Opinion Magazine
Number of visits: 9733299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણને હિંદુ રાષ્ટૃ શક્તિશાળી જોઈએ છે કે માથાભારે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|4 April 2021

આજે મારે એક હિંદુ તરીકે મારા હિંદુ મિત્રો સાથે ચર્ચા કરવી છે. આપણે જ્યારે આપણા દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવા નીકળ્યા છીએ ત્યારે એક વાત નક્કી કરી લેવી પડશે કે આપણને હિંદુ રાષ્ટ્ર શક્તિશાળી જોઈએ છે કે માથાભારે? આ બે અલગ ચીજ છે. શક્તિશાળી, બહાદુર, નિર્ભય અને લોંઠકા અથવા કે માથાભારે એ એક જ અર્થના શબ્દો ભાસે છે, પણ એવું છે નહીં. આ ચારમાં બહાદુરી અને નિર્ભયતા વ્યક્તિના ગુણ છે, સમાજના નથી. વળી બહાદુર માણસ દરેક બાબતે બહાદુર હોય એવું પણ બનતું નથી. મારા પિતા બીજી અનેક રીતે બહાદુર હતા, પરંતુ ઘરમાં કોઈ ગંભીર રીતે બીમાર હોય તો ઢીલા ઢફ થઈ જતા. આસક્તિ માણસને ડરાવે છે અને બહાદુરીને ધોઈ નાખે છે. મહાભારતના યુદ્ધમાં વીર અર્જુન પોતાનાં સ્વજનોને જોઈને ઢીલો પડી ગયો હતો. એક માત્ર નિર્ભયતા છે જે માણસ સંપૂર્ણપણે કેળવી શકે છે અને તે દરેક સ્થિતિમાં સાથ પણ આપે છે, પરંતુ એ માટે અનાસક્તિ કેળવવી પડે જે આધ્યાત્મિકતાનો પ્રદેશ છે. ગાંધીજી નિર્ભય હતા કારણ કે તે અનાસક્ત હતા. તેમને પોતાના જીવન માટે પણ આસક્તિ નહોતી જે સામાન્યતઃ દરેક જીવમાં હોય છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ પશુ અને મનુષ્યમાં એક સરખાં જોવા મળે છે, પરંતુ મનુષ્ય તેમાં વિવેક કરી શકે છે એ મનુષ્યની વિશેષતા છે એમ મહાભારતકારે કહ્યું છે. અનાસક્તિ દ્વારા ભયમુક્ત થઈ શકાય છે, જેમ ગાંધીજી થયા હતા.

તો સંક્ષેપમાં બહાદુરી અને નિર્ભયતા વ્યક્તિના ગુણ છે જેને સમાજ સામૂહિક રીતે અપનાવી શકતો નથી. તો બચે છે બે; શક્તિ અને માથાભારેપણું જે સમાજ સામૂહિકપણે અપનાવી શકે છે અને એ સ્થિતિમાં આપણે એ વિચારવાનું છે કે આપણે એક હિંદુ તરીકે શક્તિશાળી બનવું છે કે માથાભારે?

અહીં વિચારવાનું બને કે જો સમાજ સામૂહિકપણે શક્તિ અથવા માથાભારેપણું અપનાવી શકતો હોય તો એ કેવી રીતે અપનાવી શકે? આપણે વિચારવું પડશે કે એ બન્નેનાં શું ગુણ-લક્ષણ છે, એ કેવી રીતે કેળવી-અપનાવી શકાય? અને સૌથી મોટી વાત એ કે શક્તિ અને માથાભારેપણાંમાંથી કોણ વધારે લાંબો સમય સાથ આપશે? હવે જ્યારે ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવા આપણે નીકળ્યા જ છીએ તો એટલું તો વિચારવું જ પડશે કે કોણ લાંબો સમય સુધી સાથ નિભાવશે? શક્તિ કે માથાભારેપણું?

