અક્કલ બડી કે ભેંસ? આવું પૂછાતું હોય ત્યારે સૂચવવું એ હોય છે કે બળ કરતાં બુદ્ધિ ચડે, પણ હવે અક્કલ કરતાં ભેંસ બડી હોય એવું લાગી રહ્યું છે. એનો અર્થ એવો પણ નથી કે અક્કલ બહેર મારી ગઈ છે. અક્કલ છે, પણ તેનો ઉપયોગ સ્વાર્થ કે બળ પુરવાર કરવા જ થાય છે. સરકાર પોતાના ઈરાદાઓ પાર પાડવામાં વધુ ને વધુ સફળ થાય તો એમ માનવું પડે કે તે પ્રજાને મૂરખ માને છે. પ્રજા મૂરખ છે તે તેણે 2020ના માર્ચથી આજ સુધીમાં ભીડભાડ કરીને વારંવાર સિદ્ધ કરી આપ્યું છે. એ સાચું છે કે કોરોના જેવી મહામારી સામે પ્રજા રઘવાઈ કે ભયભીત બને અને કોઈ પણ આદેશને આંખ મીંચીને સ્વીકારી લે, પણ એકથી વધુ વખત પ્રજાને ઉલ્લુ બનાવવામાં આવે ને તે બનતી પણ રહે તો અક્કલ તેણે ગીરવે મૂકી છે એમ માનવું પડે.
આ જ પ્રજાએ થાળી વગાડીને અને રાતના દીવા પ્રગટાવીને પુરવાર કર્યું કે પ્રજાને નેતૃત્વમાં વિશ્વાસ છે. પ્રજા થાળી ઠોકતી વખતે જાણતી હતી કે કોરોના જવાનો નથી, એને એ પણ ખબર હતી કે દીવાનું અજવાળું પકડીને કોરોના ઘરો સુધી પહોંચવાનો છે, પણ પ્રજાએ એ વિશ્વાસથી કર્યું ને સરકારનો વિશ્વાસ વધાર્યો. પછી તો એ વિશ્વાસ ન ટકે એવું બંને પક્ષે વર્ષ દરમિયાન ઘણું બન્યું. તાજેતરમાં જ વડા પ્રધાને રસીકરણનો મહિમા કરવા તેને ઉત્સવ તરીકે ઉજવવાની હાકલ કરી ને કરફ્યુને કોરોના કરફ્યુ તરીકે ઓળખાવવાનું કહ્યું. આ તેમણે રાજયોના મુખ્ય મંત્રીઓને વીડિયો કોન્ફરન્સમાં કહ્યું ને સૌએ તે સાંભળ્યું પણ ખરું. એ જ દિવસે દેશમાં 1.31 લાખ નવા કેસ આવ્યા હતા અને 802 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ગુજરાતની વાત કરીએ તો એ દિવસે 4,021 કેસ નવા ઉમેરાયા હતા ને 35 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં હજારો મૃત્યુ થયાં હોય ત્યાં ઉત્સવની માનસિકતા કોઈ સાધુસંતની પણ ભાગ્યે જ હોય, વળી આ સ્થિતિમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ ને રસીકરણ એ જ એક માત્ર ઉપાય હોય તો પણ, કોઈ રીતે ટીકાકરણને ઉત્સવ તરીકે લઈ શકાય નહીં. ટીકા મૂકવામાં એવું કૈં નથી જે આનંદ કે ઉત્સવની લાગણી જન્માવે.
વડા પ્રધાને 11 એપ્રિલથી 14 તારીખ સુધી ટીકા ઉત્સવની શરૂઆત કરી છે. આનાથી ટીકાકરણમાં કેટલો વેગ આવશે તે તો ખબર નથી, પણ વડા પ્રધાને પોતાની ટીકા કરાવવાનો ઉત્સવ માંડ્યો હોય એવું ચોક્કસ લાગે છે. સાચું તો એ છે કે ઉત્સવ શબ્દ જ ભીડનો સંકેત આપે છે. ટીકા ઉત્સવને નામે ભીડને આમંત્રણ આપવા જેવું જ થશે ને એનું પરિણામ વધુ સંક્રમણમાં આવશે. આ અત્યારના સંજોગોમાં કરવા જેવું છે? લોકોમાં તારીખો જાહેર થવાને કારણે એવી ગેરસમજ પણ ફેલાઈ છે કે ટીકાકારણ 14મી સુધી જ ચાલશે. દેખીતું છે કે આ દિવસોમાં ભીડ વધે ને રસી ખૂટી પડે એમ બને. રસી અને ઇન્જેકશન માટે સરકાર દ્વારા એવું કહેવાય છે કેપૂરતો જથ્થો છે ને જે તે કેન્દ્રો પર તે ખૂટી પડ્યાની વાત પણ છે જ ! આમાં સાચું ચિત્ર હાથમાં આવતું નથી.
