ભારતમાં આજે એવાં કેટલાં ય નાનાં નાનાં જૂથો – વ્યક્તિઓ છે કે જેમણે હરહંમેશ કચડાતાં દલિત-પીડિત-વંચિતો માટે અવાજ ઉઠાવ્યો છે. દસ્તાવેજી ફિલ્મકારોની નવી પેઢી પણ હવે આ કામ પ્રતિબદ્ધતાથી કરે છે. આનંદ પટવર્ધન જેમ અત્યંત જાણીતું નામ છે, એ રીતે હવે નવાં નવાં ફિલ્મકારો આવી રહ્યાં છે. દેશના મોટા પ્રશ્નોને આ ફિલ્મકારો તળમાં જઈને સ્પર્શે છે. તામિલનાડુનાં દિવ્યાભારતી પણ આ પ્રકારનાં દસ્તાવેજી ફિલ્મકાર છે. તેમની આ પ્રકારની એકાધિક ફિલ્મો યુટ્યુબ પર જોવા મળશે.
હાલમાં આવેલી એમની ફિલ્મ 'કક્કુસ' તામિલનાડુના સફાઈ કામદારોની રુંવાટાં ઊભાં કરી દેતી ફિલ્મ છે. 'કક્કુસ'નો અર્થ થાય છે સંડાસ. મા પોતાના બાળકોના બાળોતિયાં ધુએ છે, મળ પખાળે છે તો આપણે ત્યાં માતૃપ્રેમનો ભારે મહિમા છે. જ્યારે સમગ્ર ભારતીય સમાજનું સફાઈનું કામ સંભાળતા વર્ગને તો આપણે ત્યાં અસ્પૃશ્ય ગણવામાં આવે છે અને અત્યંત નીચી નજરે જોવામાં આવે છે. 6 ટકા વધુ ટેક્સ નાખીને લાગુ પાડવામાં આવેલું 'સ્વચ્છ ભારત અભિયાન' સફાઈ કામદારોની અવદશામાં ફેરફાર લાવી શક્યું નથી, એ આ ફિલ્મનો હેતુ છે. સરકારની નીતિઓની પોકળતાને આ ફિલ્મ પર્દાફાશ કરે છે. પોતાની સોનાની ચેન વેચી, મિત્રો પાસેથી બીજી આર્થિક મદદ લઇ દિવ્યાભારતીએ આ ફિલ્મ બનાવી છે. હાથથી મળ સાફ કરનારાંઓની વાસ્તવિકતા એ રીતે બતાવી છે કે આ ફિલ્મનાં દૃશ્યો કહેવાતો ઉચ્ચ વર્ગ માંડ જોઈ શકે! જાહેરમાં સફાઈ ચાલતી હોય ત્યારે નાકે આંગળી દાબી ચાલી જતાં નાગરિકોને ગટરમાં ઉતરેલાં માણસની હાલત શી હશે એનો વિચાર આવતો હશે? અહીં એ હકીકત બતાવવામાં આવી છે.
પરંતુ આજે આ ફિલ્મ પર તામિલનાડુમાં પ્રતિબંધ છે. દિવ્યાભારતી અને તેનાં મિત્રોએ યુટ્યુબ પર આ ફિલ્મ અપલોડ કરી ને લાખો લોકોનો પ્રતિસાદ મળ્યો. સાથોસાથ બે હજારથી વધુ બળાત્કાર અને હત્યાની ધમકી મળી! આવા જ ફોન એમના પર આવવા માંડ્યા. હકીકત એ છે કે આ ફિલ્મોમાં એવું કશું જ નથી કે પ્રતિબંધિત કરી શકાય. આનંદ પટવર્ધનની કળાની જેમ અહીં ફિલ્મકાર પોતે કશું જ બોલ્યાં નથી, એક પણ શબ્દ નહીં! માત્ર કેફિયતો, મુલાકાતો, પ્રશ્નોત્તરી અને દૃશ્યોથી આ ફિલ્મ બની છે. એમણે તો માત્ર ગૂમડું ખોલી આપ્યું છે. છતાં, થોડા જ દિવસોમાં દિવ્યાભારતીની ધરપકડ થઈ. સરકાર – પ્રેરિત દલિતોએ 'જાતિગત લાગણી દુભાવતી ફિલ્મ' સામે પ્રદર્શનો કર્યા! તામિલનાડુનાં બાર શહેરોમાંથી દિવ્યાભારતી વિરુદ્ધ એફ.આઇ.આર. થઈ છે.
આ ફિલ્મનો મહત્ત્વનો મુદ્દો એ છે કે ખાનગીકરણ પછી સફાઈ કામદારોની સ્થિતિ વધુ વિકટ બની છે. સરકાર છટકી જાય છે અને કોન્ટ્રાક્ટરો એમની ન્યાયી માગ પૂરી નથી કરતા. સફાઈકામ અકસ્માતોની હારમાળા છે. ફિલ્મમાં ખરાબ એસિડના કારણે બગડેલા હાથથી માંડીને સેપ્ટિક ટેન્કમાં મરેલા માણસોની કથાઓ છે. સફાઈમાં આધુનિક સુવિધાના અભાવે ખુલ્લા હાથે બધું કરવાનું હોવાથી ચામડીના રોગો થાય છે. વસ્તી વધે છે, પણ સફાઈ કામદારો એ માત્રામાં નથી વધતાં! જ્યારે સમાજનો એક વર્ગ મૉર્નિંગ વૉક, યોગા કે લાફિંગ ક્લબમાં જઈ રહ્યો છે, ત્યારે આ સફાઈ કામદારો સવારથી જ મળમૂત્રના ઢગલેઢગલા સાફ કરે છે. બસમાં એમની નજીક કોઈ ન બેસે. નિશાળમાં ભણતાં તેમનાં સંતાનોનાં સહાધ્યાયીઓને તેમનાં મા-બાપના કામની ખબર પડે એટલે તેમની તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે. શહેરની ગટરની અંદર ઉતારતાં માણસોની પશુસમ જિંદગી અહીં દર્શાવી છે. માથે મેલું ઉપાડતાં માણસોની ગુજરાતમાંથી બનેલી ફિલ્મ ‘લેસર હ્યુમન’ કે ‘કોર્ટ’ જેવી ફિલ્મમાં આ સંવેદનાને વાચા મળી છે. અમુક જગ્યાએ પીવાનું પાણી પણ સાથે લઈ જવું પડે. આ કામના મૂળમાં રહેલી જાતિવ્યવસ્થાને પણ ફિલ્મકાર ચીંધે છે. અસ્પૃશ્યતાના નવાં નવાં સ્વરૂપોનો આ સફાઈ કામદારોએ સામનો કરવો પડે છે. સુંદર શહેરમાં તેમનું ઠેકાણું તો ગંદા વસવાટો જ છે. ક્યાંક દીકરા દીકરીને ભણવા હોસ્ટેલમાં મૂક્યા છે તો ત્યાં બદતર સ્થિતિનું ભોજન અને ચાલતાં ભ્રષ્ટાચારની વાતો છે. ગંદકી ઉઠાવવાથી સફાઈ કામદાર બહેનોને થતી તકલીફોનું બયાન છે.
પીડાદાયક દૃશ્યોથી ફિલ્મ ભરચક છે. દિવ્યાભારતી આવાં દૃશ્યો કંડારે છે ત્યારે જ એકાએક કોન્ટ્રાક્ટરો આવી કામદારોને ગ્લોવ્ઝ આપે કે પહેરણ, એ પણ અહીં છે! જે સફાઇ કામદારોએ મુલાકાતો આપી છે એમને પણ નોકરીમાંથી હાંકી કાઢવાની ધમકી મળી છે. કેટલાંકને હાંકી કઢાયા પણ ખરાં. સેપ્ટિક ટેન્કમાં મરી જનારના પરિવારને રૂ. દસ લાખ મળે છે પરંતુ 1993થી 2016 સુધીમાં થયેલાં મૃત્યુ સામે વળતર બહુ ઓછાને મળ્યું છે. મળ્યું છે એમને બેથી ત્રણ લાખ કમિશન આપવું પડ્યું છે. આ માટે જવાબદાર હોટલોવાળાઓને સજા નથી થઈ. કૉર્પોરેશનના વિવાદી માપદંડોની વાત પણ અહીં છે. કામદાર યુનિયનો, સામ્યવાદીઓ, દલિત કાર્યકરોના કામમાં પણ આ સફાઈ કામદાર અગ્રિમતા નથી, એ કહેવાનું આ ફિલ્મ ચૂકતી નથી પર્યાવરણવાદીઓ કે જેમને આ વર્ગ માટે સહાનુભૂતિ હોવી જોઈએ એ લોકો તો આ બાજુ ફરક્યા જ નથી! અહીં ઉનાકાંડ, રાજકોટનું દલિત સંમેલન, સફાઈ કામદારોનાં મોતના પ્રેસ કટિંગ, ન્યુઝ ક્લિપ્સ બધું જ છે. ન્યુઝમાં વપરાતી સંદિગ્ધ ભાષા રેખાંકિત કરાઈ છે. પાંચ વર્ષે એક વાર બૂટ મળે તેવી એબ્સર્ડ યોજનાઓ પણ છે. પેનથી લખે તેને લાખો પગાર મળે, હાથથી મળ ઉપાડે એને દોઢસો-બસો-ત્રણસો રૂપિયા.
ફિલ્મનો અંત તેમની વસતિમાં શેરીનાટક કરવા આવેલા જૂથના એક ગીતથી થાય છે, જેમાં કહેવાયું છે કે કોઈ પશુનું મળ બીજું પશુ ઉપાડતુ નથી, તો માણસોમાં જ આમ કેમ? હે મનુ ભગવાન, એને માનનારાઓ એક વાર તો આવો અને આ મળ ઉઠાવો તો ખબર પડે કે શું વીતે છે? આવી સંવેદનશીલ દસ્તાવેજી ફિલ્મ બનાવનાર દિવ્યાભારતીની ધરપકડનો વ્યાપક વિરોધ થવો જોઈએ અને તમિલનાડુ સરકારે આ ફિલ્મ પર મૂકેલો પ્રતિબંધ તાકીદે હટવો જોઈએ.
e.mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 07-08
https://www.youtube.com/watch?v=-UYWRoHUpkU