Opinion Magazine
Number of visits: 9449511
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોટી મમ્મી

રીતિ શાહ|Opinion - Opinion|8 June 2021

દાદીમા – ઇન્દુબહેન નવીનચંદ્ર શાહ,1922-2008 અને પરિવારવૃંદ

મોટી(મોટી મમ્મી)નો આજે સોમો જન્મદિવસ. છેલ્લી બે-ત્રણ મહિનાની માંદગી બાદ કરતાં સત્યાશી-અઠ્યાસી વર્ષ સુધી તાજી-માજી રહેનાર (વધારે સાચું તો સૌને તાજા-માજા રાખનાર) મોટી મમ્મીના જીવનને જો એક વાક્યમાં નિરુપવું હોય તો કહેવાય કે  રાગ-દ્વેષથી મુક્ત એક સ્વસ્થ સમર્પિત જીવન.

આજે પપ્પા જે ક્લાસ-કાસ્ટના ભેદ વગર સૌની સાથે સહજતાથી ભળી જાય છે તેમાં વાંચન તો ખરું જ. પણ તેથી ય વિશેષ તો જીવતી-જાગતી મોટીમમ્મીના સંસ્કાર. ઉત્તર ગુજરાતનાં માણસા ગામની નિશાળની એક માત્ર કન્યા ઇન્દુ દસમા ધોરણ સુધી ભણેલી. પિતાજી ફૂલચંદ મહેતા ડોક્ટર હતા. બાળપણનો કેટલોક સમય તેનો આફ્રિકામાં વિત્યો. ભાઈ (મારા દાદા) ટેક્સટાઇલ મિલમાં. અઢારમે વર્ષે લગ્ન પછી થોડો સમય અમૃતસર પણ વસવાનું થયેલું. ત્યાં જ એકલે હાથે મિત્રદંપતીની હૂંફ-કાળજીથી હિમ્મતભેર દીકરી પ્રફુલ્લાનો જન્મ. તે પછી વડોદરા સુરસાગરને કિનારે ઘર માંડ્યુ ત્યારે બે નાના બાળકો સાથેના આર્થિક સંઘર્ષના દિવસો, વાંચન અને સંતોષનું ભાથું બાંધીને આવેલી ઇંદુ માટે લહેરના દિવસો બની રહ્યાં. વડોદરાના દિવસો વાગોળતાં મોટી કહેતી જૂનાં છાપાં વેચાય અને ઘરમાં પૈસા આવે એની રાહ જોવાતી. 1956મા નવરંગપુરા “પ્રકાશ”માં સ્થાયી થયા પછી શકરીબા પણ સાથે હતાં, તેમને પેરાલિટિક સ્ટ્રોક અને થાપાનું હાડકું ભાંગેલું. કેટલાંક વર્ષો સુધી સાસુમા શકરીબાની એક દીકરીની પેઠે તેણે કાળજી લીધી.

મોટી મમ્મીને “ઝેર તો પીધા છે જાણી-જાણી”ની રોહિણી ખૂબ ગમતી. ટી.વી. સિરિયલોમાં આવતા હોમ મેકરના ચાહે ઘરમાં ચોવીસ કલાક કામ કરનાર નોકરિયાત બહેન પણ ન હોય પાત્રો ખૂબ ઝીણવટથી તે જોતી. સરસ્વતીચંદ્રની “ગુણસુંદરી” તેનું પ્રિય પાત્ર જે મને સહેજ ઓછું ગમતું. હું અકળાઇને કહેતી મૂકોને વાત, તે સહેજ વધારે ખીલીને ગુણસુંદરીની વાત માંડતા. હમણાં શોભાબહેન આવશે કહી દૂરદર્શન પર પટ દઈને સમાચાર સાંભળવા બેસી જતી મોટીને ધીરે-ધીરે હિન્દી બોલતાં સરલા મહેશ્વરી પણ ગમવાં લાગેલાં. એક વખત અમે સૌ ગાંધી આશ્રમમાં જૈમિની પાઠકની મોનોએક્ટિંગ ‘મહાદેવભાઇ દેસાઈ’ જોવા ગયેલા, ત્યારે એકીટશે ગાંધીને સમર્પિત વ્યક્તિત્વ જોઈ રહેલા મોટી મમ્મીને હું જોતી રહી.