બીજી તરફ કરફ્યુનું પણ એવું જ છે. એ વકરતી સ્થિતિને કાબૂ કરવા તંત્રો દ્વારા લેવાતું કડક પગલું છે. આમે ય તે યાદ રાખવા જેવું હોતું નથી, ત્યાં તેને કોરોનાનું નામકરણ કરાવીને યાદ રખાવવાનું કોઈ રીતે ઉપકારક નથી. એક વિચાર તરીકે વડા પ્રધાન આવી વાતો મંત્રીઓ સામે મૂકે તે સમજી શકાય, પણ કોઈ માઈનો લાલ પૂછે નહીં કે સાહેબ, આવું કરવાથી સ્થિતિ કેવી રીતે સુધરે એમ છે, તે પણ અક્કલની બલિહારી જ ને ! એટલે જ માનવું પડે કે હવે અક્કલ નહીં, ભેંસ જ બડી છે.
મહારાષ્ટ્ર લોકડાઉનની ધારે આવીને ઊભું છે, એ ભયે અનેક લોકોની વતન તરફ હિજરત શરૂ થઈ છે. વારંવાર આમ વતન તરફ દોડવાનું કોઈને ગમતું નથી, પણ કામ વગર પારકાં શહેરમાં રોટલા ય કોણ આલે ને આલે તો ક્યાં સુધી? અનેક રાજ્યો, શહેરો નાનાંમોટાં લોકડાઉન કરીને બેઠાં છે, નાઇટ કરફ્યુ ઘણાં શહેરોમાં લાગુ થયો છે, આવામાં ઉત્સવ શબ્દ મશ્કરી જેવો નથી લાગતો? થાળી વગાડતાં વગાડતાં લોકો લોકડાઉનમાં પણ સડક પર ઊતરી આવેલાં તે યાદ છેને ! ને ઉત્સવનો ચસકો લાગશેને તો ટીકા બતાવવા પણ લોકો સડક ભરી દે એમ બને. ટૂંકમાં મધપૂડાને છંછેડવા જેવો નથી.
અક્કલ કરતાં ભેંસ બડી-નો બીજો દાખલો ચૂંટણી પંચે પૂરો પાડ્યો છે. ચૂંટણી પંચનો છેલ્લો પંચ એ છે કે હવે કોઈ ભીડ કરશે તો સભા-રેલી પર પ્રતિબંધ મૂકાશે. ચૂંટણી પંચને લાગ્યું છે કે નેતાઓ, ઉમેદવારો દ્વારા ગાઈડલાઇનનું પાલન થતું નથી. પંચે બધા રાજકીય પક્ષોને ચેતવણી આપી છે કે પશ્ચિમ બંગાળમાં બાકી રહેલા ચૂંટણીના તબક્કાઓમાં ગાઈડલાઇનનું પાલન નહીં થાય તો સભા રેલીઓ પર તે પ્રતિબંધ મૂકતાં અચકાશે નહીં. બધું પૂરું થવા આવ્યું ત્યારે ચૂંટણી પંચની ઊંઘ ઊડી છે. પશ્ચિમ બંગાળમાં આટલી સભાઓ-રેલીઓ થઈ, આટલા નેતાઓ ત્યાં ઊતરી પડ્યા, હિંસા થઈ, તોડફોડ થઈ, એક મહિનામાં કેસોમાં પંદર ગણો વધારો થયો ને આની પંચને ખબર જ ન પડી ને છેક હવે પંચ સફાળું બેઠું થયું છે ને પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપે છે ત્યારે હસવું આવે છે. પંચ પ્રજાને નાદાન સમજે છે તે દુ:ખદ છે. હવે તો લાગે જ છે કે આ દેશમાં મૂરખાઓ જ વસે છે નહિતર પ્રતિબંધ મૂકવાની બાલિશ વાત પંચ કરે ને લોકો તે સંદર્ભે હરફ પણ ન કાઢે એવું તો બને જ કેમ?
આવામાં જ રણમાં મીઠી વીરડીઓ પણ ફૂટે ત્યારે આશ્વસ્ત થવાય કે બધું જ ખાડે ગયું નથી. આ જ ચૂંટણી પંચે કૉન્ગ્રેસ, આપ અને મુખ્ય મંત્રીની અરજીને ધ્યાને લઈને 18 એપ્રિલે યોજાનારી ગાંધીનગરની ચૂંટણી મુલતવી રાખી છે. આ બાબતે પંચને અભિનંદનો આપી શકાય ને વિનંતી પણ કરી શકાય કે પશ્ચિમ બંગાળમાં પણ બાકીની ચૂંટણી મુલતવી રખાય અથવા તો કમસે કમ લશ્કરી ઢબે ગાઈડલાઈનનું પાલન થાય એટલું જોવાય. એવું જ અભિનંદનીય કાર્ય મંદિરોએ કર્યું છે. સોમનાથ, શામળાજી, અક્ષરધામ જેવાં મહત્ત્વનાં મંદિરો દર્શન માટે બંધ કરવામાં આવ્યાં છે. એનાં ઓનલાઈન દર્શન થઈ શકશે, પણ મંદિરોમાં થતી ભીડ અટકાવીને મંદિરના સંચાલકોએ અનુકરણીય પગલું ભર્યું છે. આ ઉપરાંત કેટલાંક શહેરોમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન સ્વીકાર્યું છે ને ધંધા રોજગાર મર્યાદિત કર્યા છે. સુરત જેવામાં પાનના ગલ્લા ને ચાની લારીઓ અચોક્કસ મુદ્દત માટે બંધ કરાવાઈ છે, એ જ સ્થિતિ શાકભાજીની લારીઓની પણ થાય એમ છે. એ ખરું કે રોજ કમાઈને રોજ ખાનારાઓની હાલત આવામાં કફોડી થઈ જાય છે, પણ એના વિના છૂટકો નથી. કાપડ, હોટેલ, હીરા ઉદ્યોગ, ટુરિઝમ વગેરે પર ફરી તવાઈ આવી છે.
