= = = = ઈન્ટરનેટયુગમાં બ્રોકન કૉમ્યુનિકેશન ફુવડવેડા ગણાય. બાકી, કેટલું આસાન છે ! ક્લિક્ વારમાં ‘ઓકે’ ‘લાઇક’ કે ‘સ્માઇલિ’ મોકલીને સામાને તમે તરત જ કમ્ફર્ટેબલ કરી શકો છો = = = =
= = = = માનવસમ્બન્ધોમાં મહામૂલો સમ્બન્ધ પ્રેમસમ્બન્ધ છે. એ વિધાનમાં મારે એમ ઉમેરવું રહે છે કે પ્રેમી જોડે બેવફાઈ સૂક્ષ્મ સ્વરૂપનું પાપ છે = = = =
સ્વિચ ઑન કરીએ ને લાઇટ થાય એ ક્ષણ લગીનો વીજપ્રવાહ એકદમ સુસંગત હતો એમ કહી શકાય. કેમ કે એ પ્રવાહને રૂંધે એવો ક્યાં ય કશો અવરોધ કે અન્તરાય ન્હૉતો.
સુસંગતતા, અંગ્રેજીમાં, કન્સિસ્ટન્સી.
સમ્બન્ધોમાં પણ સુસંગતતા વીજપ્રવાહ જેવી હોવી જોઈશે, અસ્ખલિત. નહિતર સમ્બન્ધ અને સમ્બન્ધથી રચાયેલું આખું બધું ખોરવાઈ જશે.
અમારો દૂધવાળો, વતનમાં, આગળના વરસોની વાત છે, એ જમાનામાં જેને ‘ખડી જેવું’ ક્હૅતા એ દૂધ, પાછું ખૂબ સફેદ – કેમ કે પાણી પધરાવ્યા વિનાનું હોય – રોજ સવારે નિયત સમયે અચૂક આપી જતો. કોઈ વાર એની વહુને મોકલતો. પોતાના ઘરેથી ઘરાકોને ત્યાં ઝડપી ચાલે ચાલતા પ્હૉંચવાની એની તડામારી અને જે તે ઘરાકની તપેલીમાં લગવા પ્રમાણેનું, માપસરનું, ન ઓછું, ન વત્તું, રેડવાની એની કુનેહ આકર્ષક હતી. અને એ બધાં પાછળ એની એક નક્કી નીતિરીતિ હતી. મતલબ, પોતાના ધંધામાં એ સુસંગત હતો.
અમારી કામવાળી છોકરી બહુ ઉતાવળથી કચરાપોતાં કરતી. મેં એક વાર કહ્યું, સાવરણી તું બહુ ઝડપમાં ન ચલાવે તો કેવું? તો કહે, એ મારી સ્ટાઈલ છે, સાહેબ. હું હસી પડેલો.
સમ્બન્ધિત વ્યક્તિ જોડે સ્ટાઈલ બની જાય, હળવા-મળવાની ટેવ પડી જાય, હૅબિટ, ઘરેડ, રૂટિન, એ સુસંગતતા છે. એથી ઘડી-બે-ઘડી સાથે સરળ જીવ્યાનો અહેસાસ રહે છે. બાકી, ટેવથી જડ જીવન સારું નહીં પણ સમ્બન્ધોમાં ટેવો સારી કહેવાય.
બ્રોકન કૉમ્યુનિકેશન : Picture Courtesy : GeneSix Balance Counselling, PLLC
એટલા માટે કે એમ કરતાં કરતાં સમ્બન્ધને માટેની નિસબત ઊભી થાય છે, અને એ નિસબત છેવટે તો માનવીય લાગવા માંડે છે …
પણ સુસંગતતા કેટલાયે લોકોમાં નથી જોવા મળતી.
મિસ્ટર રામે ગઈ કાલે પ્રૉમિસ કર્યું હોય ને આજે મિસ રમાને કહે કે રમા, મારાથી એ કામ નહીં થાય, એટલું તો ઠીક, પણ મૂંગામન્તર થઈ જાય ! કેમ કે, રામ ખરા, પણ વચન માટે પ્રાણ ગુમાવે એવા થોડા? આજકાલ લોકો ફિલ્મો જોઈને, ‘પ્રૉમિસ, માય ડીયર, પ્રૉમિસ’ બોલતા થઈ ગયા છે. ફિલ્મમાં નાયિકાને નાયક જરૂર એમ ક્હૅતો હોય, કેમ કે એમના ડાયલોગમાં આવતું હોય.
કેટલાક માણસો વાયદાબાજ હોય છે – એ અર્થમાં કહું છું કે વાયદો કરે પણ પાળે નહીં. પ્રેમીઓમાં વાયદાનું બહુ મૂલ્ય હોય છે. વફાદારીની કસોટી સમજો. યુવકે કહ્યું હોય – સિક્સપીઍમ. એ ઘડીથી યુવતીનું વૉચ એ વાયદા પર પ્હૉંચી ગયું હોય છે. જ્યારે જુએ ત્યારે એમાં એને સિક્સપીઍમ દેખાય. મનથી તો કેટલીયે વાર કાયમના સ્થળે – લૉ ગાર્ડનના એ ઝાડ નીચે – બેસી આવી હોય. આથી વધારે સુસંગત શું હોઈ શકે? માણસો વાયદાબાજ હોય, પણ પ્રેમીઓ નહીં. કોઈ મળી આવે, તો એને પ્રેમી ન ગણવો.
માનવસમ્બન્ધોમાં મહામૂલો સમ્બન્ધ પ્રેમસમ્બન્ધ છે. એ વિધાનમાં મારે એમ ઉમેરવું રહે છે કે પ્રેમી જોડે બેવફાઈ સૂક્ષ્મ સ્વરૂપનું પાપ છે.
