મુંબઈ : રોજ નવી આકૃતિ, નવી ભાત, નવા રંગ, નવું ચિત્ર
જ્યારે મુંબઈમાં ગેસ અને વીજળીના દીવા સંપીને રહેતા
વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેને મુંબઈમાં શું જોયું?
સાંજ ઢળી ચૂકી છે. હમણાં આવું છું, આવું છું હોં, એમ કહી અંધારું જાણે ધમકાવી રહ્યું છે. છ-સાત વરસની ઉંમરનો એક છોકરો તેની જમણી બાજુ નજર ખોડીને ઊભો છે. એ રહે છે ગિરગામ રોડ અને દાદીશેઠ અગિયારી લેનના નાકા પર આવેલા એક મકાનના ચોથે માળે. સીધી લાઈનમાં આવેલા ચાર રૂમ. ચારે રૂમને જોડતી ૪૦-૫૦ ફૂટ લાંબી લાકડાના કઠેરાવાળી ગેલેરી. એ ગેલેરીમાં ઊભા રહીને આ રીતે રોજ સાંજે ઊભા રહેવાની એ છોકરાને ટેવ. ના, કહો કે વળગણ. પણ કેમ? એ બાજુ દૂર પહેલો ગેસનો દીવો પ્રગટે એ જોઈને રોજ છોકરો રાજીનો રેડ થઈ જાય. પોતડી પહેરેલો એક માણસ દોડતો દોડતો આવતો હોય. એના હાથમાં એક લાંબો વાંસ. એની ટોચ પર એક હૂક અને એક સળગતી જામગરી. હૂકની મદદથી થાંભલા પરના કાચના ફાનસનું બારણું ઉઘાડે. પછી ઝડપથી જામગરી ચાંપે. અને ગેસ લાઈટ ઝગમગી ઊઠે. ફરી હૂકની મદદથી ફાનસનું બારણું બંધ કરે. ફરી દોડવા લાગે. બીજો થાંભલો, ત્રીજો, ચોથો … એક પછી એક ગેસ લાઈટ ઝગમગતી થાય. આખી દાદીશેઠ અગિયારી લેન ઝળાંહળાં. એ વખતે પેલા છોકરાને કોઈએ પૂછ્યું હોત કે મોટો થઈને તું શું થઈશ? તો તેણે જવાબ આપ્યો હોત : રોજ સાંજે ગેસ લાઈટ સળગાવનાર જામગરીવાળો થઈશ. મોટો થઈને એ છોકરો જામગરીવાળો તો ન થયો, પણ આજે તેને વિષે લખતો તો થયો. આ વાત ૧૯૪૫-૪૬ના અરસાની. એ વખતે મુંબઈના રસ્તા બે ભાગમાં વહેંચાયેલા : એક, ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઈટવાળા મોટા, ધોરી રસ્તા. અને બીજા, ગેસ લાઈટવાળી ‘લેન’ કહેતાં ગલ્લીઓ. બંને પ્રકારનાં અજવાળાં અડખેપડખે સંપીને રહે. બંનેનો પ્રકાશ તો આછો પીળો. હા, એકનો થોડો ઝાંખો.
ગેસ લાઈટનું અજવાળું પાથરનાર
૧૮૬૨ની સાલમાં મુંબઈ સરકારે બોમ્બે ગેસ કંપનીની શરૂઆત કરી. ૧૮૬૫માં આર્થર ક્રાફર્ડ મુંબઈના પહેલા મ્યુનિસિપલ કમિશનર બન્યા. હા, આ એ જ ક્રાફર્ડ, જેમના નામની ક્રાફર્ડ માર્કેટ પછીથી બની. તેમને થયું કે બ્રિટિશ સામ્રાજ્યનું મોખરાનું મુંબઈ જેવું શહેર, પણ એમાં સ્ટ્રીટ લાઈટ ઘાસલેટની? એટલે તેમણે બોમ્બે ગેસ કંપનીને કહ્યું કે આ અંગે કોઈક યોજના વિચારો. એટલે ૧૮૬૬માં કંપનીએ કોલસો વાપરીને ગેસ બનાવવાનો પ્લાન્ટ પરેલ ખાતે નાખ્યો. ત્યાં પેદા થયેલા ગેસના દીવા સૌ પહેલાં નખાયા ત્રણ રસ્તા પર. પહેલો, એસ્પ્લનેડ રોડ, એટલે કે આજનો મહાત્મા ગાંધી રોડ. બીજો ચર્ચગેટ સ્ટ્રીટ કહેતાં વીર નરીમાન રોડ. અને ત્રીજો વિસ્તાર તે ભીંડી બજાર. ૧૮૬૫ના ઓક્ટોબરની સાતમી તારીખ, શનિવાર. સવારથી લોકો આતુર હતા, એક કૌતુક જોવા માટે. પહેલેથી ધાર્યું હતું કે આ નવી નવાઈ જોવા લોકો ઊમટી પડશે. એટલે ભર બપોરે આ ત્રણે રસ્તા પર ગેસના દીવા સળગાવવાનું શરૂ કર્યું હતું. બીજા દિવસના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે આ લાઈટ સળગાવનારો જેમ જેમ આગળ વધતો હતો તેમ તેમ લોકોનાં ટોળાં તેની પાછળ પાછળ જતાં હતાં. ત્રણે રસ્તા ઉપર બધું મળીને ૧૩૩ ગેસ લાઈટ ગોઠવી હતી. લોકોને આ નવી નવાઈ એટલી તો પસંદ પડી ગઈ કે ઘણા પૈસાદાર શેઠોએ સુશોભિત, નકશીદાર થાંભલા અને ફાનસ મ્યુનિસિપાલિટીને ભેટ આપ્યાં. આમાંનાં કેટલાંક આજ સુધી યાદગીરી રૂપે સાચવી રાખવામાં આવ્યાં છે. આવો એક સુશોભિત ગેસ લાઈટ સાથેનો થાંભલો ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે જોવા મળે છે. ૧૮૭૪ સુધીમાં મુંબઈ શહેરમાં કુલ ૨,૪૧૫ ગેસની સ્ટ્રીટ લાઈટ હતી, જેમાંની ૭૨ તો ક્વીન્સ રોડ, આજનો મહર્ષિ કર્વે રોડ, પર હતી.
સાપ ગયા ને લિસોટા રહી ગયા: ગેસ કંપની લેન
આ ગેસ કંપની નાનાંમોટાં કારખાનાંને પણ ગેસ પૂરો પાડતી. બે પાંદડે સુખી હોય તેવા કેટલાક લોકોના ઘરમાં પણ ગેસના ચૂલા રસોઈ માટે વપરાતા. પણ આમાં બે મુશ્કેલી હતી. પહેલી એ કે કોલસા બાળીને ગેસ મેળવતા હતા એટલે તેનું દબાણ એક સરખું રહેતું નહિ, તેમાં વધઘટ થયા કરતી. પણ વધુ મોટી સમસ્યા એ કે પરેલ અને તેની આસપાસના વિસ્તારોમાં ઝેરી હવા ફેલાતી થઈ. વળી એ જ વિસ્તારમાં હતી સંખ્યાબંધ કાપડ મિલો. તેમાંથી ઊડતી રૂની રજકણો અને ગેસ પ્લાન્ટમાંથી નીકળતી પ્રદૂષિત હવા. બન્નેએ એ વિસ્તારના લોકોનું જીવવાનું ઝેર કરી નાખ્યું. પ્રખ્યાત મરાઠી કવિ દિલીપ ચિત્રે તેમના જાણીતા કાવ્ય ‘ચિંચપોકળીનું દ્રશ્ય’માં કહે છે :
સિલિંગ ફેન
ઘરઘરાટી કરતો ફરી રહ્યો છે,
છતાં મને પરસેવો થતો રહે છે.
હું શ્વાસમાં લઉં છુ બોમ્બે ગેસ કંપનીએ
છોડેલો સલ્ફર ડાયોક્સાઈડ ગેસ
જેમાં ભળેલા છે કપાસના રેસા
અને કાર્બનના કણ આસપાસની
કાપડ મિલોમાંથી ઠલવાતા.
પણ હા, આ જ મિલો લાખો લોકોને
લંગોટી માટેનું કાપડ પૂરું પાડે છે.
પછી ૧૮૮૨માં મુંબઈમાં પહેલી વાર વીજળીના દીવા આવ્યા. એક ખાનગી કંપનીએ ક્રાફર્ડ માર્કેટને અજવાળવા માટે ત્યાં ખાસ જનરેટર ગોઠવ્યું. એ વખતે ક્રાફર્ડ માર્કેટ એ મુંબઈનું એક માત્ર જથ્થાબંધ બજાર. એ જ વરસે ગોંડળના મહારાજા ભગવતસિંહજીએ મુંબઈની મુલાકાત લીધી ત્યારે તેઓ ખાસ ક્રાફર્ડ માર્કેટ જોવા ગયા હતા અને ત્યાં વીજળીના દીવાની રોશની જોઈ એટલા તો પ્રભાવિત થયા હતા કે તેમણે પોતાના રાજ્યમાં એવા દીવા ગોઠવવાનું નક્કી કર્યું હતું. પણ આ અજવાળું તો ચાર રાતની ચાંદની પુરવાર થયું. થોડા વખત પછી પેલી ખાનગી કંપની ફડચામાં ગઈ. એટલે ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક લાઈટ એન્ડ પાવર કંપનીએ કામ હાથમાં લીધું. પણ થોડા વખતમાં તેણે પણ દેવાળું કાઢ્યું. અને ફરી ગેસને ઠામે ગેસ ઠરી રહ્યો.
