૧૭૫૭ની પ્લાસીની લડાઈ, ૧૭૬૪ની બક્સરની લડાઈ એવી નાનીમોટી ૧૧૧ લડાઈ લડીને અંગ્રેજોએ ભારતનો કબજો કર્યો હતો. ભારતીય શાસકો સાથે અંગ્રેજોએ વિશ્વાસઘાત કર્યો હતો અને ભારતીય શાસકોએ એકબીજા સાથે પણ વિશ્વાસઘાત કર્યા હતા. આમ આવડા મોટા દેશ પર કબજો કરવામાં અંગ્રેજોને કોઈ મોટી અડચણ નહોતી આવી. આમ છતાં હજુ મોટી સંખ્યામાં ભારતીય રાજ્યો બચ્યાં હતાં એનું શું કરવું એ પ્રશ્ન તો હતો જ. અંગ્રેજોએ વિચાર્યું કે ઉપરાઉપર લડાઈઓ કરવા કરતાં ભારતીય શાસકોને જ અંગ્રેજોના ગુલામ શા માટે ન બનાવવા? આમ પણ ભારતના રાજા-મહારાજો અને નવાબો પાસે વિકલ્પ પણ શો છે?
૧૭૮૯માં લોર્ડ માર્ક્વિસ વેલ્સલી કંપની સરકારના ભારતના ગવર્નર તરીકે કલકતામાં આવ્યો. તેણે બીજી ઓકટોબર ૧૮૦૦ની સાલમાં પોતાના મિત્રને લખ્યું હતું કે “તે કંપની બહાદુરના ચરણોમાં બાદશાહતોનો અને મહેસૂલી આવકનો ઢગલો કરી આપશે તે ત્યાં સુધી કે મારા માલિકો ધનથી ઓકરી જાય.”
આ ફરક હતો અંગ્રેજોમાં અને યુરોપિયનો ભારતમાં આવ્યા એ પહેલાનાં શાસકોમાં. શું કર્યું લોર્ડ વેલ્સલીએ? તેણે એક પછી એક ભારતીય રાજાઓ સાથે ‘સબ્સિડિયરી એલાયન્સ’ની સંધીઓ કરવા માંડી. સંધી એવી હતી કે હવે પછી કોઈ રિયાસતે પોતાનું લશ્કર રાખવાની જરૂર નથી. કંપની સરકારે કંપની દ્વારા રક્ષિત થનાર દરેક રિયાસતને બાંયધરી આપી હતી કે જો તમારા પર કોઈ આક્રમણ કરશે તો કંપની સરકાર તમારું રક્ષણ કરશે. આની સામે તમારે કંપનીને દર વરસે ઠરાવેલી રકમ આપવાની. જોતજોતામાં મોટા ભાગના રાજા-મહારાજાઓ અને નવાબોએ રાજી રાજી થઈને કંપની બહાદુર દ્વારા રક્ષિતનું બિરુદ મેળવી લીધું હતું. જે શાસકો નહોતા માન્યા અને આડા ચાલ્યા હતા તેના પર ચડાઈ કરીને તેને ખતમ કરી દેવામાં આવ્યા હતા. એક તો લશ્કર આંચકી લઈને દરેક રાજવીની ખસી કરી નાખી અને ઉપરથી તેમના પર આર્થિક જવાબદારી નાખી એટલે પ્રજા પાસેથી આકરું મહેસૂલ ઉઘરાવીને બદનામ રાજાઓ થાય અને ગજવા અંગ્રેજોનાં ભરાય.
વેલ્સલીએ હાથમાં શસ્ત્ર પણ ઉઠાવ્યા વિના મિત્રને કહેલી વાત સિદ્ધ કરી આપી હતી. આની સામે ભારતના રાજા-મહારાજાઓને બોલતાં મોઢું ભરાઈ જાય એવા ભારે ભરખમ ટાઈટલ આપ્યા હતા અને રિયાસતની સાઈઝ મુજબ તોપોની સલામી આપી હતી. ૨૧, ૧૧, ૯ તોપોની સલામી વગેરે. રાજાઓ તો એટલા પોરસાતા હતા એટલા પોરસાતા હતા કે જેની કોઈ સીમા નહોતી. કાંડા કાપી આપવાની વેદના પણ તેમણે નહોતી અનુભવી. આનું નામ ભારતીય માનસ.
લોર્ડ વેલ્સલી પહેલાં લોર્ડ કોર્નવોલિસ ભારતનો ગવર્નર હતો અને તેણે ખેડૂતોને કાયમી પટ્ટે જમીન ખેડવા આપવાની અને તેની સામે વિઘોટી ઉઘરાવનારી જમીનદારી દાખલ કરી હતી. અમુક હજાર એકર જમીન જમીનદારને આપી દેવાની અને તેની સામે તે કંપની સરકારને નક્કી કરેલી રકમ આપે. જમીનદાર તેને આપવામાં આવેલી જમીન ખેડૂતોને વાવવા આપે અને ઠરાવેલી વિઘોટી ઉઘરાવે, પછી વરસ ગમે તેવું ગયું હોય. રાજાઓની માફક જમીનદારો ભલે બદનામ થાય. આમીર ખાનની ‘લગાન’ ફિલ્મ જોઈ હશે. ‘લગાન’ ફિલ્મનો જમીનદાર તો સંવેદનશીલ હતો, બાકી મોટા ભાગના રાજાઓ અને જમીનદારો અંગ્રેજોને વહાલા થવા પ્રજા પર સિતમ ગુજારતા હતા. ભારતમાં જે ઉપરાઉપર દુકાળ (ફેમીન) પડવા લાગ્યા એનું કારણ કમકમાં આવે એવું શોષણ હતું.
૧૮૪૮માં લોર્ડ ડેલ્હૌઝી ગવર્નર તરીકે આવ્યો હતો. તેની નીતિ એવી કે વધુમાં વધુ પ્રદેશ સીધા જ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બનવો જોઈએ એટલે તેણે ખાલસાની નીતિ અપનાવી હતી. જે રાજવીને સીધો પુરુષ વારસ ન હોય તેને વારસ દત્તક નહીં લેવા દેવો અને રિયાસત ખાલસા કરી નાખવી. આ ઉપરાંત કેટલાક રાજા-મહારાજાઓ પર રાજ કરતાં આવડતું નથી, એવા આરોપ મૂકીને તેમની રિયાસતો અને જાગીરો ખાલસા કરી નાખી હતી. અવધના બાદશાહ વાજીદઅલી શાહનું રાજ્ય આ રીતે આંચકી લેવામાં આવ્યું હતું. સત્યજીત રાયની હિન્દી ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ જોશો તો લોર્ડ ડેલ્હૌસીની નીતિ કેવી હતી એનો ખ્યાલ આવશે. જો ૧૮૫૭નો બળવો ન થયો હોત તો બધાં જ રજવાડા ખતમ થઈ ગયાં હોત અને આખું ભારત બ્રિટિશ ભારત બની ગયું હોત. હકીકતમાં ૧૮૫૭માં બળવો થવા માટેનાં કેટલાંક કારણોમાં એક મુખ્ય કારણ લોર્ડ ડેલ્હૌઝીની રિયાસતો ખાલસા કરવાની ઉતાવળ હતું.
ખેર, ૧૭૫૭માં પ્લાસીની લડાઈ પછીથી ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો રોપાય છે અને ૧૮૦૦ની સાલ બેસતા સુધીમાં તેનો પાયો મજબૂત થઈ ગયો હતો તે ત્યાં સુધી કે ૧૮૦૦ની સાલમાં લોર્ડ વેલ્સલીએ તેના મિત્રને શેખી મારતાં લખ્યું હતું કે “તે કંપની બહાદુરના ચરણોમાં બાદશાહતોનો અને મહેસૂલી આવકનો ઢગલો કરી આપશે તે ત્યાં સુધી કે મારા માલિકો ધનથી ઓકરી જાય.”
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકો જલદી ઓકરે એવા નહોતા. તેમણે શોષણને અને લૂંટને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું હતું કે જેથી આવનારી અનેક પેઢીઓ સુધી કંપનીના શેરહોલ્ડરો કમાઈ શકે. માટે ભારતને સંસ્થાન તરીકે ઓળખવામાં આવે છે અને પેઢી દર પેઢી લૂંટવાની વ્યવસ્થાને સંસ્થાનવાદ તરીકે ઓળખવામાં આવે છે. શોષણ અને લૂંટનું સંસ્થાકીય સ્વરૂપ જગતે પહેલી વાર જોયું અને અનુભવ્યું હતું.
ભારત પર પકડ મજબૂત બનાવ્યા પછી અંગ્રેજોએ ચાર બાબત વિષે નિર્ણય લેવાનો હતો.
૧. ધર્મ. ભારતમાં અનેક ધર્મોમાં માનનારી પ્રજા વસે છે અને અંગ્રેજોનો ધર્મ ઈસાઈ હતો. તેમણે એ પણ જોયું હતું કે ભારતની પ્રજા ધર્મવૈવિધ્ય હોવા છતાં એકંદરે સંપીને રહે છે અને વચ્ચે વચ્ચે ધર્મને નામે ઝઘડે પણ છે. આ જોતાં બ્રિટિશ શાસકોએ ધર્મની બાબતમાં કેવો અભિગમ અપનાવવો એ સવાલ હતો.
૨. ભાષા અને શિક્ષણ. ભારતમાં સેંકડો ભાષાઓ બોલાય છે જેમાંની કેટલીક વિકસિત છે. તેમાં ઘણું સાહિત્ય લખાયું છે અને ભારતનાં બાળકો પોતપોતની ભાષામાં ભણે છે. એ શાળાઓનું સ્વરૂપ અંગ્રેજોએ જેવું પોતાને ત્યાં જોયું હતું એના કરતાં જુદું હતું. મહેતાઓની શાળાઓ હતી જેમાં માત્ર હિંદુ સવર્ણ વર્ગના છોકરાઓ ભણતા હતા અને એમાં પણ છોકરીઓને ભણવાની છૂટ નહોતી. બહુજન સમાજ માટે તો શાળાના દરવાજા બંધ હતા. સૈયદ કે શેખ જેવા ભદ્ર વર્ગના મુસલમાન બાળકો મૌલવીઓના મદરસામાં ભણતા હતા અને ત્યાં પણ મુસ્લિમ બહુજન સમાજના બાળકોને અને દરેક વર્ગની સ્ત્રીઓને ભણાવવામાં નહોતી આવતી. આ ઉપરાંત મહેતાઓની શાળામાં અને મદરસાઓમાં જે શિક્ષણ આપવામાં આવતું હતું એ વધારે ધાર્મિક હતું, થોડું લખી-વાંચી શકે અને ગણતરી કરી શકે એવું વ્યવહારુ ખપ પૂરતું હતું. અંગ્રેજોની દૃષ્ટિએ એ કોઈ શિક્ષણ જ નહોતું.
૩. સામાજિક રીતિરિવાજ. કેટલાક રિવાજ પરંપરાગત હતા અને કેટલાક ધાર્મિક હતા. આમાંના કેટલાક રિવાજ માનવીયતાની એરણે ટકી શકે એવા નહોતા, પરંતુ ભારતીય પ્રજાને એ વાતની નહોતી કોઈ શરમ કે નહોતો રંજ. કોઈ ઊહાપોહ નહોતો. અંગ્રેજોને આ વાત પણ અટપટી અને અસ્વીકાર્ય લાગી હતી.
૪. ન્યાય વ્યવસ્થા. શાસક થયા તો ન્યાય તો તોળવો પડે. ખસી કરી નાખવામાં આવેલી રિયાસતો એક રીતે તેમને માફક આવતી હતી. ન્યાય તોળવાનું કામ રાજવીઓ પોતાની આવડત મુજબ અને પોતાને ત્યાંના સામાજિક-ધાર્મિક રીતિરિવાજ મુજબ કરતા હતા. અંધેર નગરી ને ગંડુ રાજા જેવો ન્યાય તોળાય તો ય આપણા બાપનું શું જાય. પણ જે પ્રદેશ સીધો અંગ્રેજોના કબજામાં હતો ત્યાં શું કરવું? ન્યાય તો તોળવો જ પડે. તો બ્રિટિશ ધારાધોરણો મુજબ તોળવો કે સ્થાનિક ધારાધોરણો મુજબ એ તેમની સામે સવાલ હતો.
તમને એક હકીકત જણાવીશ તો આશ્ચર્ય થશે. ઈ. સ. ૧૮૦૦ની સાલ પછી ભારતના દેશી શાસકોનું શું કરવું એ અંગ્રેજો માટે મોટી ચિંતાનો વિષય નહોતો, ઉપર કહ્યા એ ચાર પ્રશ્નોનું શું કરવું એ મોટી ચિંતાનો વિષય હતો. રિયાસતોની તો ખસી કરી નાખી હતી એટલે થોડા અપવાદ છોડીને કોઈ અવાજ ઉઠાવી શકે એમ નહોતું. આ ચાર પ્રશ્ને અંગ્રેજોએ કેવો અભિગમ અપનાવ્યો હતો તેની વાત હવે પછી.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 જાન્યુઆરી 2020