ચૂપચાપ કામ કરતો એક ઓલિઓ જીવ ચૂપચાપ સરકી ગયો …
ઝવેરચંદ મેઘાણીની પ્રજ્ઞા જેમાં તંતોતંત ઊતરી … પણ જેમણે મેઘાણીપુત્ર તરીકે વારસામાં મળેલા સન્માનનો ક્યારે ય લાભ ન લીધો એવા એક વિનમ્ર સાધુજન જયંતભાઈના પ્રથમ દર્શનનો લાભ ભાવનગરના વિદ્યાતીર્થ ‘પ્રસાર’ મુકામે મારા ગુરુજન દર્શનાબહેન ધોળકિયા સાથે મળેલો … ‘પ્રસાર’ના એક આછા પ્રકાશવાળા ખંડમાં પ્રજ્ઞાથી ચમકતું એમના વદનનું એ પ્રથમ દર્શન આજે પણ આંખોમાં અકબંધ છે.
સાહિત્ય, સંગીત અને ચિત્ર સાથે જાણે તેમને નાળ સંબંધ ! સુંદરમ્ની કવિતા 'રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને …..'માં નાયક નાયિકા તેમની પ્રસ્તુતિથી પ્રભાવિત થયેલા ને કશુંક માંગી લેવા કહેતા રાજાને સાંભળી જે રીતે કોઈ પણ અપેક્ષા વિના પોતાની મસ્તીમાં ગાયા વગાડ્યા કરે છે … એમ જયંતભાઈએ આજીવન ગાયા વગાડ્યા કર્યું. કલાઉપાસનનો હેતુ માત્ર નિજાનંદ છે એ એમણે જીવી બતાવ્યું.
સદા ય હળવા સ્મિતથી છલકાતો એમનો રૂપકડો ચહેરો, ઓછા પણ મીઠા શબ્દોમાં વહેતું એમનું વાત્સલ્ય ને એવો જ કોમળ વ્યવહારે તેમને ગૃહસ્થ સાધુના રૂપમાં મારા હૃદયમાં સદાય માટે અંકિત કરી દીધાં છે, જ્યાંથી તેઓ ક્યારે ય જઈ નહિ શકે.
આચાર્ય વિજયશીલચંદ્રસૂરિની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મુકામે 'જ્ઞાનની બારી'ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે પધારેલા જયંતભાઈનો મારે પરિચય આપવાનો હતો. મને મૃદુ સ્વરે એમણે કહેલું કે, 'હું ઝવેરચંદ મેઘાણીનો પુત્ર છું એવું તમે જાહેરમાં કહેશો નહિ …. આ રીતે પરિચય આપતાં લોકોનો આદર ખૂબ વધી જાય જેને લાયક હું હજુ બન્યો નથી. માટે માત્ર જયંત મેઘાણી એટલા ઉલ્લેખથી જ તમારી વાત સંકેલો એવું ઈચ્છીશ.' આ એક જ અનુભવે મને એમની સામે નતમસ્તક કરી દીધેલો.
એકાદ બે વર્ષ પૂર્વે સોનટેકરી નિલપર આવેલાં ત્યારે એક નાનકડી રૂપકડી છવિ ભેટ આપી ગયેલા જયંતભાઈ પોતાની પણ એવી જ સુંદર છવિ ભાવવિશ્વને ભેટ આપતાં ગયેલા.
આમ ઓછું બોલનારા જયંતભાઈ કોઈ નાનકડા વાચક, વિદ્યાર્થી કે અભ્યાસીને જુએ કે મળે તો સસ્મિત રાજીપો વ્યક્ત કર્યા વિના ન રહે. મારા એક નાનકડાં વિદ્યાર્થિની સોનબાઈના એક એક કાર્યને નીરખીને જોનારા ને પીઠ થાબડી દેખાડા વિના પ્રોત્સાહિત કરનારા જયંતભાઈનું આ વાત્સલ્ય મેં પણ અનુભવ્યું છે ને એને મારું પરમ સદ્ભાગ્ય ગણું છું.
ઓનલાઈન પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં શકિતભાઈ જેવા યુવા અભ્યાસી મિત્રોને ચૂપચાપ સાંભળી મૌન આનંદ વ્યક્ત કરનારા આવા વડીલની ખોટ કોણ પુરશે ?
