એટલી હદે સવાર હતું કે ‘સ્ત્રી દુશ્મનનું ધન છે’ અને તે સહીસલામત પાછું આપવાનું ન હોય એટલી વાત પણ તેમના ધ્યાનમાં આવી નહોતી. (કેટલાક વાચકોના મનમાં પ્રશ્ન થતો હશે કે આ વાત તમે ક્યાંથી લઈ આવ્યા તો તેમને જણાવી દઉં કે સાવરકરે ‘ભારતીય ઇતિહાસતીલ સહા સોનેરી પાન’ નામનું મરાઠી ભાષામાં એક પુસ્તક લખ્યું છે જેમાં તમને આ વાત મળી રહેશે.)
સ્ત્રી જો દુશ્મનની હોય તો એ સ્ત્રી દુશ્મનનું ધન છે અને એ સહીસલામત પાછું આપવાનું ન હોય, પણ ‘વાપરવા’ માટે છે અને શિવાજી મહારાજે તેમના સૈનિકોને એ ધન વાપરવા માટે આપી દેવું જોઈતું હતું એવી સાવરકરની વાતમાં તમને મર્દાનગી નજરે પડે છે કે વિકૃતિ? મારી હિંદુ બહેનોનો શો અભિપ્રાય છે? તમારો જીવ કકળે કે રાજી થાવ? સાવરકર કહે છે કે મુસલમાનોએ હાથ લાગેલી હિંદુ સ્ત્રીઓનું યૌનશોષણ કર્યું હતું તો હિંદુઓ એ જ માર્ગ શા માટે ન અપનાવે? હવે સવાલ એ છે કે હિંદુ સ્ત્રીઓ સાથે આવું કરનારા મુસ્લિમ શાસકોને કે સેનાપતિઓને તમે બહાદુર કહેશો કે નીચ? જો આવું કરનારા મુસલમાનો નીચ હતા તો સાવરકર શિવાજીને નીચ બનવાની સલાહ આપે છે અને જો આવું કરવામાં સાવરકરની નજરે શિવાજીની બહાદુરી સિદ્ધ થવાની હોય તો હિંદુ સ્ત્રીઓ સાથે દુરાચાર કરનારા મુસ્લિમ શાસકો અને સેનાપતિઓને પણ બહાદુર કહેવા પડે.
તો વાત એમ છે કે જેવા સાથે તેવા થવું, વેર વાળવું, મનમાં ખાર રાખવો, મોકાની તલાશમાં રહેવું, પીઠ પાછળ ઘા કરવો, બહેન-દીકરીઓનાં શીલનો પણ ઉપયોગ કરવો, સંક્ષેપમાં માણસાઈને તિલાંજલિ આપવી એ હિંદુત્વવાદીઓની દૃષ્ટીએ મર્દાનગીનાં લક્ષણો છે. બીજી બાજુ ડાબે-જમણે જોઇને કાનાફૂસી કર્યા વિના, આંખમાં આંખ પરોવીને ડર્યા વિના પોતાની યોગ્ય માંગણી રજૂ કરવી અને જો મંજૂર રાખવામાં ન આવે તો જાનફેસાની કરવી, તોપની તાકાત સામે કાળજાની તાકાતનો ઉપયોગ કરવો એ હિન્દુત્વવાદીઓની દૃષ્ટીએ નામર્દાઈ છે. તેમને એમ લાગતું હતું કે ગાંધીજી હિંદુઓને નામર્દ બનાવી રહ્યા છે. મૂળમાં શ્રમણ પરંપરાએ ઉમેરેલો આ દોષ છે અને ગાંધીજી તેનો કળશ છે. પશ્ચિમના ધર્મોને જુઓ, છે આવી વેવલાઈ! તેમને એમ લાગતું હતું કે આ વેવલાઈથી હિંદુઓને મુક્ત કરવામાં આવશે ત્યારે જ હિંદુ મર્દ બનશે. તેમને એમ લાગતું હતું કે હિંદુઓને માંડ પોતાપણાનું ભાન થયું ત્યારે કમનસીબે દેશને મોહનદાસ ગાંધી નામનો વેવલો ભટકાઈ ગયો. એક તો પરંપરા વેવલી અને ઉપરથી આ માણસ વેવલો, વેવલો નહીં, વેવલાપણાનો શિરમોર! આનું કરવું શું?
