સુંદર, યુવાન, બુદ્ધિમાન અને સંવેદનશીલ સ્ત્રીને ચાહવામાં એક ગજું જોઈએ. એવી સ્ત્રીને પોતાને પણ કોઈને ચાહવામાં અમુક પ્રકારની સમસ્યાઓ નડે. આક્રમક ઉદયન, શાંત અનિકેત અને દ્વિધાગ્રસ્ત અમૃતા – વ્યક્તિત્વવાદી અને સ્વાતંત્ર્યપ્રેમી આ પાત્રો પ્રેમ કરી શકશે?
‘નારીને ઓળખવામાં પુરુષને રસ ન હતો તેથી તેને એને પરમ રહસ્ય કહીને નવાજી છે. વાસ્તવમાં ગૌરવ કરવાના બહાને એની સત્તાની ઉપેક્ષા કરી છે … શકુંતલાને અનાઘ્રાત પુષ્પ રૂપે જોઇને સૌંદર્યપિપાસુ દુષ્યંતને ભારે ચિંતા થઇ હતી – વિધાતા કોને આનો ભોક્તા બનાવશે?’ પીએચ.ડી. થયેલી, સ્વાતંત્ર્યની ઉપાસક અને આવાં ભાષણ કરતી સુંદર, યુવાન, બુદ્ધિમાન અને સંવેદનશીલ અમૃતાને ચાહવામાં એક ગજું જોઈએ અને એને પોતાને પણ કોઈને ચાહવામાં અમુક પ્રકારની સમસ્યાઓ નડે. છ દાયકા પહેલા આવી અમૃતાને કેન્દ્રમાં રાખીને લખાયેલી પ્રણયકથા કેવી હોય? પ્રસિદ્ધ સર્જક રઘુવીર ચૌધરીને પદ્મશ્રી સન્માન મળ્યું અને વેલેન્ટાઇન ડે નજીક છે આ બંને સંદર્ભમાં આજે એમની કીર્તિદા નવલકથા ‘અમૃતા’નાં પાનાં ખોલીશું.
કાવ્ય, નવલિકા, નવલકથા, એકાંકી, નાટક, વિવેચન, સંપાદન, રેખાચિત્રો, ધર્મચિન્તન, પ્રવાસ જેવા વિવિધ સાહિત્ય-સ્વરૂપોને સામર્થ્યપૂર્વક ખેડનાર રઘુવીર ચૌધરીની સર્જકતાથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ છે. એમની બીજી જ નવલકથા હોવા છતાં ‘અમૃતા’ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામી છે. એની અનેક આવૃત્તિઓ થઇ છે. એ હિન્દીમાં પણ પ્રગટ થઇ છે. પ્રેમ અને સ્વતંત્રતાના નવા આયામો વડે એ આજે પણ યુવાનોને આકર્ષી જાય છે. એની સંસ્કૃતપ્રચુર શૈલી અને દુર્બોધ સંવાદોની થોડી ટીકા થવા છતાં આધુનિક ગુજરાતી નવલકથાઓમાં એનું સ્થાન અવિચળ છે. અજ્ઞેયની ‘નદી કે દ્વીપ’ના આધારે એનું કલેવર ઘડાયું છે.
વાત છે ત્રણ પાત્રોની. અમૃતા, ઉદયન અને અનિકેત. સાહિત્યના અધ્યાપક અને પત્રકાર ઉદયનની અમૃતા સાથેની મૈત્રી દસેક વર્ષ જૂની છે. અમૃતાની કારકિર્દીમાં, કહો કે એના ઘડતરમાં ઉદયનનો મોટો ફાળો છે. વિજ્ઞાનનો અધ્યાપક અનિકેત ઉદયનનો અને હવે અમૃતાનો પણ મિત્ર છે. ત્રણે પોતાના વ્યક્તિત્વથી અત્યંત સભાન અને સ્વતંત્રતાવાદી છે.
અમૃતા પીએચ. ડી. થઈ છે એ નિમિત્તે ત્રણે મળ્યાં છે એ ઘટનાથી નવલકથા શરૂ થાય છે. શરૂઆતના સંવાદોમાં જ લેખક ત્રણે પાત્રોની ઓળખ આપી દે છે. ઉદયન કહે છે, ‘વર્તમાન કદી પૂર્ણ થતો નથી. ભૂત તો મૃત છે.’ અનિકેત માને છે કે ‘વર્તમાન ભ્રમ છે, માણસે વિગતના ટેકે અને અનાગતની પ્રતીક્ષામાં જીવવાનું હોય છે. અમૃતા કહે છે, ‘સમયનું વિભાજન શક્ય નથી. સમય તો શાશ્વત છે.’ ત્રણેના વિચારો જુદી જુદી દિશામાં જતાં હોય એવું પછી પણ વારંવાર બને છે, પણ દોસ્તી અને સ્વાતંત્રતાપ્રેમ ત્રણેને એકબીજા સાથે જોડી રાખે છે. શ્રીમંત પિતાની તેજસ્વી અને સુંદર પુત્રી અમૃતા બે પુરુષો સાથે સ્વસ્થ મૈત્રી રાખી શકે એટલી પરિપક્વ છે, પણ એને મૂંઝવણ તો છે – કોને વરવું? ત્રણ સર્ગમાં વહેંચાયેલી કથાના પહેલા સર્ગ ‘પ્રશ્નાર્થ’માં અમૃતાની આ સ્થિતિ છે.
બીજા સર્ગ ‘પ્રતિભાવ’માં અનિકેત અને ઉદયનનો અમૃતા પ્રત્યેનો ભાવ પ્રગટ થયો છે. અમૃતાના વિકાસમાં મોટો હાથ અને અમૃતા પ્રત્યે ગાઢ પ્રેમ છતાં ઉદયન એની મુગ્ધાવસ્થાનો લાભ ઉઠાવવાથી દૂર રહ્યો છે. એ ઈચ્છે છે કે અમૃતા પરિપક્વ બુદ્ધિથી સ્વેચ્છાએ એને વરે. અમૃતા સામે જ હોય અને સમર્પણ માટે તૈયાર હોય એવી પળો આવી છે, પણ તેણે એને પોતાનાથી પણ રક્ષી છે. એ અનિકેતને કહે છે, ‘હું જાણું છું કે અમૃતાને મારામાંનું કેટલુંક નથી ગમતું. એને ગમું એવો થવામાં મને વાર લાગે એમ નથી, પણ હું છું તેમ જ રહીશ.’ પોતાના વ્યક્તિત્વની એની સભાનતા બીજાનું લોહી કાઢે તેટલી તીક્ષ્ણ છે. પોતાની શક્તિઓથી મળેલો હોય એવો જ વિજય એને ખપે છે.
ઉદયનની પ્રચંડ ગતિ અમૃતાને આકર્ષે છે, પણ એ ગતિ એને દિશાશૂન્ય લાગે છે. અનિકેતના હૃદયની ઉદારતા અને સામાના સ્વાતંત્ર્ય પ્રત્યેનો આદર એને ગમે છે. ઉદયન સાથે અમૃતા સંઘર્ષ અનુભવે છે તો અનિકેત સાથે સંવાદ. ઉદયન આક્રમક છે, અનિકેત શાંત – પણ સત્તામાં કદાચ બંનેને સરખો રસ છે. બંનેમાંથી એકે પોતાને ભૂલીને વિચારી શકતા નથી. અનિકેત-અમૃતા પરસ્પર આકર્ષાયાં છે, પણ બંને પોતાની લાગણીઓ ઉદયનની સાપેક્ષતામાં જ વિચારે છે. અનિકેતને વચ્ચે આવવું નથી તેથી તે સંશોધન માટે રાજસ્થાન ચાલ્યો જાય છે, પણ જતા પહેલા અમૃતાને કહે છે, ‘હું તમને ચાહું છું … મને ખબર છે કે આપણી લાગણીઓ પરસ્પર અનુકૂળ થઈને આગળ વધે અને ભવિષ્યને એક નિશ્ચિત દિશા આપે એવો સંભવ છે. પણ એ પરિણામ મારા માટે વર્જ્ય છે … મને પ્રતીતિ છે કે એ (ઉદયન) તમને ચાહે છે, બલકે વાંછે છે. તમને પ્રાપ્ત ન કરી શકે તો એ ભાંગી જશે.’
આ બાજુ અમૃતાના પરિવારને બે પુરુષો સાથેના અમૃતના સંબંધનો વિરોધ છે. અમૃતા ઘર છોડે છે. થોડો વખત મથવા દીધા પછી ઉદયન એને અનિકેતના ખાલી પડેલા ઘરની ચાવી આપે છે. અનિકેત તેને સ્વીકારી ન શકે અને ઉદયન તેને ભૂલી ન શકે એવાં બે અંતિમો વચ્ચે અમૃતા પોતાનો માર્ગ કેવી રીતે કરશે?
ત્રીજા સર્ગ ‘નિરુત્તર’ની શરૂઆત ઉદયન-અમૃતના સંવાદોથી થાય છે. અમૃતા-અનિકેત વચ્ચેનાં આંદોલનોથી ખળભળી ગયેલો અને તીખાં વિધાનોથી નોકરી ગુમાવી ચૂકેલો ઉદયન દેશમાં થોડું ફરીને પછી જાપાન જવાનો છે. અમૃતા કહે છે, ‘તારા વિના મને કશું દેખાતું ન હતું એ મુગ્ધતાને વીતી ગયે વર્ષો થયાં. આજે મને દેખાય છે કે ધરી વિનાના ચક્રની ગતિએ તું ઘસમસી રહ્યો છે. તારા સંઘર્ષનું લક્ષ્ય છે સંઘર્ષ. મને જીવનમાં ફક્ત ગતિ કે સંઘર્ષ અભિપ્રેત નથી. અનિકેત પોતાની ધરી સાચવી શક્યો છે. એની જેમ મને પણ લાગે છે કે દુનિયા અસુન્દર નથી. મારી વિનંતી છે કે મારા અનિશ્ચયને સમજવાનો તું પ્રયત્ન કર.’ અને એના ખભે હાથ મુકીને કહે છે, ‘જો તને મારી અનિવાર્યતા લાગતી હોય તો કહે, સાથે વીતેલા સમયના દોષે હું મારો ભોગ આપવાનો સંકલ્પ આ સમુદ્રની સાક્ષીએ કરવા તૈયાર છું.’ ઉદયન એનો હાથ તરછોડી દે છે, ‘છટ, દયા ન ખપે મને. હું તારા વિના જીવીશ, અમૃતા! તારા સ્મરણ વિના પણ.’
અને એ પ્રવાસે ઉપડી જાય છે. અમૃતા-અનિકેતનું આત્મમંથન ચાલુ રહે છે. થોડા મહિના પછી કિરણોત્સર્ગની બીમારી લઇ એ પાછો આવે છે. અમૃતાની વરણી સ્પષ્ટ બની જાય છે – હવે એ ઉદયનની છે. અનિકેત પણ કર્તવ્ય પૂરું થયાના ભાવથી રાહત પામે છે. ઉદયનને બચાવવા અમૃતા અને અનિકેત શક્ય તેટલું બધું કરે છે. ઉદયન આ સમજી શક્યો છે, અમૃતાના ખોળામાં માથું મૂકીને રડી લેવાની, પોતે કરેલી અવહેલનાનું પ્રાયશ્ચિત કરવાની તીવ્ર ઈચ્છા છતાં એ નિશ્ચય કરે છે, ‘આજ સુધી જેને સ્વપ્નની જેમ સાચવી હતી તેને બળતી ચિતાનું સૌભાગ્ય સોંપવું પાલવે નહીં.’ એ અમૃતાને દૂર રાખવા તત્પર થાય છે.
આકરી તાવણીમાંથી પસાર થતાં ત્રણે પાત્રોનું ભ્રમ-નિરસન થાય છે – અમૃતાને સ્વતંત્રતાનો મોહ હતો છતાં અંતિમ વરણી એ અનુકંપાથી પ્રેરાઈને કરે છે. ઉદયનને સમજાય છે કે સ્વતંત્ર વ્યક્તિત્વ એ જ ચરમ સત્ય નથી, સંસારમાં બધાં પરસ્પર સંકળાયેલાં છે. અનિકેતને પ્રતીતિ થાય છે કે સાચી નિરપેક્ષતા સિદ્ધ કરવી કેટલી મુશ્કેલ છે.
અમૃતાનું મંથન બીજા કોઈએ કહેલા આ વિધાનથી કેવું સચોટ વર્ણવાયું છે – ‘પર્વતો ઊંચા છે તેથી જ તો નદીઓ એમના તરફથી સમુદ્ર તરફ દોડે છે અને એની લવણતામાં શોષાતી રહે છે …’ પુરુષ અને પ્રેમના વિશ્વમાં સ્ત્રીની આ જ ગતિ છે?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 11 ફેબ્રુઆરી 2024