જયંતભાઈએ આજ લગી એક પણ કામ દેખાઈ જાય એ રીતે ગાઈ વગાડીને નથી કર્યું એટલે જીવનનું છેલ્લું કામ પણ આ રીતે ચૂપચાપ કરીને જ સરકી જાય ને !
પોતાના વર્કિંગ ટેબલ પર કામ કરતાં કરતાં સ્હેજ વિસામો ખાવા હાથનો તકિયો કરી ચિરનિદ્રામાં પોઢી ગયેલા જયંતભાઈ ભાવનગરના એક ભાવસભર વ્યક્તિત્વ તરીકે સદૈવ હ્રદયસ્થ રહેશે.
જયંતભાઈનું મૌન જીવન શાશ્વત્ મૌનમાં મૌનપૂર્વક સરકી ગયું ને મારા જેવા બોલકાને મૌનનું મૂલ્ય સમજાવતું ગયું.
વંદન એ વિરલ વિભૂતિને …
સૌજન્ય : https://www.facebook.com/ramjan.hasaniya.5
છવિ સૌજન્ય : અપૂર્વભાઈ આશર
![]()


સૌંદર્ય અને ઉત્તમોત્તમના ઉપાસક અને ભાવક જયંતભાઈએ ફરી પુસ્તકોના પ્રસારની અભ્યાસુ અને વાંચન પ્રેમથી ભરપૂર યાત્રા આરંભી હશે તેવું અનુભવાય છે. અનેક પ્રકાશકો, કવિ-લેખકો, કટાર લેખકો, ગ્રંથપાલો અને પુસ્તક પ્રેમીઓના મિત્ર, સ્વજન-પ્રિયજન એવા જયંતભાઈ મેઘાણી આજે સદેહે નથી છતાં આપણી આસપાસ તેઓ ખેવના અને દરકારથી વહેતી કાર્યશક્તિ અને સ્ફૂર્તિ સ્વરૂપે જાણે કોઈ બૌદ્ધ સાધક માફક વિહાર કરી રહ્યા હોય એવું અનુભવાય છે. તેમનું આવું હોવું એટલું cosmic છે કે તેઓ સદા ય આપણામાં, આપણી સાથે ચાલશે અને કોઈ જાદુઇ સ્મિત આપતાં-આપતાં ધીમા સ્વરે આપણી સાથે કવિવર ટાગોરના પત્રોની વાતો કરશે.
આ સમયે આપણામાંના અનેકોને યાદ આવે છે જયંતભાઈએ પૂર્ણ પ્રેમથી મોટી કરેલી પુસ્તકોની નાનકડી દુનિયા, ‘પ્રસાર’ કે જેનું એક ખાસ character હતું. વર્ષો પછી ‘પ્રસાર’માં પગ મુકતા જ ઊંડા શ્વાસ સાથે nostalgiaની લાગણી થઈ આવવી અને બાળપણના દિવસોમાં પહોંચી જઇ પપ્પાની આંગળીએ સચિત્ર બોથકથાઓના પંચતંત્રીય જગતને સ્મરી લેવું એ કેટલું મૂલ્યવાન હતું એ આજે ફરી આપણને સૌને યાદ આવે છે. એ સાથે એ પણ યાદ આવે છે કે કોલેજના દિવસોમાં જ્યારે પ્રિય મિત્રને ભેટ આપવા પુસ્તક ખરીદવું હોય અને તે પુસ્તકનું સરસ મજાનું ગિફ્ટ પેક કરાવી ઉપર મૂકવી હોય ઓરોવીલાની અગરબત્તી જેથી મૈત્રીની સાદગીથી ભરેલી કોઈ જુદી જ સુવાસના બીજ રોપાય અને એ મૈત્રી કાયમ અખંડ રહે તો એવી અખંડતામાં પણ ‘પ્રસાર’ને કેમ ભૂલી શકાય. ‘પ્રસાર’ની આવી ન ભૂલાય તેવી યાદોએ ભાવનગરની અનેક પેઢીઓનાં બાળકોમાં વાંચન રસ કેળવ્યો છે અને એ પુસ્તક મૈત્રીની કેળવણી પેઢી દર પેઢી કેળવાતી રહી છે.