અહીં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે. અહિંસા અને માનવતા માત્ર શ્રમણ પરંપરાની દેન નથી, બ્રાહ્મણ પરંપરામાં પણ આની વાત કરવામાં આવી છે. વેદોમાં, ઉપનિષદોમાં, સાંખ્ય સૂત્રોમાં, યોગસૂત્રમાં, ભક્તિસૂત્રોમાં ક્યાં ય નબળી વાત જોવા નહીં મળે. શ્રમણ પરંપરા તો બ્રાહ્મણ પરંપરામાં કરવામાં આવેલું પ્રક્ષાલન અથવા શોધન છે. એક પ્રકારની ઉત્ક્રાંતિ (ઈવોલ્યુશન) છે. આમ અહિંસા અને માનવતા બ્રાહ્મણ-શ્રમણ પરંપરાનાં સહિયારાં સમૂચય લક્ષણ છે. મધ્યકાલીન સંતો અને સૂફીઓએ પણ અહિંસા અને માનવતાનો મહિમા કર્યો છે અને પરંપરાને વધારે સમૃદ્ધ બનાવી છે. ટૂંકમાં બ્રાહ્મણ, શ્રમણ અને મધ્યકાલીન સમન્વયે ભારતીય દાર્શનિક પરંપરાનો મહેલ બાંધ્યો છે. વિનોબા ભાવેએ કહ્યું છે એમ ગાંધીજી આ સમુચય પરંપરાનું ફળ છે. પણ હિન્દુત્વવાદીઓને એ સ્વીકાર્ય નથી એટલે તેઓ બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાને અલગ કરીને વેવલાઈનો આરોપ શ્રમણ પરંપરા ઉપર કરે છે અને ગાંધીજીને શ્રમણ પરંપરાનું ફળ ગણાવે છે. આનું કારણ એ છે કે તેમને હિન્દુત્વનું કોમી રાજકારણ કરવા માટે ધર્મની જરૂર છે એટલે તેઓ બ્રાહ્મણ પરંપરાને સનાતન હિંદુ ધર્મમાં સીમિત કરે છે.
તેમનાં નસીબ ફૂટલાં કે આગળ કહ્યું એમ જ્યારે હિંદુઓને પોતાપણાનું ભાન થયું ત્યારે દેશમાં ગાંધીનું પ્રાગટ્ય થયું અને ગાંધી ભારતીય પરંપરાનું પરિપક્વ ફળ હતું. આ સિવાય ગાંધી પ્રચંડ શક્તિનો મહાસાગર હતો. ચાર-પાંચ હજાર વર્ષ દરમ્યાન ભારતની ભૂમિમાં ઊગેલા, વિકસેલા, સીંચિત થયેલા બગીચામાં ગાંધી નામનું પરિપક્વ ફળ આવ્યું જેને ભારતીય પ્રજાએ વધાવી લીધું. આખરે પોતાની પરિચિત ભૂમિમાં, પોતાના પરિચિત ઝાડ ઉપર ઊગેલું એ ફળ હતું એટલે એ સ્વાભાવિકપણે પોતીકું અને મીઠું લાગે એ સમજી શકાય એમ છે. આ બાજુ હિન્દુત્વવાદીઓને જેવા સાથે તેવા થવામાં, વેર વાળવામાં, મનમાં ખાર રાખવામાં, મોકાની તલાશમાં રહેવામાં, પીઠ પાછળ ઘા કરવામાં, બહેન-દીકરીઓના શીલનો પણ ઉપયોગ કરવામાં, સંક્ષેપમાં માણસાઈને તિલાંજલિ આપવામાં હિંદુઓની મર્દાનગીનાં લક્ષણો નજરે પડતાં હતાં.
આ ગાંધીએ બધો ખેલ બગાડી નાખ્યો. પ્રિય વાચક હવે કલ્પના કર કે આઝાદી પહેલાં અને આઝાદી પછી હિન્દુત્વવાદીઓએ કયો માર્ગ અપનાવ્યો હશે! જવાબ બહુ સહેલો છે, દીવાલ પરના લખાણ જેવો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 જૂન 2021