કૉમેડી આમ પણ શું ખોટું થઇ રહ્યું છે તેની પર જ ધ્યાન દોરવાનું કામ કરે છે અને મીમ્સ આ ઉત્સુકતા જગાડવા માટે શ્રેષ્ઠ હથિયાર છે. મીમ્સની સફળતાનું કારણ છે તેના કોમ્યુનિકેશનમાં રહેલી સાદગી
તમને ખબર પડી ખરી કે આખરે રસોડામાં કોણ હતું? કોણે જઇને કૂકરમાંથી ચણા કાઢી નાખ્યા હતા અને બિનોદનો આ આખી ય ઘટનામાં કોઇ હાથ હતો કે નહીં?
તમારામાંથી જેટલા પણ ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટરના વ્યસની હશે તેમને આ કોમેન્ટ ચોક્કસ ખબર પડશે, બાકીના લોકોને થશે કે આ કંઇ વેતા વગરની વાત થઇ રહી છે. સાથ નિભાના સાથિયા સિરિયલ જે ત્રણ વર્ષ પહેલાં જ બંધ થઇ છે તેનો એક ગંભીર સીન યશરાજ મુખાટે નામના એક મ્યુઝિક કંપોઝરે તદ્દન રમૂજી સંગીત સાથે રિ-ક્રિએટ કર્યો અને લોકોએ યે રાશી, રસોડે મેં કૌન થા અને ખાલી કૂકર ગેસ પે કિસને ચઢાયાના સવાલ પર મીમ્સનો વરસાદ કરી દીધો. આ ટ્રેન્ડ તો એટલો ચાલ્યો કે પ્રાઇમ ટાઇની ન્યૂઝ ડિબેટમાં સંબિત પાત્રાએ કૉન્ગ્રેસની વાત કરવા માટે રસોડે મેં કૌન થાનો સવાલ કર્યો અને એમ કહી દીધું કે રાહુલ ગાંધી જ રાશી છે જેણે ખાલી કૂકર ગેસ પર ચઢાવી દીધું. હવે તમે કલ્પી શકો છો કો કોઇ પણ બાબત ટ્રેન્ડ થાય અને ખાસ કરીને તેના મીમ્સ બને ત્યારે તેની પહોંચ કેટલી હોય છે.
આ પહેલાં એક ટ્રેન્ડ શરૂ થયો હતો અને એ હતો બિનોદ. જે જુએ એ કોઇપણ બાબતે બસ કહી દે કે બિનોદ અને આ બિનોદનાં નામે ય બહુ મીમ્સ બન્યા. તમને પણ થતું હશે કે આ માળું બિનોદ છે શું? તો આ છે એનો જવાબ. સ્લાય પોઇન્ટ નામની એક યુ ટ્યૂબ ચેનલને કારણે આ બિનોદ શબ્દ પ્રચલિત થયો છે. આ વીડિયો બનાવે છે અભ્યુદય અને ગૌતમી અને તેમણે યુ ટ્યૂબ વીડિયોઝના કોમેન્ટ સેક્શનમાં કેવી કેવી કોમેન્ટ આવે છે તે શોધવાનું નક્કી કર્યું અને તેની પર એક વીડિયો બનાવ્યો. આ વીડિયોનું નામ હતું, “વ્હાય ઇન્ડિયન કોમેન્ટ સેક્શન ઇઝ અ ગાર્બેજ (BINOD)”.
આ વીડિયો 15 જુલાઇએ શેર થયો અને તેમણે પોતાના સબસ્ક્રાઇબર્સને પોતે રિસીવ કરેલી કેટલીક વિચિત્ર અને અર્થહિન કોમેન્ટ્સ પોતાના વીડિયોમાં બતાડી. આમાંનો એક યુઝર હતો બિનોદ થરૂ જેણે સ્લાય પોઇન્ટના બધાં જ યુ ટ્યૂબ વીડિયોઝનના કોમેન્ટ સેક્શનમાં પોતાના નામ એટલે કે બિનોદ સિવાય કંઇ જ નહોતું લખ્યું. આ વીડિયો જેવો ઓનલાઇ આવ્યો જલદી જ કોમેન્ટ સેક્શનમાં એક જ શબ્દ લખાયો અને તે હતો બિનોદ, અને બિનોદ લખેલી અઢળક કોમેન્ટ્સ ચાલવા માંડી. આ ટ્રેન્ડ જલદી જ ટ્વિટર પર પૉપ્યુલર થઇ ગયો મીમ મેકર્સે પણ ક્રિએટિવીટીને મામલે માઝા મૂકી. જ્યારે અનુષ્કા અને વિરાટે પોતાના પ્રેગનેન્સી અને પેરન્ટ બનવાની જાહેરાત કરી ત્યાં તો તૈમુર અલી ખાનને હવે પૂરતું અટેન્શન નહીં મળે એવા જૉક્સ પર મીમ્સ બનવા માંડ્યા. આમ તો લૉકડાઉનમાં આત્મનિર્ભરતાથી માંડીને દારુ મળતો થયો અને મોર ચણવા માટે ‘સાહેબ’ને ઘરે પહોંચી ગયો અને યુ.એસ. વાઇસ પ્રેસિડન્ટશીપ માટે ચૂંટણી લડનાર કમલા હેરિસનાં દેશીપણાં પર પણ મીમ્સ બન્યાં અને બહુ જ ટ્રેન્ડ થયા.