નાતના ચોપડામાં વ્યવસાયનું એક કૉલમ હોય જે મોટે ભાગે ગૃહિણીઓ બ્લેન્ક છોડી દેતી હોય, મોટી મમ્મી તેમાં હોંશે-હોંશે “ઘરકામ” લખાવતી. વાને કારણે તે ઊભી ના રહી શકે પણ ગેસની એક સગડી નીચે રાખેલી, મમ્મી બધુ નીચે આપી દે મોટી બેઠી-બેઠી રાંધે. મમ્મી પૂછતી, “બહેન, તમે થાક્તાં નથી?” તરત જ “ના, પહેલાં વસ્તારીમાં ખૂબ કામ કરેલું હોય ને, આ ચાર માણસોના ઘરમાં શું કામ હોય” રસોઈ એમને માટે રિલેકસેશન હતું. જો કે ક્યારેક અમને ફરિયાદ પણ થતી કે મોટી મમ્મી કશું કરવા દેતી નથી. મારી પ્રેગ્નન્સીના દિવસોમાં મમ્મી-પપ્પા, મારી બહેન ઋતાની પ્રેગનન્સીને કારણે અમેરિકા, ઘરમાં હું અને મોટી બે એકલાં જ. પંચાશી વર્ષનાં તાજાં જ ચિકનગુનિયાની માંદગીમાથી પસાર થયેલાં મોટી મમ્મીએ ખુરશી લઈને પ્લૅટફૉર્મ પર રસોઈ કરવી શરૂ કરેલી. (મોટી મમ્મીના હાથની વેઢમી અને ઓસામણ આરોગીને પ્રસન્ન થઈ ગયેલા કવિશ્રી ઉમાશંકર જોશી બોલી ઉઠેલા કે  “હું મેયર બનું તો ઘરે-ઘરે ઓસામણના નળ નંખાવું.”) તેના હાથની કઢી વાડકા ભરીને પીતા દર્શકદાદાને (મનુભાઈ પંચોળી) જોવા એક લહાવો હતો. ડોક્ટર ત્રિવેદીસાહેબે દર્શકદાદાને ટામેટા ખાવાની ના પડેલી. અમે સૌ સાથે જમવા બેસતા ત્યારે તે છાના-માના મોટીમમ્મીની થાળીમાંથી દર્શકદાદા ટામેટું ચોરી લેતા, જાણે કે આઠ-દસ વર્ષનાં બે ભાઈ-બહેન. એક વાર એમણે મોટી મમ્મીને, ખાસ, કેરી ખાવા મણાર તેડાવ્યાં અને લખેલું કે સાથે ભાણિયાંઓને (મમ્મી-પપ્પા અને અમને) લેતાં આવશો. અઠવાડિયાના પાંચ-છ દિવસ તો સાંજના ભોજનમાં તેની ગરમાગરમ ભાખરી જ હોય, ગ્લુટન ફ્રી જેવા શબ્દ તેણે સાંભળ્યા નહીં હોય પણ શિયાળામાં સવારના ભોજનમાં અવાર-નવાર બાજરીનો રોટલો હોય જ. ક્યારેક ભડકું પણ હોય.

ઘણી વખત લાપરવાહીમાં મારા લ્યુનામાં પેટ્રોલ ખલાસ થઇ જતું. એક વખત હું બહુ રઘવાઈ થઈ ત્યારે મોટી શાંતિથી કહે, “લાવ કેરબો હું રિક્ષામાં જઈને પેટ્રોલ લઈ આવું” ત્યારે મોટીની ઉંમર એંશીની આસપાસ!

