પશ્ચિમી દેશોમાં કોરોનાએ ત્રાસ ફેલાવ્યો છે એ જોતાં બધું સમુંસુતરું થશે તો પણ વિદેશ જઇને કરિયર બનાવનારાઓની ઇચ્છા પર પણ વાઇરસનો પ્રભાવ તો પડશે જ
પશ્ચિમી દેશોમાં કોરોનાએ ત્રાસ ફેલાવ્યો છે એ જોતાં બધું સમુંસુતરું થશે તો પણ વિદેશ જઇને કરિયર બનાવનારાઓની ઇચ્છા પર પણ વાઇરસનો પ્રભાવ તો પડશે જ.
કોરોનાવાઇરસે ભલભલું બદલી નાખ્યું છે તે વિદેશાગમનની નીતિઓ, પદ્ધતિઓ અને નિયમ બદલાય એમાં કોઇ નવાઇ પામવાની જરૂર નથી. વળી આપણા ભારતીયોમાં તો મમ્મી-પપ્પા એટલા પ્રોટેક્ટિવ હોય છે કે એક છીંક આવે તો ઘરની બહાર જવા પર હવે પ્રતિબંધ મુકાવાનો તો પછી વિદેશ જઇને ભણવાની કે નોકરી કરવાનાં નિર્ણયો પર પણ આ બદલાયેલા સંજોગોની અસર પડવાની જ છે. અમેરિકન પ્રેસિડન્ટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કર્યો છે કે હવે આગામી સાંઇઠ દિવસ સુધી કોઇ ગ્રીન કાર્ડ ઇસ્યુ નહીં કરાય. આ હંગામી ધોરણે લેવાયેલો નિર્ણય છે પણ જરા લાંબુ વિચારીએ તો જે રીતે પશ્ચિમી દેશોમાં કોરોનાએ ત્રાસ ફેલાવ્યો છે એ જોતાં બધું સમુંસુતરું થશે તો પણ વિદેશ જઇને કરિયર બનાવનારાઓની ઇચ્છા પર પણ વાઇરસનો પ્રભાવ તો પડશે જ.
આમ તો દર વર્ષે આ સમયે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવા માટેની અરજીઓ તૈયાર કરતા હોય અને તેમાં ય અમેરિકા જનારાની સંખ્યા તો બહુ જ મોટી હોય. આ વર્ષે તો ફોલનાં ફર્સ્ટ સેમિસ્ટરમાં એટલે કે સપ્ટેમ્બરમાં યુ.એસ.એ. જઇને ભણતર ચાલુ કરવું કે નહીં એનો પ્રશ્ન વિદ્યાર્થીઓને માથે તોળાઇ રહ્યો છે. યુ.એસ.એ.માં અર્થતંત્રની જે હાલત છે તે જોતાં ત્યાં ભણવા પહોંચનારાઓને ભણ્યા પછી ત્યાં ચાર વર્ષે પણ નોકરી મળશે કે કેમ તેની તેમને કોઇ ખાતરી નહીં હોય. આ બધી ચિંતાઓ વાજબી જ છે, પણ તમે માનશો આપણો વિદેશ મોહ કોઇ વારઇસથી શમી જાય એવો નથી. અહીં લૉકડાઉનમાં તમાકુ કે સિગરેટ ન મળે તો હોબાળો મચાવનારા ભારતીયોને પોતાનું ધાર્યું કરવાની ટેવ છે જ અને તેઓ વાઇરસની પરે જઇને પણ કોઇને કોઇ રસ્તો તો શોધશે જ. આપણે ત્યાં તો એવી સ્થિતિ છે કે અમેરિકા નહીં તો ઑસ્ટ્રેલિયા અને ત્યાં નહીં તો પછી કોઇ ગલ્ફ કન્ટ્રીમાં પણ કોઇને કોઇ રીતે ‘બહાર’ તો જવું જ હોય છે.
એક રિપોર્ટ અનુસાર જે ભારતીયોને વિદેશ ભણવા જવું હોય છે તેમનો મુખ્ય હેતુ પોતાના પ્રોફેશનલ બાયોડેટામાં વિદેશી ડિગ્રી દેખાય તે અને સ્વાભાવિક છે કે તેને લીધે મળનારી નોકરી જ હોય. વૈશ્વિક મંદીઓને કારણે આ પહેલાં પણ મહેચ્છાઓ પર કોઇ ગ્રહણ નથી લાગ્યા અને હવે પણ એમ નહીં થાય. જેઓ વિદેશ જવા માગે છે તે કદાચ કોઇ ત્વરિત પગલાં નહીં લે પણ એકવાર સહેજ મેદાન સાફ થયું છેની લાગણી થશે એટલે લપાક દઇને વિદેશી ધરતી પર દોડી જવાની ભાંજગડ શરૂ થઇ જ જશે. કોરોના વાઇરસને કારણે લૉકડાઉનમાં ઘરે બેસીને કામ કરનારાઓ અને કંઇ ન કરનારાઓ બધાં ભલે ગમે તે તબક્કે ફિલસૂફ થઇ જાય પણ વાસ્તવિકતા એ છે કે શિક્ષણ પણ એક ઉદ્યોગ છે અને આ સંજોગોમાં અહીં મંદી ચોક્કસ છે પણ માર્કેટ સાવ વિખેરાઇ નથી ગયું. વાઇરસને કારણે માથે મરાઇ રહેલી મંદી ભલે ગમે તેટલી ભારે હોય પણ આ મંદીનાં વાદળ વિખેરાશે એટલે બમણા જોરથી પોતાનું સ્થાન પ્રોફેશનલ માર્કેટમાં સ્થિર બનાવાય તેના પ્રયાસ શરૂ થશે. પણ મહેચ્છાઓના બળે માર્કેટ નથી બદલાઇ જતા. યુ.એસ.એ.માં જે રીતે કોરોનાએ પથારી ફેરવી નાખી છે તે જોતાં લોટરી કે ઓવરઓલ કૅપ નંબર્સથી મળતો એચ.વન બી વિઝા મળવામાં પણ મુશ્કેલી થશે જે દરેક ભારતીય માટે ત્યાં જવાનું આકર્ષણ હોય છે. યુ.એસ.એ.માં નોકરીની ઘટતી તકો પણ એક વાસ્તવિકતા બનશે જેનો સામનો દરેકે કરવાનો રહેશે.
બાય ધી વેઃ
મંદી, માર્કેટ, નોકરીની તક, ઇચ્છાઓ એ બધું એક તરફ અને આવા રોગચાળા પછી વિદેશ જવાની ના પાડનારી મમ્મીનો આગ્રહ એક તરફ એ પણ ભારતીય સોસાયટી તરીકે આપણે યાદ રાખવું જોઇએ. અત્યારે તો બધું ધૂંધળું અને હચમચી ગયેલું છે, વખત આવ્યે જ ખબર પડશે કે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુ.કે. બધા જ રાષ્ટ્રો પોતાની ઇમિગ્રેશન માટેની નીતિઓમાં હંગામી ધોરણે કરેલા ફેરફાર આપણને ક્યાં સુધી નડે છે. મંદીનું બહાનું કરીને ભારતીયોની બ્રેઇન ડ્રેઇન અટકાવી શકાશે ખરી? કોરોનાવાઇરસનાં ડરથી ભારતીયો વિદેશનાં સપનાં સેવવાનું છોડી દેશે તેમ માનવાની ભૂલ ન કરવી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઍપ્રિલ 2020