બૌદ્ધિકોમાંના અમુક બહુ સુંસગત લાગતા હોય છે. કારણ એ કે બીજાઓ સાથેના એમના વ્યવહારો મોટે ભાગે ગિવ ઍન્ડ ટેકના હોય છે. જોઈતું મળી જાય, ટેક થઈ જાય, એટલે સમ્બન્ધિતને એટલા પૂરતો ગિવ અપ કરી દે. એઓ બિલકુલ સુસંગત અનુભવાય ! સવારથી માંડીને રાતે પથારીમાં સૂવા પડે વગેરે લગીની પ્રાયોરિટી પણ નક્કી રાખતા હોય છે ને એ ટાઈમટેબલને અનુસરીને જીવતા હોય છે. એટલે પત્નીને તેમ જ સન્તાનોને પણ સુખદ ને સુસંગત અનુભવાતા હોય છે.
તમે એ અમુકોને નાનકડી ફરિયાદ કરો તો ભૉંઠા પડો કેમ કે એમની પાસે આર્ગ્યુમૅન્ટ્સ બહુ હોય. તમારી પાસે સામા આર્ગ્યુમૅન્ટ્સ કરવાની ત્રેવડ જોઈએ. ઘણી વાર તો તમારે પણ એમના જેવા થવું પડે. જેમ કે, કેટલીક વાર તેઓ પૂરા સૅલ્ફિશ કે સૅલ્ફસૅન્ટર્ડ લાગે તો પણ તમારે એમના જેવા સૉફિસ્ટિકેટેડ થઈને ‘યુ આર રાઇટ, યુ આર ડુઇન્ગ ગ્રેટ’ જેવું બોલ્યા કરવું જરૂરી બની જાય છે.
વાત એમ છે કે એમની આ સુસંગતતાની નીચે એમની અંગતતાનો દોરીસંચાર હોય છે. એમની અંગતતા કુણ્ડળી માંડીને બેઠી હોય છે. અંગત નુક્સાન થતું જણાય કે ફાયદો થતો જણાય, તરત બદલાઈ જતા હોય છે. સામાન્ય દાખલો – તમારી સાથેનો ચાલુ ફોન કાપી નાખે કેમ કે ફાયદાકારક બીજાનો આવ્યો હોય. તમે કર્યો હોય પણ ઉપાડે નહીં કેમ કે નુક્સાન થવાનું હોય. તમારા ચૅટિન્ગને અનુત્તર રાખે, મીન્સ, પડી રહેવા દે. વગેરે.
કેટલાયે, કહેવાતા બૌદ્ધિકો કૉમ્યુનિકેશનને કમ્પ્લિટ કરતા જ નથી. તમે લખ્યું હોય – ઓકે, ફૉર ધૅટ, સી યુ નૅક્સ્ટ – પણ તમારું એ વાક્ય સૂકાઈ જાય ને દિવસો લગી લબડ્યા કરે. ઈન્ટરનેટયુગમાં એવું બ્રોકન કૉમ્યુનિકેશન ફુવડવેડા ગણાય. બાકી, કેટલું આસાન છે ! ક્લિક્ વારમાં ‘ઓકે’ ‘લાઇક’ કે ‘સ્માઇલિ’ મોકલીને સામાને તમે તરત જ કમ્ફર્ટેબલ કરી શકો છો ! ‘ઇમોજી’ની સગવડ તો બન્ને છેડે અસરકારક નીવડે છે. કશો ફોડ પાડ્યા વિના ઍક્સપ્રેસ થવાય ને સામાવાળો ઝાઝી તકલીફ વિના કૉમ્યુનિકેટ થઈ જાય. એ ખરું કે ઍક્સ્પ્રેસ થનારો ચતુર હોય છે, સામાવાળો લાચાર ઝીલણહાર …
એવાઓ પાસે કાયમી જવાબ હોય છે – ટૂ મચ બિઝી, ભૂલી ગયો’તો, શું કરું … એમની પાસે ‘સૉરિ’ અને ‘થૅન્ક્સ’-ની સુવિકસિત સૂઝબૂઝ હોય છે. સુવિકસિત એ રીતે કે બધા પાસેથી ‘થૅન્ક્સ’ સાંભળવાનું એમને ગમતું હોય છે, પણ કોઈને ‘સૉરિ’ કહેવાનું નથી ગમતું. આ પરત્વે તેઓ હમેશાં સુસંગત અનુભવાય છે. એ લોકો જૂઠું અને સાચું બન્ને કરે છે પણ સામેના સમ્બન્ધિતને જૂઠું સાચું લાગે છે અને સાચું જૂઠું. જાતરક્ષણ માટેનું એ લોકો પાસે એક હથિયાર હાથવગું હોય છે – આઈ ડોન્ટ કૅઅર ! સમ્બન્ધિતને આમે ય કનેક્શન લૂઝ અનુભવાતું હોય છે, એ હથિયારથી તો એ બાપડો હતપ્રભ થઈને ઢળી પડે છે.
સવાલ સમ્બન્ધને માટેની માનવીય નિસબતનો છે.
હું હમેશાં પ્રયત્ન કરીને નિસબતની સુસંગતતા સચવાય એમ જીવું છું. તેમ છતાં, બૌદ્ધિક લાગતો હોઉં અને ક્યારે ય કિંચિત્ પણ ‘આવો સુસંગત’ અનુભવાયો હોઉં, તો માફ કરવા વિનન્તી. એ પ્રકારે કનેક્શન બે ઘડી માટે પણ લૂઝ થઈ જાય એ મને પાલવતું નથી …
= = =
(April 12, 2021: USA)