મારા બાળપણમાં ડોકિયું કરું તો હું બારાખડી શીખી રહી હતી ત્યારે મોટી મમ્મીએ મને શીખવી દીધું હતું કે મમ્મી જ્યારે બહાર જતી હોય ત્યારે કહેવાનું, “જ” ને કાનો “જા”, પછી મમ્મી નિશ્ચિત મને બહાર જઈ શક્તી. તે વખતે ઘરમાં હીંચકો નહોતો, સૌ બાળકોની જેમ મને પણ હીંચકો ખૂબ ગમે, મોટી મમ્મીએ ગેરેજમાં બે દોરડા નંખાવીને વચ્ચે નાનકડું લાકડાનું પાટિયું  કદાચ જૂનો પાટલો હશે) ભરાવીને કામચલાઉ હીંચકો  ઊભો કરેલો, દિવસે તો હું ત્યાં હીંચકા ખાઉ પણ રાત્રે ભઈ (દાદા) ઘરે આવી જાય એમ્બેસેડર ગેરેજમા મુકાઇ જાય પછી હીંચકા ના ખવાય, ત્યારે મોટી મમ્મી વરંડાની ખુરશીમાં બેસી એના વા વાળા પગ ઓટલા પર લાંબા કરી મને હીંચકા ખવડાવતી તે થાકતી ત્યારે સૌ પરિવારજનોના એક પછી એક નામ લઈ  તેમની ગાય આંગળીના વેઢા પર ગણાવતી, ગલીનું ઘર ક્યાં ગયું ક્યાં ભાઈ ક્યાં ગયું કહી ખીલ-ખીલ હસતી, હસાવતી. હું થોડી મોટી થતાં મોટી મમ્મી પોતાના  દુખતા પગ દબાવવા કહેતી, ત્યારે હું તો માત્ર પાંચ-સાત મિનિટમાં જ થાકીને સોસાયટીમાં રમવા નાસી જતી.

1950માં વડોદરા છોડયું તે પહેલાં ત્યાં ઘરકામમાં મદદ કરવા એક શકુંતલાબહેન આવતાં. તેમની સાથે બંને બાળકોને (પ્રકાશ-પ્રફુલ્લા) એવી તો માયા બંધાઈ કે  2000ના દાયકમાં પણ અમે વડોદરા તેમને ઘરે જતાં, તેમના પરિવાર સાથે જમતાં. ઘરના નોકરો – ડ્રાઇવરને તો મોટી દીકરાની પેઠે રાખતી.  કાળક્રમે અમે સૌ દરજુભાઈને “કાકા” ભીમજીભાઇને મામા, તો રણવીરને રણુનો ટહુકો કરતાં થઈ ગયાં. દરજુકાકા-શિવુભાઈ ગૌરવપૂર્વક કહેતા, “અમે ભાભી (મારી મમ્મી) કરતાં સિનિયર”. શાકવાળા ખેમાજી, ધોબી કમલભાઈ, પસ્તીવાળા શાંતિલાલ, કેરીના કરંડિયા લઈને ગાજનાર મફતલાલ, રિક્ષાવાળા કોઇની ય સાથે પૈસાની રકઝક ના કરતાં, મોટી છેલ્લાં વર્ષોમાં દેરાસર ના જવાયું તો કહેતાં, “ચાલો, સાત દૂ ચૌદ રૂપિયા બચી ગયા”. રવિવારે મારે ઑફિસમાં રજા હોય અને ટ્રાફિક ઓછો હોય એટલે આગ્રહ કરીને હું એમને દેરાસર લઈ જતી અને પછી અમે બંને રસ્તો ક્રોસ કરીને સામે સાઇબર કાફેમાં જતાં, ત્યાં વેબ કેમેરામાં ન્યૂયોર્કથી ઋતા એમને અવનવું બતાવ્યા કરે  એક કલાક ક્યાં પસાર થઈ જાય એ ખબર ના પડે.

દિવાળી શરૂ થતાં પહેલાં જ મોટીને ઘરે-ઘરેથી નિમંત્રણ આવવા લાગતા, “ક્યારે આવો છો અમારા ઘરે ઘૂઘરા બનાવવા?”, “કેટલું ય કરીએ તો ય ઇન્દુબે’ન, તમારા જેવી કાંગરી નથી પડતી”. દિવાળી સિવાયે વરસનો ઘણો ખરો ભાગ મોટીનો વ્યસ્ત જ રહેતો. તેને  કેરીઓનો ભારે શોખ અને ઊંડી સૂઝ પણ ખરી. ઉનાળામાં રાત્રે જમ્યાં પછી મોટીમમ્મી કેરીઓ ઉપર – નીચે ગોઠવતી હોય, સૂકું ઘાસ આઘું-પાછું કરતી હોય તો શિયાળામાં રાત્રે તુવેરો ફોલતી હોય કે મેથીની ભાજી સમારતી હોય કે સૌને સફરજન ખવડાવતી હોય. ઉનાળાની બપોરે છૂંદાના તપેલા (સહેજે પાંચ-સાત તો થતાં જ હશે  મામા-ફઈના ઘર સાથે) તડકા પ્રમાણે આઘા-પાછા કરવાના, કપડાં બાંધવાના, ક્યારેક આંબોળિયા, ગોટલી, કેરીનાં પાપડ, મરચાં આથવાનો કાર્યક્રમ. ઘઉં પણ ભેગાં મળીને જ વિણાતા. મોટી અમને પણ ઘઉંમાથી કાંકરા કાઢવા પ્રોત્સાહિત ક્રરતાં, કહેતાં જેટલા વધારે કાંકરા વીણીને મોગરાને આપશો  તેટલા તે વધારે ફૂલ આપશે. મોગરાના છોડની પડખે જ બે બદામડી હતી આખી બપોર હું બદામ ફોડતી. એ જ બદામનું દૂધ બનાવીને મોટી અમને સવારે પાતી. બપોર પછી અખંડ આનંદ (ગૃહગંગાને તીરે-તીરે), છાપાંની પૂર્તિઓ (ખાસ તો જન્મભૂમિ પ્રવાસી, ગિરીશ ગણાત્રાની કૉલમ) ભૂમિપુત્રમાં આવતી હરિશ્ચંદ્ર બહેનોની વાર્તા તથા અન્ય મેગેઝિનો વાંચવાનો મોટીનો કાર્યક્રમ, ઘરમાં જ્યારે મરચાં વગરની રસોઈ બનવા લાગી, ત્યારે મોટીએ અલગ શાક-દાળ કરવાના બદલે નિયમિત રીતે લીલા મરચાં વઘારવાનું શરૂ કર્યું, ઓચિંતા આવનાર મહેમાન પણ વઘારેલાં મરચાં અને સીંગદાણાની ચટણીને  કારણે ટકી જતાં.

ઈમરજન્સી વખતે પપ્પા દસ મહિના જેલમાં હતા. ત્યારે હું તો માત્ર બે વર્ષની. પૂર્વનિર્ધારિત આયોજન મુજબ દાદા સાથે અમેરિકા ફરવા જતાં પહેલાં બે નાની દીકરીઓ સાથે ત્રણ મહિના એકલી પુત્રવધૂ નયનાને હૂંફ રહે તે માટે બાપુજીનું (પપ્પાના નાના ફૂલચંદભાઈનું) દીકરીનાં ઘરમા રહેવું સહજ હતું.

2000ના દાયકામાં એંશી વર્ષની મોટીને થિયેટર – હોટલમાં અમારી સાથે હોંશે-હોંશે જોડાતી જોઈને  મારા મિત્રોને ખૂબ નવાઈ લાગતી, સાહિત્ય પરિષદ, ગાંધીઆશ્રમ કે વિદ્યાપીઠના કાર્યક્રમો આનંદથી માણતી મોટી દર સોમવારે બપોરે (સહેજે ત્રણ-ચાર દાયકા) જ્યારે આંયબીલ શાળામાં ચાલતા ક્લાસમાં દાંડિયા લઈને જતી ત્યારે અમારી બહેનપણીઓને રમૂજ થતી.

લોંગ કોટથી માંડી સૂટબૂટટાઈવાળા દાદાના મિત્રો જેટલી જ સરળતાથી પપ્પાના બગલથેલા -ખાદી વર્તુળમા ભળી જતી મોટીને પિયર અને સાસરા સહિત સૌનો ખૂબ પ્રેમ મળ્યો અને તેમણે પણ સૌને ભરપૂર પ્રેમ આપ્યો. “જો જો હં, મુકતાબહેન હમણાં જવાનો વિચાર ના કરતાં, આ તો નયના-પ્રકાશ અમેરિકા ઋતાને ઘેર ગયાં છે અને રીતિ સુવાવડ માટે આવેલી છે એટલે મને આવવું નહીં ફાવે.” આટલો મુક્ત ટેલેફોનિક સંવાદ મોટીનો મરણપથારીએ પડેલાં નેવું વર્ષનાં દાદાના પિતરાઇ મોટાંબહેન (મુક્તાફઇ) સાથે હતો. તેનાં લોહીના સંતાન તો માત્ર બે. ઓગણીસમે વર્ષે પ્રકાશ અને તે પછી ચાર  વર્ષે દીકરી પ્રફુલ્લા. સાથે નણંદ, જેઠ, ભાઈના સંતાનોની પણ તે મામી-કાકી-ફઇ જ નહીં પણ “મા”  જેવી બની રહી. ક્યારેક અસ્વસ્થ થઈ જાય તો ગુસ્સાને ટાઢો કરવા મંદ સૂરે “ઓ પ્રભુ શું કહું ……..” ગીત ગણગણતી હોય. છેક સુધી તાજી-માજી રહી તેમાં મૂળભૂત સ્વભાવ ઉપરાંત પુત્રવધૂ નયનાનો સાથ-સહકાર. છેક સુધી તેણે મોટીમમ્મીને મનગમતું કામ કરવા દીધું અને પોતે જોઈતી મદદ કરી. મમ્મી સૌ સગાંવહાલાંને સાચવતી. “બહેન ઘરની બહાર નીકળે તો તબિયત સારી રહે” કહી આગ્રહપૂર્વક મમ્મી-પપ્પા મોટીને બહાર ખેંચી જતાં. પ્રફુલ્લાફોઈના કુટુંબ સાથે પણ મોટીમમ્મીને આઉટિંગ થતું.  મારાં નાનીમા (ગાગી) હોય, મોટા મામા હોય  કે પ્રફુલ્લાફોઈનાં સાસુમા તેમની સાથે તો મીઠો મૈત્રીભાવ હોય જ પણ એક પેઢી નીચે મમ્મીની સ્કૂલ-કોલેજની બહેનપણીઓ, મારી મામીઓ-માશીઓ મોટીમમ્મીની પણ બહેનપણીઓ બની ગયેલી.

મૃત્યુ તેનું 2008ની સાલમાં સપ્ટેમ્બરની 23 મી એ, જ્યારે સમગ્ર વિશ્વમાં એકસરખા દિવસ-રાત્રિ!

મોટી તું આવી જા, તારા દુખતા પગ દબાવીને હળવી થાઉં. 

જૂન 8, 2021

Loading

8 June 2021 admin
← કોર્ટ એમ ઈચ્છે છે કે લોકો હવે ન્યાયની આશા ન રાખે?
ગ્લૅમરનો ઝળહળાટ + અસલામતીનો અંધકાર = મેરેલિન મનરો →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved