ભારતની કોઈ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ નથી. જો એવું કંઈ હોય તો, ભા.જ.પ.ના વર્ષ ૨૦૧૪ના ઢંઢેરામાં વપરાયેલા ‘ઇન્ડિયા ફર્સ્ટ’ અને ૨૦૧૯ના ઢંઢેરામાં વપરાયેલા ‘નેશન ફર્સ્ટ’ શબ્દને સમજવાનો પ્રયાસ કરી શકાય. પરંતુ આ બંનેનો અર્થ શું છે, તેનો ખુલાસો ભા.જ.પે. કર્યો નથી.
ઢંઢેરામાં અમિત શાહે લખ્યું છે કે આ ચૂંટણી ફક્ત સરકાર પસંદ કરવા માટે નહીં, દેશની રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે છે. ‘રાષ્ટ્રીય સુરક્ષા’ શીર્ષક હેઠળના ભા.જ.પ.ના ઢંઢેરામાં બે મુદ્દા છેઃ એક તો દેશની પ્રહારક્ષમતા વધારવા માટે આધુનિક શસ્ત્રો અને સંરક્ષણ સાધનોના સ્થાનિક ઉત્પાદનની ખરીદી. તેમાં ભારતને સુરક્ષાના કોઈ પડકારનો ઉલ્લેખ નથી. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતનું ધ્યાન આતંકવાદ વિરોધ અને ખાસ કરીને કાશ્મીર પર કેન્દ્રિત રહ્યું છે. તેને કદાચ દેશની સુરક્ષા સામેની સૌથી મોટી સમસ્યા માનવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે પણ તેનો ઉલ્લેખ કર્યો છે.
તે માને છે કે પાકિસ્તાન-આધારિત આતંકવાદ એક વ્યૂહાત્મક ખતરો છે અને આક્રમણનો જ સામનો કરી શકાય છે. સપ્ટેમ્બર ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇક અને ફેબ્રુઆરી ૨૦૧૯ની એરસ્ટ્રાઇક આનું પરિણામ છે. આ બંને સ્ટ્રાઇક ભારતીય સૈન્ય પર હુમલા અને સી.આર.પી.એફ. કેમ્પ પર આત્મઘાતી હુમલા પછી કરવામાં આવી હતી. દોભાલનો સુરક્ષા સિદ્ધાંત એ છે કે આ બંને સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરશે. પરંતુ આંકડા દર્શાવે છે કે આ સ્ટ્રાઇક પછી કોઈ ફરક પડ્યો નથી. વર્ષ ૨૦૧૬માં કાશ્મીરમાં ૨૬૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો, તે આંકડો વર્ષ ૨૦૧૭માં વધીને ૩૫૭ અને વર્ષ ૨૦૧૮માં ૪૫૨ થયો છે.
રાષ્ટ્રીય સુરક્ષા અંગે દોભાલનીતિની ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે, પરંતુ ઔપચારિક રીતે એવું કદી થયું નથી. લશ્કરી વડા નરવાણે અને ચીફ ઑફ ડિફૅન્સ સ્ટાફ જનરલ રાવત આતંકવાદ વિરોધી કામગીરીમાં નિષ્ણાત છે. આવી સ્થિતિમાં ચીન થકી ઊભા થયેલા પડકાર અંગે ભારતના પ્રતિસાદની કોઈ સ્પષ્ટ નીતિ નથી.
આ સિવાય, બીજી સમસ્યા એ છે કે દેશનું રાજકીય નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ સ્વીકારવા તૈયાર નથી. લશ્કરે પોતાનો અભિપ્રાય આપ્યો છે કે તે બે મોરચા પર યુદ્ધ માટે તૈયાર છે. શું આ દેશની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ છે? આપણે આ માનવું પડશે. કારણ કે એ મુદ્દે ભા.જ.પ.ની કોઈ નીતિ નથી. શું ભારતની સુરક્ષાને પાકિસ્તાન તરફથી ખતરો છે? એનો જવાબ ‘હા’ લાગે છે. જો કે આ ક્ષણે ભય બીજી બાજુથી છે.
મનમોહન સિંઘના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનને વર્ષ ૨૦૧૦માં વિદેશી અને વ્યૂહાત્મક નીતિ બનાવવાના પગલાં અંગે એક જૂથને સત્તા આપી હતી. તેમાં ઇતિહાસકાર સુનીલ ખિલનાની, લેફ્ટનન્ટ જનરલ પ્રકાશ મેનન, લશ્કરી વિદ્વાન શ્રીનાથ રાઘવન, રાજકીય નેતા શ્યામશરણ અને ઉદ્યોગ સાહસિક નંદન નિલેકણીનો સમાવેશ થતો હતો. આ જૂથ દ્વારા તૈયાર કરાયેલો દસ્તાવેજ ‘નોન-એલિનેટેડ 2.0’ કહેવાયો. તે સરહદરેખા, બોર્ડર મેનેજમેન્ટ, સાયબર સિક્યુરિટી, સંરક્ષણઉદ્યોગ તેમ જ પાડોશીઓ સાથેના સંબંધો અંગેનો હતો. તેના એક પ્રકરણમાં ચીન સાથે સંભવિત મુકાબલાનો ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે ચોક્કસ ભૌગોલિક ક્ષેત્રો પર (ખાસ કરીને અરુણાચલ અને લદાખમાં) ચીન પોતાનો દાવો દબાણપૂર્વક આગળ કરી શકે છે. તે આ પ્રદેશો પર કબજો કરવાનો પ્રયાસ પણ કરી શકે છે. આ પ્રકારની ટક્કર એલ.એ.સી. – લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલના વિસ્તારોમાં હોઈ શકે છે, કેમ કે ત્યાં બંને બાજુઓ જુદા જુદા દાવા કરે છે અને એ ઠેકાણાં વિશેની માહિતી સારી રીતે જાણીતી છે.
દસ્તાવેજમાં આ મુદ્દે સૈન્ય સમજૂતીનો ઉલ્લેખ કરતાં કહેવાયું છે કે ચીનને જમીન કબજે કરવાના પ્રયત્નોનો જવાબ આપવાનો એક માત્ર રસ્તો એલ.એ.સી.થી આગળ વધીને સમાન કાર્યવાહી કરવાનો છે. આ વાત જેવાને તેવો જવાબ આપવાની છે. ઘણાં એવાં ક્ષેત્રો છે, જ્યાં સ્થાનિક વ્યૂહાત્મક અને ઑપરેશનલ ફાયદા આપણા પક્ષમાં છે. આ ક્ષેત્રોને ઓળખી કાઢવાં જોઈએ અને સીમિત વાંધાજનક કામગીરી પર લક્ષ્ય કેન્દ્રિત કરીને ઑપરેશન હાથ ધરવાં જોઈએ.
એટલે કે, આ દસ્તાવેજ સૂચવે છે કે ચીન પાસેથી તાત્કાલિક જમીનનો કબજો લેવો જોઈએ. આનાથી ચીન પર રાજદ્વારી દબાણ આવશે અને તે આપણી જમીન છોડવા દબાણ અનુભવશે. આ દસ્તાવેજમાં, ઝડપી શબ્દનો અર્થ તાત્કાલિક છે. એલ.એ.સી. પર ત્રણ મહિનાની ચીની ઘુસણખોરી છે, પરંતુ સરકારે હજી સુધી આવું કોઈ પગલું ભર્યું નથી. તેનો સરળ અર્થ એ છે કે મનમોહન સરકારના યુગમાં રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચનાને અવગણવામાં આવી નથી. એટલું જ નહીં, વર્તમાન સરકારે સમસ્યા સ્વીકારવાની ના પાડી દીધી છે અને સ્થિતિ એવી થઈ છે કે દેશના સંરક્ષણ પ્રધાન ચીની સંરક્ષણ પ્રધાન સાથેની એવી પરિસ્થિતિ પર (ચીની ઘૂસણખોરી વિશે) વાત કરી રહ્યા છે, જે વડા પ્રધાનના કહેવા પ્રમાણે સર્જાઈ જ નથી.
ભૂતપૂર્વ ફૌજી અફસર અને વિશ્લેષક સુશાંતસિંઘે કરણ થાપર સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ આ સમસ્યાની જવાબદારી લીધી હોત અને સીધી જિનપિંગ સાથે સીધી વાત કરી હોત તો …. પરંતુ જે થયું તે, સરકારે કહ્યું કે લશ્કરને કોઈ પણ કામગીરી હાથ ધરવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. આ મુદ્દે સરકારની મૂંઝવણ અને અરાજકતા સ્પષ્ટ થઈ ગઈ છે. સરકાર સમસ્યાનો ઇન્કાર કરી રહી છે અને સમસ્યાના સમાધાન માટે લશ્કરને છૂટો હાથ પણ આપી રહી છે.
આશ્ચર્યજનક વાત છે કે આ પ્રકારના બેદરકાર અને અણઘડ વ્યવહાર સાથે આ પ્રકારના ગંભીર મુદ્દા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ સરકાર પાસેથી બીજી અપેક્ષા પણ શી રાખી શકાય? આ સરકાર નેશન ફર્સ્ટ અને ઇન્ડિયા ફર્સ્ટના નારા લગાવી રહી છે, પણ રાષ્ટ્રીય સુરક્ષા પર વાસ્તવિક કટોકટી આવી છે ત્યારે તે પીઠ દેખાડી રહી છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 14-15