પણ વાઘ એક વાર લોહી ચાખી જાય પછી છોડે નહિ. વીજળી પૂરી પાડનાર કંપની નથી તો શું થયું? આપણે પોતાનું જનરેટર વસાવીને વીજળી મેળવીએ. ૧૮૯૦થી કેટલાક તવંગર લોકોનાં ઘર, કેટલીક હોટેલ, કેટલાંક કારખાનાં પોતાનું જનરેટર વસાવીને વીજળી વાપરવા લાગ્યાં. ૧૯૦૩માં ગેટ વે ઓફ ઇન્ડિયાની સામે તાજ મહાલ હોટેલની ઇમારત બંધાઈ ત્યારે તેમાં ઇલેક્ટ્રિક લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે ઉદ્ઘાટનના દિવસે તે ઈમારત વીજળીના દીવાથી ઝગમગી ઊઠી. આ માટે તેના બગીચામાં વરાળથી ચાલતું જનરેટર રાખવામાં આવ્યું હતું. અગાઉ કોઈ જાહેર મકાનમાં આ રીતે વીજળીનો ઉપયોગ થયો નહોતો. પણ ન કરે નારાયણ, ને વીજળી ગુલ થઈ જાય તો? એટલે દરેક રૂમમાં સાથોસાથ ગેસના દીવા પણ લગાડ્યા હતા! એ વખતે તાજ મુંબઈની સૌથી મોંઘી હોટેલ હતી. એનું ભાડું કેટલું હતું ત્યારે? ઓછામાં ઓછું ભાડું હતું દિવસના છ રૂપિયા, જે અંગ્રેજો કે દેશી અમીરોને જ પોસાતું!
BEST કંપનીનું પાવર સ્ટેશન
મુંબઈનાં લોકો, ઉદ્યોગો, વાહન-વ્યવહાર વગેરે માટે વીજળીની જરૂરિયાત કૂદકે ને ભૂસકે વધતી જતી હતી. તેને ધ્યાનમાં લઈને મુંબઈ મ્યુનિસિપાલિટીએ ૧૯૦૫માં બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રામવેઝ નામની બ્રિટિશ કંપનીને શહેરને વીજળી પૂરી પાડવાનો પરવાનો આપ્યો. તેણે પોતાનું થર્મલ (કોલસાથી ચાલતું) પાવર સ્ટેશન શરૂ કર્યું અને મુંબઈમાં ઇલેક્ટ્રિક ટ્રામની શરૂઆત કરી. ૧૯૦૭ના મે મહિનાની ૭મી તારીખે સાંજે સાડા પાંચ વાગે મ્યુનિસિપાલિટીના મુખ્યાલય સામેથી શરૂ થઈને આ ટ્રામ ક્રાફર્ડ માર્કેટ પહોંચી. ત્યાં થોડી વાર રોકાઈને પાછી ફરી. તે સાંજે ઘોડાથી ચાલતી ટ્રામનો સૂરજ મુંબઈમાં આથમ્યો.
શરૂઆતની ઇલેક્ટ્રિક ટ્રામ
પણ આ કંપની જે વીજળી પેદા કરતી હતી તે લગભગ બધી ટ્રામ ચલાવવા પાછળ વપરાઈ જતી હતી. અને શહેરની વીજળી માટેની ભૂખ તો રોજ વધતી જતી હતી. ૧૯૦૭ના ઓક્ટોબરમાં સર જ્યોર્જ ક્લાર્ક મુંબઈના ગવર્નર બન્યા. તેમના ધ્યાનમાં આ વાત આવી અને તેમણે તે જ વરસે મુંબઈ શહેરને વીજળી પૂરી પાડવા માટે હાઈડ્રોલિક (પાણીથી ચાલતું) પાવર સ્ટેશન શરૂ કરવાનો પરવાનો તાતા પાવર કંપનીને આપ્યો. ૧૯૧૫માં તેના ખપોલી પાવર પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન શરૂ થયું અને ૪૩ માઈલ લાંબી ટ્રાન્સમિશન લાઈન દ્વારા એ વીજળી મુંબઈ પહોંચાડવામાં આવી. જો કે એ વખતે એ વીજળી માત્ર મોટા ઉદ્યોગોને જ પૂરી પાડવાની મંજૂરી એ કંપનીને મળી હતી. પણ આ ખાનગી સાહસને એટલી તો સફળતા મળી કે ૧૯૨૫માં BEST કંપનીએ પોતાનો થર્મલ પાવર પ્લાન્ટ બંધ કર્યો અને તાતા પાસેથી જ વીજળી ખરીદવાનું શરૂ કર્યું! એટલે શહેરને વીજળી પૂરી પાડવાની તેને અપાયેલી મોનોપોલી રદ્દ થઈ અને હવે મુંબઈનાં ઘરોને, નાનાં કારખાનાંઓને, બીજી હર કોઈ જરૂરિયાત માટે વીજળી પૂરી પાડવાનો માર્ગ તાતાની કંપની માટે ખૂલી ગયો. ૧૯૦૫માં તેના ઘરાકોની સંખ્યા ૧૦૭ની હતી, તે વધીને ૧૯૩૫ સુધીમાં ૬૫,૪૧૨ સુધી પહોંચી ગઈ.
