Opinion Magazine
Number of visits: 9448780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્યની સાથેસાથે સમૂહ માધ્યમોની સૃષ્ટિને શોભાવતા સર્જક : ડૉ. ચિનુ મોદી

અશોક ચાવડા|Opinion - Literature|20 January 2014

ગીત-ગઝલ-અછાંદસ-સૉનેટ-આખ્યાન જેવાં પદ્ય સ્વરૂપોની સાથેસાથે વાર્તા-નવલકથા-નાટક-સ્ક્રીપ્ટલેખન જેવા ગદ્ય સ્વરૂપોમાં રમમાણ રહેતા ડૉ. ચિનુ મોદી 'ઇર્શાદ'ને એક સર્વાંગી સાહિત્યકાર રૂપે સહુ કોઈ સુપેરે જાણે છે. આ બહુમુખી પ્રતિભાએ પોતાની કલમને માત્ર સાહિત્યની શતરંજના ચોકઠામાં જ કેદ નથી કરી રાખી, પરંતુ સમયાંતરે કૉપિ, કૉલમ જેવા સ્વરૂપોમાં પણ ઝબોળી રાખીને સમૂહ માધ્યમોની અનેક સૃષ્ટિમાં તેના થકી રંગોભર્યા છે. સાહિત્યકાર તરીકે આગવું નામ-કામ-દમામ ધરાવતા ડૉ. ચિનુ મોદી કૉપિરાઇટર તરીકે પણ સફળ રહ્યા છે. તેમના અનેક જિંગલ, સ્પોટ આજે પણ લોકજીભે છે. તો આવો, ડૉ. ચિનુ મોદીની સાહિત્ય સિવાયની એક અનોખી માધ્યમ સૃષ્ટિમાં લટાર વિશે એક આછેરો ખયાલ મેળવવા તેમની સાથે કરેલો એક વિશિષ્ટ વાર્તાલાપ માણીએ.

– ડૉ. અશોક ચાવડા

* * *

અશોક ચાવડા :     તમે સાહિત્ય ક્ષેત્ર સાથેસાથે સમૂહ માધ્યમોનાં વિશ્વમાં કેવી રીતે પ્રવેશ્યા?

ચિનુ મોદી    :      સાહિત્યના સર્જકે સમૂહ માધ્યમો સાથે સંબંધ રાખવો અનિવાર્ય નથી. જો હું માત્ર કવિ હોત તો સમૂહ માધ્યમ સાથે મારે કોઈ લેવાદેવા ના હોત, પણ કવિતામાં એક ગઝલ મારે મન વાચિક સાથે સંબંધિત છે અને નાટકમાં વાચિક, આંગિક, આહાર્ય અને સાત્ત્વિકને અભિનયના પ્રકાર ગણ્યા છે. ગઝલને સંગીત સાથે પણ લેવાદેવા છે અને આજદિન સુધી કોઈએ પોતાના માટે ગાયું હોય તેવું બન્યું નથી. મારા સદ્દભાગ્યે કે દુર્ભાગ્યે ડૉ. મીનુ કાપડિયાને મળવાનું થયું. એમણે ‘રેમઠ’ના બધા સર્જકો પાસે નાટકની દીક્ષા લેવડાવી, પણ મારું યજ્ઞોપવિત તો કૈલાસ પંડિત દ્વારા જ થયું. નવલશા હીરજી લખવા માટે મને એમણે નિમંત્રણ આપ્યું અને સતત દેખરેખ હેઠળ મારી પાસે નાટક લખાવ્યું અને એ એમણે એવું તો ભજવ્યું કે આઇ.એન.ટી. સામે હરીફાઈમાં પહેલું આવ્યું. ઇડરમાં સેમી ફાઇનલ હતી ત્યારે આખેઆખું નાટક ફરી ભજવવા માટે પ્રેક્ષકોએ હો … હા કરી મૂકી. નવલશા જોવા માટે રસિક પ્રેક્ષકો તૈયાર હતા અને કવિ ચિનુ મોદી કવિમાંથી નાટકકાર થવા માટે હરણફાળ ભરી રહ્યા હતા. આટલું પૂરતું નહોતું કે એક વાર ઇસરોના વી. એન. રૈના અને હસમુખ બારાડી હું અધ્યાપક તરીકે ભણાવતો હતો તે સ્વામીનારાયણ કૉલેજ પર આવ્યા અને તે બંનેના આગ્રહથી ઇસરોના પીજના ટીવી માટે સ્ક્રીપ્ટ-રાઇટર તરીકે ગયો. અધ્યાપક મટી ગયો. ગુજરાતમાં પહેલી સો ભાગની શ્રેણી 'નારાયણ નારાયણ' મેં જ લખેલી. ઇસરો દરમિયાન જ પ્રાણસુખ નાયક, કૈલાસ પંડ્યા અને દામિની મહેતા સાથે રહીને વી.એન. રૈનાએ મારી પાસે ૨૩ ભવાઈના વેશો લખાવેલા. પ્રાણસુખ નાયક જ્યારે ગુજરી ગયાત્યારે દૂરદર્શને 'મિથ્યાભિમાન' નહીં મારો 'બાપુનો વેશ' રંગલીલામાંથી રજૂ કરેલો. ધાર્મિકલાલ પંડ્યા સાથે નવાં આખ્યાન મારી પાસે હસમુખ બારાડીએ લખાવ્યાં.એ શ્રેણી પણ મને આખ્યાન સ્વરૂપ સાથે જોડવા માટે પણ પર્યાપ્ત રહી. હું ગુજરાત વિદ્યાપીઠ સામે મૈસૂર કાફેમાં 'ઇર્શાદ' થયા પછી બેસતો થયો ત્યારે હરીશ કકવાણી, રમેશ ભટ્ટ અને ચંદ્રસેન નાવાણી રેડિયો નાટક લખાવવા મારી  પાસે આવ્યા અને અમદાવાદ રેડિયો પરથી કોઈ એક નાટ્યકારનાં ત્રણ નાટકો નેશનલ ડ્રામા થયાં હોય તે ચિનુ મોદીનાં થયાં. એક કલાકના નાટકની આકાશવાણી નાટકની હરીફાઈમાં બે વખત પ્રથમ પારિતોષિક મને મળ્યાં. એટલે રેડિયો સાથે પણ ઘરવટના સંબંધો થયા. ૧૯૬૫માં શ્રી જયંતકુમાર પાઠક માંદા પડતા “ગુજરાત સમાચાર”ની 'શ્રીરંગ'ડાઇજેસ્ટના સંપાદક તરીકે જોડાવાનું થયું. એ કામ પાર્ટ ટાઇમ હતું, પણ “ગુજરાત સમાચાર”માં મારી કેબિન જુદી હતી. ત્યાં હતો તે દરમિયાન બપોરના દૈનિકમાં હાસ્યની કૉલમ અને સ્ત્રીઓનાં  સાપ્તાહિક “સ્ત્રી”માં પત્રોની કૉલમ મારી ચાલતી હતી.

“ગુજરાતસમાચાર”માં'હિંચકે બેઠા' કૉલમ માત્ર ચાર હપ્તા ચાલી, પણ હું ભણતો હતો ત્યારથી પહેલાં “સંદેશ”માં, પછી “જનસત્તા”માં હું કૉલમ તો લખતો હતો, પછી તો અમદાવાદથી સુરત, મુંબઈ જાતભાતના દૈનિકોમાં લખવાનું થયું. 'આકંઠ સાબરમતી'ના કારણે નાટકના દિગ્દર્શન કરવાનું પણ લમણે લખાયું. અને આદિલનું 'જડબેસલાક રામજાંબુ' એ નાટક મેં મારી રીતે ભજવ્યું અને એ નાટકને અનેક પારિતોષિકો મળ્યાં અને મને 'ઇર્શાદ' નામ પણ મળ્યું. કારણ કે તે નાટકની હિરોઈનને લીધે જ ચિનુ મોદીએ ઇર્શાદ અહેમદ ઇર્શાદ થયા. એ પછી સાહિત્ય પરિષદ અને હઠીસિંગ વિઝ્યિુઅલ આર્ટ સેન્ટર માટે ઘણા બધા  એકાંકી કર્યા. ત્રિઅંકી કર્યાં. 'પુવર થીએટર'ની પ્રસ્તુિત દસ દસ હજાર પ્રેક્ષકોના ગળે ઊતરી. આ બધું  ઓછું હતું તે એમ. એસ. યુનિવર્સિટીએ ફેક્લટી ઑફ જર્નાલિઝમ શરૂ કરાવવા માટે મને અમદાવાદથી બરોડા નિમંત્રિત કર્યો. પણ ૧૯૭૭થી નોકરી છોડી દીધા પછી વિજ્ઞાપન ક્ષેત્રે મેં ફ્રીલાન્સર તરીકે કૉપિ રાઇટિંગ શરૂ કરેલું અને એટલે વડોદરાની પૂર્ણ સમયની નોકરી મેં ના સ્વીકારી. આથી મને ઓફિસિએટિંગ ડીન બનાવવામાં આવ્યો. ફરી પગારનો સ્વાદ દાંતે વળગ્યો અને ઇ.સ. ૧૯૯૪માં બહુ બહુ વર્ષે હું પુનઃ ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં રીડર થયો અને ૨૦૦૧માં હું નિવૃત્ત થયો. દોડવીર જેમ સીમારેખા પાર કર્યા પછી પણ થોડું દોડે એમ નિવૃત્તિ પછી થોડો વખત મેં “સમભાવ”માં નોકરી કરી અને 'સેતુ' નામની એક પૂર્તિ પહેલી વાર ડિઝાઈન કરી જેમાં અશોક, તેં પણ કામ કરેલું. આમ, આ જગતનાં તમામ સમૂહમાધ્યમ સાથે મારે ગઠબંધન થયું. પણ આજે મને કોઈ પૂછે કે પહેલો પ્રેમ શું? તો મારો જવાબ એક જ – કવિતા.

અશોક ચાવડા :     સમૂહ માધ્યમોમાં રત રહ્યા બાદ તમે અનેક કૉલમો પણ લખી છે તો આવા લેખન વખતે ક્યારેક સાહિત્યકાર હોવું આશીર્વાદરૂપ બને કે અભિશાપ? એ વારેવારે વચ્ચે આવે ખરો …?

ચિનુ મોદી    :      અશોક, કેટલીક કૉલમો જો બંધ થઈ હોય તો આપણા સારા અધ્યાપકોની સાહિત્યિક સંજ્ઞાઓવાળી ભાષાઓને કારણે બંધ થઈ છે. હું કેવળ કૉલમ-લેખક નથી; હું તેને ભણાવું પણ છું. સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેનો ભેદ મેં માત્ર વિદ્યાર્થીઓને નથી કરાવ્યો, એ શિસ્ત મેં પણ સ્વીકારી છે. એટલે એક પણ કૉલમનું મેં પુસ્તક કર્યું નથી અને એ જ રીતે એક પણ ટીવી શ્રેણીનું મેં પુસ્તક કર્યું નથી. હું માનું છું કે છાપામાં લખાતી કૉલમ સાંજ પડે વાસી થઈ જવી જોઈએ. બીજી શરત એ છે કે ઓછું ભણેલા લોકોને વાંચવી, ભાષાગત રીતે, અઘરી ના લાગે તે રીતે લખવી જોઈએ. હું ગાંધીજીને કવિતા માટે આદર્શ નથી ગણતો પણ કૉલમ માટે તો અચૂક કહું કે કોશિયો સમજે એ ભાષા કૉલમની હોવી જોઈએ. “સંદેશ”માં 'રચનાનો રસ્તો', “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા”ની ગુજરાતી આવૃત્તિમાં 'રચનાનો રસ્તો' અને આજે “ગુજરાત ગાર્ડિયન”માં પણ 'રચનાનો રસ્તો' કવિતાના ભાવન માટે સમૂહને સમજાય એવી કૉલમો લખું છું. મેં માત્ર દૈનિકોમાં નથી લખ્યું, સાપ્તિહિકોમાં પણ હાસ્યની કૉલમ લખી છે. એક સમયે ઇંગ્લેન્ડના “ગુજરાત સમાચાર”માં અને આજે અમેરિકાના “ગુજરાત ટાઇમ્સ”માં “સંદેશ” પછી 'નટવરધ નિર્દોષ' છપાય જ છે.

અશોક ચાવડા :     તમે એક સફળ કવિ જ નહીં, સફળ કૉપિ-રાઇટર પણ રહ્યા છો તો આ કળા વિશે થોડું જણાવશો?

ચિનુ મોદી    :      રાઇટર શબ્દ એ લિટરેચર અને કૉપિ બંનેમાં કોમન છે, પરંતુ કળા અને કારીગરી વચ્ચે ભેદ છે. કવિતા હું કોઈના કહેવાથી લખતો નથી અને જાહેરાત કોઈના કહ્યા વિના લખતો નથી. લેખનકળાની તમામે તમામ આવડતો વગર કૉપિરાઇટર ના થઈ શકાય.જે ટુલ્સ લઈને સર્જક સાહિત્યનું સર્જન કરે છે એ જ ટુલ્સ કૉપિ રાઇટરને પણ ખપ લાગે છે, પણ મૂળગત એક જ ભેદ છે. કવિતા નિરુદ્દેશે છે જ્યારે વિજ્ઞાપનનું લખાણ સઉદ્દેશ છે.

જિંગલ લખવા માટે કૉપરાઇટરનું કવિ હોવું બહુ આવશ્યક છે કારણ કે તેમાં લય, પ્રાસ અને લાઘવ તેમ જ શબ્દમાંનાં સંગીતનું કાનને ખબર પડવું કામ આવે છે. કવિતા જેમ કાનની કળા છે તેમ જિંગલ પણ કાનની કળા છે.

સ્પોટ લખવા માટે તમે નાટ્યકાર હોવ એ અનિવાર્ય ભલે ના હોય પણ સ્માર્ટ સંવાદ લેખક તરીકેનું તમારું ગજું હોવું જોઈએ. એટલે હું વર્ગમાં કહેતો હોઉં છું કે વિજ્ઞાપન એ સહુ કળાનો કસબપૂર્વક ઉપયોગ કર છે. એ લલિતેતર કળા છે, લલિત કળા નહીં.

અશોક ચાવડા : સમૂહ માધ્યમોમાં સાહિત્યિક સૂઝનો કેવી રીતે ઉપયોગ કર્યો?

ચિનુ મોદી    : કવિ હોવાને કારણે મારી વાણી શુદ્ધ લયાત્મક રહે. ચપોચપ પ્રાસ બેસે અને એ કારણે મારાં જિંગલ પોપ્લ્યુર થાય. મારી નાટકની કળા મને સ્પોટ લખતા કામ આવી. 'મહારાજ ઇન્દ્રનો જય હો' એ નાટક નથી તો શું છે? પણ એક વાત નક્કી કે મેં મારામાં વોટર ટાઇટ ક્મ્પાર્ટમેન્ટ રાખ્યા છે. મારામાંનો ગઝલકાર સૉનેટમાં ન નડે; ગીતોમાં ગોત્યો ન જડે; અછાંદસમાં આડો ના આવે એમ મારા કોઈ પણ વિજ્ઞાપનમાં કવિ વચ્ચે ના આવે. જે કંઈ પાપી પેટને કારણે લખવાનું થયું હોય તેને મેં ગ્રથસ્થ કર્યું નથી. સાહિત્ય એ કાયમી આનંદ આપનાર છે, સ્થાયી આનંદ આપનાર છે. જ્યારે વિજ્ઞાપનની કારીગરી એ નિરુદેશે નથી હોતી અને અધિકારી ભાવકો માટે નથી હોતી. એ દીવાન-એ-આમ માટે છે, સાહિત્ય એ દીવાન-એ-ખાસ માટે છે, પણ નાટક નહીં.

અશોક ચાવડા : તમે કવિતાની સાથેસાથે અનેક કૉપિમેટર જાહેરાતો માટે લખ્યા છે તેમાં કવિ હોવું કેટલે અંશે ઉપકારક રહ્યું?

ચિનુ મોદી    : મારા પૂર્વજોમાં સી. સી. મહેતા 'વાતવાતમાં જામે રંગ, કોકોકોલા હોય જો સંગ' લખીને જ ગયેલા. દીપકલા સાડી સેન્ટરની પ્રિયકાંત મણિયારે પણ જાહેરાત લખેલી. આદિલ મન્સૂરી અને મધુ રાય મારા સમકાલીન હતા અને રાજેશ વ્યાસ મારા અનુજ. વળી, અશોક તેં પણ થોડો સમય કૉપિ લખવાનો સ્વાદ ચાખ્યો જ છે.

અશોક, સાડીઓવાળાને કવિતાના રવાડે મેં જ ચડાવેલા અને મનુ ખોખાણીને મેં આખા ફિલ્ડમાંથી દૂર કર્યા. મારો ભવ્ય વિજય તો દીપકલા સિલ્ક પેલેસ આશ્રમ રોડ પર આવ્યું ત્યારે આખા પેજની જાહેરખબર આવી અને વી. રામાનુજે મહેલુનું ડ્રોઈંગ કરેલું. ત્યારે મેં લખેલું :

'થોભો, સાડીઓમાં થોભો, આશ્રમરોડનો મોભો – દીપકલા સિલ્ક પેલેસ'.

જૈન સિલ્વર પેલેસને 'દાગીનાનો દેશ' કહેલો તો આસોપાલવ માટે હોર્ડિંગ કર્યું નહેરુબ્રિજ પર જેમાં લખાયું :

                             'સુંદરતાના શબ્દકોશમાં પહેલા પહેલા આવે,  
                             अ
                             आ
                             आસોપાलવ …'

તો વિશાલામાં શરદપૂર્ણિમા ઉજવવા આવો તે માટેની જાહેરાતમાં કૉપિમેટર આવું હતું :

                        'ચાંદની
                        પગમાં ઝાંઝર બાંધે છે
                        લાગી શરત?
                        તો આવો તરત :
                        વિશાલા'.

એ જ રીતે રજવાડુંને માત્ર નામ ન આપ્યું પણ 'કર્ણાવતની કસબો' કહ્યો. હર્ષદ પટેલની હોટલનું નામ પણ 'અતિથિ' મેં જ આપ્યું. તો પરમાનંદે 'પાનસિકુરા' નામ મારી પાસે પડાવ્યું. અને દિલીપની 'ગોપીની' પ્રારંભિક જાહેરાત પણ મેં જ લખી.

માત્ર છાપાંની જાહેરાત નહીં, રેડિયાના જિંગલ બેશુમાર લખ્યાં અને રેકોર્ડ કર્યાં. કેટલાક સ્પોટ હજી પણ બદલી શકાયા નથી એવું જ જિંગલોનું છે.

કાલુપુર બેંક માટે મેં લખેલું :

                             'પટારામાં પડેલું નાણું સચવાય પણ વધે નહીં.
                        નાણાં સાચવવા અને વધારવા કાલુપુર બેંકમાં આવો.'

આ કૉપિ મેટર ઉપરથી કાલુપુર બેંકની મુખ્ય શાખાના કાઉન્ટર પટારાની ડિઝાઇનના બનાવવામાં આવ્યાં. એ વખતે ઘેર ઘેર બોલાતું મારું સ્પોટ હતું : 'પૃથ્વીલોકના શા સમાચાર છે, ઉર્વશી?' અને એ દ્વારા મેં કામધેનુ બચત યોજનાને પ્રજા સુધી પહોંચાડી.

ગાય છાપ બેસનની રેડિયો જાહેરાતે મને  RAPA ઍવોર્ડ અપાવ્યો. મેં કંઈ કર્યું નહોતું માત્ર એક લોકગીતનો ઉપયોગ કર્યો હતો :

           'ઝીણું દળું તો ઊડી ઊડી જાય; જાડું દળું તો કોઈ નહીં ખાય; માટે ગાય છાપ બેસન'

અને એ જ રીતે મારુતિ કપાસિયા તેલનું હિંદી જિંગલ :

            'આજ કા ખાના બઢિયા ખાના. બઢિયા ખાના કૈસે બનાયા? મારુતિ … મારુતિ તેલ.'

અંતકડીની રમતમાં છોકરાઓને આ ગાતા મેં સાંભળેલા અને મેં કૉલર ટાઇટ કરેલા. એમાં અમીન શયાનીનો અવાજ લીધેલો. ત્રણ ત્રણ વાર RAPA ઍવોર્ડ કરતાં પણ વધારે આનંદ ગુજરાત યુનિવર્સિટીના, હીરામણિ, સાહિત્ય પરિષદ, એમ. એસ. યુનિવર્સિટી, અને ગૂજરાત વિદ્યાપીઠના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં ભણાવાનું મળ્યું અને હજી પણ હું ભણાવવાનો છું એ મારે માટે રોમાંચ છે. મારી દાદીમા કહેતા આપણે જે જાણીએ છીએ એ બીજાને ના જણાવીએ તો મગરનો અવતાર થાય.હું જાણું છું કે મારે આવતા જન્મે મગર તો નથી જ થવાનું.

અશોક ચાવડા :     તમે અંગૂર, રે, શ્રીરંગ જેવાં સામયિકોનું સંપાદન પણ કરેલું તો એક સંપાદક તરીકેનો તમારો અનુભવ કેવો રહ્યો?

ચિનુ મોદી    :      ઇ.સ.૧૯૫૮માં મારા ઉપર એક પત્ર આવ્યો. તંત્રીશ્રી, સંસ્કૃિત, અમાદવાદ-૭. તે વખતે હું ઉમાશંકર જોશી પાસે ભણતો. એ વખતે તંત્રી તો તે જ હતા. મેં એમને કાગળ આપ્યો. કાગળ જોઈ તેમણે કહ્યું કે તમારી પાસે આ પત્ર ક્યાંથી આવ્યો? અને મેં ખરજના અવાજે કહ્યું કે હું પણ એક સામયિક ચલાવું છું. મને ખબર હતી કે આ વિચક્ષણ કવિ પ્રમાણ માંગશે એટલે મેં 'અંગૂર' અનિયતકાલીન મનહર દિલદાર  સાથે કાઢેલું તે બતાવ્યું. તેમાં મકરંદ દવેની ગઝલ મુખપૃષ્ઠ પર જોઈ તે રાજી થયેલા અને સંપાદકના નામ વાંચી મારી સામે ઝીણી નજરે જોયું. તે મનહર દિલદારને તો ઓળખતા હતા પણ બીજું નામ હતું – ગરલ વિજાપુરી. અને મેં સસંકોચ કહ્યું કે ગરલ વિજાપુરી મારું તખલ્લુસ છે.

રેમઠ શરૂ થયું અને 'રે' નો પહેલો અંક આદિલે ડિઝાઇન કર્યો. રાવજીનું કાવ્ય પહેલી વાર સારા સામયિકમાં પહેલું છપાયું. દોઢ ડાહ્યા આનું આ દોઢ માસિક. રેનો તંત્રી-પ્રકાશક હું. ૧૬, જિતેન્દ્ર પાર્કથી એ પ્રગટ થાય. હું ૧૯૬૩-૬૪ માં કપડવણજ હતો અને જે સામયિક ૧૬, જિતેન્દ્ર પાર્કથી પ્રગટ થતું એ રેના પહેલા પાના પર એવી લાઇન પ્રકટ થઈ કે 'રેમાં પ્રકટ થતી કૃતિઓ અમે સમજીએ છીએ તે માની લેવું નહીં.' અને મારામાંના અધ્યાપકે તેનો વિરોધ કર્યો. તો 'રે' સારંગપુર ચકલાથી શરૂ થયું. 'રે' દોઢ વર્ષ ચાલ્યું. આજે પણ જોશો તો સિતાંશુ યશશ્ચંદ્ર, દિલીપ ઝવેરી, રાજેન્દ્ર શુક્લ એ સહુ. લાભશંકર ઠાકર, ચિનુ મોદી, આદિલ મન્સૂરી, મનહર મોદી સાથે ઉપસ્થિત છે. હજી રમેશ પારેખનો પરિચય કોઈને નહોતો. હું 'શ્રીરંગ'નો સંપાદક હતો ત્યારે રમેશ પારેખ 'યાયાવર'ની એક ગઝલ 'ચશ્માના કાચ પર' મને પોસ્ટમાં મળી અને મેં રમેશને લખ્યું તારી ગઝલ 'કૃતિ'માં છાપીએ ત્યારે કૃતિ સામયિક શરૂ થઈ ગયેલું. અને રમેશનો તરત જવાબ આવેલો 'છાપો છાપો, બાપલા'. 'રે'ના અંકમાં મુખપૃષ્ઠ ભૂપેન ખખ્ખર, જેરામ પટેલ, પિરાજી સાગરા જોવા મળશે. આદિલ મન્સૂરીનાં તમામ તોફાનો 'રે'ના મૃખપૃષ્ઠને અને 'રે'ના અંકોને ચકડોળે ચડાવતા. દિવાળી અંક આખેઆખો કોરો કાઢવામાં આવ્યો. એક અંકમાં રે-વીટીઓ તૈયાર થઈ ગઈ છે તેવી જાહેરાત કરવામાં આવી. ઘોડાની નાળ ચંદ્રક તરીકે આપવાની જાહેરાત, પુત્તમત્તાય પુત્તાલ ઘોસાલ (એટલે વાંઝણી રાંડનો) તથા સુરેશ જોશીએ સંયુક્ત રીતે નિર્ણય કરીને મુનિશ્રી બામ એકસો એકને આપેલો. આ બધી 'કુમાર ચંદ્રક' અને 'રણજિતરામ  ચંદ્રક'ની મશ્કરી હતી. એક અંક પર 'ફિર વહી દિલ લાયા હૂં' એવી પંક્તિ છાપવામાં આવી. 'રે'નો છેલ્લો અંક હિટલર અંક તરીકે બહાર પડ્યો, જે પ્રબોધ પરીખે સંપાદિત કર્યો હતો. આ અંકમાં લાભશંકરે લખ્યુંં 'ગાંધીને હું ચાહી શકતો નથી અને હિટલરને ધિક્કારી શકતો નથી.'

જતે દહાડે 'કૃતિ'નું સંપાદન પણ મારો લમણે લખાયું. તેનાં વિશેષાંકો – ખાસ કરીને ગઝલ, નાટય અને વાર્તા વિશેષાંક – પુનઃ અભ્યાસ કરવા યોગ્ય છે. આ બે સામયિકોથી ના ધરાયા તો ત્રીજું એક સામયિક શરૂ કર્યું વિવેચનનું. જેની બાઇલાઇન હતી – 'સાહિત્યના પોતડી દાસોને પકડકારતું દોઢ ડાહ્યાઓનું દોઢ માસિક – ઉન્મૂલન'. આ પંક્તિના કૉપિ રાઇટર આદિલ મન્સૂરી હતા. સુરેશ જોશીના ઓવર રીડિંગવાળા કાવ્યાસ્વાદોની ઠેકડી ઉડાડવા ફિલ્મોગીતોનો આસ્વાદ કર્યો જેમાં મધુ રાયે પણ એક ગીતનો આસ્વાદ કરાવેલો. રે મઠ સમેટાયો અને હોટેલ પોએટ્સ ગ્રુપ નવા કવિઓ સાથે ગૂજરાત વિદ્યાપીઠની કેન્ટિનામાં શરૂ થયું. ઓમીસ નામની અજંટા કોમર્સિયલ સેન્ટરમાં હોટલ હતી તેને લીધે હોટલે પોએટ્સ ગ્રુપનું નામ 'ઓમીસયમ' રાખવામાં આવ્યું. સરુપ ધ્રુવ, દીવા પાંડે, ઇન્દુ પુવાર, ઇન્દુ ગોસ્વામી, દ્વારકાપ્રસાદ સાંચીહર, દલપત પઢિયાર અને ચિનુ મોદી – આ સહુના એક એક વિશેષાંક બહાર પડ્યા. એમાં હેમાંગિની શાહ પણ ખરાં.

કંઈક રે મઠનું અનુકરણને લીધે 'સંભવામિ' નામનું'ઉન્મૂલન' ટાઇપનું સામયિક અમે કાઢ્યું. ઇન્દુ પુવાર એના તંત્રી અને ઇન્દુએ ગાંધીજીમાંથી પ્રેરણા લઈને કવિતાની પ્રભાતફેરી શરૂ કરેલી. દર રવિવારે સવારે કોઈ પણ એક શેરીમાં હોટલ પોએટસ કવિઓ જાય. દલપત પઢિયારના ગળે હાર્મોનિયમ હોય અને શેરી નાટકની જેમ શેરી કવિતાઓ ભજવાય. એ વખતે “ચિત્રલેખા”માં એનો રીપાર્ટ આવેલો. જેમ રે મઠવાળાઓએ વિદ્યમાન દિવંગતોને અબોટિયાભેર ગળતેશ્વરમાં ૨૪ જુલાઈએ અંજલિ આપેલી. જેમાં જ્યોતિષ જાની અને રાજેન્દ્ર શુકલએ શાસ્ત્રીય રીતે શ્લોકગાન કરી વિદ્યમાન દિવંગતોને અંજલિ આપેલી એ રીતે હોટલ પોએટસ ગ્રુપે ઉમાશંકરથી માંડી નલિન રાવળની વિધવિધ કવિતાઓને હાસ્યાપદ રીતે વિદ્યાનગર હાઇસ્કૂલમાં રજૂ કરેલી. એમાં ઉમાશંકરનું 'હું ગુલામ' કાવ્યલેઝિમ સાથે પ્રસ્તુત થયેલું, છતાં ઉમાશંકર દુઃખી થયા નહોતા, પણ ચંદ્રકાન્ત શેઠ અમારાથી રિસાઈ ગયેલા કારણ કે ઇન્દુ પુવારે 'બેસ બેસ દેડકી' એક ફિલ્મી તરજ બનાવીને પ્રસ્તુત કરેલી. આ વાતોને વરસો થયાં. હોટલ પોએટ્સ ગ્રુપ ગયું. “સમભાવ”માં સંપાદન કરવાનું આવ્યું 'સેતુ' પૂર્તિનું જેમાં તારે પણ જોડાવાનું થયું. છેલ્લે ૨૦૧૨માં એક વર્ષ માટે ઇન્ટરનેટ પર ગઝલનું સામયિક ચલાવ્યું. સંપાદન માટે જે બચુભાઈ રાવતની ચીવટ અને ઉમાશંકર જોશીની નજર એવી આપણામાં નહીં, પણ તો ય વિત્તવાળા નવા કવિઓને પહેલાં પહેલાં પોંખવાનું કામ જાણે ગુજરાતે મને સોંપ્યું હોય તેવું મને લાગ્યું, એટલે રાવજી પટેલથી દલપત પઢિયાર. સરુપ ધ્રુવથી અશોક, હરદ્વાર, અંકિત, અનિલ  (ચંદ્રેશ, તને ભૂલ્યો નથી) સહુને પહેલાં પહેલાં મેં જ પોંખ્યા છે. સામયિક એ રાજ્ય ચલાવવા જેટલી વાત છે એની મને ખબર છે.

અશોક ચાવડા : તમે સામયિક, વર્તમાનપત્ર જેવા પ્રિન્ટ માધ્યમો માટે તો લખ્યું જ છે સાથેસાથે રેડિયો અને ટેલિવિઝન માટે પણ પ્રસંગોપાત લખ્યું છે. ખાસ તો રંગભૂમિ, રેડિયો અને ટેલિવિઝન – આ ત્રિમાધ્યમો સાથે તમે કેવી રીતે કામ કરો છો તે વિશે જણાવો.

ચિનુ મોદી    :      અશોક, સવાલ તો સરસ પૂછ્યો છે તે. રંગભૂમિ એ રેડિયો અને ટીવી કરતાં અલગ આવશ્યકતાઓ ઇચ્છતું સમૂહ માધ્યમ છે. રંગભૂમિમાં લોન્ગ શોટ અને મીડ શોટ જ હોય છે જે ટીવીમાં મીડ શોટ અને કલોઝ અપ હોય છે. આ બંને દૃશ્ય-શ્રાવ્યકલા છે, જ્યારે રેડિયો એ શ્રાવ્યકલા છે. નાટ્યકાર તરીકે સહુથી વધારે મુક્તિ મને રેડિયો નાટકમાં મળે છે જેમાં સ્થળ-કાળ મારા મનના વેગ સાથે અદલીબદલી શકાય છે. રંગભૂમિ એ તમને બદ્ધ કરે છે સ્થળની રીતે. તમે રોટેટિંગ સ્ટેજ લાવો તો પણ ત્રણથી વધારે સ્થળ નહીં બતાવી શકાય જ્યારે રેડિયો પર હું રેલવે પ્લેટફોર્મથી માંડી બેડરૂમ સુધી ક્યાં ય પણ અવરજવર કરી શકું છું. રેડિયો નાટકમાં કેવળ બે અભિનય ખપ લાગે છે એક વાચિક અને બીજો સાત્ત્વિક. આંગિક અને આહાર્ય કોઈ સ્થાન નથી. શકંતુલા ૪૫ વરસની હોય તો પણ રેડિયોને વાંધો નથી, જ્યારે રંગભૂમિ કે ટીવી પર ૪૫ વરસની સ્ત્રીને શકંતુલા તરીકે પ્રસ્તુત ના કરી શકું. અહીં કાળ વિભાજન તમે ધાર્યું કરી શકો. પૌરાણિક, ઐતિહાસિક, આધુનિક જે કોઈ કાળમાં તમારે વિચરવું હોય એ એક જ નાટકમાં એક સાથે કરી શકાય. એટલે યુધિષ્ઠિર, અકબર અને જવાહર – ત્રણેયને હું ભેગા કરી શકું રેડિયો નાટકમાં. માત્ર સંવાદ દ્વારા ચરિત્રચિત્રણ અને સંઘર્ષ નિપજાવવાના હોય. પટુ સંવાદલેખન એ રેડિયોલેખક માટે અનિવાર્ય છે. અહીં અંગની ચેષ્ટાઓ કે સ્ટેજનો સેટ મદદરૂપ થવાનો નથી. એકધ્યાનપણું શ્રોતાનું અહીં અપેક્ષિત છે. જોડણીકોશમાં જોવા પડે એવા કોઈ પણ શબ્દ રેડિયો નાટકમાં ન ચાલે. આમ તો નાટક માત્રમાં નહીં ચાલે. પણ મને સહુથી વધારે મજા રેડિયોનાટક લખવામાં આવી છે. 'કાળપરિવર્તન', 'ભસ્માસુર' અને 'હત્યા એક વિચારની' એ મારા પ્રિય રેડિયો નાટકો છે.

અશોક, આ નિમિત્તે મજા પડી જૂનાં સ્મરણો વાગોળવાની. હાશ, મારે આવતા જન્મે મગર તો નથી જ થવાનું એ હવે પાક્કું છે.

* * *

(ડૉ.ચિનુ મોદીનો રાઇટર તરીકેનો નહીં, પણ કોપિ રાઇટર તરીકેનો એક્સ્કલુઝિવ ઇન્ટર્વ્યૂ … 30.08.2013)

2 September 2013

https://www.facebook.com/notes/ashok-chavda-bedil/સાહિત્યની-સાથેસાથે-સમૂહ-માધ્યમોની-સૃષ્ટિને-શોભાવતા-સર્જક-ડૉ-ચિનુ-મોદી-ડૉ-અશોક-ચા/641627415861420

Loading

20 January 2014 admin
← ‘લીસેસ્ટરમાંનું જૈન દેવસ્થાન’ − પત્રાચાર
અમીરી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved