પોતાના હિત સચવાય તે માટે હિંદ મહાસાગરમાં પોતાના નૌકા દળને ગોઠવવાની હલચલ ચીનમાં ચાલતી જ રહે છે, જો કે આ સપનું પાર પાડવામાં ભારત સાથે કેવી રીતે રાજકીય વાટાઘાટ કરવી તે ચીન માટે મોટો પ્રશ્ન છે
થોડા વખત પહેલાં સુએઝ કેનાલ બ્લોક થઇ ગઇ હતી અને આખી દુનિયામાં દરિયાઇ માર્ગે થતા વ્યાપારની ચર્ચા થઇ. દરિયાઇ માર્ગોની મહત્તાની વાત કરવી હોય તો આપણે યાદ કરવું રહ્યું કે વાસ્કો-ડી-ગામા પણ દરિયાઇ માર્ગે જ ભારત પહોંચ્યો હતો. ઇતિહાસ સાક્ષી છે કે દરિયા પરની સત્તા ભલભલા સામ્રાજ્યોના ઉદય અને અસ્તનું કારણ રહી છે. વિશ્વ આખાના વ્યાપાર અને વાણિજ્યમાં દરિયાઇ માર્ગો પર કોની ઇજારાશાહી છે તે બાબતનો હંમેશાં ઊંડો પ્રભાવ રહ્યો છે.
એક સમયે બ્રિટિશ સામ્રાજ્ય હિંદ મહાસાગરની લહેરોને કબ્જામાં રાખીને પોતાના ભંડાર ભરતું હતું. હિંદ મહાસાગર એટલે કે ઇન્ડિયન ઓશ્યન એક મહત્ત્વની જિયો પૉલિટિકલ – રાજકીય-ભૌગોલિક અસક્યામત રહી છે. ઇસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા અને ભારતમાં અંગ્રેજોની કોલોની હતી તે તમામ દ્વારા હિંદ મહાસાગર પર અંગ્રેજો પોતાની પકડ જમાવી રાખતા. આ કોલોનીઝ બ્રિટિશરો પોતાના નૌકા દળની શક્તિ અને સુરક્ષાને મજબૂત કરવાના આશયથી નિયત કરતા. હિંદ મહાસાગર એક એવો સમુદ્ર છે કે જેની હાથમાં તેનો કાબૂ હોય તેને માટે સુપર-પાવર બનવું સરળ થઇ જાય. બીજા વિશ્વ યુદ્ધ પછી યુ.એસ. નેવી અને ભારતીય નેવીએ હિંદ મહાસાગર પર કબ્જો જમાવીને બેઠેલ અંગ્રેજ સત્તાને હટાવી દીધી અને દરિયાઇ વ્યાપાર માટેની સલામતી પૂરી પાડવામાં આ રાષ્ટ્રો સૌથી અગત્યનાં રહ્યા. સુએઝ કેનાલ, હિંદ મહાસાગર, અંગ્રેજોનો સામ્રાજ્યવાદ આ બધું સમજવું કે તેને જરા વાગોળી લેવું જરૂરી છે કારણ કે ચીન જે રીત દરિયાઇ સત્તા પ્રત્યે અભિગમ રાખે છે તે નાણી શકાય.
પૃથ્વી પર જેટલા સમુદ્ર છે તેનો પાંચમો ભાગ એટલે હિંદ મહાસાગર અને આ લહેરો પર જ વૈશ્વિક સત્તાની સ્પર્ધાના પરિણામો નક્કી થતાં આવ્યાં છે. ચીનને પોતાની પહોંચ વધારવી છે, પકડ વધારવી છે અને એ માટે હિંદ મહાસાગરમાંથી યુ.એસ.એ.નું આધિપત્ય દૂર કરવું તે જ તેમનો એક માત્ર ધ્યેય છે. જો તેમ કરવામાં ચીનને પૂરેપૂરી સફળતા મળે તો વૈશ્વિક વ્યાપાર માટે સૌથી અગત્યનાં દરિયાઇ માર્કેટિંગ ચોક પોઇન્ટ્સ ગણાતા સ્ટ્રેટ ઑફ બાબ-એલ-માનદેબ, સ્ટ્રેટ ઑફ હોરમુઝ અને સ્ટ્રેટ ઑપ મલક્કા પર તેમનો સીધો કાબૂ આવી જાય.
ચીનની નૌકાદળી વ્યૂહરચના અને મેરીટાઇમ સિલ્ક રોડ ઇનિશ્યેટિવ એક ગણતરીપૂર્વકની વ્યૂહ રચના છે. ઇસ્ટર્ન આફ્રિકાના કિનારે પહોંચવા માટે ચીનને પોતાના નૌકા દળનો બેઝ ત્યાંના ઝિબૂટીમાં બનાવ્યો જેથી બાબ-એલ-માનદેબથી ચીનની હાજરી થોડા અંતરે જ વર્તાય.
આ તરફ યુ.એસ.એ. પોતાના પેસિફિક કમાન્ડને ઇન્ડો પેસિફિક કમાન્ડ નામ આપ્યું જેથી હિંદ મહાસાગર સુધી પહોંચવાની શક્યતાઓ જરા વધે પણ એક થાપ તેમણે એ ખાધી કે હિંદ મહાસાગર અને પેસિફક મહાસાગર બન્નેને કારણે ખડી થતી તક અને પડકારો જુદાં પ્રકારના હોય છે અને તે માટે અલગ અભિગમ જરૂરી છે. યુ.એસ.એ.એ મોટે ભાગે હિંદ મહાસાગરને મામલે ચીન જે કરે તેની પ્રતિક્રિયા આપવાનો અભિગમ રાખ્યો છે જેથી ચીનની શક્તિના વિસ્તાર કરવાની હલચલ પર નજર રખાય. જો કે ચીનનો અભિગમ સાવ અલગ છે. ચીન હિંદ મહાસગર નજીકના, તેના વિસ્તારમાં આવેલા નાના ટાપુઓ અને દરિયાઇ રાજ્યો સાથે ડિપ્લોમેટિક અને રાજકીય સાંઠગાંઠ સારી રીતે બંધાય તેની પેરવીમાં જ હોય છે. ચીનનો અભિગમ પ્રો-એક્ટિવ છે જેથી તેને હિંદ મહાસાગરનાં અને તેની નજીકના ટાપુઓ અને રાજ્યોનાં સમીકરણો બરાબર સમજાય અને તેઓ તે રીતે જ આગળ પગલાં લે. આ પ્રદેશના ઘણાં દેશોના નૌકાદળ ખૂબ નાના છે અને વિદેશી રાષ્ટ્રો તેમના દરિયાકાંઠાઓને જે સુરક્ષા પૂરી પાડે છે તેની પર આધાર પણ રાખે છે.
વિશ્વની બધી જ મહાસત્તાઓને હિંદ મહાસાગરમાં રસ છે પણ માત્ર ચીન એક એવું રાષ્ટ્ર છે જેણે આ વિસ્તારના છ ટાપુઓ સાથે રાજદ્વારી સંબંધો વિકસાવ્યા છે, જેમાં શ્રીલંકા, માલદિવ્ઝ, મોરેશિયસ, સેશેલ્સ, માડાગાસ્કર અને કોમરોસનો સમાવેશ થાય છે. ચીનના આ આંકડા સામે યુ.એસ.એ.ના રાજદ્વારી સંબંધોની વાત કરીએ યુ.એસ. દૂતાવાસ માત્ર શ્રીલંકા, મોરેશિયસ અને માડાગાસ્કરમાં જ છે.
