ટ્રેડ ડીલ, ચીન-પાકિસ્તાનને સંદેશો વગેરે આ મુલાકાતનાં સીધાં અને આડકતરાં પરિણામો છે પણ અંતે કોના હાથમાં કેટલું આવે છે એ તો વખત આવ્યે ખબર પડશે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પૉપ્યુલારિટી અત્યારે ૪૯ ટકા અપ્રુવલ રેટિંગ સાથે સૌથી વધુ છે, ઇમ્પિચમેન્ટવાળી વાત હવે જૂની થઇ ગઇ છે તો રિપબ્લિકન્સ એની સાથે છે અને ડેમોક્રેટ્સની તરફે બધું અવ્યવસ્થિત છે. અમેરિકાની આવી રહેલી ચૂંટણીમાં ટ્રમ્પ આશાસ્પદ ઉમેદવાર મોખરે છે, ત્યારે તે ભારતની મુલાકાતે આવે એ વ્યૂહાત્મક રીતે બહુ મોટી વાત છે. એક આખો વર્ગ જબદરદસ્ત ખુશ છે કે અમેરિકા જેવા શક્તિશાળી રાષ્ટ્રના વડા છેક અમદાવાદ સુધી લાંબા થશે અને સ્ટેડિયમનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. તેમના આવવાનાં માનમાં ઝૂંપડપટ્ટીઓ દેખાય નહીં એવી દિવાલ તો ખડી કરાઇ જ રહી છે પણ ટોળાં ભેગાં કરવાની પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા તેને ચાર વર્ષ પૂરા થવામાં છે અને એ આગલી ટર્મની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. જો કોઇને ય એવી ખાંડ ખાવી હોય કે એ તો મોદી સાથે બહુ જ પાક્કી દોસ્તી છે એમાં એ અહીંયા પધારી રહ્યા છે તો તમારે વૈશ્વિક રાજકારણનાં જ્ઞાનની ધાર કાઢવાની જરૂર છે. આ કવાયત અમેરિકામાં મોટી સંખ્યામાં વસતા ગુજરાતીઓને ખુશ કરવા માટે છે. આમ તો ત્યાં રહેતા ગુજરાતીઓ ડેમોક્રેટ્સની તરફેણ કરનારા હોય છે અને માટે જ રિપબ્લિકન પાર્ટીનાં સેકન્ડ ટાઇમ કેન્ડિડેટ ટ્રમ્પ માટે ગુજરાતીઓને રિઝવવા બહુ જરૂરી છે. આ આખી કસરતનું પહેલું પગલું ટૅક્સાસમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં ભરવામાં આવ્યું હતું. મોદીએ ત્યાં આવેલા બધા ગુજરાતીઓને ટ્રમ્પને વોટ આપવાની અપીલ કરી હતી.
મોદી અને ટ્રમ્પ એકબીજાના પાક્કા મિત્ર હોવાનું જે પ્રદર્શન કરતા આવ્યા છે તેનું પણ આ કાર્યક્રમમાં પુનરાવર્તન થશે. ૨૦૧૯માં તેઓ ચાર વાર મળ્યા. મોદીનાં હાઉડી મોદી કાર્યક્રમમાં પ૦ હજાર ભારતીય અમેરિકન્સ હતા તો મોદીએ ટ્રમ્પને સામે વચન આપ્યું છે કે તેમનું આગમન થશે ત્યારે એરપોર્ટથી સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ સુધીના રસ્તે ૫૦ લાખ માણસોનું મહેરામણ એકઠું થયું હશે. સવા લાખ લોકોની હાજરીમાં ‘કેમ છો ટ્રમ્પ’નો કાર્યક્રમ થશે. વળી બંન્ને રાષ્ટ્રો વચ્ચે ટ્રેડ ડીલની પૉલિસીની ચર્ચા પણ થશે.
ટ્રમ્પનો પ્રવાસ દેખીતી રીતે ભવ્ય હશે. આ ટ્રીપમાં સંદેશો ચીન અને પાકિસ્તાનને માટે પણ હશે તો એન.આર.જી.ઝ માટે પણ હશે. ભારત અને અમેરિકાનાં સંબંધો મજબૂત થાય તે વૈશ્વિક સ્તરે ઘણી બાબતોને અસર કરશે. દિવસે દિવસે વધુ આક્રમક બની રહેલા ચીન સાથે એક યોગ્ય સંતુલન સાધવા, પૂર્વીય એશિયામાં નિયમાધિન વ્યવસ્થા લાગુ કરવા તો અમેરિકા – યુ.એસ.એ.નાં સંબંધો અગત્યનાં છે જ પણ ટ્રમ્પે જે રીતે ઇસ્લામાબાદને આતંકીઓ પાળવા બદલ આડા હાથે લીધું છે તે આપણી કેન્દ્ર સરકારને ગોઠ્યું છે કારણ કે અમેરિકા પાકિસ્તાનનો કાન આમળે એ માટે દાયકાથી પ્રયાસ થઇ રહ્યા હતા. ઇરાન સિવાયની ઘણી બાબતે ભારત અને અમેરિકા એક સમાન દૃષ્ટિકોણ ધરાવે છે. ઇરાનને મામલે અમેરિકાને એવી અપેક્ષા છે કે ભારત મધ્યસ્થી તરીકે ઇરાનને ન્યુક્લિયર ડીલને મામલે પુનઃ ચર્ચા કરવા તૈયાર કરે.
અમેરિકન પ્રમુખોની ભારત મુલાકાત
૧૯૫૯માં ભારતની મુલાકાત લેનારા સૌથી પહેલાં અમેરિકન પ્રેસિડન્ટ ડ્વાઇટ આઇઝનહોવર હતા. તેમણે રામલીલા મેદાનમાં લોકોને સંબોધ્યા હતા અને તાજ મહેલની મુલાકાત લઇને નાનપણનું સપનું પૂરું કર્યુ હતું. ખુલ્લી કેડિલાકમાં પંડિત નેહરુ સાથે જઇ રહેલા પ્રમુખને જોઇ ટોળાંઓએ લોંગ લીવ ઇન્ડો-યુ.એસ. ફ્રેન્ડશીપ તથા પંડિત નેહરુ કી જયના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ ઇંદિરા ગાંધીની સરકાર હતી ત્યારે ૧૯૬૯માં રિચર્ડ નિક્સન અને પૅટ નિક્સન ભારત આવ્યાં. જો કે આ મુલાકાત સૌથી ટૂંકી હતી, તેઓ દિલ્હીમાં માત્ર ૨૨ કલાક માટે જ હતા. ઇંદિરા અને નિક્સન વચ્ચેની તંગદીલીની અસર ૧૯૭૧ પછીનાં યુદ્ધમાં વધી હતી. એ વર્ષ કૉન્ગ્રેસ માટે મુશ્કેલ હતું અને ત્યારે કૉન્ગ્રેસનાં બે ભાગલા પડ્યા હતા. ૧૯૭૮માં જીમી અને રોઝેલિન કાર્ટર ત્રણ દિવસ માટે ભારત આવ્યા. ત્યારે મોરારજી દેસાઇની સરકાર હતી. ૧૯૭૧નાં યુદ્ધ અને ૧૯૭૪નાં ન્યુક્લિયર પરિક્ષણ પછી ઇન્ડો-યુ.એસ. સંબંધોને બહેતર બનાવવાના આશયથી આ મુલાકાત થઇ હતી. દૌલતપુર નસીરાબાદનાં ગ્રામ્યજનોએ આપેલી શાલ કાર્ટરે ઓઢી હતી અને ત્યાર બાદ એ ગામનું નામ કાર્ટરપુરી કરવામાં આવ્યું હતું. કાર્ટરે ગામડાંને ટી.વી. સેટ ભેટ આપ્યો હતો અને ભંડોળનું વચન આપ્યું હતું. આ પછી ૨૦૦૦ની સાલમાં બિલ ક્લિન્ટન પોતાની બીજી ટર્મનાં છેલ્લા હિસ્સામાં ભારત આવ્યા. સાથે તેમની દીકરી ચેલ્સીઆ પણ આવી હતી. ક્લિન્ટને દિલ્હી ઉપરાંત આગ્રા, જયપુર, હૈદરાબાદ અને મુંબઇની મુલાકાત લીધી હતી. પાંચ દિવસનો આ પ્રવાસ આ પહેલાં આવેલા તમામ યુ.એસ. પ્રમુખો કરતાં લાંબો હતો. મોનિકા લ્યુએન્સ્કીનાં કૌભાંડ છતાં ક્લિન્ટનનો પ્રભાવ ભારતમાં કોઇ સ્ટારથી કમ નહોતો. ક્લિન્ટને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો જ્યારે તેણે પાકિસ્તાનમાં માત્ર પાંચ કલાક પસાર કર્યા.
૨૦૦૬માં જ્યોર્જ ડબલ્યુ બુશ ભારત આવ્યા. તેમણે ભારતમાં ૬૦ કલાક વિતાવ્યા. નિક્સન પછી કોઇની મુલાકાત ટૂંકી હોય તો તે બુશની હતી. બુશના ભારત આવવા સામે કોમ્યુનિસ્ટ પક્ષોને વાંધો હોવાથી બુશે ન્યુ દિલ્હીના પુરાના કિલ્લામાં ચુનિંદા લોકોને જ સંબોધ્યા. બરાક ઓબામાં ભારત બે વાર આવ્યા છે. ૨૦૧૦ અને ૨૦૧૫માં ભારત આવેલા ઓબામાએ ૨૦૧૦માં મુંબઇ અને દિલ્હીની મુલાકાત લીધી. તેઓ ૨૬/૧૧નાં સર્વાઇવર્સને મળ્યા અને મુંબઇની ઝેવિયર્સ કૉલેજનાં વિદ્યાર્થીઓ તથા એન.જી.ઓ.નાં બાળકોને પણ મળ્યા. આ યુગલે મન મૂકીને લોકો સાથે વાતો કરી અને મિશેલ ઓબામાએ તો નૃત્ય પણ કર્યું અને સૌનાં મન જીતી લીધાં. ૨૦૧૫માં મોદી વડાપ્રધાન બન્યા પછી ઓબામા ભારત આવ્યા અને તે ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા પહેલા અમેરિકન પ્રમુખ છે.
વ્યાપારી સોદાની વાત કરીએ તો ટ્રમ્પ ભારત પહોંચે તે પહેલાં ભારતીય નેવી માટે ૨.૭ બિલિયન ડૉલર્સનાં ચોવીસ એમ.એચ.૬૦-આર.સી. – હૉક હેલીકોપ્ટર્સ ખરીદવાની તજવીજ ચાલી રહી છે. વળી ૧.૮૬૭ બિલિયન ડૉલર્સની ઇન્ટિગ્રેટેડે એર ડિફેન્સ સિસ્ટમ ખરીદાય તેવી વકી પણ છે. જો કે ૨૦૦૭માં ભારતે અમેરિકા પાસેથી ૧૭ બિલિયન ડૉલર્સનાં સુરક્ષા સંસાધનો ખરીદ્યાં છે છતાં પણ આ બધું ટ્રમ્પ સાથે સારાસારી રાખવા કરાશે. ટ્રમ્પ સરકારનાં અધિકારીઓને ફરિયાદ હતી કે તેમની સરકાર દરમિયાન કોઇ મોટી ડીલ નથી કરાઇ. ટ્રમ્પનું સંરક્ષણ વાદી વલણ અને વળતર અંગેની કડક નીતિઓના સાણસાથી ભારત આમે ય ખુદને બચાવી શકે તેમ નથી. આ સંજોગોમાં ભારત અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારી સોદો કરાશે જેથી બંન્ને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષાને મામલે જે ભૌગોલિક રાજનીતિઓ ખેલાવી જોઇએ, ચર્ચાવી જોઇએ તેની અસ્પષ્ટતા બને એટલી ઓછી થાય.
આ બધું હકારાત્મક છે અને બંન્ને દેશો માટે ‘વિન વિન’ની સ્થિતિ ખડી કરશે તેવું વિચારવાની દિશામાં લઇ જાય તેવું લાગે તો છે પણ છતાં ય બંન્ને દેશોની સ્થાનિક નીતિઓમાં જે ભેદ છે તે આ દ્વિ-પક્ષીય બાબતોને એટલી આસાન નહીં બનાવે જેટલી તે હોવી જોઇએ. કાશ્મીર, એન.આર.સી., કેબ જેવા મુદ્દાઓને કારણે અમેરિકાનાં હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સનાં કેટલાક સેનેટર્સ અને કાયદા ઘડનારા કેટલાક અગ્રણીઓનો ભારત તરફનો દૃષ્ટિકોણ બદલાયો છે અને તે હકારાત્મક નથી. આમાંથી ઘણાએ એવો અવાજ ઉઠાવ્યો છે કે આ પ્રકારનાં પગલાંને કારણે ભારત એક સહિષ્ણુ અને બહુમતીવાદી લોકશાહી રાષ્ટ્રની પોતાની ઓળખાણ નહીં જાળવી શકે. હવે આવું હોય તેમાં અમેરિકામાં આવનારી ચૂંટણીને પગલે કોઇ ડેમોક્રેટ ચૂંટાઇને અમેરિકાના પ્રેસિડન્ટ બનશે તો ભારતની બધી યોજનાઓ પર મોદી ધારે છે એવી તો અસર નહીં જ પડે. જો ટ્રમ્પ જ ફરી ઓવલ ઑફિસ સંભાળે તો ય ભારત સાથેની આ મૈત્રી અંગે અમેરિકન કૉન્ગ્રેસનું વિરોધી વલણ આ બધી દ્વિ-પક્ષીય ડીલ્સ પર પ્રભાવ પાડશે જ. મોદી સાથેની દોસ્તી સાચવવા ટ્રમ્પ ઘરનાં માણસોની સાથે વેર ન બાંધી શકે. મોદી અને ટ્રમ્પને ગમે તેટલી ભાઇબંધી હોય પણ વ્યૂહાત્મક યોજનાઓનો આધાર આ ભાઇબંધી માત્ર ન હોઇ શકે. ટ્રમ્પે અમેરિકન મીડિયામાં કરેલા એક વિધાન અનુસાર જો ‘રાઇટ ડીલ’ હશે તો ટ્રેડ ડીલ થશે.
બન્ને દેશોની બાયલેટરલ ઇનવેસ્ટમેન્ટ ટ્રીટી એકબીજાથી ઘણી અલગ છે એટલે કોઇ એક પોઇન્ટ પર સંમત થવા માટે પણ ખાસ્સો સમય લાગે. આ ઉપરાંત યુ.એસ.એ.ની મુક્ત ઇન્ડો-પેસિફિક સ્ટ્રટેજી, યુ.એસ.-ઇરાનનાં સંબંધો, યુ.એસ.એ.ની માંગ કે ભારત તેનાં સ્થાનિક બજાર પરનાં સુરક્ષાલક્ષી બંધનો ઉઠાવી લે, ભારતની ઇચ્છા એવી કે યુ.એ.સનાં વ્યાપાર અને રોકાણનો લાભ ભારતનાં ઉચ્ચ શિક્ષિત ઇમિગ્રન્ટ્સને મળે, ચીનને નાથવાનો કોઇ રસ્તો જડે, ક્લાઇમેટ ચેન્જ માટે ટેક્નોલોજીનો બહેતર ઉપયોગ કરવાના ઉપાયો પર કામ થાય વગેરે આ બન્ને રાષ્ટ્રોનાં વિશ લિસ્ટમાં રહેલી બાબતો છે. યુ.એસ.એ.ને ટેક્નોલોજી, કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે વધુ મોટું બજાર મળે તેમાં રસ છે. ભારતની મેડિકલ ડિવાઇસિઝને લગતી નીતિ અને ડેટા લોકલાઇઝેશન અને ઇ-કોમર્સનાં ભારતનાં પ્રસ્તાવને યુ.એસ.એ. પાછો ઠેલ્યો છે.
વાટાઘાટો ક્યાં આવીને અટકે છે એ તો વખત આવ્યે જ ખબર પડશે. પરંતુ એ સ્પષ્ટ છે કે બન્ને રાષ્ટ્રોને એકબીજા પાસેથી કંઇક જોઇએ છે. જેની ગરજ વધારે હશે તેનો હાથ વધુ દબાશે અને તેને જ જતું કરવાનું આવશે.
બાય ધી વેઃ
મોદી અને ટ્રમ્પમાં આમ તો કંઇ બહુ ફેર નથી. તેમનો કટ્ટરવાદ, સત્તાભૂખ, મનફાવે એમ બોલવાની આદત બધામાં ઘણી સામ્યતાઓ છે. તેમને લોકશાહીમાં નહીં પણ આપખુદશાહીમાં રસ છે. ભારત અને અમેરિકાના સંબંધો તંગ દોરડાં પર ચાલવા જેવા રહ્યા છે, કોણ કેટલી ઢીલ મુકે છે અને કેટલો હાથ ઝાલે છે તે જે તે સમયના પ્રમુખોની વિચારધારાને આધિન રહ્યું છે. સ્વાર્થ જોનારા પ્રમુખ હોય ત્યારે આ દોરડું તંગ થાય છે કે પછી વાતોનાં વડાં પછી ઠેરનું ઠેર રહે છે એ ૨૦૨૦માં જોવાનું રહ્યું.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2020