તો પહેલાં તો આપણે શક્તિ અને માથાભારેપણા વચ્ચેનો ફરક સમજી લઈએ અને તેને કેવી રીતે કેળવી-અપનાવી શકાય એ સમજી લઈએ. આપણે શરૂઆત જ ઉદાહરણથી કરીએ. પહેલું ઉદાહરણ પારસીઓનું લઈએ. પારસી સોજ્જી, ઋજુ, શારીરિક રીતે પઠાણ જેવી કદાવર નહીં એવી નાજુક કોમ છે. બને ત્યાં સુધી ઝઘડો ટાળનારી અને જતું કરીને જીવનારી કોમ. સંખ્યા પણ મુઠ્ઠીભર. આમ છતાં ભારતને તેના ઇતિહાસમાં વિદેશ સામેનું પહેલું નિર્ણાયક યુદ્ધ (૧૯૭૧નું બંગલાદેશનું યુદ્ધ) જીતાડી આપનાર પારસી હતો. જગતમાં ભારતને ન્યુક્લિયર પાવર તરીકે પ્રતિષ્ઠા અપાવનાર પારસી. ભારતને તેની પહેલી વિજ્ઞાનસંસ્થા આપનાર પારસી. પહેલું પોલાદનું કારખાનું આપનાર પારસી. અંગ્રેજોના મત દ્વારા ચૂંટાઈને બ્રિટનની આમની સભામાં દાખલ થનારો પહેલો ભારતીય તો કે પારસી. તમે કોઈ પણ ક્ષેત્રનું નામ બોલો જેમાં પારસી અગ્રેસર હશે.

દેશ આઝાદ થયો અને બંધારણ ઘડાતું હતું ત્યારે પારસીઓને કહેવામાં આવ્યું હતું કે તમારી કોમ એટલી નાની છે કે તમે કોઈ ઉમેદવારને જીતાડીને લોકસભામાં મોકલી નહીં શકે એટલે એક બેઠક પારસીઓ માટે લોકસભામાં અનામત રાખીએ જે પારસીઓનું પ્રતિનિધિત્વ કરશે. તમે માનશો? આ ઓફરને ઠુકરાવી દેનાર પણ પારસી. ‘અરે રે, અમે તો લઘુમતીમાં અમારું કોણ સાંભળે’ જેવાં રોદણાં રડનારો પારસી તમે નહીં જોયો હોય. આજે દેશમાં લોકો બહુમતીમાં હોવા છતાં રડતા જોવા મળે છે ત્યારે અહીં નજરે ન ચડે એટલી નાની લઘુમતી કોમ લઘુતાગ્રંથિથી મુક્ત છે. દરેકે દરેક બાબતે અગ્રેસર. નહીં માગવામાં પણ અને છોડવામાં પણ!

હવે બીજું ઉદાહરણ જોઈએ ભાયાતોનું. દેશમાં બાપુઓનું રાજ હતું ત્યારે ભાયાતો કેવાં લક્ષણો ધરાવતાં હતાં અને કઈ રીતે જીવતા-વર્તતા હતા એ કોઈ વડીલને પૂછી જુઓ. અહીં બહુ વિગતો આપવાની જરૂર નથી, કારણ કે ભાયાત સાથે સ્વાભાવિકપણે જોડાઈ જતો અને જીભે આવી જતો શબ્દ જોઇને જ તમને ખ્યાલ આવી જશે કે તેઓ કેવાં લક્ષણો ધરાવતા હશે અને કેમ વર્તતા હશે. એ શબ્દ છે, ‘રંજાડ’. ભાયાત શબ્દ કાને પડ્યો નહીં કે ‘ભાયાતોનો રંજાડ’ એવો પૂરો  શબ્દપ્રયોગ ચિત્તમાં ઘુમવા લાગશે.

રિયાસતોનું જ્યારે વિસર્જન કરવામાં આવ્યું ત્યારે સરદાર પટેલે ભારતના એ સમયના લશ્કરીવડાને કહ્યું હતું કે લશ્કરભરતીના નિયમોમાં બાંધછોડ કરીને પણ કાઠિયાવાડના ભાયાતોની ભરતી કરવામાં આવે. શા માટે? કારણ કે નવી સ્થિતિમાં બસોને બાવીસ રજવાડાંઓનાં ભાયાતોએ નાગરિક તરીકે જીવવું પડશે, દેશનો કાયદો એકસરખો લાગુ પડશે, ‘રંજાડ’ હવે ગુનો બનશે, રંજાડીને પેટ ભરવું મુશ્કેલ બનશે એટલે તેમને થાળે પાડવા પડશે. કાઠિયાવાડમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પણ એ જરૂરી છે. સરદારની આ દૂરદૃષ્ટિ હતી અને તે પરિણામકારક નીવડી હતી.

હવે ફરક સમજો. દેશ આઝાદ થયો ત્યારે એક કોમ ખુદ્દારીથી કહે છે કે અમને અમારી વાત કહેવા માટે લોકસભામાં અલાયદા પ્રતિનિધિની જરૂર નથી. અમને કોઈ પ્રકારના સુરક્ષા-કવચની જરૂર નથી. જ્યારે બીજી કોમને રજવાડાં જતાંની સાથે જ તાકીદના ધોરણે થાળે પાડવાની જરૂર ઊભી થઈ. શા માટે? કારણ કે પારસી શક્તિશાળી કોમ ‘છે’ અને ભાયાતો માથાભારે ‘હતા’. તાકાત તો બન્ને પાસે હતી, પરંતુ એક માટે આજે પણ વર્તમાનવાચક ‘છે’ શબ્દ વાપરવાનો આવે છે અને બીજાની તાકાત ભૂતકાળ બની ગઈ છે.

માથાભારે કોમના હજુ વધુ દાખલા આપી શકાય. ધુતરાષ્ટ્રનું રાજ હતું ત્યારે કૌરવો માથાભારે હતા. દેશમાં જ્યારે મુસલમાનોનું રાજ હતું ત્યારે મુસલમાનો માથાભારે હતા. પેશ્વાઓનું રાજ હતું ત્યારે પુનાના બ્રાહ્મણો માથાભારે હતા. ‘ઘાસીરામ કોતવાલ’ નામનું નાટક જોવા મળે તો જોઈ લેજો. કૉન્ગ્રેસનો સૂરજ તપતો હતો ત્યારે કેટલાક કૉંગ્રેસીઓ અને તેમનાં સગાંઓ માથાભારે હતાં. તો કહેવાનું તાત્પર્ય એ કે માથાભારેપણાને સત્તા સાથે સંબંધ છે. આપણી સરકાર હોય અને ઉપરથી જો આપણી સંખ્યા બીજા કરતાં મોટી હોય અને હજુ ઉપરથી આપણે ટોળાંમાં બોલતા-વર્તતા હોઈએ તો પછી પૂછવું જ શું? કોઈની તાકાત નથી કે આપણો વાળ પણ વાંકો કરે!

પણ સત્તા જાય ત્યારે? ત્યારે એ જ થાય જે પાવર જનરેટર બંધ પડે અને ઘરની લાઈટનું થતું હોય છે. પાવર એટલે કે સત્તા બીજેથી જનરેટ થતી હતી, આપણી પોતાની નહોતી અને એ ગઈ અને બધું આથમી ગયું. કૌરવોથી લઈને કૉંગ્રેસીઓ સુધીના લોકોએ આનો અનુભવ કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો માથાભારેપણામાં જે તાકાત નજરે પડે છે એ પરાવલંબી છે, સ્વાવલંબી નથી. આનાથી ઊલટું શક્તિ સ્વાવલંબી છે, કારણ કે એ કેળવેલી છે. એટલે ૧૯૪૭માં પારસીઓએ કહ્યું હતું કે સરકારે અમારે માટે વિશેષ જહેમત ઉઠાવવાની જરૂર નથી અને એક સમયે જેમનાથી લોકો ડરતા હતા એ કાઠિયાવાડના ભાયાતોને થાળે પાડવા પડ્યા હતા.

તો મૂળ સવાલ પર પાછા ફરીએ. આપણે જ્યારે હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગીએ છીએ તો એ રાષ્ટ્ર શક્તિશાળી હિંદુઓનું હશે કે માથાભારે હિંદુઓનું? બીજો સવાલ પણ વિચારીશું. હિંદુરાષ્ટ્ર શક્તિશાળી હિંદુઓની જરૂરિયાત છે કે પછી માથાભારે બનવા માગતા હિંદુઓની? એવું ન બને કે એક દિવસ પારસીઓની જેમ શક્તિશાળી હિંદુઓ પણ કહી દે કે અમને હિંદુરાષ્ટ્રના એક્સ્ટ્રા કવચની જરૂર નથી અમે સક્ષમ છીએ. અને એવું બને તો તમે રાજી થાવ કે દુઃખી? વિચારી જુઓ. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઍપ્રિલ 2021

Loading

4 April 2021 admin
← સુરેશ જોષીકૃત અપૂર્વ કાવ્યાસ્વાદો
રોગચાળાની પકડ મજબૂત બની ત્યારે એક માત્ર ચીને સરહદની તંગદીલીનું તાપણું ગરમ રાખ્યું →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved