મોંઘવારીનું એવું છે કે એ સનાતન છે. કોઈ પણ કાળમાં એ હતી ને હશે. લોકો ગરીબ હતા ને છે, પણ જીવે છે. ના જીવાય તો મરવાની કોઈને બંધી નથી. કેટલાક મૂરખાઓ મોંઘવારીની બૂમો પાડ્યા કરે છે, પણ એ તરફ બહુ ધ્યાન આપવું નહીં. એમને રડવાની ટેવ પડી ગઈ છે. લોકો દેવું કરીને ઘી પીતા આવ્યા છે ને હજી પીશે. કોઈ ભલો જીવ કોઈ વસ્તુ મફત આપશે તો આ લલ્લુઓ બે માંગશે. આ પછી પણ જેને નથી મળતું, તેને નથી જ મળતું. એ જાણે ન મેળવવા માટે જ છે ! દૂધ-ઘીની નદીઓ વહેતી હતી, ત્યારે પણ કેટલાંક દૂધ-ઘી વગર જ રહ્યાં છે ને હવે મોંઘું મળે છે ત્યારે પણ દૂધ-ઘી વગર જ રહે છે. કેટલાક અળવીતરા લોકો મોંઘવારી માટે લખે-બોલે છે ને સરકારને વારંવાર ભાંડે છે તે બરાબર નથી. એને કેટલાક સરકાર વિરોધી કે દેશદ્રોહી પણ કહી દે છે, પણ આ મૂરખાઓ નથી તો દેશદ્રોહી કે નથી તો કોઈ પક્ષના કે એમ મન મનાવાય કે કૈં નહીં તો વિપક્ષી તો છે ! ચાલો, માની લઈએ કે સરકાર મોંઘવારી વધારે છે, પણ સરકર જ ન હોય તો બિચારી મોંઘવારીનું શું થાય એ તો વિચારો. એ તો સરકાર વગર મરવા જ પડે કે બીજું કૈં? ને એવું નથી કે ભા.જ.પ.ના રાજમાં જ મોંઘવારી છે ! એ અંગ્રેજોના વખતમાં હતી, કાઁગ્રેસનાં રાજમાં હતી ને ભા.જ.પ.ના રાજમાં પણ છે. મોંઘવારી સનાતન છે. તે સરકાર મુજબ બદલાતી રહે છે. સરકાર વિકાસ કરે તો મોંઘવારી વિકસ્યા વગર થોડી જ રહેવાની હતી ! સરકાર એટલે જ મોંઘવારી, એવું કોઈ પણ સરકાર માટે જોયા વગર જ કહી શકાય. જો કે, લોકોને મોંઘવારી બહુ નડતી નથી. તેનું કારણ છે. લોકોનો સ્વભાવ વેઠવાનો છે. કુંભાર ગધેડા પર બોજ મૂકતો જ જાય છે ને ત્યાં સુધી મૂકે છે જ્યાં સુધી તે ભૂંકતો નથી. જો ગધેડો ભૂંકતો હોય તો લોકોને તો અવાજ છે. સરકારને ખબર છે કે લોકો નથી બોલતા એનો અર્થ જ એ કે હજી તેઓ ઘણું ખમી શકે એમ છે.
આટલું દુશાસન, સોરી, સુશાસન ચાલતું હોય ને કેટલાક વિરોધીઓ મોંઘવારીની મેથી મારીને સરકારને બદનામ કર્યા કરે એ ઠીક નથી. સરકાર પણ વેઠાય ત્યાં સુધી એવાં તત્ત્વોને વેઠે છે ને લાગ મળે છે તો તંત્રો એનો ય ઘડો લાડવો કરી જ નાખે છે. આવાં તત્ત્વોએ સમજવું જોઈએ કે સરકાર હોય ને મોંઘવારી ન વધારે તો વિપક્ષોનો કારભાર કેમ ચાલશે? ખરેખર તો વિપક્ષોને ટકાવવા નાછૂટકે સરકારે બધું મોંઘું કરવું પડે છે. અત્યારે જે સરકારમાં છે એમને, વિપક્ષમાં હતા, ત્યારે અડધા ભાવે મળતું દૂધ મોંઘું લાગતું હતું, હવે નથી લાગતું, કારણ સંસદની કેન્ટીનમાં મફતના ભાવે હોજરી ભરવાની સગવડ સાંસદો માટે છે જ, સૌથી વધારે ગરીબ તો એ લોકો છે જેમનું પેટ સંસદની કેન્ટીન ભરે છે. એમની સગવડ સચવાતી હોય તો પેટ્રોલ હજાર રૂપિયે લિટર વેચાય તો ય શો ફરક પડે છે?
– ને ગરીબો કેન્ટીનમાં જ છે એવું ક્યાં છે? એ તો દેશ આખામાં ભર્યા પડ્યા છે. એમની હોજરી પણ કોઈને કોઈ રીતે ભરાય તો છે જ, પછી એ બૂમ શું કામ પાડે? સાચું તો એ છે કે મોંઘવારી વિપક્ષને ને એને વિષે બૂમો પડ્યા કરતાં થોડા મગતરાંને જ લાગે છે, બાકી મોંઘવારી જેવું ખાસ કશું છે જ નહીં. એક ટુચકો છે. એક સાંકડા રસ્તેથી સ્મશાનયાત્રા જઈ રહી હતી, ત્યાં એક સ્પીડમાં આવતો બાઇક સવાર સીધો શબ સાથે અથડાયો ને શબ નીચે પડ્યું. ડાઘુઓ આ ઘટનાથી ખૂબ ગુસ્સે થયા ને પેલા બાઈકસવારને મારવા લીધો તો પેલો સામે ચોંટયો – જેને વાગ્યું તે તો કૈં બોલતો નથી, તો તમે કેમ ઊછળો છો? તો આ વાત છે. જેને નડે છે તે ચૂપ છે ને બાકીના એનો બચાવ કરનારા અમથા જ કૂદ્યા કરે છે.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 117થી મોંઘું પેટ્રોલ વેચાય છે, પણ એક પણ પંપ મોંઘવારીને કારણે બંધ નથી થયો. માત્ર ગુજરાતની વાત કરીએ તો નવરાત્રિના દિવસોમાં જ 39,000 ટુવ્હીલર ને 14,000 કારનું વેચાણ થયું છે. એ પણ જવા દો, માત્ર દશેરાને દિવસે જ 19,500 ટુ વ્હીલર ને 6,800 કારનું વેચાણ રાજ્યમાં થયું છે. પેટ્રોલ મોંઘું લાગતું હોય તો આટલાં વાહનો ઉપડે ખરાં? કેવી રીતે કહેવાય કે પેટ્રોલ-ડિઝલ મોંઘું છે? ધારો કે મોંઘું હોય ને તેની અસર પડતી હોય તો પણ, જેને વાગે છે તે જ જો વેઠી લે છે તો બીજાએ એનો બચાવ શું કામ કરવો જોઈએ? ને કોઈ વેઠતું હોય એવું પણ નથી લાગતું, કારણ પેટ્રોલ જ નહીં, ઘણું બધું ગજવે ઘાલવાની ક્ષમતા લોકોની છે જ ! તો એ તો રાજી થવા જેવું છેને કે દેશનો નાગરિક ગમે તેમ કરીને, ખરીદવાની શક્તિ ધરાવે છે. એ શક્તિ કેવી રીતે આવી એ આપણે જોવાનું નથી. જોવાનું એ છે કે ગમે તેને વેતરીને એ પગભર તો થયો છે !
આપણે એ પણ સમજી લેવાનું રહે કે મોંઘવારી તેજી સાથે જોડાય છે. આમ તો કેવળ સુરત જ જગતમાં એવું શહેર છે જ્યાં મીઠાઈનો તહેવાર ઉજવાય છે. શરદપૂનમ બધે ઉજવાય છે, પણ ચંદની પડવો કે ઘારી પડવો સુરતની જ ખાસિયત છે. કોઈ પણ સુરતી આ ઉત્સવ ચૂકતો નથી. ઘારી દોઢ લાખ કિલો ને ભૂસું 30,000 કિલો આ શહેરમાં ખપશે ને એ પછી પણ ક્યાંક ઘારી, ભૂસું ખૂટી પડે તો નવાઈ નહીં ! આ ઘારી સસ્તી છે એવું નથી. ગયા વર્ષ કરતાં આ વર્ષે, ઘારીનો ભાવ કિલોએ 60થી 70 રૂપિયા વધ્યો છે, તો એક જ વર્ષમાં તેલ 1,200 રૂપિયા વધ્યું છે, એ બોજ ભૂસાં પર 50 રૂપિયા સુધીનો વધારો, કિલોએ દેખાડે એમ બને. વેપારીઓને આશા છે કે આ વખતે ધંધો સારો થશે, મતલબ કે લોકો ઘારી-ભૂસું સારાં એવાં પ્રમાણમાં ઝાપટશે.
સોના ચાંદી મોંઘાં જ હોય, પણ તેથી કૈં ઉપાડ ઘટી જતો નથી. 2021 સુધીમાં સેન્સેકસ 70,000ની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આમ તો રાવણ એક જ હતો, પણ રાવણ કરતાં ય બદતર લોકો મોંઘવારીનો, ક્રોધનો, અનીતિનો એમ ઘણાં રાવણો પેદા કરે છે ને તેનું દહન લોકો મોજથી કરે છે, પણ મોંઘવારીનાં રાવણનું કોઈ દહન કરે તો પોલીસ પકડે પણ ખરી. વિવેકાનંદ બ્રિજ પાસે મોંઘવારીનાં રાવણનું દહન કરવા જતાં પોલીસે પંદર કાઁગ્રેસીઓની અટકાયત કરી. એમને એમ હશે, કે દહન કરવાવાળાં અમે બેઠાં છીએ તો આ નવા ક્યાંથી ફૂટી નીકળ્યા? ગેસના સિલિન્ડરનો ભાવ ન વધે તો આઘાત લાગે, તેમાં નવો સુધારો એવો આવ્યો કે સિલિન્ડરમાં એકથી ચાર કિલો ગેસ ઓછો નીકળ્યો, પણ પ્રજા સમજુ છે. એ તો સિલિન્ડર ખૂલતું નહીં હોય, નહિતર બધો ગેસ ભૂલમાં આવી ગયો છે એવું કહીને, તે પાછો આપીને ખાલી સિલિન્ડર ઘરે લઈ આવે એમ બને. દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં 50 હજાર ટન ખાતરનો ઉપયોગ થાય છે, એમાં 50 કિલોએ 265નો ભાવ વધ્યો છે. એને લીધે 20 ટન ખેતપેદાશ પર 55 રૂપિયા ખર્ચ વધે એમ બને. બીજી તરફ કોલસાની અછતને કારણે વાપી જી.આઇ.ડી.સી.ની 40માંથી 5 પેપર મિલે પ્રોડકશન બંધ કરવું પડ્યું એવી વાત પણ છે. ઓઇલના વધતાં ભાવ અને કોલસાની અછતને કારણે સ્ટીલનું ઉત્પાદન પણ જોખમમાં મુકાયું છે, પણ એવું બધું તો ચાલ્યા જ કરવાનું. સરકાર તે ચૂંટણી લડે કે બધું સસ્તું કરવા બેસે? બહુ બહુ તો એટલું થાય કે ચૂંટણી સુધી મોંઘવારી મોકૂફ રહે. એ પણ થોડા મત પડે એટલે ! બાકી આવાં કામ માટે વખત જ કોને છે?
આમ તો મોંઘવારીથી ઘણાંને બહુ ફેર નથી પડતો, પણ જેમને પડે છે એવાં 31 નવજાત શિશુઓ દર હજારે છે, જે પોષણક્ષમ ખોરાકને અભાવે જીવી નથી શકતાં. એમને જીવવાનો અધિકાર ખરો કે કેમ? એમને કૈં બહુ જોઈએ છે એવું નથી. એમને ખોરાક જોઈએ છે ને મળતો નથી. કોઈ એમની તરફ જુએ કે કેમ એ જન્મીને મરવા પડે છે, તો ય ઘણું ! એમને બધું મળે છે ને એમણે લેવું નથી એવું નથી. એમને તમારું 117 રૂપિયે લિટરનું પેટ્રોલ નથી જોઈતું, નથી જોઈતી એને 800 રૂપિયે કિલોની ઘારી, કે નથી માંગ્યા એણે અંબાણી-અદાણીના આવાસ, એને જોઈએ છે થોડા કોળિયા ! એને એટલો હક ખરો કે કેમ? એક તરફ સરકારી રાહે ભૂમિપૂજન, ખાતમુહૂર્ત, લોકાર્પણ થતાં રહે છે, ભલે થાય, પણ પેલી 31 નવજાત લાશો તરફ પણ નજર જાય એટલી અપેક્ષા તો રહે ને! એમની વાત પહોંચાડવા કેટલાક મૂરખાઓ પ્રયત્ન કરતાં રહે છે ને ભલે કોઈ સાંભળે કે ન સાંભળે, એણે તો બકવાસ કરતા જ રહેવાનું છે, લાગે તો તીર નહીં તો …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઑક્ટોબર 2021
![]()


આજે [10 ઑક્ટોબર 2021] વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે. ૨૦૧૭માં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના કોન્વોકેશનમાં કહ્યું હતું કે ભારતમાં માનસિક આરોગ્યની મહામારીનો ખતરો છે. વિશ્વ આરોગ્ય સંગઠને ભારતને વિશ્વનો ‘સૌથી ડિપ્રેસ દેશ’ ઘોષિત કરેલો છે. તેણે અંદાજ આપેલો છે કે ભારતમાં સાતમાંથી એક વ્યક્તિનું માનસિક આરોગ્ય નબળું છે. અનેક અભ્યાસ પરથી આવેલા તારણ અનુસાર, ભારતમાં ૧૦ ટકા વસ્તી એવી બીમારીઓથી પીડાય છે જેને નિષ્ણાતની મદદની જરૂર છે. ભારતમાં માનસિક આરોગ્યને લઈને જાગૃતિની એટલી અછત છે કે ૧૩૬ કરોડ લોકોના દેશમાં ૯,૦૦૦ સાઈકિયાટ્રીસ્ટ અને ૨,૦૦૦ ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ છે, જ્યારે જરૂર છે ૩૦,૦૦૦ સાઈકિયાટ્રીસ્ટ અને ૩૮,૦૦૦ સાઇકોલોજિસ્ટની.