સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ – વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ માનવ અધિકાર કર્મશીલ-વકીલ ગિરીશભાઈ પટેલની સ્મૃતિમાં આપેલા ઑનલાઈન વ્યાખ્યાનના અંશ. ‘ધ વાયર’(હિદી)ના અહેવાલના આધારે
ગિરીશભાઈ પટેલ દલિતો અને વંચિતોના વકીલ હતા. તે માનવ અધિકારોની અને માનવ ગરિમાની લડાઈ લડ્યા હતા. ડાંગના અદિવાસીઓના, શેરડી કામદારોના અને બીજા અનેક મુદ્દા અદાલત સમક્ષ પી.આઈ.એલ. મારફતે તેમણે ઉઠાવ્યા હતા. ગિરીશભાઈએ જાહેર હિતની અરજીઓનો લોકોના અધિકારો માટે ઉપયોગ કર્યો હતો.
અદાલતો પર થયેલાં અતિક્રમણ પર સતત નજર રાખવાની પોતાની ભૂમિકા ભજવવામાં બૅન્ચ અને બાર (વકીલો અને ન્યાયાધીશો) નિષ્ફળ રહ્યાં છે. પોતાની સામાજિક ભૂમિકા નિભાવવામાં વકીલો સૌથી વધુ નિષ્ફળ રહ્યા છે. મને એ કહેતા ખૂબ જ ખેદ થાય છે કે આપણા ન્યાયાધીશો ન્યાય આપવામાં પોતાના અંતરાત્માનો અવાજ ભૂલી ગયા છે. એ અવાજને તેમણે પોતાનું કર્તવ્ય બજાવતી વખતે પ્રત્યેક ક્ષણે યાદ રાખવાનો હોય છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે કાયદાની અદાલત કરતાં પણ એક મોટી અદાલત છે – અંતરાત્માની અદાલત.
ભારતમાં કિમિનલ જસ્ટિસ સિસ્ટમ અમીરો અને બળિયાની ચુંગાલમાં છે. બંધારણ સભામાં થયેલી ન્યાયાધીશોએ તમામ રાજકીય વિચારધારાઓથી પર રહેવું જોઈએ એવી ચર્ચાઓની યાદ અપાવતાં તેમણે કહ્યું કે અદાલતની સ્વતંત્રતા પર બહારનો પ્રભાવ પડ્યો છે અને અંદરથી પણ તે ખતમ થઈ ગઈ છે. ૧૯૯૩થી મોટા પાયે સ્વતંત્ર મિજાજના લોકોની ન્યાયાધીશો તરીકે નિમણૂક નહીં કરીને કોલેજિયમ પ્રણાલીએ ન્યાય, બંધારણ અને રાષ્ટ્રના વહીવટને ઘણું મોટું નુકસાન કર્યું છે.
કાયદાનું શાસન ખતરામાં છે. છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વરસમાં જે રીતે (ન્યાયતંત્રની) નિમણૂકો થઈ છે, તેણે ઘણુબધું અધૂરું છોડી દીધું છે. તેનાથી ન્યાયસંસ્થાને ક્ષતિ પહોંચી છે. આજે રાજકીય દબાણોને વશ ન થાય એવા ન્યાયાધીશો ક્યાં છે?
સ્થળાંતરિત કામદારોને મદદરૂપ થવા ત્રીસમી માર્ચ, ૨૦૨૦ના રોજ સર્વોચ્ચ અદાલતમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. તેના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટે સરકારને સ્થળાંતરિત મજૂરોનો સવાલ ઉકલી ગયાનું પ્રમાણપત્ર આપી દીધું !
કોઈ રાજકીય નેતાની પ્રશંસા કરીને સુપ્રીમ કોર્ટના જજ નીચેની અદાલતોને અને હાઇકોર્ટોને શો સંદેશો આપવા માંગે છે? એનાથી એવી જ શંકા જાગે કે વડા પ્રધાન મોદીની સરકારની વિરુદ્ધના મામલે નિર્ણયો લેવા નહીં. એક્ઝિક્યુટીવ(વહીવટી પાંખ)ની સાથે રહેવા માટે ન્યાયાધીશો કાયદાથી દૂર નીકળી ગયા છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 01