મહામારીમાં
રોટલા માટે રોતા બાળકનાં,
માનાં આંસુ છાપામાં આવે
ટંકની રોજી નહીં ને
ગમછાથી ફાંસો ખાતા
દહાડી મજૂરની કથની આવે.
સત્તાનાં ચરણે એને
દુઃખી માણસનાં દર્શન તો થયાં!
હવે મહામારીના બહાને
ઝાડને વળગીને દુઃખ રોઈ
હળવા થવાનો ઇલાજ
માણસને જડ્યો.
બોલી રહ્યાં બધાં,
કાળા માથાએ કેર કર્યો હતો.
કોઇએ કહ્યું,
આખી ધરતી રિપેરિંગ હેઠળ છે.
***
જાહેર ભાષણો, ધરણાં,
સત્કાર સમારંભો, લગ્નો, ડી.જે.,
મહાઆરતીઓ, બેસણાં અને પદયાત્રાઓ બંધ!
હારતોરામાં રાચનાર
બધાંનો વહાલો મંચ ગાયબ!
ગુરૂ, બાવા, ભૂવા,પીર, ફકીર, ઈશ્વરના દલાલ
સૌ ક્યાં ઊડી ગયા !
એમના વિના ય બધું બરાબર ચાલે
એટલી ખબર તો પડી!
***
દિવસ રોકડો ચળકે
રાત શીતળ વહે
હવામાં પ્રાણ વધી ગયો
નદીઓનાં નીર નિર્મળ થયાં
કોયલનો બોલ સંભળાયો
મોરની આછી કેકા દૂર ડુંગરે
તેતરનો મધઝરતો સૂર આવ્યો
કૂતરાં ભસતાં દોડે
એકલદોકલ વાહન પાછળ
યમને ચોવીસ કલાક દોડવાનું
એક તરફ સોપો
બીજી તરફ અજબ ઘુઘવાટ
ઢોરઢાંખર, પંખી, વનસ્પતિ, જળને
અને છેલ્લે માણસને
એની પતીજ પડે છે.
***
લૂંટ-બળાત્કાર-અપહરણ-ઠગાઈ
તો જાણે ધરતી પર જ નથી.
ઝાઝાં હોર્ન વાગતાં નથી
અકસ્માતનું નામ નથી
બેંકનાં ઉઠમણાં
કૌભાંડ મટ્યાં છે જડમૂળથી
કોઇ ટ્રેન, ફ્લાઇટ મોડી પડતી નથી
ફુડ પોઇઝનિંગ સંભળાતું નથી
જુઓ ને, રાજકારણીઓ
પાટલી ય બદલતા નથી!
બધા પક્ષો એક પક્ષના!
કાર, વિમાન પર શૂરા
એ ટાઢા પડી ગયા
જીડીપી, વિકાસ દર, રેપો રેટ,
રોજગારી આંક ને કઈ કેટલાં ય
તોલમાપ નંખાઈ ગયાં
કાળના કૂવામાં.
***
આ અનુભવ એળે જશે!
ચાર મહિનામાં જુઓ!
મહાવિકાસના ધંધે
બધાં પાછાં લાગી જશે,
લૉક ડાઉનમાં પવિત્ર થઈને!
તુમારશાહી, લૂંટ, દુષ્કર્મ, ભૂખમરો,
દ્વેષ, હિંસા ને જૂઠ —
હતાં એવા ને એવા.
'સ્મૉલ ઇઝ બ્યૂટિફુલ' અને
'અનટુ ધીસ લાસ્ટ'ને ઠેબે ચઢાવશે
બે મોંઢાનાં લોક.
બચેલી શાંતિ ને માણસાઈને વધેરશે.
ધરમની ભવાઈ માંડશે.
'શત્રુ'ને ભડાકે દેશે.
ચોખ્ખા દેખાવા માંડેલા તારા
બગડેલા વાયુમંડળમાં ઓઝલ થશે.
પશુપંખીને પાછી મળેલી મોકળાશ
માણસજાત છીનવી લેશે.
પ્રદૂષણનાં વાદળો સજાવી
કહેશે કે વરસાદ આવશે
સઘળી સૃષ્ટિની જનેતા
પૃથ્વીનો માળો વળી પીંખાશે
તો ય મોહિની કરતો ઢોલ પીટાશે
શાંતિ ! શાંતિ ! શાંતિ !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 ઍપ્રિલ 2020