દીકરીને જન્મ આપીએ
કે આપીએ જન્મ દીકરાને
મા થોડી મટી જઈએ છીએ?
તમારું ગંદુ રાજકારણ
કુળદીપકનું તૂત ચલાવે છે.
દીકરી ને ગાય
દોરે ત્યાં જાય …
દીકરી તો સાપનો ભારો …
દીકરી તો પારકી થાપણ કહેવાય …
દીકરો કૂળ ચલાવનારો
દીકરો ભવ તરાવનારો.
દીકરીને લગામ
દીકરો બેલગામ.
તમારી સત્તા દૃઢીભૂત કરવાના
બેવડા નિયમો ઘડી
વાળ્યો છે સમાજનો દાટ.
અંધકાર યુગ તો ક્યારનો ગયો
અમારી દાદીઓ, પરદાદીઓ
વિવશ હતી, ડરતી હતી,
રોટી, કપડાં, મકાન માટે
પરાવલંબી હતી.
જાગૃતિ, માહિતી, શિક્ષણ,
કાયદા, સંગઠન ને હિંમત
નહોતાં બિચારી બાપડીઓ પાસે.
હવે તો વિજ્ઞાનનો નવો જમાનો છે
દીકરો ન જન્મે એમાં
હોતો નથી અમારો દોષ —
હકીકત જાણી ગયા છીએ હવે.
નહીં બનીએ તમારી કઠપૂતળી.
શિખવાડો દીકરાઓને
ઢંગે રહેતા, હદમાં જીવતા.
અમને સન્માન આપતા.
જમાના પ્રમાણે અમારે રોજ
ઘરની બહાર નીકળવું પડે છે —
ભણવા, નોકરીધંધો કરવા,
ટાંપા કરવા, કંઈ કેટલું ય
લેવામૂકવા. પગે ચાલી,
બસ, રીક્ષા કરી, ઍકટીવા, ગાડી લઈ.
ઘરની ચાર દીવાલ ને ઉંબરો
નથી રહ્યા અમારા વિસ્તાર.
લક્ષ્મણરેખા થઈ પુરાણી વાત.
સ્વપ્ન ને મહત્ત્વાકાંક્ષા,
ધ્યેય ને લક્ષ ભણી
હવે તો સીડી ચઢીએ છીએ
વ્યવસાયિક ક્ષેત્રમાં
આગળ વધીએ છીએ.
દીકરાને સમજાવજો
સહિષ્ણું થવાનું,
સંવેદનશીલ થવાનું,
સ્ત્રીદાક્ષિણ્યનો ગુરુમંત્ર આપજો.
સાવધ કરજો કે
સીધા રહે
સ્વીકારતા શીખે
સ્ત્રીદ્વેષ, ઇર્ષા, વેર
કાબૂમાં રાખે
ગળતાં શીખે
સમય બદલાઈ ગયો છે.
~
e.mail : rupaleeburke@yahoo.co.in