એક સ્વજને સવાલ કર્યો કે દેશ ફાસીવાદ તરફ આગળ વધી રહ્યો છે અને લોકતંત્રનો અસ્ત થઈ રહ્યો છે, ત્યારે કરવું શું? જેને બીજી જાગીર કહેવાય એ લોકપ્રતિનિધિગૃહોના કામકાજના સમયમાં કાપ મુકવામાં આવી રહ્યો છે કે જેથી શાસકોને ગૃહમાં જવાબ ન આપવો પડે. જેને ત્રીજી જાગીર કહેવાય છે એ ન્યાયતંત્ર સર્વોચ્ચ અદાલતના સ્તરે સુધ્ધાં પાણીમાં બેસી ગયું છે અને જેને ચોથી જાગીર તરીકે ઓળખવામાં આવે છે એ મીડિયા મહદ્ અંશે વેચાઈ ગયા છે. ચૂંટણીપંચ સહિતની લોકશાહી સંસ્થાઓ તેનો પ્રભાવ ગુમાવી ચૂકી છે. અત્યારે દેશમાં જયપ્રકાશ નારાયણ જેવા કોઈ શ્રદ્ધેય વ્યક્તિ રહ્યા નથી, ત્યારે કરવું શું?
‘ત્યારે કરવું શું?’ એ ટૉલ્સટૉયી સવાલ છે. માત્ર ભારતને આ સવાલ નથી કવરાવતો, જગતના ઘણા દેશોને આ સવાલ કવરાવે છે; ત્યારે કરવું શું? મેં એ મિત્રને પૂછ્યું કે તમારી નજરમાં કોઈ વિકલ્પ છે ખરો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે વિકલ્પ માત્ર રાજકીય જ હોઈ શકે એટલે દેશને અત્યારે રાજકીય વિકલ્પની જરૂર છે. રાજકીય વિકલ્પ એમ તમે જ્યારે કહો છો ત્યારે તેનું સ્વરૂપ શું હોઈ શકે એવા મારા સવાલના જવાબમાં તેમણે કહ્યું, મજબૂત વિરોધ પક્ષ. એ પછી તેમણે કૉંગ્રેસની અત્યારની અવસ્થા વિષે ચિંતા વ્યક્ત કરી અને પૂછ્યું કે કૉંગ્રેસ પાછી બેઠી થઈ શકે એવી કોઈ શક્યતા ખરી? કૉંગ્રેસ બેઠી ન થાય તો શું? બીજો કોઈ પક્ષ નજરે પડે છે? કોણ ફાસીવાદી શાસનથી આ દેશને બચાવશે?
મેં તેમને કહ્યું કે તમે ભારતના ભવિષ્ય વિષે જેવી ચિંતા ધરાવો છો એવી ચિંતા ધરાવનારા આ દેશમાં ઘણા છે. ઘણા છે એટલે થોડાઘણા નથી, એટલા બધા છે કે તેઓ બહુમતી ધરાવે છે. એ લોકોને સહિયારું ભારત જોઈએ છે. એ લોકોને બંધારણીય શાસન જોઈએ છે. એ લોકોને કાયદાનું રાજ જોઈએ છે. એ લોકોને અંગ્રેજોએ લખેલા ઇતિહાસના આધારે વેર વાળવાની જગ્યાએ ભૌતિક અને માનવીય વિકાસમાં રસ છે. એ લોકોને લોકતંત્ર જોઈએ છે. એ લોકોને નાગરિક સ્વાતંત્ર્ય જોઈએ છે. એ લોકોને પ્રત્યેક સ્ત્રી પુરુષની સમકક્ષ નહીં, પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના પૂર્ણ માનવ તરીકે જીવી શકે એમાં રસ છે. એ લોકોને ન્યાયી સમાજ-રચનામાં રસ છે. એ લોકોને છેવાડાના માણસનો હાથ પકડવામાં આવે અને હૂંફ આપવામાં આવે એમાં રસ છે. એ લોકોને આ દેશમાં કોઈને પણ ઓળખના આધારે સતાવવામાં ન આવે એવું ભારત જોઈએ છે. એ લોકોને ભારતનો પ્રત્યેક નાગરિક નિર્ભયતાથી જીવે, નિર્ભયતાથી બોલે અને હક માટે નિર્ભયતાથી લડે એવું ભારત જોઈએ છે. જો કોઈને પોતાનો વિચાર પકડી રાખીને વિરોધી વિચારવાળા સાથે લડવું હોય તો લડવા મળે એવું ભારત એ લોકોને જોઈએ છે. આનું બોલકું ઉદાહરણ તો એ છે કે હિન્દુત્વવાદીઓને હિંદુ ભારત માટે પ્રચાર કરવાની અને લડવાની સ્વતંત્રતા એ લોકોની કલ્પનાના ભારતે આપી હતી.
એ લોકોને ધર્મની મર્યાદા જાળવવામાં આવે એમાં રસ છે. ધર્મની મર્યાદા જાળવવી એટલે દરેક અર્થમાં જાળવવી. આપણે બીજાના ધર્મની મર્યાદા જાળવીએ, આમન્યા રાખીએ. બીજો આપણા ધર્મની મર્યાદા જાળવે. આપણે ધાર્મિકશ્રદ્ધાને અંગત માનીને ધર્મને ઘરની અંદર મર્યાદિત રાખીએ અને ધર્મનો રાજકીય દુરુપયોગ કરવા જેટલી મર્યાદા ન ઓળંગીએ. આવી મર્યાદાનું નામ જ સેકયુલરિઝમ. તો આ દેશમાં બહુમતી ભારતીયો ધર્મની બાબતે આવી મર્યાદા જાળવવી જોઈએ, એમ માને છે.
અહીં ઉપરના બે ફકરામાં જેવા ભારતની કલ્પના કરવામાં આવી છે એને અંગ્રેજીમાં ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે. સહિયારું ભારત અને ન્યાયી ભારત. વેદોથી લઈને વિનોબા સુધીના મનીષીઓએ આવા ભારતની કલ્પના વિકસાવી છે અને એવા ભારતનો પદાર્થ વિકસાવ્યો છે. સાધારણપણે ઉપલબ્ધ પદાર્થના આધારે સભ્યતાઓ અને સંસ્કૃતિઓ વિકસતી હોય છે, ભારત જગતનો એક માત્ર એવો અનોખો દેશ છે જેમાં મંગલ કલ્પનાઓએ પદાર્થ વિકસાવ્યો છે. ભારત નામનો મસાલો ભારત નામની કલ્પનાનું પરિણામ છે. ભારતીય સમાજ માનવીય સમાજનો વિરોધી નથી.
તો વાત એમ છે કે આજે પણ ભારતની બહુમતી પ્રજા આવા વિવેકી, સહિયારા અને ન્યાયી ભારતને વરેલી છે જેને હમણાં કહ્યું એમ ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે. સામે જે લોકો હિંદુ ભારતની કલ્પનાને વરેલા છે એ લોકો લઘુમતીમાં છે. લઘુમતીમાં એટલે ભારતની કુલ લોકસંખ્યામાં વીસ ટકા પણ નહીં હોય. એ લોકોની ખૂબી એ છે કે એ રાજકીય રીતે સંગઠિત છે. બુદ્ધિદરિદ્રતા અને તામસિકતા એટલી તીવ્ર છે કે તેઓ નથી વિચારી શકતા કે નથી વિવેક કરી શકતા. દલીલ કરશો તો સભ્ય હશે તો ચૂપ રહેશે અને જો તામસિકતા તીવ્ર હશે તો ગાળો દેશે અથવા દેશદ્રોહી કે કાઁગ્રેસતરફી જેવાં લેબલ ચોડશે. આનાથી આગળ તેઓ બે વાક્યમાં દલીલ ભલે નહીં કરી શકે, પણ પોતાની જગ્યા તો નહીં જ છોડે. માટે જેને હિંદુ ભારત જોઈએ છે તેમની સાથે દલીલમાં ઊતરવાનો કોઈ અર્થ નથી, એ દીવાલ સામે માથું અફળાવવા જેવું છે. જો મુસલમાનનું બુરું થતું હોય તો પોતાનું ભલે ધનોતપનોત નીકળી જાય એવું વલણ તેઓ ધરાવે છે.
તો વાતનો સાર એ કે આ દેશમાં ૮૦ ટકા નહીં તો કમસેકમ ૬૦ ટકા નાગરિકો એવા છે જેઓ ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ને વરેલા છે અને માત્ર ૨૦ ટકા નાગરિકો આઈડિયા ઑફ હિંદુ ઇન્ડિયાને વરેલા છે. તેઓ સંગઠિત છે અને તેમની પાસે તેમનો મજબૂત રાજકીય પક્ષ છે. તેમને શંકા કરતા અને પ્રશ્ન પૂછતા આવડતું નથી, અને એમ નહીં કરવાની તેમને તાલીમ આપવામાં આવી છે. શંકા કરવી અને પ્રશ્ન કરવો એને તેઓ હિંદુદ્રોહ અર્થાત્ દેશદ્રોહ સમજે છે. ભારતીય જનતા પક્ષનું એ પીઠબળ ત્યાં સુધી તૂટવાનું નથી જ્યાં સુધી ફાસીવાદના વિનાશક સ્વરૂપનો તેમને અનુભવ નહીં થાય. સામે પક્ષે મારા મિત્રની પીડા એ વાતની છે કે ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ને વરેલા ૬૦ ટકા ભારતીય નાગરિકો પાસે કોઈ મજબૂત રાજકીય વિકલ્પ નથી.
ત્યારે કરવું શું?
આની ચર્ચા આવતા અઠવાડિયે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 31 ડિસેમ્બર 2020
![]()





ઈ.સ. ૧૯૦૯માં મો.ક. ગાંધીએ માતૃભાષા ગુજરાતીમાં 'હિંદ સ્વરાજ' લખ્યું. તેમણે તેનો અંગ્રેજી અનુવાદ 'ઇન્ડિયન હોમ રુલ' નામે કર્યો. ઈ.સ. ૧૯૧૨માં ગોપાલકૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમણે આ અનુવાદ જોયો. ગોખલેને ગાંધીનું આ લખાણ અણઘડ લાગ્યું. તેમને ગાંધીના આ વિચારો ઉતાવળે બાંધેલા લાગ્યા. ગોખલેએ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે, હિંદમાં એક વરસ રહ્યા પછી ગાંધી જાતે જ આ પુસ્તકનો નાશ કરી દેશે. આજે ગોખલે હોત તો તેઓ કબૂલ કરત કે, તેમણે વર્ષો પહેલાં જે પુસ્તકનું ભવિષ્ય ભાખ્યું હતું તે તો ભવિષ્યનું પુસ્તક હતું! એક કાળે 'હિંદ સ્વરાજ' વિશે ગોખલેનો મત હતો કે, "આ મૂરખ માણસની કૃતિ છે." આજના કાળે ગોપાલકૃષ્ણ હોત તો મોહનદાસના 'હિંદ સ્વરાજ' વિશે આપણને કહેત : "મૂરખ, આ માણસની કૃતિ છે!" લોર્ડ લોધિયન સેવાગ્રામ આવ્યા ત્યારે તેમણે મહાદેવ દેસાઈ પાસે 'હિંદ સ્વરાજ'ની નકલ માગી હતી. લોર્ડ લોધિયને કહ્યું હતું : "ગાંધીજી અત્યારે જે કંઈ ઉપદેશી રહ્યા છે તે આ નાનકડી ચોપડીમાં બીજરૂપે પડેલું છે, અને ગાંધીજીને બરાબર સમજવા માટે એ ચોપડી ફરી ફરી વાંચવી ઘટે છે." ગાંધીવિચાર અને ગ્રામચેતનાને મૂળથી સમજવા માટે 'હિંદ સ્વરાજ'ને વધુ અને વધુ વખત વાંચવી-પચાવવી પડે એમ છે.
શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો.” (પૃ. ૩૯) 'ગામ'ની સાથે-સાથે 'આમ'ની વાત કરતાં તેઓ કહે છે : “આમ (સામાન્ય) પ્રજા તો તેથી નિરાળી રીતે પોતાના ખેતરનું ધણીપદું કરતી. તેઓની આગળ ખરું સ્વરાજ હતું." (પૃ. ૪૦) 'શું હિંદુસ્તાનમાં તોપબળ નથી ચાલ્યું?' એવો સવાલ પૂછનાર વાચકને અધિપતિ જવાબ આપે છે : "તમારે મન હિંદુસ્તાન એટલે ખોબા જેટલા રાજાઓ છે. મારે મન તો હિંદુસ્તાન તે કરોડો ખેડૂતો છે કે જેના આધારે રાજા તથા આપણે બધા વસીએ છીએ.” (પૃ. ૫૮) આવું કહીને ગાંધી દેશનાં લાખો ગામડાંમાં વસતા કરોડો ખેડૂતોને દેશનું ચાલકબળ ગણાવીને ગ્રામચેતના પ્રગટાવે છે. આના અનુસંધાનમાં એક ગામનું ઉદાહરણ આપીને તેઓ સત્યાગ્રહ અને સ્વરાજને સાંકળતાં કહે છે : "મને ખ્યાલ છે કે એક રાજસ્થાનમાં રૈયતને અમુક હુકમ પસંદ નહીં પડ્યો તેથી રૈયતે ગામ ખાલી કરવાનું શરૂ કર્યું. રાજા ગભરાયા ને રૈયતની માફી માંગી ને હુકમ પાછો ખેંચ્યો. આવા દાખલા તો ઘણા મળી શકે છે. પણ તે મુખ્યત્વે કરીને ભરતભૂમિનો જ પાક હોય. આવી જ્યાં રૈયત છે, ત્યાં સ્વરાજ છે. તે વિનાનું સ્વરાજ તે કુરાજ છે.” (પૃ. ૫૮-૫૯)