વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આફ્રિકાને પોલિયોમુક્ત ઘોષિત કરવામાં આવ્યું, તેનાથી આખી દુનિયા ખુશ છે. પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે હાલ વિચારવાનો સમય છે. કેમ કે હવે આખી દુનિયામાં આ જ બે દેશોનાં બાળકો હજુ પોલિયોથી મુક્ત થયાં નથી અને પોલિયોને કારણે અપંગ બની રહ્યાં છે. આ સંદર્ભમાં વર્ષ ૨૦૧૧માં પોલિયોમુક્ત થયેલા ભારતના અનુભવોમાંથી પાકિસ્તાની નિષ્ણાતો શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ વર્તમાન તનાવપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને કારણે આરોગ્યના મુદ્દે પણ સહયોગની મંજૂરી મળી નથી. બાકી, પાડોશી હોવાના નાતે પોલિયોની બીમારીની બાબત સરહદી વિવાદ બહારની ગણાવી જોઈતી હતી.
૨૭મી માર્ચ ૨૦૧૪ના રોજ વિશ્વ આરોગ્ય સંગઠને ભારતને પોલિયોમુક્ત દેશ જાહેર કર્યો હતો. કેમ કે પાછલાં પાંચ વરસોમાં ત્યાં એક પણ પોલિયોનો કેસ બન્યો નહોતો. આ ક્ષણે મને એ સમય યાદ આવે છે જ્યારે હું વાઘાથી અટારી બોર્ડર સુધી જતી હતી. ત્યારે ત્યાં ભારતમાં પ્રવેશવા માગતા પાકિસ્તાની આગંતુકને પોલિયાનાં ડ્રૉપ્સ પિવડાવવામાં આવતાં હતાં. જ્યારે મેં તેમને મારું પોલિયો સર્ટિફિકેટ બતાવ્યું, જેમાં લખ્યું હતું કે મેં હાલમાં જ પોલિયાનાં ડ્રૉપ્સ લીધાં છે. તો અધિકારીઓએ મારી વાત માની નહીં. અટારી કસ્ટસ્મ એન્ડ ઇમિગ્રેશનના એક અધિકારીએ મને કહ્યું કે ઘણા પાકિસ્તાનીઓ પોલિયોનાં ડ્રૉપ્સ લીધા વિના જ ખોટી રીતે પોલિયામુક્તિનું પ્રમાણપત્ર મેળવી લે છે !
મેં મજાક કરતાં કહ્યું હતું, ‘મને એમ કે તમે હલ્દીરામની મીઠાઈ ચખાડશો, પણ તમે તો મને પોલિયાનાં ટીપાં આપી રહ્યાં છો’. પરંતુ આ જ સાવધાનીને કારણે આજે ભારત પોલિયોમુક્ત દેશ છે. તે ખાસ કરીને પાકિસ્તાનીઓ અને અફઘાનિસ્તાનીઓના મામલામાં કોઈ જોખમ લેવા માંગતા નહોતા અને સીમા પર તેમને પોલિયોના ટીપાં અચૂક પિવડાવતા હતા. ઘણા લોકો પૂછે છે કે જો પાકિસ્તાન છ મહિનામા કોરોનાનો ચેપ અધિકાંશ રીતે અટકાવી શકતું હોય તો તે પોલિયોને કેમ ખતમ કરી શકતું નથી? નોંધનીય છે કે પાકિસ્તાનમાં કોવિડ-૧૯ના કેસ ઘટી રહ્યા છે. હૉસ્પિટલોમાં વેન્ટિલેટરવાળા બેડ ખાલી પડ્યા છે અને દેશના ઘણા ભાગોમાંથી કોવિડ-૧૯ને લગતા એક પણ મરણના સમાચાર આવ્યા નથી.
ત્રીજા વિશ્વના મોટા ભાગના દેશોની જેમ પાકિસ્તાનનું આરોગ્ય તંત્ર ઘણું નબળું છે. પણ જે પાકિસ્તાન કોવિડ-૧૯ના બીજા તબક્કાથી બચવામાં સફળ રહ્યું છે, તે પોલિયોની નાબૂદી નથી કરી શકતું. માનવ અધિકાર આયોગના વર્ષ ૨૦૧૯ના અહેવાલ મુજબ, આરોગ્યસેવા પાછળ પાકિસ્તાન દેશના જી.ડી.પી.ના એક ટકા કરતાં પણ ઓછો ખર્ચ કરે છે, જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ તો જી.ડી.પી.ના છ ટકા આરોગ્યસેવાઓ માટે ખર્ચવાની છે. વર્ષ ૨૦૧૮માં આરોગ્યતંત્રે પોલિયો-નાબૂદી ઝુંબેશ માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. ત્યારે સમગ્ર દેશમાંથી પોલિયાના માત્ર ૧૨ કેસો થયા હતા. પરંતુ વર્ષ ૨૦૧૯માં તે વધીને ૧૪૭ થઈ ગયા અને આ વર્ષે અત્યાર સુધીમાં પોલિયોના ૬૫ કેસ નોંધાયા છે. સૌથી વધુ, ૪૨ કેસો ખૈબર-પખ્તુનવા ઈલાકાના છે.
ઈમરાનખાનની સરકારે સૈન્યનો સાથ લઈને કોવિડ-૧૯ને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પણ સાથે જ સરકારે આ વર્ષે પોલિયો રસીકરણ અભિયાન રદ્દ કર્યું. તેનાથી ચાર કરોડ પાકિસ્તાની બાળકો પોલિયો ડ્રૉપ્સથી વંચિત રહી ગયાં. હાલમાં કરાચી, ક્વેટા અને પેશાવરમાં પોલિયોના વધુ કેસો જોવા મળે છે. કેટલાક કેસો સિંધમાં પણ જોવા મળ્યા છે. પોલિયોનાબૂદીની રણનીતિ, તેની વ્યૂહરચનાની પ્રાથમિકતાઓ, કામનાં મુખ્ય ક્ષેત્રો, નવાચાર, સંશોધનો અને સુધારા જેવી બાબતોને ‘ધ નેશનલ ઇમરજન્સી એક્શનન પ્લાન’ નામક વાર્ષિક દસ્તાવેજમાં રેખાંકિત કરવામાં આવે છે. આ અહેવાલ પોલિયોનાબૂદી કાર્યક્રમ સામેના પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. નેશનલ ઇમરજન્સી એકશન પ્લાન-૨૦૨૦ પ્રમાણે, પોલિયોનાબૂદી કાર્યક્રમ પાકિસ્તાનમાં બધા જ પોલિયો વાઇરસના ફેલાવાને રોકવા માટે પ્રતિબદ્ધ છે. રોજ સેંકડો અફઘાની નાગરિકો બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતમાંથી પાકિસ્તાનમાં આવે છે, જેમાંનાં મોટા ભાગનાં બાળકોનું પોલિયો રસીકરણ થયેલું નથી. તે સામાન્ય રીતે પેશાવર, ક્વેટા અને કરાચીમાં આવે છે. આ જ શહેરોમાં પોલિયોના અધિક કેસો નોંધાયા છે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બને પોલિયો રસીકરણ અભિયાન સાથે મળીને યોજવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સમર્પિત સ્વંયસેવકોની કોઈ કમી નથી. પુરુષ અને મહિલા એમ બંને આરોગ્ય કાર્યકરો આખા પાકિસ્તાનમાં બાળકોને પોલિયોના ટીપાં પિવડાવવા ઘરેઘરે જાય છે. બાળકોને પોલિયોના ટીપાં પિવડાવવા જતાં ઘૂંટણસમા બરફમાં ડૂબેલી મહિલાઓની તસવીરો અખબારોમાં છપાયેલી જોવા મળે છે. જનતા તેમને સાચા હીરો ગણે છે, જે પ્રતિકૂળ મોસમમાં પણ કામ કરે છે.
પરંતુ દુ:ખની વાત છે કે ખૈબર પખ્તુનવા જેવા અશિક્ષિત ઈલાકાઓમાં પોલિયોના ડ્રૉપ્સ વિરુદ્ધનો અપપ્રચાર ઘણાં વરસોથી ચાલે છે. અભણ મૌલવીઓ અને અન્ય લોકોએ ફતવા જારી કર્યા છે. જેમાં કહેવાયું છે કે પોલિયાના ટીપાં પશ્ચિમના દેશોનું આપણા બાળકોને નપુસંક બનાવવાનું કાવતરું છે. કેટલાક વિસ્તારોમાં તાલિબાનો એવો પણ પ્રચાર કરે છે કે આ અમેરિકાનું ષડયંત્ર છે અને અલ્લાહની મરજી વિરુદ્ધ છે. પોલિયોના ટીપાં આપવા ઘરેઘરે જતાં આરોગ્યકર્મીઓની હત્યાઓ કરવામાં આવી છે. એટલે હવે તેમની સાથે પોલીસ મોકલવી પડે છે. કેટલાંક પોલિયો કાર્યકરોનાં અપહરણ પણ થયાં છે. આ પ્રકારની મૂર્ખતા સામે લડવું મુશ્કેલ છે. કેમ કે સ્થાનિક તાલિબાનોએ ઘણા આરોગ્યકર્મીઓ અને વિશેષજ્ઞોને મારી નાખ્યા છે. આમ, પાકિસ્તાનની લડાઈ માત્ર કોવિડ-૧૯ અને પોલિયો સામે જ નથી, બલકે તેની સૌથી મોટી લડાઈ તો કટ્ટરપંથીઓની મૂર્ખતા અને નિરક્ષરતા સામે પણ છે, જે પાકિસ્તાનને પોલિયોથી મુક્ત થવા દેતાં નથી.
સૌજન્યઃ ‘અમર ઉજાલા’, અનુવાદઃ ચંદુ મહેરિયા
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 05-06