મારા બાપુ પે’લવારકા મને
નિશાળે મૂકવા આવેલા
ત્યારે ગોળ-ધાણાય લાવેલા
માસ્તરે કી’ધું
’મેજ પર મૂકી દે’
બાપુ હાથમાંનું સંપેતરૂં
મેજ પર મૂકવા
માસ્તરની નજીક ગયા કે —
માસ્તરે …. ”અહંહં …. છગના
જરાક છેટો … રે …”
તે છેક હવે સમજાયું કે —
દો ગજ દૂરી કોને કહેવાય?
તે મારા, બાપુ કંઈ
‘કોરોના’ લઈને થોડા આવેલા?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 ઍપ્રિલ 2020