આમ જોવા જઇએ તો મીમ્સ મૂળ તો સાવ પાયા વગરનાં જૉક્સ હોય છે પણ લોકો મીમ્સ શૅર કરવાનું ચૂકતા નથી અને મીમ મેકર્સને હવે કોર્પોરેટ્સ સુદ્ધાં ગંભીરતાથી લે છે.
મીમ્સનો ઇતિહાસ રસપ્રદ છે. મીમ શબ્દ સૌથી પહેલીવાર બ્રિટિશ ઇવોલ્યુશનરી બાયોલૉજિસ્ટ રિચાર્ડ ડૉકિન્સનાં પુસ્તક ‘ધી સેલફિશ જીન’માં વપરાયો હતો, તેણે મીમની વ્યાખ્યા કંઇક આવી કરી છે, ‘એવું બિહેવિયર કે આઇડિયા જે એક ચોક્કસ કલ્ચરમાં એક માણસથી બીજા માણસ સુધી ઝડપથી પહોંચી જાય. ઇન્ટરનેટ પર વાઇરલ થતી ચીજો આ જ છે, મીમ એટલે કે જેમાં કોઇ વિઝ્યુઅલ હોય અને તેની પર કાળા કે સફેદ રંગના ફોન્ટમાં કંઇ લખ્યું હોય.’ મીમ્સને ડૉકિન્સ ક્રાઇપ્ટોનો મિરર માને છે કારણ કે મીમ્સનો જન્મ પણ ઇન્ટરનેટ પર જ થયો છે અને તે હાંસિયા પરથી મેઇનસ્ટ્રીમ બની ચૂક્યા છે. આમ પણ કોઇ પણ બાબત પ્રત્યે ધ્યાન દોરવું હોય તો કંઇક અલગ હોવું જરૂરી છે અને મીમ્સ એ જ સ્પેસમાં ફિટ થાય છે. કૉમેડી આમ પણ શું ખોટું થઇ રહ્યું છે તેની પર જ ધ્યાન દોરવાનું કામ કરે છે અને મીમ્સ આ ઉત્સુકતા જગાડવા માટે શ્રેષ્ઠ હથિયાર છે. મીમ્સની સફળતાનું કારણ છે તેના કોમ્યુનિકેશનમાં રહેલી સાદગી, સરળતા અને માટે જે મીમ પર કાશ્મીરમાં કોઇ ખડખડાટ હસી શકે છે તેની પર કન્યાકુમારી પણ કોઇ હસી પડશે તો કૅનેડામાં બેઠેલી વ્યક્તિ પણ એ મીમ સાથે કનેક્ટ થઇ જ શકે છે.
અંગ્રેજીમાં MEME લખાતો શબ્દ મૂળ ગ્રીક શબ્દ MIMEME – મેમીમ પરથી અવતર્યો છે. મીમ્સને કલ્ચરલ શોર્ટહેન્ડ કહેવાય છે. કોઇ પણ દાવો કરી શકે એમ નથી કે તે મીમ્સને પૂરેપૂરાં સમજે છે કારણ કે માણસ જાણે છે તેના કરતાં વધારે મીમ્સ ઇન્ટરનેટની દુનિયામાં જન્મ્યા છે, ફરી રહ્યા છે. ચિત્ર અને મર્યાદિત શબ્દોથી ટૂંકમાં અને ટૂંકા સમયમાં વધારે માહિતી પહોંચતી કરી શકે એ મીમની શૈલી અને હેતુ છે અને હવે આ ટ્રેન્ડને એટલો ગંભીરતાથી લેવાઇ રહ્યો છે કે કોર્પોરેટ્સ પોતાની પ્રોડક્ટ્સને પુશ કરવા માટે મીમ મેકર્સ હાયર કરવાનું પણ શરૂ કરી ચૂક્યા છે.
બાય ધી વેઃ
જો તમે આ વાંચીને ‘યે રાશી થી’, ‘મૈં થી, તુમ થી …’ જેવી લાઇન્સ તમારા મગજમાં ગુંજવા નથી માંડી તો તમારું મીમ મિટર સ્લો છે. તમે આ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં તો કદાચ રિયા ચક્રવર્તીએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુના મીમ્સ બની ગયા હશે અને રાશી તથા બિનોદે પરણી જવું જોઇએ એવા મીમ્સ પણ ફરવા માંડ્યા હશે. મીમ્સ ૨૦૨૦ એક તદ્દન બુંદિયાળ વર્ષ પર બન્યા છે તો રામાયણ અને મહાભારતના રિ-ટેલિકાસ્ટ વખતે પણ બન્યા છે. કોઇ એક વિષય પર મીમ્સ બનવા માંડે પછી સોશ્યલ મીડિયા મીમ ફેસ્ટ થયો એવી ટર્મ જ યૂઝ થાય છે. મીમ્સ જૉક્સ તો ચોક્કસ છે જ પણ એ સર્જનાત્મકતાના ઝડપી પરિણામનું બેરોમિટર પણ છે અને ટાઇમ ઑફ નોનસેન્સ જેવી ટર્મમાં ફિટ થતી બાબત હોવા છતાં ય તેમાં રહેલો કટાક્ષ અને રમૂજ તો મેટર કરે જ છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઑગસ્ટ 2020