૧૯૫૦માં BEST કંપનીએ શહેરમાંના ગેસના બધા દીવા કાઢીને તેની જગ્યાએ વીજળીના દીવા મૂકવાનું શરૂ કર્યું. અને એક અણધારી વાત બની. મુંબઈના લોકોએ તેનો વિરોધ કર્યો. ઘણાને માટે ગેસના દીવાની તોલે વીજળીના દીવા ન આવે. એટલે BEST કંપનીએ શું કર્યું? શહેરનાં મુખ્ય જન્કશનો પર ગેસના અને વીજળીના દીવા અડખે પડખે ગોઠવ્યા – જુદા જુદા રંગના, વધતા-ઓછા અજવાળું આપતા દીવા. નીચે થાંભલા પર મત પેટીઓ મૂકી અને લોકોને બેમાંથી એક પ્રકારના દીવાને મત આપવા વિનંતી કરી. અને અ ચૂંટણીમાં ગેસના દીવા હાર્યા, વીજળીના દીવા જીત્યા. પછી થોડા જ વખતમાં મુંબઈના રસ્તાઓ પરથી ગેસના દીવા ગુલ થઈ ગયા.
૧૯૦૩માં તાજ મહાલ હોટેલના ઉદ્ઘાટનની જાહેર ખબર
વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેન ૧૮૯૬માં વિશ્વ પ્રવાસે નીકળ્યા હતા. તે દરમ્યાન તેઓ મુંબઈ પણ આવ્યા હતા અને વોટસન હોટેલમાં રોકાયા હતા. ૧૮૬૭-૧૮૬૯ દરમ્યાન કાળા ઘોડા નજીક બંધાયેલી આ હોટેલ એ જમાનામાં મુંબઈની સર્વોત્તમ હોટેલ મનાતી હતી. મકાન બંધાઈ રહ્યા પછી રૂમોને સજાવવામાં ઘણો વખત ગયો, એટલે તેનું ઉદ્ઘાટન છેક ૧૮૭૧ના ફેબ્રુઆરીની ચોથી તારીખે થયું. સ્વદેશ પાછા ફર્યા પછી ૧૮૯૭માં માર્ક ટ્વેને આ વિશ્વ પ્રવાસનું વર્ણન કરતું પુસ્તક લખ્યું હતું, ‘ફોલોઇંગ ધ ઇક્વેટર’. તેમાં મુંબઈ વિષે તેમણે લખ્યું છે : ‘આજે, સ્થળ અને સમય, બંનેની દૃષ્ટિએ હું મુંબઈથી ઘણો દૂર આવી ગયો છું. છતાં મુંબઈનો વિચાર કરું છું ત્યારે જાણે હું કલાઈડોસ્કોપમાં ક્ષણે ક્ષણે બદલાતી આકૃતિઓ જોતો હોઉં એવું લાગે છે. કાચના ટુકડાનો આછો ખખડાટ સંભળાય છે. એક આકૃતિ, એક ભાત, એક ચિત્ર, રચાય છે, અને બીજી પળે તો બદલાઈ જાય છે. ફરી નવું ચિત્ર, ફરી નવું, ફરી … નવું કૌતુક, નવો આનંદ. સપનામાં જોયેલી આકૃતિઓની જેમ ઝડપથી રચાય છે અને ઝડપથી ઓગળી જાય છે. હું ત્યાં થોડા દિવસ રહ્યો હતો, પણ આજે જ્યારે આંખ સામેથી પસાર થતાં એ ચિત્રો જોઉં છું ત્યારે લાગે છે કે મુંબઈનો મારો અનુભવ માંડ એકાદ કલાકનો હતો.’ મુંબઈનું કોઈ નવું ચિત્ર, નવું કૌતુક, નવી આકૃતિની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 30 જાન્યુઆરી 2021