ચંદુ મહેરિયા
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝની જાહેર હિતની અરજી પરના સર્વોચ્ચ અદાલતના ૨૦૧૩ના આદેશથી ઈલેકશન કમિશને નકારનો મત નોટા દાખલ કર્યો છે. ભારતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાના અમલના એક દાયકા પછી તેની સાર્થકતા કેટલી છે તે વિચારણીય બાબત છે.
પી.યુ.સી.એલ.ની મૂળે ૨૦૦૪ની પી.આઈ.એલ.માં જે મતદારોને મતદાન કરવું છે પરંતુ તેમને એક પણ ઉમેદવાર પસંદ નથી તો તેમને વિકલ્પ આપવાની માંગ હતી. ૨૦૦૯માં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની તેમની ઈચ્છાની જાણ કરી અને ૨૦૧૩માં તે અંગે ચુકાદો આપ્યો. નોટા(NOTA) અર્થાત નન ઓફ અબોવ કે આમાંથી કોઈ નહીંનું બટન ઈ.વી.એમ.માં ઉમેદવારોનાં નામોના અંતે દાખલ કરવામાં આવ્યું. ૨૦૧૩ની દિલ્હી, રાજસ્થાન, મિજોરમ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ એ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં નોટાના બટનનો પ્રવેશ થયો તેને આજે દસ વરસો વીતી ચૂક્યાં છે. આજે તો તે ભારતની ચૂંટણીનું મહત્ત્વનું અંગ છે. ૨૦૧૮થી ૨૦૨૨ની છેલ્લાં પાંચ વરસોની લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભારતીય મતદારોએ ૧.૨૯ કરોડ મત નોટાને આપ્યા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કુલ મતદાનમાંથી ૧.૦૮ ટકા, ૨૦૧૯માં ૧.૦૬ ટકા અને ૨૦૨૪માં ૦.૯૯ ટકા મતદારોએ નકારના મત નોટાનું બટન દબાવીને તેમના મતદાન વિસ્તારના તમામ ઉમેદવારોને નકાર્યા હતા. ટકાવારી અને મતની દૃષ્ટિએ એમાં વધારો ઘટાડો થતો રહ્યો છે. ૨૦૧૪માં ૬૦,૦૦,૧૯૭, ૨૦૧૯માં ૬૫,૨૩,૯૭૫ અને ૨૦૨૪માં ૬૩,૪૭,૫૦૯ મતદારોએ નકારના મત નોટાનો ઉપયોગ કર્યો હતો.
૨૦૨૪ની છેલ્લી લોકસભા ચૂંટણીમાં અગાઉના કરતાં નોટાના મત અને ટકા ઘટ્યા છતાં તેની ઉપયોગિતા અને તેના ઉદ્દેશની સાર્થકતા ચર્ચાઈ રહી છે. અગાઉ કોઈ એક મતવિસ્તારમાં ક્યારે ય નહોતા પડ્યા એટલા નોટામાં મત આ વખતે મધ્ય પ્રદેશના ઈન્દોર મતવિસ્તારમાં પડ્યા છે. ઈન્દોરના કાઁગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમ છેલ્લી ઘડીએ ચૂંટણીમાંથી ખસી ગયા અને બી.જે.પી.માં સામેલ થઈ ગયા. તેથી ચૂંટણી એકતરફી અને બી.જે.પી.ની તરફેણની બની ગઈ. કાઁગ્રેસે ઈન્દોરમાં તેના ઉમેદવારની ગેરહાજરીમાં નકારનો મત નોટાનો ઉપયોગ કરવા મતદારોમાં અભિયાન ચલાવ્યું. મતદારોને પણ ભા.જ.પ.ની ચાલ ના ગમી. એટલે ૨,૧૮,૬૭૪ મતદારોએ નોટાનું બટન પસંદ કરી તેમને એકે ય ઉમેદવાર પસંદ ન હોવાનું જણાવ્યું. નોટાના અમલ પછી પહેલીવાર તેને આટલા વિક્રમજનક વોટ એક જ મતવિસ્તારમાં મળ્યા. ઈન્દોરમાં કુલ મતના ૧૬.૭૮ ટકા વોટ નોટાને મળતાં રાજકીય પક્ષોને પણ તેની નોંધ લેવી પડી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી(ઉત્તર પ્રદેશ)માં ૮,૪૭૮ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના મતવિસ્તારો વાયનાડ (કેરળ) અને રાયબરેલી(યુ.પી.)માં અનુક્રમે ૬૯૯૯ અને ૭૮૭૨ મત નોટાને મળ્યા તે પણ નોંધનીય છે.
મતદારો કોઈ પણ ઉમેદવારને તેના પ્રતિનિધિ તરીકે લાયક ન માને, નાપસંદ કરે કે તેને અપાત્ર, અવિશ્વસનીય અને અયોગ્ય માને તે માટે નોટાની વ્યવસ્થા છે. મતદારોને પંચાયતથી પાર્લામેન્ટ સુધી તેના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે પરંતુ આ પ્રતિનિધિની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદગી તો રાજકીય પક્ષો કરે છે અને ઉમેદવાર પસંદગીમાં લોકોનો કોઈ અવાજ હોતો નથી. એટલે રાજકીય પક્ષોએ પસંદ કરેલા ઉમેદવારો સામેની તેની નાપસંદગી તે નકારના મતથી વ્યક્ત કરે છે. મતદારો રાજકીય પક્ષોને નોટા મારફત એવો સંદેશ આપે છે કે અમે કોઈ કરિશ્માઈ રાજકીય નેતાના નામે મત નહીં આપીએ. તમે વીજળીના થાંભલાને ઉમેદવાર ઘોષિત કરશો, કલંકિત, અપરાધી અને બાહુબલીને ટિકિટ આપશો અને અમે આંખો મીંચીને તેને સ્વીકારી લઈશું તેવું માનશો નહીં. નેગિટિવ કે વિરોધના મત નોટા દ્વારા મતદારો ગુપ્ત મતદાનથી ધાક-ધમકી કે ડર વગર પોતાની પસંદગી કરે છે.
નોટાની સાર્થકતા અને નિરર્થકતાની ચર્ચા પણ થવી જોઈએ. એક દાયકાના અનુભવે જણાયું છે કે નોટાને સરેરાશ ૦.૫થી ૧.૫ ટકા મત મળે છે. એટલે તેની વ્યાપક અસર થતી નથી. નોટાના અમલ પછી અપરાધી, બાહુબલી, ભ્રષ્ટ અને કલંકિત ઉમેદવારો ઘટ્યા નથી. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ૩૦ ટકા ઉમેદવારો સામે અપરાધિક કેસો નોંધાયેલા હતા. જ્યારે ૧૪ ટકા સામે ગંભીર ગુના હતા. ૨૦૧૯માં આ બંને પ્રકારના ઉમેદવારો વધીને ૪૩ અને ૨૯ ટકા થયા છે. એટલે નોટાનો કલંકિત ઉમેદવાર સામેના વિરોધનો ઉદ્દેશ ફળીભૂત થયો નથી.
પ્રવર્તતમાન ચૂંટણી કાયદા અને નિયમો પણ નોટાની નિષ્ફળતા માટે જવાબદાર છે. હાલના નિયમ પ્રમાણે ૧૦૦ મતમાંથી જો નોટાને ૯૯ મત મળે અને એક જ મત કોઈ ઉમેદવારને મળે તો પણ નોટા નહીં ઉમેદવાર વિજેતા ગણાય છે. ઈન્દોરમાં ભા.જ.પ.ના ઉમેદવાર પછી સૌથી વધુ મત નોટાને મળ્યા હતા. પરંતુ વિજેતા ઉમેદવારની જીતનું અંતર નોટાના મતથી નહીં ત્રીજા ક્રમના મત મેળવનાર ઉમેદવારથી ગણવામાં આવ્યું છે! તેને લીધે પણ નોટાને મતની બરબાદી ગણવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટમાં પડતર મોટીવેશનલ સ્પીકર શિવ ખેડાની જાહેર હિતની અરજીમાં નોટાને કાલ્પનિક મતદાર માનવાની માંગ સ્વીકારાય તો નોટાની સાર્થકતા આપોઆપ ઊભી થઈ શકે છે. જો એમ થાય તો સુરતની જેમ એક જ ઉમેદવારના કિસ્સામાં તેને બિનહરીફ જાહેર કરવાના બદલે નોટા સામે તેણે ચૂંટણી લડવી પડે. જો નોટાને સૌથી વધુ મત મળે તો પણ તે પછીના ક્રમે મત મેળવનાર ઉમેદવાર વિજેતા બને છે તે અટકી શકે અને લોકોની નોટાની પસંદગી સાર્થક બની રહે.
નોટા અપનાવનાર ભારત વિશ્વનો ચૌદમો દેશ છે. કેનેડા, ફ્રાન્સ, ઈન્ડોનેશિયા, નોર્વે, પેરુ, કોલંબિયા, સ્વીડન, નેપાળ યુક્રેન, બાંગ્લાદેશ, બેલારુસ અને રશિયામાં નકારના મતની જોગવાઈ છે. તે વિભિન્ન નામે ઓળખાય છે. નન ઓફ કેન્ડિડેટ, બ્લેન્ક વોટ, અગેઈન્સ્ટ ઓલ અને નન ઓફ અબોવ જેવા નામે બેલેટ પેપર કે ઈ.વી.એ.માં નકારના મતની વ્યવસ્થા છે.
નોટા મતનો વેડફાટ, મામૂલી ચીજ કે નિરર્થક નથી. બંધારણીય રાહે મળેલા અભિવ્યક્તિના અધિકારનું તે અંગ છે. અસહમતિના અધિકારને વ્યક્ત કરે છે. તેની અસર ધીરે ધીરે વધતી રહેવાની છે અને તે ભારતના લોકતંત્રને મજબૂત કરશે. મતદાનથી વેગળો રહેતો મતદાર આળસુ, હતાશ, બેજવાબદાર અને વ્યસ્ત હોઈ શકે છે પરંતુ નકારનો મત આપનાર મતદાર તે મતદાન નહીં કરીને રાજકારણથી નિરાશ-હતાશ થયેલા મતદાર કરતાં ઘણો જૂદો છે. નોટાને મત આપનારા લોકતંત્રમાં, રાજનીતિમાં અને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ ધરાવે છે. તેની નાપસંદગીને જ્યારે રાજકીય પક્ષો સ્વીકારશે ત્યારે નોટાની સાર્થકતા સમજાશે.
e.mail : maheriyachandu@gmail.com
 
 ગાઝા કલા અને રમતગમતમાં આગળ આવે એ મારું સ્વપ્ન હતું. મને લાગતું કે આ બે બાબત સિવાય બધું ઠીક હતું. પરંતુ બન્યું એવું કે કશું જ ઠીક નહોતું — ના કલા, ના રમતગમત, ના આરોગ્ય, ના સુરક્ષા, બધું સરખું જ હતું.
ગાઝા કલા અને રમતગમતમાં આગળ આવે એ મારું સ્વપ્ન હતું. મને લાગતું કે આ બે બાબત સિવાય બધું ઠીક હતું. પરંતુ બન્યું એવું કે કશું જ ઠીક નહોતું — ના કલા, ના રમતગમત, ના આરોગ્ય, ના સુરક્ષા, બધું સરખું જ હતું.
 કરસનદાસ મૂળજી એટલે 19 મી સદીના એક અગ્રણી સમાજ સુધારક, લેખક, પત્રકાર, અને આજે આપણે જેને સોશિયલ એક્ટિવિસ્ટ કહીએ છીએ એવી એક વિભૂતિ. ૧૮૩૨ના જુલાઈની ૨૫મીએ જન્મ, ૧૮૭૫ ના ઓગસ્ટની ૨૮મીએ અવસાન. પત્રકાર તરીકેની શરૂઆત તેમણે ‘રાસ્ત ગોફતાર’, ‘સ્ત્રીબોધ’, ‘બુદ્ધિવર્ધક’, ‘જ્ઞાન પ્રસારક’ વગેરે ‘ચોપાનિયાં’(સામયિકો માટે એ વખતે વપરાતો શબ્દ)માં લેખો લખવાથી કરી. પણ પછી એમને લાગ્યું કે પોતે જે કહેવા માગે છે, પોતે જે કરવા માંગે છે, તેને માટે પોતાનું ચોપાનિયું હોવું જોઈએ. આ માટેની ધગશ તેમનામાં ભરપૂર પણ આવું મેગેઝીન ચલાવવા માટે જે પૈસા જોઈએ એ તેમની પાસે નહીં. એટલે તેમણે વાત કરી એક નિકટના મિત્ર મંગળદાસ નથુભાઈને. એ જમાના મોટા વેપારી. પછીથી સર પણ બનેલા. પણ ખાસ તો કરસનદાસ જેવા સમાજ સુધારકોના મિત્ર અને તેમને સહાય કરનાર. આ મંગળદાસ નથ્થુભાઈએ આર્થિક જવાબદારી શરૂઆતનાં થોડાંક વર્ષો માટે ઉપાડી લેવાની ખાતરી આપી એટલે કરસનદાસે ૧૮૫૫માં શરૂ કર્યું ‘સત્યપ્રકાશ’ અઠવાડિક. તવારીખની સાચવણી કરવાનું આપણે લગભગ શીખ્યા જ નથી. ૧૮૫૫માં શરૂઆત તો થઈ ‘સત્યપ્રકાશ’ની, પણ કઈ તારીખથી થઈ એ મહેનત કરવા છતાં જાણી શકાયું નથી. મહિપતરામે લખેલા કરસનદાસના જીવનચરિત્રમાં પણ માત્ર વર્ષ આપ્યું છે, તારીખ નહિ. ૧૮૬૧ સુધી સ્વતંત્ર રીતે આ ‘સત્યપ્રકાશ’ ચાલુ હતું અને તે પછી એ ‘રાસ્ત ગોફતાર’ સાથે ભળી ગયું. ‘રાસ્ત ગોફતાર’ અને ‘સત્ય પ્રકાશ’ એ મેગેઝીન ૧૮૬૧થી ૧૯૨૧ સુધી પ્રગટ થતું હતું.

 ખટલો દાખલ કર્યા પછી જદુનાથજી મહારાજે પોતાના એક ખાસ શિષ્યને નાનાભાઈ રાણીના પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે આ તો અમારો હિન્દુઓનો ઝઘડો છે. તમે તો પારસી છો. તમે શું કામ નાહકના કેસમાં હેરાન થાવ છો? તમે એકવાર અમારી પાસે આવીને અમારી મૌખિક માફી માગી લો તો તમારું નામ અમે કેસમાંથી દૂર કરીએ. ત્યારે નાનાભાઈએ પેલા શિષ્યને જવાબ આપ્યો : તમારા મહારાજશ્રી ને કહેજો કે તમે કહો છો તેમ હું તો પારસી છું, હિન્દુ નથી એટલે હિન્દુ ધર્મ શું કહે છે એની મને ખબર નથી. પણ મારો જરથોસ્તી ધર્મ મને મિત્ર દ્રોહ કરવાનું શીખવતો નથી. અને નાનાભાઈ છેવટ સુધી કરસનદાસની સાથે ઊભા રહ્યા. આ કેસ લડવામાં જે કંઈ ખર્ચ થયો એનો અડધો હિસ્સો પણ તેમણે આપ્યો. 19મી સદીના આપણા લેખકો સુધારકો અગ્રણીઓની મનોદશા કેટલી ઉચ્ચ હતી એનો આ એક પુરાવો છે. અને એટલે જરાક ચાતરીને પણ આ વાત અહીં કરી છે.