તત્ત્વનું ટાંચણ મને આપો,
તથ્ય ને તારણ મને આપો.
હું કરું પીડાનું પારાયણ,
કોઈ સમજુ જણ મને આપો.
થાય તો એવી દુવા આપો,
જળકમળની ક્ષણ મને આપો.
નાભિમાં હુલસે કમળ રાતું,
એટલું ઘારણ મને આપો.
કીમિયો એવો મને આપો,
ઝેરનું મારણ મને આપો.
ખેસવે છે પગ બધાં મારો,
કોઈ અંગદ ક્ષણ મને આપો.
કંઠ સૂકાઈ જશે મારો,
શબ્દનું ધાવણ મને આપો.
ક્રોંચ વિંધાયો વળી પાછો,
અન્ય રામાયણ મને આપો.
હું ગઝલકુંવર વરું એવો,
દીવડો નામણ મને આપો.
કાફલો ચાલ્યો ગયો ‘નિર્મન’,
ધૂળ ને રજકણ મને આપો.
05.06.2021
e.mail : daveparesh1959@gmail.com