આઠ વર્ષ અગાઉ દિલ્હીમાં થયેલ નિર્ભયા બળાત્કારકાંડથી દેશ આખો હચમચી ઊઠ્યો હતો. તેના પગલે નિયુક્ત જસ્ટિસ વર્મા સમિતિએ કરેલ ભલામણો અનુસાર સંબંધિત કાયદાઓમાં સુધારો થયા બાદ પણ પરિસ્થિતિ સુધરી નથી. હાથરસનો બનાવ નિર્ભયાકાંડ કરતાં એક ડગલું આગળ છે.
પોતાના ખેતરમાં ચારો લેવા ગયેલી આ દલિત કન્યા પર થયેલા હિચકારા હુમલાને વર્ણવતાં તેની માતાના શબ્દોમાં ‘મારી દીકરીનો નગ્ન દેહ ખેતરમાં પડ્યો હતો. તેની જીભ બહાર નીકળી ગઈ હતી. મોંમાંથી લોહી નીકળતું હતું. આંખો ફાટી ગઈ હતી. ગુપ્ત ભાગમાંથી પણ લોહી નીકળી રહ્યું હતું. મેં તરત જ મારી સાડીનો પાલવ તેની પર ઢાંકી દીધો અને બૂમો પાડી.’
આ બાબતે કાયદો બહુ સ્પષ્ટ છે. તરત જ પ્રથમ બાતમી અહેવાલ (F.I.R) નોંધાવો જોઈએ. જો પીડિતાને હૉસ્પિટલ સારવાર માટે મોકલવાની જરૂર હોય, તો તેનાં કપડાં સાચવી રખાવાં જોઈએ અને હૉસ્પિટલમાં તેને થયેલ ઇજાઓની નોંધ થવી જોઈએ. પોલીસે ફોજદારી કાર્યરીતિ સંહિતા કલમ 164 મુજબ, મૅજિસ્ટ્રેટની હાજરીમાં પીડિતાનું નિવેદન લેવાની વ્યવસ્થા કરવી જોઈએ. જો પીડિતા મૃત્યુ પામે તો પોસ્ટમોર્ટમ બાદ પીડિતાનો મૃતદેહ તેના કુટુંબને સોંપાવો જોઇએ.
હાથરસના બનાવમાં પોલીસ સ્ટેશનથી આ દલિત કન્યાને હૉસ્પિટલ ખસેડાઈ. સપ્ટેમ્બર ૨૧-૨૨ના રોજ ગંભીર સ્થિતિ વચ્ચે પીડિતાએ હુમલાખોરોનાં નામ જણાવ્યાં હતાં. બનાવના બે અઠવાડિયાં બાદ તેને વધુ સારવાર અર્થે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલ મોકલવામાં આવી. અલીગઢ હૉસ્પિટલમાં મૅજિસ્ટ્રેટ દ્વારા પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. દિલ્હી સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાના મોત બાદ પોલીસે મૃતદેહનો કબજો લઇ લીધો હતો. કુટુંબીજનોના વિરોધ વચ્ચે રાત્રિના અઢી-ત્રણ વચ્ચે અગ્નિસંસ્કાર કરાયો હતો. આ બનાવ નજરે જોનાર પત્રકાર તનુશ્રી પાંડે કહે છે કે કુટુંબીજનોની આજીજી વચ્ચે પોલીસે તેમને કહ્યું, ‘ગલતિયાં બહુત હુઈ હૈ, અબ ઉન્હે સુધારની હૈ.’ પોલીસનો જૂઠો દાવો છે કે કુટુંબીજનોની સંમતિથી અને તેમની હાજરીમાં જ અગ્નિસંસ્કાર કરાયો હતો.
વાત માત્ર આટલેથી અટકતી નથી. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ઘા ઉપર મીઠું ભભરાવે છે. ફોરેન્સિક લેબોરેટરી રિપોર્ટના આધારે તેમણે ઉચ્ચાર્યું કે કરોડરજ્જુને થયેલ ઈજાના કારણે મૃત્યુ થયું છે. તપાસમાં કોઈ શુક્રાણુ મળી આવ્યા નથી અને કોઈ બળાત્કાર થયો નથી. બનાવનાં બે અઠવાડિયાં બાદ નમૂનાઓ લેવામાં આવે તો આટલા લાંબા સમય બાદ શુક્રાણુની હાજરી ભાગ્યે જ નોંધી શકાય. બળાત્કારનો ગુનો પુરવાર કરવા માટે યોનિપ્રવેશ પૂરતો છે. શુક્રાણુની હાજરી અનિવાર્ય નથી. પીડિતાએ હુમલાખોરોનાં નામો સાથે બળાત્કાર થયાનું નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું.
અલાહાબાદ હાઇકોર્ટે પોતાની મેળે આ ઘૃણિત બનાવની નોંધ લીધી છે અને ઠરાવ્યું કે દરેકને ગૌરવપૂર્વક જીવનનો અને મૃત્યુ પછી અંતિમ વિધિનો હક છે. બંધારણમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ કે લિંગ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મુકાયો છે. પણ બંધારણનો અમલ કરવાની જવાબદારી હોય તે જો જાતિ-જ્ઞાતિ આધારિત સમીકરણોથી સત્તા ભોગવતા હોય, ત્યારે આ બંધારણીય જોગવાઈનો કોઈ અર્થ રહેતો નથી.
(મીનીકા ગુરુસ્વામી, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પરથી)
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 15