
રમેશ ઓઝા
માણસનું કદ અને તેની ચરબી જોઇને આપણે માણસની શક્તિ વિષે ધારણા બાંધીએ છીએ. આપણે એ નથી જોતા કે તેનામાં જીગર કેટલી છે, ધીરજ કેટલી છે, વિવેક કરવાની ક્ષમતા કેટલી છે, સંયમ કેટલો છે અને મૂલ્યનિષ્ઠા કેટલી છે. સાચી તાકાત અહીં રહેલી છે. આવું જ રાષ્ટ્ર વિષે. જે તે દેશની તાકાત આર્થિક અને લશ્કરી માપદંડો દ્વારા માપવામાં આવે છે. જો આઠથી દસ ટકા જી.ડી.પી. અને પ્રચંડ લશ્કરી સામર્થ્ય હોય તો એ દેશને મહાસત્તા તરીકે અથવા અસ્તિત્વમાં આવી રહેલી મહાસત્તા તરીકે ઓળખવામાં આવે છે. આવી ઓળખનો કે આવી સંભવિત ઓળખનો આનંદ અનોખો હોય છે. મનોમન પોરસાતા રહીએ અને રાજી થતા રહીએ. આપણે બે દાયકાથી વિશ્વના તાકાતવાન દેશોના નગરનાં દરવાજે પોરસાતા ઊભા છીએ, પણ દરવાજો ખૂલતો નથી.
શા માટે? તાકાત ઓછી પડે છે? કે પછી કોઈ અંદરથી હડસેલી રહ્યું છે અને પ્રવેશવા દેતું નથી? કે પછી કોઈ બહારથી ખેંચી રહ્યું છે અને આગળ જવા દેતું નથી? શા માટે? આ બધાં કારણો તો હશે જ અને છે પણ, પરંતુ એનાથી વધારે નિર્ણાયક કારણો આપણાં પોતાનાં છે. અને આવું માત્ર ભારત સાથે નથી બની રહ્યું; બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા અને એના જેવા બીજા દેશો સાથે પણ બની રહ્યું છે જેને આર્થિક અને લશ્કરી દૃષ્ટિએ મધ્યમ સ્તરનાં તેમ જ બીજી હરોળના દેશો તરીકે ઓળખાવવામાં આવે છે. ચીનનો કિસ્સો અલગ છે. ચીને પ્રચંડ પ્રમાણમાં લશ્કરી અને આર્થિક તાકાત એકઠી કરી હોવા છતાં તે પણ કોઈક બાબતે પાછું પડે છે એ રીતે ચીન પણ દરવાજે જ ઊભું છે.
શા છે એ આંતરિક કારણો?
એ છે માનવીય વિકાસનાં માપદંડો. સામાજિક વિકાસનાં માપદંડો. સાચી ટકોરાબંધ સુખાકારીનાં માપદંડો. જેમ શરીરનું કદ અને ચરબી મહત્ત્વનાં નથી, અંદરની માયલાની તાકાત તેમ જ સંસ્કાર મહત્ત્વનાં છે; એમ જે તે રાષ્ટ્રોનાં જી.ડી.પી. અને લશ્કરી તાકાત મહત્ત્વનાં નથી, લોકોનો કેટલો અને કેવો વિકાસ થયો છે એ મહત્ત્વનું છે. પ્રત્યેક નાગરિકને મળવા જોઈતાં શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગારી, લોકોની ફરિયાદ સાંભળનારું અને તેનો ઈલાજ કરનારું જવાબદાર તેમ જ સંવેદનશીલ રાજ્યતંત્ર વગેરે મહત્ત્વનાં છે. આ માનવીય વિકાસનાં માપદંડો છે. અહીં આ બધા દેશો પાછા પડે છે. યુનોના ૨૦૨૨ની સાલના હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત ૧૯૧ દેશોમાં ૧૩૨માં સ્થાને છે. દક્ષિણ આફ્રિકા ૧૦૯માં સ્થાને છે. બ્રાઝીલ ૮૭માં સ્થાને છે. ચીન ૭૯માં સ્થાને છે. આ બધા દેશો પોતાને ૨૧મી સદીના ટાઈગર સમજે છે, પણ પ્રજાકીય સુખાકારી અને ટકોરાબંધ માનવીય વિકાસમાં ઘણા પાછળ છે. ભારતીય ઉપખંડની વાત કરીએ તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને નેપાળને છોડીને બાકીના બધા જ દેશો ભારત કરતાં આગળ છે.
