ભારતે વાત બધા સાથે કરવી પડશે પણ કામ કોની સાથે કરવું તે મામલે ચીવટ રાખીને આગળ વધવું પડશે
આજે ૨૦૨૩નો પહેલો દિવસ છે. આમ તો આજે આપણે નવા વર્ષના મિજાજમાં હોઇશું. વળી, આપણામાંને જેટલા પણ વાસ્તવવાદી છે એમને ખબર છે કે આ બધું નવી વહુ નવ દા’ડા જેવો ઘાટ છે, અને પછી જેમનું તેમ બધું ચાલવા માંડશે. આપણી ઘટમાળમાં નક્કી કરેલાં પરિવર્તનો આવે પણ અને કદાચ ન પણ આવે પણ એક વાત ચોક્કસ છે કે કશું અટકવાનું નથી. આપણી આસપાસ બધું દેખીતી રીતે ન બદલાય પણ વૈશ્વિક ફલક પર છેલ્લા એક વર્ષમાં પાસાં સાવ પલટાયા છે. આમ જોવા જઇએ તો આપણે કદાચ એવું ય વિચારીએ કે જે થવાનું હોય એ થાય આપણે કેટલા ટકા? પણ વૈશ્વિક ફલક પર આવતાં પરિવર્તનોની અસર ભલેને લાંબે ગાળે પણ છતાં ય દરેક સુધી પહોંચતી જ હોય છે.
આમ પણ કોરોનાવાઇરસ રોગચાળાએ જ્યારે ૨૦૨૦માં વિશ્વને પોતાના ભરડામાં લીધું ત્યારથી બહુ બધાં સમીકરણો બદલાયાં. રોગચાળો, યુદ્ધ, અર્થતંત્ર એ ત્રણેયે વૈશ્વિક રાજકારણ પર ઘેરી અસર કરી અને જે દેશો સત્તાની દોડમાં મોખરે હતા તે બધા જ આ ત્રણેય પાસાંઓમાં આવેલાં પરિવર્તનોને કારણે કાં તો ધીમા પડ્યા, કાં તો હાંસિયામાં ધકેલાવા માંડ્યા. યુ.એસ.એ., યુરોપ, ચીન, રશિયા અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા દેશો તમામે અણધાર્યા સંજોગો કાં તો ખડા કર્યા કાં તો તે તેનો ભોગ બન્યા. આવામાં વિકાસશીલ દેશ ગણાતા ભારતે મુત્સદ્દીપણાથી વહેવાર રાખવો જરૂરી હતો.
ગયા વર્ષની શરૂઆત જરા ભારે રહી કારણ કે ઓમાઇક્રોને પોતાનો પરચો બતાડ્યો અને બધા રાષ્ટ્રો હજી તેની સાથે ભાંજગડમાં હતા, ત્યાં ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયાના વ્લાદિમીર પુતિને કંઇ એવું કર્યું કે જેનાથી ૨૧ સદીના આધુનિક ઇતિહાસની સંચરના પલટાઇ ગઇ. એક તરફ પુતિને યુક્રેન પર ચઢાઇ કરી અને એના ગણતરીના દિવસો પહેલાં મોસ્કો અને બેઇજિંગે બિનશરતી દ્વિપક્ષીય (Unconditional bilateral relationship) સંબંધોને લગતા સંયુક્ત કરાર પર સહી કરી હતી. આ બન્ને ઘટનાઓએ વૈશ્વિક રાજકારણમાં તાણનો માહોલ ખડો કર્યો. રશિયાએ છેડેલા યુદ્ધને કારણે ખોરાક અને ઊર્જાનાં માર્કેટનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે અને રોગચાળા પછી ભલભલા રાષ્ટ્રોએ આ બન્ને ચીજો માટે મોંઘવારીનો બોજ વેઠવો પડ્યો છે. વળી ચીન જે હંમેશાંથી બધી જ રીતે આક્રમક રાષ્ટ્ર રહ્યું છે એ કોરોના વાઇરસ માટે જવાબદાર ઠેરવાયું અને અત્યારે પણ તે કોરોનાવાઇરસની જંજાળમાંથી બહાર નથી નીકળ્યું. ચીન પર બીજા રાષ્ટ્રોનો ભરોસો ઘટતો ગયો અને આ અવિશ્વાસને પગલે પશ્ચિમી દેશોએ નક્કી કર્યું કે ઉત્પાદનને મામલે તોતિંગ એવા ચીનથી છેટું જ રાખવું પડશે, ચીન પરનો આધાર ઘટાડવા માટે પશ્ચિમી દેશોએ સ્થાનિક બજારો પર ધ્યાન આપ્યું અને ચીનના વિકલ્પો શોધવાનું ચાલુ કર્યું. વળી યુક્રેન પર રશિયાએ ચઢાઇ કરી તે પહેલાં ચીન રશિયા માટે આર્થિક ગેરંટર દેશ હતો પણ ચીનની ઝીરો કોવિડ નીતિ પણ ૨૦૨૨ના વૈશ્વિક સ્લો ડાઉનનું કારણ બની. સત્તા માટે ફેણ પછાડતા રાષ્ટ્રોને કારણે આખા વિશ્વ માટે જે અગત્યનો મુદ્દો હતો – ક્લાઇમેટ ચેન્જ – જેને કારણે દુકાળ અને કુદરતી આફતોનો રાફડો ફાટ્યો – એ વખારે મુકાયો અને આ બધું એ હદે બગડ્યું છે કે આવતું વર્ષ પણ આ જ ગુંચવાડાઓથી ભરેલું હશે.
યુક્રેન સાથેની લડાઇ અને ચીનની આડોડાઇ કંઇ એક માત્ર કારણ તો છે નહીં કારણ કે યમન, ઇથોપિયા, વેનેઝુએલા, પેલેસ્ટાઇન, ઇરાન અને મ્યાન્માર જેવા દેશોમાં માનવતાવાદી અરાજકતાના સંજોગો ખડા થયા. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશોના પોતાના પ્રશ્નો છે – આતંકવાદ, રાજકીય અસ્થિરતા તો જાણે આ રાષ્ટ્રોના સ્થાયી ભાવ બની ગયા છે.
૨૦૨૩માં યુક્રેનને મામલે શાંતિપૂર્ણ વાટાઘાટો થવાના એંધાણ સમિક્ષકોને પાંખા લાગે છે, યુદ્ધો જે ટેબલ ખુરશીની ચર્ચાથી પૂરા થતા હોય છે તે નીતિ આ દસ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આણવા નહીં કામ લાગે. રશિયાને પોતાની જીદ અને જોર છે તો યુક્રેનને પોતાનું સ્વમાન છે. પશ્ચિમ દેશોએ લગાડેલા પ્રતિબંધો છતા રશિયાના જી.ડી.પી.માં ચાર જ ટકા પતન થયું છે, વળી જર્મની, ચીન, ભારત જેવા રાષ્ટ્રો રશિયા પાસેથી તેલ અને કુદરતી ગેસ ખરીદે જ છે. આ પ્રશ્ન ૨૦૨૩ના પૂર્વાર્ધમાં તો ચાલવાનો જ. બીજો મુદ્દો છે ચીન અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધોનો જે આખી દુનિયાના ભવિષ્ય પર અસર કરનાર છે. જો બાઇડન અને શી ઝિનપિંગને તો સંબંધો બગડે નહીં એવી ઇચ્છા છે જે G20 સમિટમાં નવેમ્બરમાં દેખાયું. વૉશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે વહેવાર શરૂ થયો કારણ કે યુ.એસ.એ.ના હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ તાઇવાનની મુલાકાત લીધી જેનાથી ચીનના સામ્યાવાદી નેતૃત્વની ફટકી ગઇ હતી. યુ.એસ. અને ચીન વચ્ચેની સ્પર્ધા ક્યાંક વિખવાદમાં તો નહીં ફેરવાઇ જાય ને? એ તો વખત આવ્યે ખબર પડશે. બે નેતાઓ વચ્ચેની બેઠકથી કંઇ યુ.એસ. અને ચીન દોસ્તાર નથી બની ગયા. શી પણ ચીનમાં કિલ્લેબંધી વાળું નેતૃત્વ ચાહે છે જેમાં પશ્ચિમી દેશોના રોકાણની જરૂર ન પડે અને આ તરફ યુ.એસ.એ. પણ ચીન પર પોતાનું આલંબન ગયા વર્ષ કરતાં ૨૦ ટકા ઘટાડી ચૂક્યો છે. યુરોપિયન યુનિયનને પણ ચીન પર પોતાનો આધાર ઘટાડવો છે. આમ કેનેડા સિવાયના પશ્ચિમી રાષ્ટ્રોને ચીનથી અંતર કરવામાં રસ છે.
આ બધાની સાથે પૂર્વિય રાષ્ટ્રોમાં ચૂંટણીઓ થવાની છે – જેમ કે ટર્કી, ગ્રીસ, સાયપ્રસ. ઇઝરાઇયલ અને પેલેસ્ટિન વચ્ચેનો તણાવ પણ આકરો બનશે. વિશ્વમાં ૧૨,૭૦૫ અણુ શસ્ત્રો છે જેમાંથી ૨,૦૦૦ જેટલા રશિયા અને યુ.એસ. પાસે છે – એમાં પાછા સંજોગો પોતાનો રોલ તો ભજવે જ છે. ઉત્તર કોરિયાએ આઠ ઇન્ટર કોન્ટનેન્ટલ મિસાઇલ ગયા વર્ષે લૉન્ચ કરી અને ૬૦ મિસાઇલનાં પરિક્ષણો કર્યા.
આમ તો આ વાત અહીં અટકે એમ છે જ નહીં પણ હવે ભારતની વાત કરીએ તો ભારતે રાજકીય મુત્સદ્દીપણાને મામલે સુરંગોની બિછાત પર ચાલવાનું છે. આપણે ભલે 2035 સુધીમાં ૧૦ ટ્રિલિયન ડૉલર્સની ઇકોનોમી બનવાના હોઇએ પણ ભારત વૈશ્વિક નેતૃત્વના મંચ પર પોતાનો કેટલો પ્રભાવ પાડી શકશે? ૧૦ ટ્રિલિયનની ઇકોનોમી બની આપણે આર્થિક મહાસત્તાની યાદીમાં ત્રીજા ક્રમાંકે હોઇશું. પણ 2035ને હજી બહુ વાર છે. આવતા વર્ષની વાત કરીએ તો ભારત પાસે છે G20 અને શાંઘાઇ કોપરેશન ઓર્ગેનાઇઝેશનનું (એસ.સી.ઓ.) નેતૃત્વ. ભારત સામે પડકાર છે બધા દેશો સાથે સંવાદ ચાલુ રાખવો, એમાંથી સમાન વિચારધારા ધરાવતા રાષ્ટ્રોને પોતાના ધ્યેયલક્ષી રોકાણો માટે તૈયાર કરવા. ભારતે વાત બધા સાથે કરવી પડશે પણ કામ કોની સાથે કરવું તે મામલે ચીવટ રાખીને આગળ વધવું પડશે. સંઘર્ષથી દૂર રહી, રાષ્ટ્રલક્ષી લાભ મેળવવા ભારતનું ફોકસ છે અને રહેશે. ભારતે ચીન અને રશિયાને મામલે શતરંજની ચતુરાઈ ભરી બાજી ખેલવી પડશે. ભારતે આ સમિટ્સ દરમિયાન એ રીતે સંવાદ સાધવો પડશે કે એવી વિદેશ નીતિ ઘડાય જેનાથી ધાર્યા પરિણામો મળે. ભારતે સહકારની ભાવનાને કેન્દ્રમાં રાખીને વૈશ્વિક રાજકારણની ત્રિરાશીઓ માંડવી પડશે નહિંતર સબ કા સાથ, સબકા વિકાસ વાળી સિદ્ધિ મેળવવી મુશ્કેલ હશે.
બાય ધી વેઃ
મૂળે બધી બબાલ ચીન, રશિયા અને યુ.એસ.એ.ની અમુક તમુક પ્રકારની આડોડાઇને લીધે થઇ છે. આપણે વૈશ્વિક નેતૃત્વનો ચહેરો બનવું હશે તો એક બીજી વાત પણ સાચવવી પડશે કે ખાલી બહારથી બધું ચકાચક હશે તો નહીં ચાલે. આપણા દેશનું આંતરિક બંધારણ મજબૂત હોય, અહીં ધ્રુવીકરણની રાજનીતિ ન ખેલાયા કરે એ પણ જરૂરી બનશે. 2024ની ચૂંટણીમાં જે થશે તેના વૈશ્વિક પ્રત્યાઘાતો પણ પડવાના અને સાહેબે જે રીતે બધું ગોઠવી રાખ્યું છે એ જોતા ભા.જ.પા.ની જીત તો વર્તાય જ છે પણ શું વૈશ્વિક મહાસત્તામાં વાડાબંધી, ધર્માંધતા, ધનિકો જ ધનિક બને વાળી વૃત્તિ હોય તો ચાલે? યુ.એસ.એ.માં આવું બધું લાંબો વખત ચાલ્યું પણ હવે એ પણ મુશ્કેલીમાં છે, આપણને એક દેશ તરીકે બહુ સમય નહીં મળે કારણ કે હવે તો માહિતીના ઉભરામાં બધું બહુ જલદી બહાર પડી જાય છે. આપણું ભવિષ્ય ઉજ્જવળ જ છે પણ વર્તમાનનો સ્થાયીભાવ સમભાવ અને સહિષ્ણુતા હશે તો સોને પે સુહાગા એ ચોક્કસ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 જાન્યુઆરી 2023