જ્યોત ૧૩ : શૈલી અને શૈલીવેડા
સાહિત્યસંસારમાં કેટલીક આયરનીઝ – વક્રતાઓ – જોવા મળે છે. વક્રતાનો અહીં સંકેતાર્થ એ છે કે લેખકે ધાર્યું હોય કંઈ ને એનાથી લખાઈ જાય કંઈ. તો વળી, લેખકે બરાબર લખ્યું હોય પણ વાચકથી જુદું જ સમજાઇ જાય અથવા એ કશું સમજ્યો જ ન હોય.
એવી એક વક્રતા શૈલી અને શૈલીવેડા વિશે છે. લેખકને પાક્કું થઈ ગયું હોય કે પોતાની શૈલી બેજોડ છે, પણ એના વાચકોને લાગે કે આ ભાઈ તો અવારનવાર કારણ વગર શબ્દોથી રમે છે અને આપણને રમાડે છે; વાંચવાની મજા પડે છે, પણ વાંચ્યાનો કશો લાભ જડતો નથી.
વાત બરાબર છે. રાગ મલ્હારનું ગાયન આલાપ ને તાન લગી પ્હૉંચે એ સરસ, પણ વચ્ચે વચ્ચે ગાયકે સૂરે સૂરે પોતાની બિનજરૂરી હોશિયારી બતાવી હોય તો એ ગાયન કંટાળાજનક ‘રાગડો’ લાગે છે. વિધિસરનું નૃત્ય કરવાને સ્થાને નર્તકી જાતજાતનાં નખરાં કરે, ચિત્રવિચિત્ર અંગભંગિઓ કરે, ત્યારે નૃત્ય ‘નાચ’ લાગે છે. સાહિત્યકલામાં પણ, સર્જક એની રચનામાં અનાવશ્યક કંઈ પણ ઘુસાડે છે તો રચના વણસી જાય છે. એની શૈલી શૈલીવેડાની અસર આપે છે. વક્રતા એ છે કે એની એને ખબર જ નથી પડતી !
શૈલી અને શૈલીવેડા વચ્ચેનો ફર્ક સમજવા માટે કોઈ એક કૃતિ લઇને વાત કરવી જોઇએ. પરન્તુ આ જ્યોતમાં એ અર્થે માત્ર ઇશારા કરી શકું છું, તો ક્ષમા કરશો :
હું જો મારાં પાત્રોનાં નામ બોલવામાં કે વાંચવામાં પણ અટપટાં હોય એવાં રાખું તો ચાલે? ના, મેં ચતુરાઈ વાપરી કહેવાશે. વાર્તાવસ્તુ સાથે એ અસંગત અને આગન્તુક ઠરશે.
શિવકુમાર જોશી પાત્રોનાં નામ એવાં પાડે કે આપણે મલકી પડીએ. એ નામો ઘણુંખરું સંસ્કૃત હોય. વાર્તા વાંચતાં આપણને ‘સંભળાય’, સારું લાગે. પણ જિજ્ઞાસુ વાચક એવા કોઇ નામનો અર્થ પકડવા માગે તો એણે કોઈ પણ્ડિતની સહાય લેવી પડે. એક વાર શિવકુમાર કૅમ્પસના નિવાસે મારા અતિથિ હતા. મેં એમને કહ્યું તમારાં પાત્રોનાં નામ અધ્ધર લાગે છે, તો ક્હૅ, સુમનભાઈ, મને મજા પડે છે. મેં કહેલું : હા પણ સામાન્ય વાચકની કજા થાય છે : તો હસવા લાગેલા.
ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’-થી માંડીને લગભગ બધાં જ પાત્રનામ તે પાત્રના ગુણાવગુણ અનુસાર પાડ્યાં છે – લક્ષ્મીનંદન – પ્રમાદધન – ગુણસુંદરી … નામ જ સૂચવી દે કે તેની વ્યક્તિતા કેવીક છે. કથાવસ્તુને એકદમ ઉપયુક્ત ગો.મા.ત્રિ.ની સમગ્ર શૈલીનો વાચકને અણસાર આવી જાય છે.
‘કાચના કબાટમાંથી કાચી કૅરીનું કચુમ્બર’ આપણે બધા કરી ચૂક્યા છીએ. પણ,
‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની’-માં
કવિએ જે વર્ણસગાઇ રચી છે, તે જોતાં આપણને સમજાઈ જાય છે કે કવિ શબ્દાલંકાર પાસેથી પણ કાવ્યોપકારક અલંકૃતિ સરજી શકે છે. એ એમની શૈલીનું નાનકડું દૃષ્ટાન્ત છે.
પણ કાવ્યમાં જો આવી ને આવી વર્ણસગાઈયુક્ત પંક્તિઓ આવ્યા કરે તો પેલી ઉપકારકતાનો વળ છૂટી જાય. પણ રાજેન્દ્રભાઈમાં એવું કદી સંભવે નહીં. બીજી જ પંક્તિ,
‘વિજનપથને ચીલે ચીલે તમિસ્રમહીં ઘન’, ડમણીની મુશ્કેલ દિશા દર્શાવી દે છે, ને પેલી વર્ણસગાઇ સાથે એક અપ્રતિમ કાવ્યાર્થ-સગાઇનું સાયુજ્ય રચાઈ આવે છે.
રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિમાં ઘરેલુ બોલચાલના શબ્દો સાથે એટલા જ અનાયાસ સંસ્કૃત શબ્દોનું સુખદ સમ્મિલન થતું હોય છે. જેમ કે, સુખ્યાત કાવ્ય ‘શ્રાવણી મધ્યાહ્ને’-ની પ્રારમ્ભિક પંક્તિઓ :
‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ
ને શ્રાવણી જલનું વર્ષણ તે ય ક્લાન્ત,
ફોરાં ઝરે દ્રુમથી રહૈ રહી એક એક,
જેવું વિલમ્બિત લયે મૃદુ મન્દ ગાન,
તેવું જ મારું સહજે ઉર સ્પન્દમાન.’
એ સમ્મિશ્ર શૈલીનો પ્રભાવ ક્લેશકર નથી નીવડતો, પૂરેપૂરો રસાનન્દદાયી બની રહે છે. એમની શૈલીનો સઘન અભ્યાસ કરનાર ધન્ય થઈ જાય એવો એમાં જાદુ છે. હું અટકું.
નિબન્ધ, સમીક્ષા કે પત્રકારત્વમાં પ્રયોજાતું ગદ્ય સાફ સીધું અને સરળ હોવું જોઈએ. એવા ગદ્યની ભૂમિકાએ લેખકની શૈલી સંભવે છે ને ઉત્ક્રાન્ત થતી રહે છે. કેટલાક નિબન્ધકારો વિચારો પર વિચારો થોપ્યે જ જાય, મોટા ભાગના વિચારો જાણીતા ને સૅકન્ડ હૅન્ડ હોય, શું મળે? કેટલાક વિવેચકો કારણ વગર પારિભાષિક સંજ્ઞાઓ ઠાંસતા જાય, એકે ય સંજ્ઞાની સમજૂતી ન આપે, શું થાય? કેટલાક પત્રકારો માહિતી જથ્થાબંધ ઠાલવતા હોય, ક્યાંથી લાવ્યા એ ભાગ્યે જ કહે, શું થાય?
પણ જો કોઈ સાહિત્યકાર પત્રકાર હોય તો શું થાય? ધારો કે એક સર્જક વાર્તાકાર છાપામાં કૉલમ લખતો હોય તો શું થાય? હથોટીને કારણે લખાણને ચટપટું તો સરળતાથી કરી શકે. પોતાને આવડતી બધી ભાષાઓના શબ્દોનાં અહીંતહીં છાંટણાં કરતો ચાલે. અપરિચિત શબ્દોની ફટાકડીઓ ફોડતો રહે. સર્જક હોય એટલે એને મુદ્દા પર આવવાની ટેવ ન હોય, કેમ કે એને ડર કે નહિતર બધું બોલકું થઇ જશે – લાઉડ ! પણ એને ભાન ન હોય કે પત્રકારત્વને એવી મભમ સર્જકતા નથી ખપતી. એટલે મુદ્દા પર આવે નહીં, ચાટૂક્તિઓ કરતો જાય, વ્યંગનાં તકલાદી તીર ફૅંકતો રહે. પોતાને જેમાં ફાવટ ન હોય એ સાહિત્યપ્રકારોની ઠેકડી ઉડાડે. પોતે વાર્તાકાર એટલે કવિતાને નકામી ગણે. પોતે સર્જક એટલે વિવેચનને નગણ્ય ગણે. કોઈને ચાતુરીથી ઉતારી પાડે, કોઈને કળ વાપરીને ચડાવે. ટૂંકમાં, જાતભાતનાં તિકડમ્ ને ફાલતુ બાબતોની ભરમાર કરે – ચવચવનો મુરબ્બો જ જોઈ લૉ ! કેટલા ય શબ્દો, વાક્યો, વાક્યોની ગલીકૂંચીઓ, સરેરાશ વાચકને તો પલ્લે જ ન પડે. રાઇટિન્ગ ભાસે ઇન્ટરેસ્ટિન્ગ પણ નોએબલ? જરા ય નહીં !
છતાં પણ એ અને એના વર્ગના અન્યો એટલે ચમકતા રહે છે કે આપણા સાહિત્યમાં શૈલીવિજ્ઞાન પ્રવેશ્યું નથી. એટલે, શૈલીકાર અને શૈલીખોર વચ્ચેનો ફર્ક ચોખ્ખો થયો નથી. વિવેચકોએ અને ખાસ તો અધ્યાપકોએ એ ફર્કને સતત માંજતા-અજવાળતા રહેવું જોઇએ, પણ એ પરત્વે એમનું ધ્યાન ગયું લાગતું નથી.
કોઇ પણ લેખનમાં ચતુરાઈની નહીં પણ હમેશાં જરૂર પડે છે, સચ્ચાઈની. શૈલી આપવડાઇ માટે નથી, જાતપ્રદર્શનનો વિષય નથી. શૈલી તો જાતને એના પૂરા સ્વરૂપમાં દર્શનીય કરી આપે છે, ને સાચા લેખકો એમ પ્રેમથી થવા દે છે.
= = =
(June 12, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()





“બેટીનો નીચલો હોઠ રુદનથી કંપ્યો અને માએ તેને ખોળામાં ઉપાડી લીધી. પછી એવું થયું કે મા એ હોઠ બની ગઈ જે કંપી રહ્યો હતો. બેટીનું માથું ખભા પર રાખીને તેને સહેલાવા ગણગણવા લાગી કે એક મોટો હાથી રાહ જોઈને બેઠો છે કે બેટી આવે, તેની પર સવારી કરે, અને બંને ઝૂમ ઝૂમ કરે, અને પાંદડાં ગુસપુસ કરે છે અને સાંભળ સાંભળ વાર્તાઓ સંભળાવી રહ્યાં છે.