ચીનનો શક્તિ અને સત્તાનો મોહ એટલો છે કે તેમણે વાઇરસને નાથવા પણ દક્ષિણ એશિયાના એ તમામ દેશોને મદદ કરવાની ખાતરી આપી છે જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવના ફ્રેમવર્કમાં સહકાર આપવાની સંમતિ આપી. શ્રીલંકાને મદદની ઑફર કરીને ચીને કોલંબો પોર્ટ સિટી અને હંબનતોટા પોર્ટ જેવા પ્રોજેક્ટ તથા બી.આર.આઇ.ના સહકારની માંગ પણ કરી લીધી. કોલંબો સિટી પ્રોજેક્ટ ચીનના બી.આર.આઇ.નો ભાગ બને તેવી પૂરી શક્યતા છે. હંબનતોટા પણ વિશ્વના સૌથી વ્યસ્ત પૂર્વ-પશ્ચિમ શિપીંગ રોટની નજીક છે. આ તરફ એ સવાલ પણ થાય કે શ્રીલંકા પાસે કોલંબો પોર્ટ સિટી પ્રોજેક્ટ માટે જરૂરી લોન વાળવાની ક્ષમતા છે ખરી? આ બન્ને પ્રોજેક્ટ ચીન માટે દરિયાઇ વ્યૂહરચના મજબૂત કરવા માટે બહુ જ અગત્યનાં છે. નેપાળના પ્રમુખ પાસેથી બી.આર.આઇ.ને સપોર્ટ અને હિમાલયની આરપાર મલ્ટીડાયમેન્શનલ કનેક્ટિવીટી નેટવર્કને આગળ વધારવાની માંગ કરી. પાકિસ્તાનમાં ચાઇનિઝ વેક્સિન સાથે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના ભાગ રૂપે રશ્કાઇ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનનું ઉદ્ઘાટન પણ કરાયું.
ચીન વિશ્વમાં સૌથી વધુ તેલની આયાત કરતો દેશ છે અને આ ઓઇલ ટ્રાન્ઝિટ હિંદ મહાસાગર અને મલાક્કા સ્ટ્રેઇટમાંથી જ થાય છે. દરિયા અને મહાસાગર પરના વાણિજ્યના અધિકારો મેળવવા માટે ચીન સતત કવાયત કરતો રહ્યો છે. એક્સપર્ટ્સનું એમ પણ કહેવું છે કે લાંબા ગાળે કોલંબો અને હંબનતોટા પ્રોજેક્ટ્સ યુ.એસ.એ.ના ઇન્ડો-પેસિફિક સિક્યોરિટી માળખાનો જવાબ બની શકે છે જેમાં યુ.એસ., ભારત, જાપાન અને ઑસ્ટ્રિલિયા સમાવિષ્ટ છે. છેલ્લા બે દાયકાથી હિંદ મહાસાગરમાં ચીનનો રસ વધતો આવ્યો છે અને પિપલ્સ લિબરેશન આર્મી નેવી – પ્લાન વિશ્વનું સૌથી મોટું નૌકાદળ છે. તેઓ પોતાના નૌકાદળની હાજરી હિંદ મહાસાગરમાં હોય તેવું ચોક્કસ ચાહે છે
બાય ધી વેઃ
ઘણાંનું માનવું છે કે હિંદ મહાસાગરમાં ચીનના પ્રભાવને જેટલો માનવામાં આવે છે તેટલો તે છે નહીં. કેટલાક એક્સપર્ટ્સે બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવને અસ્પષ્ટ યોજના ગણાવી છે. એક બાબત સ્પષ્ટ છે કે ચીનની દરિયાઇ મહત્ત્વાકાંક્ષાઓમાં કાયમી ભરતી આવેલી જ છે, સૌથી શક્તિશાળી દેશ બનવાની તેની સફરમાં ચીનને બરાબર ખબર છે કે તેણે હિંદ મહાસાગરમાં થઇને જ રસ્તો શોધવાનો છે. પોતાના હિત સચવાય તે માટે હિંદ મહાસાગરમાં પોતાના નૌકા દળને ગોઠવવાની હલચલ ચીનમાં ચાલતી જ રહે છે. જો કે આ સપનું પાર પાડવામાં ભારત સાથે કેવી રીતે રાજકીય વાટાઘાટ કરવી તે ચીન માટે મોટો પ્રશ્ન છે કારણ કે ભારત યુ.એસ.એ. સાથે મળીને ચીનની હિલચાલ પ્રમાણે સુરક્ષા સંબધો વધારતો રહે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 જૂન 2021