સ્કૂલો મહિનાઓ પછી ખૂલેલી એ ફરી બંધ છે. બોર્ડની પરીક્ષાઓ ઓનલાઈન થવાની વાત છે, તે સિવાય બીજા વર્ગોમાં માસ પ્રમોશન સિવાય છૂટકો નથી. ઓનલાઈન શિક્ષણ કેવું ચાલે છે તે સૌ જાણે છે. કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષાઓનું શું થશે તે નથી ખબર, પણ એમાં પણ સમાધાન પર જ વાત આવે એમ બને. આમાં પ્રાથમિક શિક્ષકોની હાલત દયનીય છે. રાષ્ટ્રીય કામગીરીને નામે એમની પાસે કોઈ પણ કામગીરી કરાવી શકાય છે. ધંધાદારી સ્ત્રીને પસંદગી હોય છે, પણ પ્રાથમિક શિક્ષકને નથી. તેને કોવીડ-19ને નામે કોઈ પણ કામગીરી સોંપવામાં આવે છે અને એવા શિક્ષકો તેમના કોઈ વાંક વગર સંક્રમિત પણ થાય છે. શિક્ષક હોવાને નાતે જ તેણે જોખમ ઉઠાવવાનાં થાય છે, તાજેતરમાં જ સ્મશાનમાં ફરજ બજાવવાની કામગીરી શિક્ષકોને સોંપાઈ હતી, પછી વિરોધ થયો એટલે વાત અટકી. અહીં સવાલ એ થાય કે શિક્ષકને આટલા સસ્તા કેમ ધારી લેવાય છે? દેશમાં આટલા શિક્ષિત બેકારો છે, એમને વસતિ ગણતરીની કે ચૂંટણીની કે બીજી કામગીરી સોંપાય તો ટેકો થાય ને શિક્ષક ભણાવવાનું પણ કરી શકે, પણ શિક્ષણ વિભાગને શિક્ષકનાં શોષણ સિવાય બીજું કૈં સૂઝતું જ નથી.
અત્યારનો સમય કદાચ અરાજકતાનો છે. મૃત્યુ કે લગ્નમાં વ્યક્તિની સંખ્યા નક્કી કરવામાં આવી છે, પણ ચૂંટણી પ્રચારની રેલી માટે કોઈ નીતિ નક્કી કરવામાં આવી નથી. પશ્ચિમ બંગાળમાં રેલી કે સભાઓમાં એકઠી થયેલી ભીડને નેતાઓ દ્વારા સ્ટેટસમાં ખપાવાતી હોય તો દેખીતું છે કે ત્યાં કોઈ ગાઈડલાઇન લાગુ નહીં જ હોય ! એનું પરિણામ એ આવ્યું છે કે કોરોના વકર્યો છે. એક તરફ રસીનું રાજકારણ ચાલે છે ને બીજી તરફ રસી કે ઇન્જેકશન ન મળતાં લોકો કલાકોના કલાકો આમથી તેમ અટવાય છે. જે માંદા છે તેમની તો દયા ખાવાની જ છે, પણ જે તેમની સેવામાં છે એમની વધારે દયા ખાવા જેવી છે.
સ્મશાનમાં ને હોસ્પિટલોમાં વેઇટિંગ ચાલે છે. મૃતદેહની વિધિ માટે 2,000ની લાંચ આપવી પડે છે, એ સ્થિતિ હોસ્પિટલમાં આવે તો નવાઈ નહીં. શબવાહિની કે એમ્યુલન્સ ન મળતાં દરદીને કે શબને લારીમાં લઈ જવાં પડે એ કરુણતા છે. આવામાં જાત જાળવવા સિવાય બધું જ ગૌણ બની રહેવું જોઈએ. રસી મૂકાવ્યા પછી પણ છેડો આવતો નથી, બીજી કાળજી લેવાની જ હોય છે. અત્યારે તો એટલી યાતના રાહ જુએ છે કે આંસુ ખૂટી પડે ! સાચવીએ.
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ઍપ્રિલ 2021