Opinion Magazine
Number of visits: 9449077
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકોતેરમે, સાંભળું બોલ વાલમના

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 February 2020

એ પણ એક જાન્યુઆરી હતો, સને ૧૯૩૦નો; અને આ પણ એક જાન્યુઆરી છે, સને ૨૦૨૦નો : આ નેવું વરસના ગાળામાં ૨૬મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસ, આમ તો, સદા સર્વદા રોમહર્ષક જ અનુભવાતો રહ્યો હશે. પણ કેટલીક ૨૬મી જાન્યુઆરી કદાચ વિશેષ સ્ફૂર્તિપ્રદ અને સંકલ્પબદ્ધ અનુભવાઈ છે : ૧૯૩૦, ૧૯૫૦, ૧૯૭૭ અને ૨૦૨૦.

૧૯૨૯માં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં દેશે મુકમ્મલ આઝાદી(પૂર્ણ સ્વરાજ)નો વિધિવત્‌ ઉદ્‌ઘોષ કર્યો અને લડતના શંખધ્વનિ રૂપે ૨૬મી જાન્યુઆરી, ૧૯૩૦ના રોજ દેશભરમાં સ્વાતંત્ર્યદિવસ ઉજવાયો. તે પછી તરતનાં અઠવાડિયાઓમાં આમ આદમીનું મીઠું નજર સામે રાખી દાંડીકૂચનાં મંડાણ થયાં હતાં. લવણ વાસ્તે લડતાં લોકશક્તિનું જે લાવણ્ય પ્રગટ થયું એને સ્વરાજ પછી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ પ્રજાસત્તાકની સ્વીકૃતિ અને અમલ સાથે કેમ જાણે પાંખો ફૂટી. જૂન ૧૯૭૫થી શરૂ થયેલ કટોકટીરાજમાં સન સિત્તોતેરના શરૂનાં અઠવાડિયામાં ચૂંટણીની જાહેરાત થઈ અને કટોકટીરાજ હળવું કરાયું ત્યારે ૧૯૫૦ પછી પૂરાં સત્તાવીસ વરસે દેશજનતાએ એવો જ એક રોમકંપ અનુભવ્યો હતો જેવો આરંભમાં હશે.

૧૯૫૦ના રોમકંપમાં પ્રજાસૂય અને રાજસૂય બેઉ છેડેથી પારસ્પર્ય શો અનુભવ હતો, તો ૧૯૭૭માં સરકારી તામઝામ અને રસમી રાબેતા સામે આમ જનતાની મુક્તિમથામણ ન જાણે કેટલા ધબકારા ચૂકીને પ્રગટ થવા કરતી હતી. અને ૨૦૨૦ ? લાલ કિલ્લાની નિપટ સરકારી ઉજવણી સામે શાહીન બાગની પ્રજાકીય ઉજવણી થકી કેમ જાણે એક જુદું જ પ્રતિમાન અને નવો ઇતિહાસ રચાવાં કરતાં હતાં.

અતિશયોક્તિની સરળસપાટ ટીકા વહોરીને પણ કહેવું જોઈએ કે એકસો દસ વરસ પૂર્વે, મહાભિનિષ્ક્રમણ પૂર્વે તોલ્સ્તોયે જાહેર જીવનનો જે અંતિમ હોઈ શકતો પત્ર ગાંધીને લખ્યો હતો – કે અંધારખંડ આફ્રિકામાં કોક ઓતાડે ખૂણે ટ્રાન્સવાલ પંથકમાં તમે જે નવપ્રસ્થાન(સિવિલ નાફરમાની)નો જગન માંડ્યો છે તે એ વિસ્તારને નવી દુનિયાના કેન્દ્રમાં લાવી મૂકે છે, કાંક એવું જ ૨૦૨૦ના ભારતમાં નવી દિલ્હીનું શાહીન બાગ, કેન્દ્રસ્થ બની રહ્યાની પ્રક્રિયામાં પરખાય છે.

૧૯૨૦માં નાગપુરની વિશેષ કૉંગ્રેસમાં અસહકારનો જે અસાધારણ નિર્ણય, અલબત્ત અહિંસક પણ ઉગ્ર આંદોલનનો, ગાંધીના નેતૃત્વમાં લેવાયો એને બરાબર સો વરસ થવામાં છે. ૧૯૨૦માં કૉંગ્રેસ એના અગાઉનાં અધિવેશનમાં શક્ય નહીં એવો આકરો નિર્ણય લઈ શકી એનું કારણ મવાળ વલણવાળી નેતાગીરી સામે ગાંધીની જહાલ ભૂમિકાને બહુમતી પ્રતિનિધિઓનું જે સમર્થન શક્ય બન્યું તે હતું. આ બહુમતી એ પૂર્વે કદી નહીં એટલી વિશાળ સંખ્યામાં મુસ્લિમ પ્રતિનિધિઓની સામેલગીરી થકી હતી. ખિલાફત આંદોલને ઉદ્યુક્ત કરેલા માહોલમાં આ સક્રિયતા ઉભરી હતી. ખિલાફતનો મુદ્દો દેખીતો ધાર્મિક હતો – પણ તે સાથે, પોતાના વચનભંગને કારણે વાંકમાં મુકાયેલ અંગ્રેજ હુકમરાનો બાબતે તે સામ્રાજ્યવાદ સામેની લડાઈનો પણ હતો. અમેરિકા-કૅનેડા છેડેથી શરૂ થયેલી ગદર હિલચાલે ખિલાફતની લડતને, તે સામ્રાજ્યવાદ સામેની લડત હોવાને ધોરણે ટેકો આપ્યો હતો. અહીં લાંબા ઇતિહાસમાં નહીં જતાં આફ્રિકી પેરેલલ આગળ કરી એટલું જ કહીશું કે કુલી બૅરિસ્ટર એમ.કે. ગાંધીની ઉત્કટ ધર્મખોજે રંગભેદ સામેના નાગરિક સંઘર્ષનું રૂપ લીધું, કંઈક એવું જ ૧૯૨૦માં ધર્મપ્રવણ મુસ્લિમ માનસમાં પણ બની રહ્યું હતું, પણ કમનસીબે, ત્યારે તો એ ઇતિહાસતંતુ છૂટી ગયો હશે પણ આજે નવે રૂપે તે આપણી રાજનીતિને પુનર્નવા એવી ચિરયુવા ભૂમિકાએ મૂકી રહેલો માલૂમ પડે છે. અલીગઢ અને જામિયા મિલિયાના ઘટનાક્રમે પરસ્પરસ્પર્ધી એવા હિંદુમુસ્લિમ કોમી તનાવનું રૂપ નહીં લેતાં દેશભરમાં સહિયારી નાગરિક ઉદ્યુક્તિના જે પ્રભાવક સંકેતો આપ્યા છે તે આ સંદર્ભમાં કાબિલે દાદ છે. એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર, એવી જે એક મુસ્લિમ આવૃત્તિ આપણા દિમાગમાં પેઢાનપેઢી ખરીખોટી રૂઢ થયેલ છે એને બદલે એક હાથમાં બંધારણ અને બીજા હાથમાં તિરંગો, એવું એક નવું ચિત્ર સામે આવી રહ્યું છે. નહીં કે જૂની છાપ તંતોતંત સાચી હતી અગર અક્ષરશઃ ખોટી હતી; પણ ભલે સંમિશ્ર વલણો છતાં એક નવી પેઢી આપણે સામે આવી રહી છે જે બંધારણ અને રાષ્ટ્રધ્વજને આગળ કરી ‘ટુકડે ટુકડે’ થપ્પાને ધરાર એટલે ધરાર ભોંઠો પાડી રહી છે.

આ ઉઠાવમાં મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ યુવાનોની આરંભિક બહુમતી છે એ જો સાચું છે, તો દર ચોથી વ્યક્તિ હિંદુ કે બિનમુસ્લિમ છે એ પણ સાચું છે. ૧૯૭૭માં સંજય બ્રાન્ડ તુર્કમાન શૈલીથી આહત મુસ્લિમોએ લગભગ એકજૂટ ધોરણે ઇંદિરા કૉંગ્રેસ સામે મત આપ્યા હતા અને જનતા પક્ષના અંગભૂત રૂપે જનસંઘને, આમ, મુસ્લિમો ખાસા ફળ્યા હતા. સંજયમાન્ય જગમોહન તેમ જ મેનકા ગાંધી અને વરુણ ગાંધી જનસંઘના નવા અવતાર ભા.જ.પ.માં કિંચિત્‌ સ્થાનમાન પામી શક્યાં હોય તો એનું રહસ્ય કટોકટી કાળમાં સંજય ગાંધીએ જે પરાક્રમો કર્યા એમાં રહેલું છે. આજે નસબંધીનો એ આતંક નથી જે ત્યારે હતો. છતાં, મુસ્લિમો મોટે પાયે ઉદ્યુક્ત થઈને બહાર આવી રહ્યા છે તે સમજવા જેવું છે. કોઈ મુલ્લામોલવી ઢબનું નહીં એવું યુવા નેતૃત્વ ગાંધી અને આંબેડકરને આગળ કરી આપણી સામે આવી રહ્યું છે. મૌલાના આઝાદના યોગદાન બાબતે નવેસર કદરબૂજ અનુભવાય છે. હકીમ અજમલખાનના વિશેષ સહયોગપૂર્વક જામિયા મિલિયાના નિર્માણમાં ગાંધીની કંઈક નિર્ણાયક ભૂમિકા રહી હતી. આજે એ ઇતિહાસ નવેસર કરવટ લેવા કહે છે.

આ નાગરિક ઉઠાવને જેમ એની વિશેષતાઓ તેમ મર્યાદાઓ પણ હશે, બલકે છે. ભા.જ.પ. સત્તારૂઢ થયા પછી મુસ્લિમ હોવાને નાતે જેમને દુય્યમ દરજનનો કંઈક હિંસ્ર અનુભવ (પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ ધોરણે પણ) થયો હશે તે સૌ આ દિવસોમાં પૂરા કદના નાગરિકમાં સ્થપાવા ભણી સક્રિય થઈ રહ્યાનું સમજાય છે. ટેકનિકલ સમજૂતીઓ કે છટકબારીઓથી ઉફરાટે હાલ ઉઠેલી છાપ અને પડેલ જખમ એક એવી લાગણી થકી છે કે ધરમમજહબને ધોરણે નાગરિક નોંધણીમાં ભેદભાવ થકી કોમી ધ્રુવીકરણનું રાજકારણ ખેલાઈ રહ્યું છે. ઑગસ્ટ ૧૯૪૭ પહેલાની કોમી ધ્રુવીકૃત પરિસ્થિતિમાં આપણે મુકાઈ રહ્યા છીએ અને બિનસાંપ્રદાયિક ભારતમાં મજહબને ધોરણે ભેદભાવને કાનૂની રૂપ અપાઈ રહ્યું છે એવી જાડી સમજ અને આળી લાગણીનો એમાં અગ્રહિસ્સો છે. આ લાગણી ‘ઇસ્લામ ખતરે મેં હૈ’ સ્કૂલ કરતાં પૂરા કદના નાગરિક હોવાની બંધારણીય સ્કૂલની વિશેષ નજીક છે. પણ ‘ઇસ્લામ ખતરે મેં’ સ્કૂલને ય અહીં કિંચિત અવકાશ હોઈ શકે છે; કેમ કે ધર્મકોમને ધોરણે થતા ભેદભાવની હિલચાલમાં એને સારુ પૂરતું ખાણદાણ પડેલ છે. જે નવજાગ્રત મુસ્લિમ યુવજનો અને મહિલાઓએ મોરચો સંભાળ્યો છે એમણે આ સંદર્ભમાં વિવેક અને જાગૃતિપૂર્વક કામ લેવું રહેશે. પોતે કોઈ યુરોપીય ખ્રિસ્તી-મુસ્લિમ ક્રુઝેડ નથી લડી રહ્યા પણ નાગરિક ધર્મયુદ્ધ લડી રહ્યા છે એ સ્પષ્ટતા જોઈશે. આ લડાઈ, જરી ક્રુડ રીતે કહીએ તો ઈસ્લામિક સ્ટેટની અલબત્ત નથી તે નથી.

૧૯૯૨ના આંચકા પછી અનિવાર્યપણે આવેલી મુસ્લિમ ઉદ્યુક્તિ વચ્ચે એકાધિક મુસ્લિમ સક્રિયજનોએ એવી સ્પષ્ટતાની કોશિશ અવશ્ય કરેલી છે કે આપણે કોઈ ઝનૂની જીર્ણમતિ લડાઈ લડી નથી રહ્યા. બંધારણીય રિનેસાંસનો જંગ આ તો છે. કોમી મુસ્લિમ અપીલો વચ્ચે અનેક મુસ્લિમોએ આ કહ્યું હશે, પણ પરસ્પરસ્પર્ધી કોમવાદો વચ્ચે એ સંબંધિત કાનોએ નયે પહોંચ્યું હોય. એ વરસોમાં સનડે ઑબ્ઝર્વર એ રવિવારી બ્રોડશીટમાં જાવેદ આનંદ (તીસ્તા સેતલવાડના પતિ હોઈ સ્વાભાવિક જ એક નઠારા જણ) સુધાર ચળવળ બાબતે બિનમજહબી ખુલ્લાપણાથી લખતા તે આ ક્ષણે સાંભરે છે. શાહીન બાગે આવા અવાજોને સારુ ભોંય કેળવી છે એમ માનવું કોને ન ગમે.

દુઃસાધ્ય લાગે પણ અસાધ્ય અવશ્ય નહીં એવું આ વાનું મુસ્લિમ સમુદાયની જેમ જ હિંદુત્વ રાજનીતિના પક્ષધરોએ ય કાળજે ધરવા જેવું છે. ગુજરાતમાં ૨૦૦૨ના ઘટનાક્રમે મુસ્લિમો સારુ અલગ વસાહત જેવી પરિસ્થિતિ ઊભી કરી તે પછી શું બન્યું? સરકારે પોતાની જવાબદારીઓમાંથી હાથ ઊંચા કરી દીધા એટલે આ વસાહતો મજહબી નાણાસ્રોત પર વધુ અવલંબવા લાગી. ધર્મકોમી સંસ્થાઓની સહાય પોતપોતાના સાંકડા વાડાના સંસ્કારો આ નવી વસાહતોમાં ઊછરતી નવી પેઢી પર નાખવા લાગી એવું એક અવલોકન છે. સરકારે જો કાયદાના શાસનપૂર્વક નાગરિક દાયિત્વ નિભાવવાપણું જોયું હોત તો આવી અનવસ્થા ન સરજાઈ હોત.

નાગરિકતા અને રાષ્ટ્રીયતા તેમ જ નાગરિક સમાજને ધોરણે જે એક નવી વાત આ દિવસોમાં બની રહી છે તે એ છે કે સત્તાવાર રાષ્ટ્રવાદનું મેજોરિટેરિયન ચારિત્ર્ય આપણી સમક્ષ આવી રહ્યું છે, અને તે પુનર્વિચાર અને નવવિધાનની શક્યતાઓ ઝંકૃત કરી રહ્યું છે. ધારો કે થોડી સગવડો સુધરે કે સુખાકારી થોડી વધે, કંઈક શિક્ષણનો વ્યાપ વધે એટલું બસ છે. રાજકીય પ્રતિનિધિત્વને ધોરણે સત્તા-સહભાગિતા ન મળે તો ન મળેઃ આવા મનોવલણમાં પોતાનું સમાધાન શોધતા મુસ્લિમ સમુદાયને સારુ સહભાગિતાની ભોંય કેળવાય એ જરૂરી છે. તે વિના એક રાષ્ટ્ર તરીકે આપણે ખોડંગાતા રહીએ તો નવાઈ પામવા જેવું નથી.

વીસમી સદીના છેલ્લા ચરણમાં કટોકટીવાદી કૉંગ્રસની વિકલ્પખોજમાં લોકશાહીની પુનઃપ્રતિષ્ઠાના જનતાકારણ પછી આપણે દેશમાં ઓળખના રાજકારણ તેમ જ મંડલમંદિર પેચપવિત્રાનો, આખર જતાં વિખંડિત જનાદેશ(ફ્રૅક્ચર્ડ મેન્ડેટ)માં પરિણમતો લાંબો દોર જોયો છે. વિકાસના અગર તો સામાજિક ન્યાયના વરખ સોતી મંડલમંદિર રાજનીતિમાં નાગરિક નિર્માણ અગ્રતાક્રમે ક્યાં ય નથી. શાહીન બાગ સાથે શરૂ થયેલો શિશિર દોર જો આ અગ્રતાવિવેકને આત્મસાત્‌ કરી શકે તો તે અવશ્ય વસંતગર્ભા હોવાનો છે.

આ અઘરું હશે પણ અસાધ્ય નથી જ નથી. તમે જુઓ કે મે ૨૦૧૪ પછી એથીયે અદડકી બહુમતી સાથે ભા.જ.પ. સત્તારૂઢ થયો તે પછી એણે પોતાની (સૌના  રાષ્ટ્રવાદની નહીં પણ) મેજોરિટેરિયન રાષ્ટ્રવાદની રાજનીતિને નિઃસંકોચ છૂટો દોર આપ્યો છે. બહુમતી બેઠકો એની પાસે જરૂર છે, પણ મતોની નિર્ણાયક બહુમતી એની પાસે નથી. વાસ્તવિક બેઠકમાં નહીં પરિણમેલી આ મત-બહુમતી તે અંતર દેશવ્યાપી શાહીન બાગ ઉન્મેષો વાટે કાપી રહી છે. રાજ્યો પણ સી.એ.એ.થી છેડો ફાડી રહ્યા છે. આ મુદ્દે એમના બંધારણીય અધિકાર પરત્વે બેમત ચોક્કસ છે. પણ બહુમતી રાષ્ટ્રવાદ અને કેન્દ્રિત સત્તાને ધોરણે મનમુરાદ આગે બઢવાની ફિરાકમાં કો-ઑપરેટિવ ફેડરલિઝમની બડી બડી વાતો બાબતે અલ્વિદા ફરમાવી રહેલા હાકેમો સામે શાહીન બાગથી માંડી રાજ્યોના સી.એ.એ.વિરોધી ઠરાવો અશ્વમેધ યજ્ઞ સામેની લવકુશ ભૂમિકામાં ઉભર્યા છે. એને તમે વિધિવૈચિત્ર્ય કહો કે વિધિવક્રતા, હાથી પર બંધારણની સવારી કાઢવાથી માંડી પાર્લમેન્ટ હાઉસને પગથિયે મથ્થાટેક સરખાં ઉપચારજોણાં બખૂબી ભજવનાર નેતૃત્વ(અને વિચારધારા)ને મળી રહેલા પડકાર બંધારણ સારું સ્થિત પ્રતિષ્ઠ સિવિલ નાફરમાનીની ભૂમિકાએથી છે. વાસ્તવિક બેઠક વંચિત વિશાળ મતદારવર્ગ આ રીતે પોતાની જગા બનાવી રહેલ છે, અને એ સ્તો શિશિર વસંતગર્ભા હોવાના સમય સંકેત છે.

૨૮મી જાન્યુઆરીએ બે શબ્દો પાડી રહ્યો છું ત્યારે સને ૨૦૨૦ની ૩૦મી જાન્યુઆરી જરી નવેસરથી સામે આવવા કરે છે. ખબર નથી, એ કાવ્યપંક્તિ અહીં ટાંકવામાં ઔચિત્યવિવેક કહેવાય કે નહીં. (ભોગ ક્ષેમેન્દ્રના) પણ રાજેન્દ્ર શાહે ઝાઝેરો ધૂમટો તાણી ઉદિયમાન બીજમાંથી પૂર્ણિમા પ્રગટ થઈ રહ્યાનું જે કવિમનીષી કૌતુક કીધું છે, કંઈક એવું જ બની રહ્યું છે. ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરી સાથે શરૂ થયેલી ગાંધી પ્રક્રિયા હવે એની પૂર્ણ પ્રશક્યતાઓ પ્રગટ કરી પણ શકે, એવું લાગે છે. ‘૪૮માં એમના છેલ્લા ઉપવાસ વખતે પાક પંજાબની વિધાનસભામાં લીગી નેતૃત્વે કહ્યું હતું કે આ અનશને અમને અમારે ત્યાંની લઘુમતીઓ તરફની અમારી ફરજ અંગે જાગ્રત કર્યા છે. ૩૦મી જાન્યુઆરીએ ગાંધી ગયા ત્યારે ‘પાકિસ્તાન ટાઈમ્સ’નો અગ્રલેખ હતો કે મતભેદના પ્રસંગો છતાં બધો વખત અમે એ એક બાબતે ચોક્કસ હતા કે ઉપખંડ આખામાં આ એક એવો જણ જરૂર છે જેને સરહદની બંને બાજુએ બધાની ચિંતા છે. સર્વધર્મ પ્રાર્થનામાં સામસામાં જૂથો વચ્ચે કુરાન અનાર ગીતાના સમાવેશ બાબતે જે તે મતાવલંબીઓ તરફથી ગાંધીને વેઠવા પડેલા અવરોધના એ દિવસો હતા. પણ ત્યારે ગાંધી છેડેથી ઓરાયેલાં બીજ આજે ફણગવાં અને શણગવાં કરે છે.

એથી જે બની રહ્યું છે તે એ કે વચલા લાંબા ગાળાની કોમી ધ્રુવીકૃત રાજનીતિ પૂર્વવત્‌ કારગત નયે હોય એવો એક વિશ્વાસ જાગી રહ્યો છે. શાહીન બાગ ઘટના વિશે કેજરીવાલ સંમિશ્ર ધોરણે પેશ આવી રહ્યા છે, પણ નોંધપાત્ર મુદ્દો એ છે કે એ ગવર્નન્સને ધોરણે મત માગી રહ્યા છે. વિકાસનો વેશ ભજવતી કોમી રાજનીતિ એની સામે હાંફતી ને ઘાંધી, રઘવાઈ રઘવાઈ માલૂમ પડે છે. એની હુંકારમુદ્રા જાણે કે કશાક ભયને છુપાવવાની રીતે પ્રગટ થઈ રહી છે. એક પછી એક જે રાજ્યો ભા.જ.પે. મે ૨૦૧૯ પછી ખોયાં છે એમાં કેજરીવાલની અપેક્ષિત દિલ્હી ફતેહશાહીન બાગ ઘટના પરત્વે સલામત અંતરેથી સમર્થનના એના વ્યૂહ સાથે, જે મુદ્દો દર્જ કરાવશે તે એ હશે કે ક્યારેક કૉંગ્રેસનું જે સ્થાન હતું તે લઈ રહેલ જણાતો ભા.જ.પ. પાછો પડી રહેલ છે. શક્યતાઓનો આ માહોલ કૉંગ્રેસ અને ભા.જ.પ. કે બીજા પક્ષોના સીમિત સંદર્ભમાં નહીં જોતાંમૂલવતાં નાગરિક કે બંધારણીય રાષ્ટ્રવાદનાં ઉઘડેલાં અને ઉઘડી શકતાં પાનાંની રીતે વાંચવા જોગ છે.

બને કે મણિલાલ દેસાઈની નાયિકા પેઠે આપણેય ઉંબરે ઊભા વાલમબોલ સાંભળવામાં હોઈએ.

જાન્યુ. ૨૮, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 03, 04 તેમ જ 06

Loading

1 February 2020 admin
← ‘પુનશ્ચ’-માં, ‘a g a i n-‘માં,
નેતા ન લડે તો ભલે ભારત માટે લડવા ભારતીયો ઊભા છે ! →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved