જીવન પીડા છે, સાહિત્યસર્જન આશ્વાસન.
માનવજીવન અસંગત છે, ઍબ્સર્ડ, એવું જ્ઞાન આલ્બેર કામૂને થયું તેમાં કશી નવાઈ નથી. લોકમાનસમાં તો સદીઓથી છપાયેલું જ છે કે બધું માયા છે, મિથ્યા છે, જીવન નિ:સાર છે, સંસાર અસાર છે.
‘મહાભારત’-કાર વ્યાસે તો અસારત્વને બરાબરનું જાણ્યું છે ને એથી શું થાય, શું નીપજે, તે પણ જણાવ્યું છે. કહ્યું છે : યથા યથા વિ પર્યતે લોકતન્ત્રમ્ અસારત્વ, તથા તથા વિરાગો અત્ર જાયતે, ન તત્ર સંશય …
આપણા સૌનો અનુભવ છે કે જનજીવનમાં કે આપણા પોતાના જીવનમાં બધું ઊધુંછતું થવા માંડે, તળેઉપર થવા માંડે, પાયા હચમચી જાય, એટલે આપણે ધબૂસ થઈને બેસી પડીએ છીએ. ચિત્તમાં સૂનકાર છવાઈ જાય. જીવનરસ સૂકાવા લાગે. વૈરાગ્ય જન્મે. આપણને થાય, અહીં કશું છે નહીં, ચાલો ક્યાંક જતા રહીએ …
આ કોરોનાકાળે થઈ રહેલાં સંખ્યાબંધ મૃત્યુથી અનેકોના ચિત્તમાં અસારત્વ અને વૈરાગ્યના ભાવ જન્મ્યા છે.
પણ આ વિકરાળ પરિસ્થિતિ સામે કેટલીક વ્યક્તિઓ હાથ જોડીને બેસી નથી રહેતી. પોતાની સર્જકતાને કામે લગાડે છે. આપણે જોઈએ છીએ કે, પ્રવર્તમાન વિભીષિકાની સાથોસાથ, સાહિત્ય અને અન્ય કલાઓમાં પુષ્કળ સર્જન થઈ રહ્યાં છે. સામાન્ય વાત છે પણ જુઓ ને, રોજે રોજ સંખ્યાબંધ જોક્સ અને અર્થબોધ કરાવનારાં ઑડીઓ વિડીઓનાં ફૉરવર્ડ્ઝ અત્રતત્ર સર્વત્ર પ્રસર્યા જ કરે છે. એમાં મૂળ સર્જક કે પ્રોડ્યુસરનાં નામ પણ નથી હોતાં. એટલે હું તો એને કોરોનાકાળનું લોકસાહિત્ય કહું છું. આપણા મોહન પરમારે ‘કાલપાશ’ નવલકથા પ્રકાશિત કરી છે. રીષભ મહેતા અને એમનાં પત્ની લગભગ રોજ ગાયનવાદન કરે છે. બીજાઓ પણ ઘણુંક સરજી રહ્યા છે.
જાત-અલગાવ સ્વીકારીને જીવતા વિશ્વભરના કલાકારો કંઈ ને કંઈ સરજી રહ્યા છે. ચોપાસ માનવીય સર્જકતાની લીલા જોવા મળે છે. એક દૃષ્ટાન્ત આપું : CNN અમેરિકાની સુખ્યાત ન્યૂઝ ચૅનલ છે. વચગાળામાં, એણે દુનિયાનાં વિવિધ શ્હૅરોમાં વસતા ૯ કલાકારોને મૌલિક સર્જન કરવા કહેલું – એવાં સર્જન, જેમાં સામ્પ્રત પરિસ્થતિ ઝિલાઈ હોય. ચિત્ર અને શિલ્પમાં વધારે કલાકૃતિઓ સરજાઈ હતી. એ કલાકારોએ ભાવ-પ્રતિભાવ વ્યક્ત કર્યા : કોઈ કલાકારને સર્જનની એ તક વિરલ વરદાન લાગી. કોઈએ કહ્યું – આવા સમયે જ લોકોમાં રહેલું શુભ પ્રકાશે છે. કોઈએ મૅસેજ આપ્યો – આપણે સૌએ એકમેકની સાથે પ્રેમથી જીવતાં શીખવાનું છે. વગેરે.