એક ઉદાહરણ જોઈએ. તાજા અહેવાલ મુજબ કોઈને કોઈ કારણસર શાળાકીય ભણતર અધવચ્ચેથી છોડી દેવાનું પ્રમાણ (સ્કૂલ ડ્રોપઆઉટ) ભારતમાં ૧૨.૬ ટકા છે. ડ્રોઆઉનાં ૫.૧ ટકાના જાગતિક પ્રમાણ કરતાં ઘણું વધારે. આમાં સાત રાજ્યો અગ્રેસર છે જેમાં ક્રમવાર બિહાર, પંજાબ, ગુજરાત (૨૦.૩ ટકા), આસામ, મેઘાલય, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. ગુજરાતમાં દર પાંચમું સંતાન પૂરું ભણતર પામી શકતું નથી.
એક વાત કહું? ભારત જેવા વિકાસશીલ દેશોનાં જી.ડી.પી.માં બેવડો વધારો થયો છે એનું કારણ વેપારમાં વધારો થયો છે એ નથી પણ જેનો વેપાર કરવામાં નહોતો આવતો અને જેનો વેપાર કરવો એને પાપ સમજવામાં આવતું હતું તેનો કરવામાં આવી રહેલો વેપાર છે. શિક્ષણ અને આરોગ્યનો વેપાર કરવામાં નહોતો આવતો. પ્રત્યેક નાગરિકને કિફાયત ભાવે તાર ટપાલ અને ટ્રાન્સપોર્ટ જેવી સેવા પૂરી પાડવી એને સરકાર પોતાની ફરજ સમજતી હતી જે હવે ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને તેનો વેપાર કરાવામાં આવે છે. ટૂંકમાં સેવાને વેપારમાં ફેરવી નાખી એને કારણે જી.ડી.પી.માં ગ્રોથ દેખાય છે.
પણ આનું ઊંધું પરિણામ આવ્યું. માનવીનાં વિકાસમાં સરકારી રોકાણ ઘટી ગયું જેને કારણે ભારત જેવા દેશો હ્યુમન ડેલપમેન્ટ ઇન્ડેક્સમાં ઉપર ચડી શકતા નથી. હ્યુમન ડેલપમેન્ટ ઈન્ડેક્સ વિકસાવવામાં આવ્યો અને વિશ્વદેશોનું રેટિંગ શરૂ થયું ત્યારથી આજ સુધી ભારત ૧૩૦ની નીચે આવી શક્યું નથી. આજે ત્રીસ વર્ષ થવાં આવ્યાં ભારત હતું ત્યાંને ત્યાં જ છે. આનો અર્થ એ થયો કે ભારતનો માનવિય વિકાસ જૂનો કલ્યાણરાજના યુગનો છે અને ત્યાં જ અટકેલો છે. બીજી બાજુ ખાનગી સેક્ટર માનવીની મજબૂરીનો લાભ લે છે. શિક્ષણ અને આરોગ્ય એક એવી જરૂરિયાત છે જેમાં ટકી રહેવા માટે માણસ ખૂવારી વહોરી લેતો હોય છે. ગમે તે ભોગે આપણું સંતાન ભણે અને આગળ વધે અને ગમે તે ભોગે આપણું માણસ બીમારીમાંથી બહાર આવે. મા-બાપની ખુવારી પછી પણ દેશમાં સોમાંથી ૧૨ બાળકોને ભણવાનું પડતું મૂકવું પડે છે.
જેટલા દેશો પોતાને ૨૧મી સદીના ટાઈગર સમજે છે અને હવે પછીનો યુગ આપણો છે એવો દાવો કરે છે એ બધા જ દેશોની માનવીય વિકાસના મોરચે હાલત એક સરખી છે અને એમાં ભારત સૌથી પાછળ છે.
પણ આનો ઉપાય શો? આનો કાયમી ઉપાય બહુ અઘરો છે એટલે આવા બધા દેશોએ આસાન ઉપાય શોધી કાઢ્યો છે. લોકોની નજરે પડે, નેત્ર વિસ્ફારિત થઈ જાય, લોકોને ચકાચોંઘ કરી દે એવાં પ્રોજેક્ટ કે ઉપક્રમ હાથમાં લો. શ્રીમંત દેશોની બરાબરી કરી શકે એવા અત્યાધુનિક એરપોર્ટ, બુલેટ ટ્રેન, મહામાર્ગો, ટનેલ, સ્ટેડિયમ, સ્માર્ટ સીટીઝ વગેરે બાંધો અને લોકો અંજાઈ જાય એવા મેળાવડા કરો. જે ચીજ જોઇને તમે અમેરિકાની શ્રીમંતાઈથી અંજાઈ જાવ છો એ તમને ઘરઆંગણે લાવી આપીએ તો? એનો તમને ખપ નથી, એનો તમે ક્યારે ય ઉપયોગ કરવાના નથી કારણ કે એ તમારા ગજવાને પોસાય એમ નથી, પણ એ છતાં ય તમને એમ લાગે છે કે આપણે અમેરિકાની બરાબરી કરી રહ્યા છીએ.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 18 જૂન 2023
 







 લગભગ પોણા બસો વરસ પહેલાં ફાતિમા શેખ પણ ઘરેઘરે જઈને માબાપોને બાળકોના શિક્ષણનું મહત્ત્વ સમજાવતાં અને તેમને સ્કૂલે મોકલવા વિનંતી કરતાં. આ કામ આસાન નહોતું. તેમને હિંદુ ઉપરાંત મુસ્લિમ રૂઢિચુસ્તોના વિરોધનો સામનો કરવો પડતો હતો. શિક્ષણ મેળવવાથી છોકરીઓ બગડી જશે એમ માનતા સમાજમાં જોતીરાવ-સાવિત્રી-ફાતિમાએ શિક્ષણની એવી તો અલખ જગવી કે બહુ થોડાં વરસોમાં પૂનામાં પાંચ અને તેની બહાર દસ શાળાઓ સ્થાપાઈ. જોતીબા ફુલે વિધવા વિવાહ, કુટુંબના બળાત્કારનો ભોગ બનેલી બાળ વિધવાઓનાં બાળકોને જન્મતાં જ  મારી નાંખવામાંથી ઉગારવા બાળહત્યા પ્રતિબંધક ગૃહ, સ્ત્રીઓને સમાજમાં સમાન સ્થાન અને ખેડૂતોના શોષણ જેવા મુદ્દે જે સમાજ સુધારણાના કામો કરતાં તેમાં  ફાતિમા શેખ પણ જોડાયેલાં હતાં. સાવિત્રીબાઈની દીર્ઘ બીમારી દરમિયાન તેમના કામનો બધો બોજ ફાતિમાના શિરે હતો. આ સમયગાળામાં તેઓ મહાત્મા ફુલે સ્થાપિત એક ક્ન્યા શાળાના આચાર્યા પણ હતાં.
લગભગ પોણા બસો વરસ પહેલાં ફાતિમા શેખ પણ ઘરેઘરે જઈને માબાપોને બાળકોના શિક્ષણનું મહત્ત્વ સમજાવતાં અને તેમને સ્કૂલે મોકલવા વિનંતી કરતાં. આ કામ આસાન નહોતું. તેમને હિંદુ ઉપરાંત મુસ્લિમ રૂઢિચુસ્તોના વિરોધનો સામનો કરવો પડતો હતો. શિક્ષણ મેળવવાથી છોકરીઓ બગડી જશે એમ માનતા સમાજમાં જોતીરાવ-સાવિત્રી-ફાતિમાએ શિક્ષણની એવી તો અલખ જગવી કે બહુ થોડાં વરસોમાં પૂનામાં પાંચ અને તેની બહાર દસ શાળાઓ સ્થાપાઈ. જોતીબા ફુલે વિધવા વિવાહ, કુટુંબના બળાત્કારનો ભોગ બનેલી બાળ વિધવાઓનાં બાળકોને જન્મતાં જ  મારી નાંખવામાંથી ઉગારવા બાળહત્યા પ્રતિબંધક ગૃહ, સ્ત્રીઓને સમાજમાં સમાન સ્થાન અને ખેડૂતોના શોષણ જેવા મુદ્દે જે સમાજ સુધારણાના કામો કરતાં તેમાં  ફાતિમા શેખ પણ જોડાયેલાં હતાં. સાવિત્રીબાઈની દીર્ઘ બીમારી દરમિયાન તેમના કામનો બધો બોજ ફાતિમાના શિરે હતો. આ સમયગાળામાં તેઓ મહાત્મા ફુલે સ્થાપિત એક ક્ન્યા શાળાના આચાર્યા પણ હતાં.