
રવીન્દ્ર પારેખ
12 જૂન, 2025ની તારીખ ગુજરાત માટે ગોઝારી પુરવાર થઈ છે. બપોરે 1.38 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા ઉપડેલું એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઇનર, ટેક ઓફની ત્રીજી મિનિટે, 1.40 કલાકે, મેઘાણી નગર આઇ.જી.બી. કમ્પાઉન્ડમાં ક્રેશ થઈ ગયું. આ પ્લેનમાં 10 ક્રૂ મેમ્બર્સ સહિત 242 પેસેન્જરો હતા. એમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન મુસાફરો હતા અને કાર્ગો પણ હતું. આ પ્લેનના કેપ્ટન સુમિત સાંભરવાલ હતા અને તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુન્દર હતા. અમદાવાદ એરપોર્ટના રન વે 23 પરથી 1.39 કલાકે ફ્લાઇટના પાઈલટે એ.ટી.સી.(એર ટ્રાફિક કંટ્રોલ)ને મેડે કોલ (ઇમરજન્સી મેસેજ) કર્યો હતો ને પ્લેન થોડી સેકંડોમાં જ ક્રેશ થઈ ગયું હતું. પ્લેન ક્રેશ થવાનો વીડિયો સામે આવ્યો છે. 58,000 લિટર એર ટર્બાઇન ફ્યુઅલ ભરેલું પ્લેન આગનો પ્રચંડ ગોળો થઈને રહેણાંક વિસ્તારમાં પડે તો કોલસો થવામાં શું બાકી રહે તે કહેવાની જરૂર નથી. ધુમાડાનો મોટો પહાડ ખડો થઈ ગયો ને તેણે લગભગ 300 જીવોનો ભડકો કરી દીધો છે.
એરપોર્ટ અને એરલાઇન્સનો સ્ટાફ બ્લેક બોકસ શોધી રહ્યો છે, જેથી આ ભયંકર દુર્ઘટનાનું કારણ જાણી શકાય. એમ લાગે છે કે ટેક ઓફની ત્રીજી મિનિટે પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં દુર્ઘટના ઘટી છે. એમ પણ કહેવાય છે કે ટેકનિકલ ખામી સર્જાતાં પ્લેન ક્રેશ થયું, તો ટેક ઓફ પછી, પ્લેનનાં ટાયર્સ ઇન્સર્ટ (પૈંડા અંદર ન ખેંચાતાં) ન થતાં આ દુર્ઘટના સર્જાઈ છે. ટાયર અંદર ન ખેંચાતાં, મેસ ચાલતું હતું એ બિલ્ડિંગ સાથે અથડાયાં. આ એટલે કહી શકાય કે પ્લેન અથડાયા પછી ટાયર્સ બિલ્ડિંગમાં ફસાયેલાં જોઈ શકાય છે. વ્હીલ પ્લેનની અંદર ખેંચાયું હોત, તો તે બિલ્ડિંગમાં ફસાયેલું જોવા મળ્યું ન હોત ! આ અથડામણ એટલી ભયંકર હતી કે પ્લેનની પાછલી ટેઇલના બે ટુકડા થઈ ગયા. એ સ્થિતિમાં પ્લેન અતુલ્ય નામક ઇન્ટર્ન ડૉક્ટર્સની (ચાર) બિલ્ડિંગોને અથડાયું. રાહતની વાત એ પણ છે કે બાજુમાં જ બીજી 5 માળની બિલ્ડિંગ હતી, ત્યાં ન ટકરાયું. ટકરાયું હોત તો એ PG હોસ્ટેલનાં ઘણા વિદ્યાર્થીઓનો ધુમાડો થઈ ગયો હોત. કમનસીબી એ છે કે પ્લેન 625 ફૂટની ઊંચાઈએ જ હતું ને 400 ફૂટ/મિનિટની ગતિએ તે નીચે આવ્યું. વધુ ઊંચાઈએ હોત તો ક્રૂ મેમ્બર્સને કોઈ નિર્ણય લેવાનો સમય મળ્યો હોત, પણ આ તો ઊડયું તેવું જ પડ્યું, એટલે કોઈ પગલું ભરવાનો સમય જ ન રહ્યો. પ્લેન ઉપડ્યું જ હતું ને દુર્ઘટનાગ્રસ્ત થયું. તેમાં મોટા જથ્થામાં ફયુઅલ હતું, એટલે આગ લાગે તો તે કેવું વિકરાળરૂપ ધારણ કરી શકે તે કલ્પી શકાય એવું છે. દુર્ઘટનાને લીધે આસપાસના રસ્તાઓ બંધ કરી દેવાયા. આખા અમદાવાદની ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ને આર્મીએ મોરચો સંભાળ્યો.
દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને સૌરાષ્ટ્રના અન્ય નેતાઓ પણ મુસાફરી કરી રહ્યા હતા. રૂપાણીના નિકટના સાથી નીતિન ભરદ્વાજના કહેવા મુજબ વિજય રૂપાણી આજે તેમની દીકરીને મળવા લંડન આવવાના હતા ને તેઓ એકલા જ મુસાફરી કરી રહ્યા હતા. કમનસીબે રૂપાણી, તેમની દીકરીને મળે તે પહેલાં જ પ્લેન ક્રેશ થતાં અણધાર્યા મૃત્યુનો ભોગ બન્યા છે. ગુજરાતે ભા.જ.પ.ના પૂર્વ મુખ્ય મંત્રી તો ગુમાવ્યા જ છે, પણ ભા.જ.પ.ના સબળ નેતા ને સફળ કાર્યકર પણ ગુમાવ્યા છે. ભા.જ.પ.ના રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીની X પર અપાયેલી જાણકારી મુજબ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું નિધન થયાની વાત આવી, પણ પછી કશીક શંકાથી એ પોસ્ટ ડિલિટ કરી દેવાઈ. જો કે, વિજય રૂપાણીનુ નિધન થયું હોવાની વાતને મીડિયાએ સમર્થન આપ્યું ને કમનસીબે એ આઘાતજનક વાત સાચી ઠરી.
પ્લેન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડિંગ ઇન્ટર્ન ડોક્ટર્સની હોસ્ટેલ હતી. હોસ્ટેલમાં સાંઠેક ઇન્ટર્ન ડોક્ટર્સ હોવાનો અંદાજ છે ને એ તમામ ડૉક્ટર્સનાં મોત થયાનું કહેવાય છે. પ્લેન અહીં જ પડતાં ડોક્ટર્સ સહિત પેસેન્જર્સ પણ મૃત્યુ પામ્યા છે. એર ઇંડિયાના એ પ્લેનમાં સુરતની સ્મિત હોસ્પિટલના ડૉક્ટર હિતેશ શાહ અને તેમના પત્ની અમિતા શાહ પણ મુસાફરી કરી રહ્યા હતા. બે સિવાય બધાં જ મૃત્યુ પામ્યાં છે, ત્યારે તેમનાં મૃત્યુ પણ સુરતને આઘાત આપનારાં છે. દિલ્હીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવવા નીકળી ગયાના સમાચાર છે. શાહ તો અમદાવાદ પહોંચી પણ ગયા છે. વડોદરાથી એન.ડી.આર.એફ.ની ત્રણ ટીમો રવાના થઈ છે, તો AMCની પણ તમામ ટીમો બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ છે.
પ્લેન ક્રેશ થતાં સ્વજનોની ભાળ કાઢવા સ્વજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચિંતા ભરી પૂછપરછ કરવા ભાગદોડ કરી રહ્યા છે. અસારવા સિવિલમાં મૃતદેહો ખડકાઈ રહ્યા છે ને પોસ્ટમૉર્ટમ રૂમની બહાર બળેલા મૃતદેહોની ગંધ વધી રહી છે. કોલસો થઈ ગયેલા મૃતદેહો અને સ્વજનોનું હૈયાફાટ રુદન કાળજું કંપાવે એવાં છે. એકાએક અમદાવાદ અનાથ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. મૃતદેહોને હવે જૂના ટ્રોમા ખાતે લઈ જવાઈ રહ્યા છે. સી.એમ. ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા છે. ભારતના અને બ્રિટનના પી.એમ.એ X પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડોદરાથી 137 યુનિટ બ્લડ કોલ્ડ બોક્સમાં એમ્બ્યુલન્સ મારફત મોકલી દેવાયું છે. સિવિલના કસોટી ભવનમાં DNA ટેસ્ટ માટે સ્વજનોની લાઇન લાગી છે. મહાનુભાવો મૃતકોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે, અંજલિઓ આપી રહ્યા છે. એરપોર્ટની બધી ફ્લાઇટો બપોરે બંધ કરી દેવામાં આવેલી, તે સાંજે ફરી શરૂ કરી દેવાઈ છે. બધાં બધું જ કરે છે, પણ જાણે કશાનો કોઈ અર્થ ન હોય એવું લાગે છે. અમદાવાદ જ નહીં, ગુજરાત આખું રૂંવે રૂંવે તૂટી, તરડાઈ ગયું હોય તેમ ઉદાસ થઈ ગયું છે.
અમદાવાદમાં તો ખરી જ, ગુજરાતમાં ય ખરી, કદાચ દેશમાં પણ ટેક ઓફની સાથે જ આટલા યાત્રીઓ સાથે પ્લેન ક્રેશ થઈ જાય એ જગતની કદાચ પહેલી ઘટના છે. જો કે, 19 ઓકટોબર, 1988ને રોજ અમદાવાદમાં જ બે કિલોમીટર દૂર ઇંડિયન એર લાઇન્સની ફ્લાઇટ આઇસી-113 ક્રેશ થઈ હતી ને ત્યારે 135માંથી 133 મુસાફરોનાં મોત થયાં હતાં. ત્યારે બેનો બચાવ થયો હતો. આ વખતે 242માંથી 241નાં મૃત્યુ થયાં છે ને એક જ વ્યક્તિ બચી છે. પ્લેન હજી તો ઊડ્યું જ હોય, તેણે અમદાવાદ છોડ્યું પણ ન હોય ને અમદાવાદમાં જ તૂટી પડે એ અત્યંત દુ:ખદ કરુણાંતિકા છે. કેટલાં ય કુટુંબો ખંડિત થયાં હશે, કેટલા ય સંબંધો બંધન મુક્ત થયા હશે, કોઈ રાહ જોતું હશે ને કોઈનું રાહ જોનારું જ નહીં રહ્યું હોય. કોઈ દિયરનાં લગ્નમાં આવ્યું હતું, તો કોઈ દીકરાને મળવા જઈ રહ્યું હતું. કોઈ મહારાષ્ટ્રનુ હતું, તો કોઈ રાજસ્થાનનું ! એ બધાંનો ધુમાડો થઈ ગયો છે ને એણે એટલાં આંસુ જન્માવ્યાં છે કે આયખું ખૂટે, પણ આંસુ ન ખૂટે. એટલું છે કે આ દુર્ઘટનાએ સંભવિત આનંદોલ્લાસને કદી ન ખૂટે એવા આંસુઓમાં ફેરવી દીધો છે.
ન્યૂઝ એજન્સી ANIએ પોલીસ કમિશનર દ્વારા એ માહિતી આપી છે કે એક બ્રિટિશ નાગરિક જ આ દુર્ઘટનામાં બચવા પામ્યો છે. બચી ગયેલ રમેશ વિશ્વાસ ભાલિયા કહે છે કે ટેક ઓફની 30 જ સેકંડમાં ભયંકર અવાજ સાથે પ્લેન ક્રેશ થઈ ગયું. ભાન આવ્યું ત્યારે આજુબાજુમાં લાશો જ લાશો હતી. પ્લેનના ટુકડા ચારે તરફ વેરાયેલા પડ્યા હતા. એ સિવાય 241 લોકો આ દુર્ઘટનામાં માર્યા ગયા છે. એ તો જે મુસાફરો હતા તેમની વાત થઈ, પણ જે વિસ્તારમાં આ પ્લેન પડ્યું, તે રહેણાંક વિસ્તાર હતો ને એના રહેવાસીઓ પણ આગમાં હોમાયા છે. એવા લગભગ 75 માણસો મર્યાનો અંદાજ છે. આટલાં મૃત્યુનો આઘાત નિષ્ઠુર માણસને પણ હચમચાવી નાખે, તો જેનું કોઈ ગયું છે તેની આંખો ખાલી કેમ રહે? અમદાવાદ જ નહીં, આખું ગુજરાત આ આઘાતની બહાર ઈચ્છે તો પણ રહી શકે એમ નથી. એની કળ વળતાં વર્ષો લાગશે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 જૂન 2025