Picture Courtesy : CNN
વૈશ્વિક પરિસ્થિતિ દુ:સ્વપ્ન જેવી, પણ માણસ રીઢો સ્વપ્નદૃષ્ટા છે, એટલે આવાં સર્જનાત્મક સપનાં આકારીને દુ:ખોનો નાશ કરે છે. ઘોર નિરાશા વચ્ચે કલાની સત્તા પ્રગટી રહી છે. એવી તકો પ્રગટી રહી છે કે માણસને જીવન નિ:સાર ન લાગે. સંગતિ તેમ જ અર્થવત્તાની અનુભૂતિ થાય. આશાનાં વાદળ બંધાવા લાગ્યાં છે. બને કે નજીકના ભવિષ્યમાં વરસે ને શારીરિક, ભૌતિક તેમ જ આધ્યાત્મિક ઠંડક અનુભવાય. એવા એક વાદળનું નામ છે વૅક્સીન … અને વૅક્સીન પણ મહામૂલું સર્જન જ છે …
વ્યાસ પોતે કૌરવો-પાણ્ડવોના જ નહીં પણ એ કાળના દુ:ખદાયી મનુષ્યજીવનને બચાવી લેવા માગતા’તા. ‘મહાભારત’-ની રચના પાછળના એમના એ ઉદ્દેશ વિશે જેટલું વિચારીએ, ઓછું પડવાનું. શું વ્યાસ, પાણ્ડવોનો ‘વિજય’ અને કૌરવોનો ‘પરાજય’ જ દર્શાવે છે? ના. મનુષ્યજીવનમાં યુદ્ધ ભયાનક દુર્ઘટનાવલિ છે એટલું જ દર્શાવે છે? ના. વ્યાસ એમ પણ સૂચવે છે કે યુદ્ધ તો મનુષ્યના ચિત્તમાં વસે છે. સતવાદી યુધિષ્ઠિર માટે જ સ્વર્ગનાં દ્વાર ખૂલે? હા, પણ સત્યમય જીવન પોતે જ સ્વર્ગીય છે.
અને સાંભળો, મહાભારત યુદ્ધ પછી હસ્તિનાપુરની ગાદી સંભાળતા પેલા પરીક્ષિતનું ૭ દિવસમાં મૉત થવાનું હતું, પણ એ ‘શ્રીમદ્ ભાગવત’-ના શબ્દશ્રવણથી બચી ગયો. શબ્દ સંજીવની છે. શાપ ઋષિએ આપેલો, શાપ ટળ્યો પણ ઋષિવાણીથી. ઋષિઓ અને કલાકારો ક્રાન્તદૃષ્ટા હોય છે, ભવિતવ્યને જોઈ શકે …
મારું મન્તવ્ય છે કે જીવન અને સર્જન વચ્ચે ગર્ભિત સમ્બન્ધ છે. દુ:ખોને સર્જક નીરખે, અનુભવે, ને પછી પોતાની સર્જકતાએ કરીને તેનું નિરસન કરે. જીવન જો પીડા છે, તો સાહિત્ય અને કલાઓનાં સર્જન તેનાં રસિકડાં આશ્વાસન છે. સમજો, કુદરતે અસારત્વ સરજ્યું, તો માણસે સારત્વ … કદાચ બધો સાર અસારતાની નીચે છુપાયેલો હતો … સર્જકતાએ શોધી કાઢ્યો …
= = =
(January 18, 2021: USA)
![]()


ગઈ સદીના છઠ્ઠા દાયકામાં, કૉલેજમાં ભણતા હતા ત્યારે, ૧૯૬૪-૬૫ દરમિયાન, ત્યારે જ થોડા સમય પહેલાં (૧૯૬૧માં) ખૂલેલી સરકારી લાઈબ્રેરીમાં રોજ જવાનો ક્રમ હતો. વાંચવાનો ગાંડો શોખ. તેમાં પાછી એક નવી લાઇબ્રેરી ખૂલી હતી. એક એક કબાટ નવાં તાજાં પુસ્તકોથી છલકાતો હતો. પુસ્તકોમાંથી સુગંધ આવે. તે શરૂ થયાના સમયથી થોડા જ સમય પછી તેના સભ્ય થઈ ગયેલ અને દરરોજનાં બે પુસ્તક વાંચવાનો લહાવો લેતો હતો. દરરોજ બપોરે લાઇબ્રેરી ખૂલે કે અમે બે મિત્રો બારણાં પાસે જ ઊભા હોઈએ. પટાવાળો પ્રવેશે તે પહેલાં અમે દોડીને અંદર ઘુસી જતા અને કબાટ પાસે ઊભા રહી ઝીણી આંખે પુસ્તકોનાં નામ વાંચવાનો પ્રયાસ કરતા. પછી કબાટ પાસે જ ઊભા રહી એક પુસ્તક પૂરું કરતા અને બીજું ઘેર વાંચવા માટે લઈ લેતા. પછી વાચનાલયમાં જતા અને સામે પડેલ અનેક વૈવિધ્યસભર મૅગેઝિનો પર નજર કરતાં જ ઘોડા જેમ હણહણી ઊઠતા અને દોડીને એક ખુરશી પર બેસી જઈ ત્યાં પડેલ મૅગેઝિન વાંચવાનું શરૂ કરી દેતા. છેક સાંજે સાડા છ વાગ્યે લાઇબ્રેરી બંધ થાય ત્યારે સૌથી છેલ્લા બહાર નીકળતા. પાછા બીજા દિવસે હાજર. અને કયાં મૅગેઝિન વાંચતા, તે બાબતે અમે સેક્યુલર હતા. બધામાં રસ હતો. એટલે ‘નવનીત’ કે ‘કુમાર’ જેવાં તો વાંચીએ જ, પણ સાથે મુસ્લિમોનું ‘આબેહયાત’ કે કોઈ ખેતીવાડીનું મૅગેઝિન કે શ્રી અરવિંદ આશ્રમનાં બે અઘરાં મૅગેઝિનો ‘દક્ષિણા’ કે ‘મધર ઇન્ડિયા’માં પણ માથું મારતા. ટૂંકમાં, અમે બધાં જ મૅગેઝિનો, સમજાય કે ન સમજાય, વાંચતા. નોકરી શરૂ કરી ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેલ.
૧૯૬૮-૬૯ આસપાસ તેમનું પ્રથમ હિન્દી પુસ્તક પ્રકાશિત થયું : ‘સંભોગ સે સમાધિ તક.’ ડરતાં ડરતાં હાથમાં લીધું, પણ વાંચતો ગયો તેમતેમ નાચતો ગયો. લીટીએ લીટી કલ્પનાતીત સૌંદર્યથી છલકાયેલી. પછી તો તે અન્ય મિત્રોને પણ વાંચવા કહ્યું. અરે, ત્યારના વિદ્યાર્થીઓને પણ વંચાવ્યું. બધાએ વધાવ્યું. હું સંગીત શીખતો હતો તે ગુરુને પણ વંચાવ્યું. તે તો વાંચી તરત તેમના શિબિરમાં નારગોલ ચાલ્યા ગયા અને સંન્યાસી થઈને જ આવ્યા. ’૬૯-‘૭૦માં અલિયાબાડામાં બી.એડ્. કરવા ગયા, ત્યારે ગાંધીશતાબ્દી નિમિતે તેમનાં પ્રવચનો વાંચ્યાં. ગાંધીની વિરુદ્ધ લખતા. છતાં ગમતાં. ૧૯૭૦માં, અમારી પરીક્ષાને ચાર દિવસ બાકી હતા ત્યારે રાજકોટમાં પ્રવચનાર્થે આવ્યા. વાંચ્યું કે ડોલી ઊઠયા કે વાહ ! દર્શન કરવા મળશે. કૉલેજના આચાર્યની વિરુદ્ધ જઈ સાંભળવા ગયા અને ધન્ય થઈ પાછા આવ્યા. પછી તો સંગીતગુરુએ જે નવું પુસ્તક પ્રકાશિત થાય તે મંગાવવાનું શરૂ કર્યું. તેમની પાસે આવે ત્યારે રેપર જ હું ખોલું અને પ્રથમ હું જ વાંચું. તેઓ પ્રેમથી વાંચવા આપે. આમ એક પછી એક પુસ્તક વંચાતાં ગયાં, તેમના મય થવાતું ગયું. તેમના વિચારો લોહીમાં પ્રવેશી ગયા. અજ્ઞાતપણે ગુરુ બની ગયા. અલબત્ત, સંન્યાસી તો ન જ બન્યો. તેમનાં લગભગ પુસ્તકો ૭૦-૮૦ના દાયકામાં વંચાઈ ગયાં. પછી તો તે વિવાદી બનતા ગયા. તેમના પ્રત્યે વિરોધ વધતો ગયો. છતાં મારા લેખોમાં તેમનો પ્રચાર હું ખુલ્લી રીતે કરતો. ક્યારેક જોખમનો સામનો પણ કરવો પડતો. પણ અનેક મિત્રોને તે વાંચતા કર્યા. પછી ધીમે-ધીમે છૂટતા ગયા. તેમનાં પ્રવચનો પણ ઘટતાં ગયાં. તે અમેરિકા ચાલ્યા ગયા. તે ગૌણ બનતા ગયા. અલબત્ત, આદર અક્ષુણ્ણ રહ્યો. તેમના નિમિત્તે બીજા પણ અનેક વિચારકોનો પરિચય થયો.
કદાચ ત્યાં વાત અટકી જાત, પણ થોડા સમય પહેલાં એક છાપામાં પુસ્તક રિવ્યૂમાં અચાનક એક પુસ્તક પર નજર પડી. નામ ‘નથિંગ ટુ લૂઝ.’ જોયું તો મા શીલાનું ચરિત્ર હતું. ફરી જિજ્ઞાસા સળવળી ઊઠી. થયું કે સંભવ છે, આમાં કશુંક નવું જાણવા મળે જે આશાસ્પદ હોય. એટલે મિત્ર દ્વારા તરત મંગાવી લીધી અને આવતાંવેત વાંચવાનું પણ શરૂ કરી દીધું. પણ ફરી જેમજેમ વાંચતો ગયો, તેમ વધારે ને વધારે પરસેવો વળતો ગયો. આદરનો મહેલ કડકભૂસ થઈ ગયો ..